લખોટી, ભમરડો, કોચમડી,પત્તા ને એવું બધું...

13 Aug, 2016
12:00 AM

શિલ્પા દેસાઈ

PC:

 રાંધણ છઠ- દક્ષિણ ગુજરાત. વિ. સં. ૨૦૭૨ 

અમદાવાદ.

પ્રિય સપ્તક,

એરોપ્લેનની ઘરેરાટીથી સફાળી બેઠી થઈ ગઈ. હંમેશાં દસ મિનિટ આગળ બતાડતી મારી બેડરુમની વોલક્લોકમાં સાત ને દસ થઈ છે.ને જો... અત્યારમાં તને પત્ર લખવા બેસી ગઈ. હમણાંથી ઘણું કામ રહે છે. પણ તને પત્ર લખવો એ મારા માટે રિફ્રેશમેન્ટ છે. ઝીણું ઝીણું કેટલુંય યાદ આવે ...

રથયાત્રા.

કેટલો અદ્ભુત શબ્દ છે "યાત્રા",નહીં? આપણે એકબીજાને યાદ કરતા હોઈએ છીએ ત્યારે મન કેટલી યાત્રાઓ કરી આવતું હશે. મનની બાયપાસ થતી હોત તો તને એનો ફોટો લઈને વોટ્સપ મેસેજ કર્યો હોત કદાચ. તને યાદ છે આપણે નાનાં હતાં ત્યારે રથયાત્રા જોવા જતાં? તારા મોટામામાનું ઘર પોળમાં રથયાત્રા વાળા રુટ પર જ ક્યાંક હતું. કઈ પોળ એ? અંકલ તમને બે ય ભાઈબહેન અને ત્રીજી હું, એમ ત્રણેય ને ખાસ વહેલી સવારથી જ પોળમાં લઈ જતા. એમના ઘરથી ચોથી  કે પાંચમી કાયમ બંધ રહેતી ખડકીની સાંકડી પાળી પર ઊભા રહીને સળંગ ત્રણ વરસ રથયાત્રાના દર્શન કરેલા. એકવાર હું છૂટી પડી ગઈ હતી પછી છૂટાં ન પડી જવાય એટલે એકબીજાના હાથ પકડીને સાંકળ બનાવીને ઊભા રહેતા યાદ છે ને? બહુ જ ગભરાઈ ગયેલી હું ત્યારે... હજી પણ ભીડમાં મને એટલી જ બીક લાગે છે. મને યાદ છે કે રથયાત્રા વખતે થોડો વરસાદ તો પડતો જ. 'અમીછાંટણા' કહે એને. આપણે જેને ઝરમર વરસાદ કહીએ એને કેટલું આર્ટિસ્ટીક કે અધ્યાત્મિક નામ પ્રાપ્ત થયું છે. હવે તો હું રથયાત્રાના દિવસે ન્યૂઝમાં જ ચિતરામણ કરેલાં ડોલતા હાથીઓ, રથ ખેંચતા ખલાસીઓને જોઈને મનોમન(!) હાથ જોડીને દર્શન કર્યાનો સંતોષ માનું છું. ટેકનોલોજીના આવવાથી આપણે આવા સમૂહમાં ઉજવાતા તહેવારોથી કેટલાં વિમુખ થતા જઈએ છીએ, નહીં? અરે, તહેવારની વાત જવા દે આપણે કોઈના મૃત્યુ વખતે ય કેટલી યાંત્રિકતાથી RIP કહીને છૂટી પડીએ છીએ! 'ગૂગલ તારા ચડતા પાણી' સિન્ડ્રોમમાં આપણે જાણ્યે અજાણ્યે યંત્રના ગુલામ બની બેઠા. કોઈના ખભે હળવેકથી હાથ મૂકીને આશ્વાસન આપવાનું મહત્ત્વ ય તણાઈ જશે કે શું એવી ભીતિ મને તો લાગવા માંડી છે. મને યાદ છે મારા પપ્પાનાં અવસાન સમયે તું કશું બોલ્યો ન હતો પણ મારા ખભે મૂકાયેલા તારા હાથની હૂંફની ભાષા ઉકેલવી મને જરાય અઘરી પડી ન હતી. 

ને બધી જૂની રમતો? લખોટી, ભમરડો, કોચમડી,પત્તા, થપ્પો, આઈસ્પાઈસ, ઈંડુ.... આહાહાહા... તને કેટલી હજી પાક્કેપાક્કી આવડે? મને હવે કોચમડી રમવાની બીક લાગે છે. હસવાની જરુર નથી. એમાં મને કોઈ હરાવી નહતું શક્તું. તું ય નહીં! લખોટીનાં કેટલાં બધા ડબ્બા તો હું અહીંથી વિદાય થઈ એના બીજા જ વરસે મમ્મીએ અમારાં સફાઈકામવાળા બહેનને આપી દીધેલાં, અફકોર્સ , મારી મંજૂરી પછી જ હં કે. :p કારણ કે, જેમ પેલા રાક્ષસનો જીવ પોપટમાં હતો એમ મારો જીવ એ ડબ્બાઓમાં હતો. એમનો દીકરો દિનીયો તો  રાજી રાજી થઈ ગયેલો. આ લોકો કેટલી નાની નાની વાતમાં રાજી થઈ જાય છે! ને આપણી હાઈ-ટેક જેન નેક્સ્ટ આ બધી ગેઈમ્સની એપ ડાઉનલોડ કરે. પણ એ સ્પર્શ કે રોમાંચની કોઈ એપ હજુ સુધી તો બજારમાં આવી નથી! ને, આ બધી સમૂહ રમતો માટે કોઈ ભાઈબંધ બેનપણી તો જોઈએ કે ની? પણ, as you said it rightly, આપણે બળાપો કર્યા કરીએ એના કરતાં પરિસ્થિતિમાં સુધાર લાવવા માટે પહેલ કરવી જ રહી. કોંક્રિટના જંગલમાં આપણે આપણા બાળકોને ધૂળમાટીની સુગંધ તો નહીં આપી શકીએ પણ એટલિસ્ટ કાગળ અને કલમની જુગલબંધી તો વારસામાં આપી જ શકીશું. No e-mails.. JUST HANDWRITTEN LETTERS NOW ONWARDS... 

થોડા દિવસ પહેલાં 'દિવાસો " ગયો.  કેટલીક કોમમાં દિવાસાના દિવસે સ્મશાનમાં જઈને મૃત સ્વજનોને યાદ કરીને ખૂબ રડે કૂટે. દૂધપાક પૂરીનું જમણ દિવાસાનું મેન્યુ હોય. શ્રાવણ મહિનાનો ઉપવાસ કરનારા આ દિવસથી ઉપવાસ શરુ કરે. તને મારી મમ્મીનો બનાવેલો દૂધપાક બહુ ભાવતો. મને ય ભાવે પણ મને લેક્ટોઝ ઈનટોલરન્સના લીધે દૂધ કે એની પ્રોડક્ટ, બાયપ્રોડક્ટ માફક નથી આવતાં. પણ તો ય મન મનાવવા ખાતર જે થાય એ એમ વિચારીને થોડો ખાઈ લઉં. પછી પેટમાં દુખવાનું શરું થાય ને બીજી બાજુ બિહાગનો બબડાટ. મને તકલીફ પડે એ એનાથી જરાય સહન ન થાય. જો કે હવે તો હું અવોઈડ જ કરું છું મિલ્ક પ્રોડક્ટસ. 

ગીત સાથે વાત કરી હતી. મઝા પડી. એને આવી કે નહીં મારી સાથે વાત કરવાની એ ખબર નથી. સપ્ટેમ્બર અંતમાં એક્ઝિબિશન લઈને મુંબઈ આવશે એમ કહેતી હતી. મેં કહ્યું છે કંઈ પણ કામ હોય તો વિના સંકોચે મને જણાવે. તું ય એને કહેજે. મુંબઈમાં મારા અનેક પરિચિતો છે અને એમને હું અડધી રાત્રે ય મદદ માટે કહી શકું એવાં છે તો તકલીફ નહીં પડે. એસ.એચ.રઝાથી એ ખાસ્સી પ્રભાવિત છે એમ એની વાતોથી લાગ્યું. એમ.એફ.હુસેનની શૈલી એને હવે બહુ ગમતી નથી લાગતી. હુસેનના બહુવિવાદિત ચિત્રો પછી એને હુસેન માટે અણગમો થઈ ગયો છે એમ પણ મને લાગ્યું. 

ગુજરાતમાં આજકાલ રાજકારણમાં માહૌલ ગરમ છે. આનંદીબહેને અચાનક જ રાજીનામું આપ્યું તેનાં પગલે બધા ય દોડતા થઈ ગયા. હવે ગુજરાતનો નાથ કોણ?ની જાતભાતની ગરમાગરમ અફવાઓ પછી ભાગ્યદેવીએ 😉 વિજય રુપાણીને વિજયમાળા પહેરાવી છે. આમ તો વિજય રુપાણીનાં હાથમાં સળગતું લાકડું જ આવ્યું છે પણ હોપ ફોર ધ બેસ્ટ. રાજકારણની ચર્ચા કરી શકું એટલી સજ્જતા નથી મારી ને મને ગમતું ય નથી. પણ જસ્ટ તારી જાણ માટે. એટલે તું મહેરબાની કરીને  રાજકારણનું તારું જ્ઞાન પીરસવા ના માંડીશ. કારણકે હું મૈત્રીનું માણસ છું. રાજકારણનું નહીં. અન્ડરસ્ટુડ? 

હમણાં મારી લાયબ્રેરી ગોઠવતી હતી તો મારા હાથમાં મુનશીની 'ગુજરાતનો નાથ' આવી. કેટલાં વર્ષો પહેલાં આખી સિરીઝ વાંચેલી. ફરીથી વાંચવી છે એવું કેટલીયવાર નક્કી કર્યું હશે. છેવટે આ વખતે તો ઉપાડી જ લીધી. બેગમાં મૂકી દીધી. અનુકુળતાએ જેટલાં પાનાં વંચાય એટલાં. હજુ મારી ગુજરાતી વાચનની ટેવ સાવ છૂટી નથી એટલે કંટાળો આવે એ પહેલાં વાંચી લઈશ ખરી. ઝડપ જરા ઓછી થઈ ગઈ છે પણ એ તો એકવાર શરુ કરીશ એટલે ઘરેડમાં આવી જશે. તારું ગુજરાતી વાચન તો સાવ બંધ જ ને? કશું વાંચેબાંચે ખરો કે? કે તું ભલો ને તારી દો ટકીયા દી નૌકરી ભલી? 

છેલ્લે તેં કઈ ફિલ્મ જોઈ? અહીં હતો ત્યારે તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ... એમાં ય બચ્ચનની ફિલ્મ તો તું બેક ટુ બેક બે વાર તો જોતો જ... તારો અંગ્રેજી પિક્ચરોનો ચસકો તો બાપા ભયંકર હતો. સાચું કહે તને પઈની ય સમજ નહોતી પડતી ને? અમથો જ બધા પર રોફ મારતો હતો ને? જ્યારે હું પૂછું કે સ્ટોરી તો કહે તેં જોયું એ પિક્ચરની... તો વાત ટાળી જતો કે જાતે જ જોવાનું. એમાં જ મઝા આવે. ને હું બાઘાની જેમ તારી વાત માની ય જતી. હવે મને દૃઢપણે એમ લાગે છે કે તને સમજાયું હોય તો તું સ્ટોરી કહે ને? જોયું ? હજુ મને યાદ છે. બાકી બોલ...  કેમ ચાલે તારો પ્રોજેક્ટ ? કંઈ સમજાય નહીં કે ગૂંચવાડો લાગે તો કહેજે મને હોં... હું તરત જ તને કહી દઈશ કે મને ખબર નથી. આ 'મને ખબર નથી' વાક્ય પર તો તું મારા પર કેટલું ગુસ્સે થતો ને તારી કાઠિયાવાડી બોલતો 'બહુ ધોકાવીશ હવે આ વાક્ય બોલી તો...' દિવસમાં એકવાર તો આ બે સંવાદ આપણે થતાં જ થતાં. કોઈ દિવસ ધોકાવી નહોતી. તને મારી બીક લાગતી એ મને ખબર છે. સાચું કહું? તારા વિના એવું બોલવાની જરાય મઝા નથી આવતી. 

ચાલ, બહાર સરસ વરસાદ જામ્યો છે. જૈતશ્રી બૂમાબૂમ કરે છે પલળવા માટે. 

સી યુ.

પત્રની રાહમાં, 

અંતરા. 

 

*******************************************************

 

12 ઓગસ્ટ,2016

વિએના,

ઓસ્ટ્રિયા,

હેય્યા અંતરા ,

તારા પત્રથી મને આપણી હિંદુ તિથિની જાણ થાય. રથયાત્રા તો કેમ ભૂલાય? કેવા ભેંકડા જોડેલા જરાક છૂટી પડી ગયેલી એમાં તો . ને પાછું એ બધું યાદ કરીને મારાથી તો રડી જ પડાયું. એકલા હોઈએ ત્યારે આ બધી યાદો જ તો આપણો ખજાનો હોય છે. વળી પાછા ચાર્જ થઈ ગયા એવું અનુભવાય ને બમણાં ઉત્સાહથી કામે લાગી જઉં. લખોટીના ડબ્બા તારાથી છૂટ્યાં? હદ કર દી આપ ને... એ, પેલો ભમરડો છે કે ખોઈ કાઢ્યો? જાતજાતના રંગ કરેલા એના પર તેં મને યાદ છે. કોઈને ય અડવા નહોતી દેતી. ને દાદાગીરી આખા ગામની કરતી. 'આ ભમરડો જો સહેજ પણ ટીચાસે તો એને માતાજીની આણ ને જેણે ટીચ્યો હસે એને મેં ટીચી લાખા...' અર્ધુપર્ધુ સુરતી બોલીમાં તું આ ડાયલોગ રોજ બોલતી. અમે બધા તારાથી ગભરાતા એટલે ભમરડો અમારાથી ટીચાય નહીં એનું ધ્યાન રાખતા એમ ના માનીશ. પણ છોકરીઓને કોણ રડાવે એવું ત્યારે પણ માનતા. પડી ખબર? એક વાત કહું? હું છે ને અહીં મારી સાથે સાપસીડી અને લુડોની રમત લઈ આવ્યો છું. ગીતે તો મારી એટલી ઉડાવેલી ને આ વાત પર. પણ પછી મારું પડી ગયેલું મોં જોઈને ત્યારે તો ચૂપ થઈ ગઈ પણ કંઈક તો એના મગજમાં ચાલતું જ હશે મારી ખેંચવા માટે. તેં મારી બહુ ઉડાવી છે એટલે મને એની મશ્કરીઓનો વાંધો નથી આવતો. ને એમ પણ હું સારો પતિ છું. અમે પતિ પત્ની કરતાં મિત્રો વધારે છીએ. You would love her company i am sure. ને બંને જણા ભેગાં થઈને મારી ફિલમ ના ઉતારતા. નહીં તો હું ને બિહાગ એક ટુલ્લીમાં થઈ જઈશું. 

એ હા... ટુલ્લી.. .કેટલાં વર્ષો પછી મેં  આ શબ્દનો ઉપયોગ કર્યો હશે. કેટલાં બધા શબ્દો પાછાં શબ્દકોશમાં ઠરીઠામ થઈ ગયા હશે. ચલ, એક લિસ્ટ બનાવીએ. જોઈએ કોને વધારે શબ્દો યાદ આવે છે. 'દાવ' શબ્દનું અંગ્રેજીકરણ 'ડેન' સાંભળીને મને હસવું જ આવી ગયેલું. મલ્ટી નેશનલ કંપનીઓ, ગ્લોબલાઈઝેશનને લીધે અન્ય રાજ્યોમાંથી ટ્રાન્સફર થઈને આવેલાં નવાં પડોશીઓના બાળકોએ કોઈન કરેલો. આ શબ્દથી હવે તમે લોકો તો ટેવાઈ ગયા હશો. Globalisation ને ગુજરાતીમાં શું કહેવાય? લખજે. કોઈવાર આપણે બધા વહેલી સવારથી મોડી સાંજ સુધી બીજું ઘર માનીને ધીંગામસ્તી કરતા એ પેલા કાયમ બંધ જ રહેતા ભૂતિયા બંગલાના કંપાઉન્ડનો ફોટો મોકલજે. ક્રિકેટના નિયમો જબરા બનાવેલા આપણે. કેમ ને? બોલ કંપાઉન્ડની બહાર ફૂલટોસ જાય તો આઉટ, એક ટપ્પી પડીને બહાર જાય તો ફોર, પહેલા માળની બારીએ અથડાય તો સિક્સ... Being nostalgic… ઓહ, આ શું માંડ્યું છે તેં? બધું સેન્ટી સેન્ટી યાદ કરાવ્યા કરીશ તો મારે અહીં ત્રણ મહિના પૂરાં કરતાં નેવ નેજાં આવશે. 

કાલે વિશ્વ ડાબોડી દિવસ છે. તું ડાબોડી છે ને? લખે-જમે જમણા હાથે..બાકી ડાબોડી. Do You know કે દુનિયામાં 10 થી 12% લોકો માટે 'ઊંધા હાથની અડબોથ' સીધા હાથની હોય છે? પશ્ચિમમાં તો ડાબોડીઓની ક્લબ પણ છે. આપણે ત્યાં ઈન્ડિયામાં  ય હશે કદાચ. જાતજાતની માન્યતાઓ સંકળાયેલી છે આ ડાબોડીઓ માટે. કોઈવાર આખો પત્ર જ ડાબોડીઓ વિશે લખીશ. જૈતશ્રી ડાબોડી છે કે? ને બિહાગ? તને યાદ છે કે નહીં એ ખ્યાલ નથી પણ એકવાર આપણે શરત મારેલી કે તું ઊંધા હાથે મને લાફો મારે તો મને કશી અસર ન થાય. પછી તેં મને લાફો મારેલો ને મને ગાલ પર સોળ પડી ગયેલા. તેં ત્યારે સસ્પેન્સ ખોલેલું કે તું ડાબોડી છે. અંચઈડી... આ ઘટના તો ડૉક્ટર ડેંગની ગૂંજની જેમ યાદ છે મને. દૂધપાક તો માસી બનાવતા એવો મેં ક્યાંય ખાધો નથી. તને ય નહીં જ આવડતો હોય એટલો પરફેક્ટ તો. જો કે તને રસોઈ આવડી ગઈ એનું મારી જેમ ઘણાંને ભયંકર આઘાત અને આશ્ચર્ય છે. 

વિજય રુપાણી કોણ છે? મને આઈડિયા નથી કોઈ. જે હોય તે. ગામનો ઉદ્ધાર થાય તો કહેવાય કે અચ્છે દિન આ ગયે. 

અહીં બધા જુદા જુદા દેશના લોકો ટ્રેઈનિંગમાં ભેગાં થયાં છે. કુલ 27 participants છે. 5 અમેરિકા, 4 યુ.કે., 4 ન્યુઝીલેન્ડ, 3 ઓસ્ટ્રેલિયા, 6 સાઉથ આફ્રિકા ને 5 ઈન્ડિયા. કદાચ મારે અહીંથી સીધા ઈન્ડિયા આવવું પડશે. યટ નોટ ડિસાઈડેડ કે આ સેશન પુરું કરીને આવીશ કે અધવચ્ચેથી. આવવાનું ચોક્કસ છે, પણ બેંગલોર ઓહ સોરી ભૂલ્યો, બેંગલુરુમાં અમારી બ્રાન્ચ ઓફિસ છે.ત્યાં કેટલો સમય રહેવાનું થશે એ ખબર નથી. આઈ હોપ કે ગીતના પેઈન્ટિંગ એકઝિબીટ થાય એ વખતે ત્યાં હોઉં. એને બહુ ગમશે મારી હાજરી. જો પણ બાફતી નહીં એની સાથે વાત થાય તો. આઈ વોન્ટ ટુ સરપ્રાઈઝ હર. તારી બાફવાની ટેવથી હું વાકેફ છું એટલે ખાસ કહેવુ પડે તને. 

હમણાં ઓનલાઈન પોએટ્રીઝ સર્ફ કરતો હતો તો guess what... મિર્ઝા ગાલિબનું કલેક્શન જોયું. ગુલઝાર અને નસીરવાળી પેલી સિરીયલ યાદ આવી ગઈ. જગજિત-  ચિત્રાએ ગાયેલી એ ગઝલોના લીધે જ મને ગાલિબના પ્રેમમાં પડવાનું મન થયેલું. તારે ત્યાં તો તારા દાદા અને પપ્પા આવા બધા શોખવાળા હતા એટલે તું સ્વાભાવિક જ આ પ્રકારનાં શોખ વારસામાં લઇને જન્મેલી. હું તો હાવ ઔરંગઝેબ. તારા ફેબ્રિક પેઈન્ટીંગ્ઝમાં ખબર નહોતી પડતી પણ તને રાજી રાખવા સરસ છે એમ કહી મૂકતો. ને છેવટે પ્રેમમાં પડ્યો તો ય કોના? ચિત્રકારના ... હવે મને ખબર પડે છે પણ... બહુ નહીં હોં...! પણ આ સારું ને આ નહીં એ ચોક્કસ ખબર પડે છે. પૂછી જોજે ગીતને... ઓલ ક્રેડિટ ટુ માય સ્વીટહાર્ટ ગીત. આટલી ધીરજથી મને કોઈએ ચીતરતા શીખવ્યું હોત તો હમ ભી કિસી સે કમ ન હોતે. ખ્યાલ આયો? 

રિયો 2016 જોવે છે? શું લાગે છે દીપા કયો મેડલ લાવશે? બિન્દ્રાએ તો રિટાયરમેન્ટ જાહેર કર્યું ને? કોઈ વોટ્સપ ગ્રુપમાં આવી અપડેટ્સ મળે છે. ગુડ ફોર મી. એ રીતે ઇન્ડિયા સાથે કોનેક્ટેડ રહેવાય છે. જો મને તારી જેમ ગુજરાતીમાં લખવાની ટેવ નથી રહી એટલે જોડણીદોષ માફ કરજે. 

જૈતશ્રીને અહીં ગમી જાય એવું છે. ચારેકોર લીલી ચાદર... દૂરસુદૂર ડૂંગરા... એકાંતનું ગીત માણી શકો એવી જગ્યા. ઉમાશંકર જોષીની પંક્તિ યાદ આવી ને? 'ભોમિયા વિના મારે ભમવા 'તા ડૂંગરા...'  ગીત લખ્યું તો ગીત યાદ આવી ગઈ. એને તો ઈ-મેલ જ કરીશ. પત્ર મળે ને લખે એટલી ધીરજ એનામાં નથી ;) 

ચલ જઉં. રાતના અઢી વાગ્યા છે. ગુડનાઈટ.

હવે કઈ તિથિ આવશે?

સપ્તક

ખા.નો. : હમણાં જ મળેલા e-mail મુજબ મારે સોમવારે અહીંથી નીકળીને બેંગલુરુ આવવાનું થયું છે. મંગળવારે રિપોર્ટીંગ છે. ત્યાંનું એડ્રેસ વોટ્સપ કરીશ. પછી જ તું લેટર પોસ્ટ કરજે. ને હા, આપણા અમદાવાદના થોડાં ફોટોગ્રાફ્સ તો મોકલ. વોટ્સપ કરજે. નહીં તો મસમોટો ચાંદલો ચોંટસે ટિકીટનો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.