હવે તો ટપાલી પણ એલિયન જેવા લાગે છે
રાંધણ છઠ( શ્રાવણ વદ છઠ) વિ.સં. 2072
ડિયર સપ્તક,
પત્ર મળ્યો. કાવ્યાના સમાચાર જાણી ખૂબ ખુશી થઈ. ફોન કરીશ એક દિવસ આવતા અઠવાડિયે. કેવડી મોટી થઈ ગઈ એ ઝીણકી અમથી, હેં? નાની નાની બે ગૂંથેલી ચોટલી... લાલ જ રીબીન જોઈએ ને વ્હાઈટ ફ્રોકનું વળગણ તો બાપા જબ્બર હતું એ છોકરીને... મારાથી ગમે ત્યારે રિસાઈ જતી કારણકે હું એનો ને એના ભાઈનો સમય ખાઈ જતી હતી. આમ જોવા જાવ તો એની વાત ખોટી ય ક્યાં હતી! એકવાર મેં એને કાગળમાંથી પક્ષીઓ બનાવતા શીખવ્યું પછી જરા એ મારા માટે કૂણી પડેલી. પણ હજુ દોસ્તી થાય એવું બને એ પહેલાં જ તમે લોકો અહીંથી શિફ્ટ થઈ ગયા. એટલે આપણે જેવું બોન્ડીંગ થયું એવું એની સાથે ન થયું. કદાચ મારે કોઈ બહેન હોત તો આવી જ હોત એવી કાયમ મને લાગણી રહી છે.
શ્રાવણ પૂરો ય થવા આવ્યો. કેટકેટલાં મેળા થાય આપણે. ફરી કાકાસાહેબ યાદ આવી જ ગયા અનાયાસે. કાકાસાહેબનું એક પુસ્તક છે: 'જીવતા તહેવારો'. એમાં ભારતના નાના નાના મેળાઓની માહિતી પણ શક્ય એટલી આવરી લીધી છે. એમાં એમણે એક વાત બહુ અદ્ભુત લખી છે કે 'વરુની પેઠે ખાવું, બિલાડીની પેઠે બગાસાં ખાવાં અને અજગરની પેઠે પડ્યા રહેવું એ તહેવારનું મુખ્ય લક્ષણ કોક કોક ઠેકાણે થઈ પડ્યું છે. એક તહેવાર એટલે ત્રણ દિવસનો બગાડ તો ખરો જ.' કેટલું સાચું નિરીક્ષણ! એમણે 'શરદ પૂર્ણિમા' માટે બહુ સરસ શબ્દનો ઉપયોગ કર્યો છે 'માણેકઠારી'. જો કે આ શબ્દ વિશે એમણે કંઈ લખ્યું નથી. કાકાસાહેબના નિરીક્ષણો અત્યંત સચોટ હોય... 'કેટલાક તહેવારો જે તે વખતે 'જીવતા' હતા અથવા જીવાડી શકાય એમ લાગતું હતું, તે હવે લોકપ્રિય રહ્યા નથી. કેટલાક તો ભૂંસાઈ પણ ગયા છે...' એ સપ્તક, તને ખબર છે હમણાં બધા માતાજીઓમાં જે 'દશામા' છે એ કંઈ બહુ જૂના નથી એ પ્રકારનું કંઈક મેં કોઇ મેગેઝિનમાં વાંચેલું. બહુ વરસો પર વાંચેલું. હવે તો આ દશામાનું વ્રત ગુજરાતમાં બહુ લોકપ્રિય છે.
અમે ગયા વરસે તરણેતરના મેળામાં લગભગ સોળ વરસે ગયેલા. ધરમૂળથી બદલાઈ ગયેલો મેળો. પરંપરાના નામે વ્યાવસાયિક જૂથો દ્વારા અપાતા પરફોર્મન્સીસએ મેળાની સિકલ ફેરવી કાઢવામાં સિંહફાળો આપ્યો છે. પહેલું પરિવર્તન વેશભૂષામાં આવે. પછી વારો આવે ભાષાનો, લોકબોલીનો... ફોટોગ્રાફરો એક બે માંડ દેખાતા હોય કે નાનો એવો 'સ્ટુડિયો' ઊભો કર્યો હોય એને બદલે ઠેરઠેર નજરે પડે. ધીમે ધીમે મેળાની હાટડીઓ સ્ટોલ બની જાય અને કાકા, માસી વગેરે સંબોધનો 'સર' અને ' મેડમ'! કોઈ પણ પારંપરિક પ્રવૃત્તિને તમે 'જમાનાની સાથે રહેવા' આધુનિક સ્પર્શ આપો એટલે માનવું કે હવે આમાં અનુભૂતિની બાદબાકી થવાની નક્કી. ટોટલ પ્રોફેશનલ અપ્રોચ.
પાછાં ફરતાં થાનગઢ ગયા. થાનગઢ એટલે ચિનાઈ માટીના (તારી ભાષામાં 'સિરામિક્સ') વાસણોનું મથક. જુદા જુદા અનેક પ્રકારના મગજ કામ ન કરે એવા સાદાથી માંડી ડિઝાઈનર વાસણો વાજબી કિંમતે મળી રહે. હવે આ વાસણો આ લોકો માઈક્રોવેવપ્રુફ બનાવતા હોવાનો દાવો કરે છે. સાચું ખોટું ભગવાન જાણે પણ મને બહુ જ ગમે આ ક્રોકરી. એટલી કલરફુલ હોય ને કે મન ખુશ થઈ જાય. મોરલ ઓફ ધ સ્ટોરી : આપણે ખર્ચો કરાવી જ દીધો. ;) સેફાયર બ્લુ મારો ફેવરિટ કલર. તને કયો કલર ગમે ? પહેલા તો લીલા રંગનો દીવાનો હતો. ભમરડો ય કાયમ ગ્રીન શેડમાં ને લખોટીઓ ય લીલી જ ખરીદવાની... એક્ઝામ આપવા જાય તો 'ફ્લોરા' ની જ પેન્સિલથી લખવાનું... કારણકે એમાં ફૂલપાંદડાની ડિઝાઈનમાં લીલો રંગ આવતો ને નટરાજમાં લાલ કાળી લીટીઓ આવતી. હજી ય ગ્રીન જ કે ?
અત્યારે બીજું કંઈ સૂઝતું નથી. જો કે એમ તો ઘણું ય સૂઝે છે પણ ઊંઘ આવે છે એટલે વિરમું... :p બાત નિકલેગી તો દૂર તલક જાએગી....
બિહાગ અને જૈતશ્રીએ યાદ લખાવી છે. જૈતશ્રી પૂછે છે કે '7k અંકલ અહીં આવવાના છે?' એ તારા આંગ્લભાષા માટેના લગાવથી પરિચિત છે એટલે તારા નામનું એણે અંગ્રેજીકરણ કર્યું છે. :p
લિ. અંતરા
PS. : '(અ)લિ. હું આવું છું' વાળું બિહાગને બહુ રમૂજ પમાડી ગયું તે સહજ જાણ ખાતર.
****
23/08/2016
પ્રિય અંતરા,
અલી, બહુ જલદી પત્ર મળી ગયો અહીં તો... Surprised! પહેલાં તો કેટલા દિવસો લાગતા ઇનલેન્ડ પોસ્ટ મળવામાં ય... તંત્ર સુધરી ગયું લાગે, હેં? અચ્છે દિન આવવાના હવે... સોરી સોરી... નો પોલિટિક્સ... પરમદિવસે મને ક્યાંય બહાર નીકળવાનો મૂડ નહતો. એમ જ ગુગલ દેવતાનાં મંદિરમાં આંટા મારવામાં મને જાણવા મળ્યું કે દર પહેલી સપ્ટેમ્બર (01/09) વિશ્વ પત્રલેખન દિવસ તરીકે ઉજવાય છે. જેનું શ્રેય રિચર્ડ સિમ્પકીન નામના ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર -કમ-લેખકને જાય છે. આ દિવસે 'હસ્તલિખિત પત્ર'નું જ મહત્ત્વ છે. ઈ.સ. 2014 ની પહેલી સપ્ટેમ્બરે પહેલી જ વાર આ દિવસનું સત્તાવાર ઉજવણું શરુ થયું. એ હિસાબે હજુ આ ઉજવણી ભાંખોડિયા ભરે છે. પણ વિશ્વભરમાંથી મળેલા ફેવરેબલ અને ઓવરવહેલ્મીંગ રિસ્પોન્સ પરથી ભવિષ્યમાં આ દિવસની લોકો રાહ નહીં જુએ બલકે પર્સનલ કોમ્યુનિકેશનનાં સ્ટ્રોંગ મિડીયમ તરીકે નિયમિત પત્રવ્યવહાર કરશે. (બહુ ઈન્ગલીશ શબ્દો થઈ ગયા આઈ નો પણ પ્લીઝ ભાષણ ના આપીશ). સાથે સાથે મને આપણા પોસ્ટકાર્ડ યાદ આવ્યા... બ્લ્યુ કલરનાં ઈનલેન્ડ લેટર્સ, એન્વેલપ્સ, એરમેઈલ લખેલાં બ્લ્યુ કાગળ... આપણા બાળકો આ બધું જુએ એ માટે આપણે શું પ્રયત્ન કરીએ છીએ? ચલ, આપણે બે તો એકબીજાને પત્ર લખીએ છીએ તો આપણાં બાળકો આ શબ્દોથી વાકેફ રહેવાના જ પણ જેમને અમસ્તું ય કાગળ લખવાનો વારો જ નથી આવ્યો એ લોકો એમની નેક્સ્ટ જનરેશનને શું માહિતી આપશે? હવે તો ટપાલી કે પોસ્ટમેન કોઈના ઘર તરફ જતો દેખાય તો એલિયન હોય એમ બધા એની તરફ જોવે. પેલા અલી ડોસા મરિયમની ટપાલની કેવી રાહ જોતા હતા એ વાર્તા મળી જશે પણ એમાં પોસ્ટઓફિસ કે પત્રનું મહત્ત્વ કેવી રીતે સમજાવશે? અથવા સ્વતંત્ર ભારતની પહેલી ટપાલ ટિકીટ 21 નવેમ્બર,1947મા બહાર પડી એના પર 'જય હિંદ' લખેલા ભારતના ધ્વજનું ચિત્ર છે અથવા 1870મા બ્રિટીશરાજ વખતે પહેલી પોસ્ટઓફિસ અલાહાબાદમાં ખૂલ્લી મુકાયેલી એ તો મને ય ખબર ન હતી. તને ખબર છે પીન કોડ- PIN code ની પ્રથા 15 ઓગસ્ટ, 1972થી શરુ થયેલી? આ પીન કોડમાં ઈ.સ.2014ના આંકડા પ્રમાણે 154,725 ( એક લાખ ,ચોપન હજાર,સાતસો પચીસ) પોસ્ટ ઓફિસ અંતર્ગત 19,101 પીન કોડ સમાવાયા છે. છ આંકડાનાં પીનકોડમાં પહેલાં બે અંક પોસ્ટલ રિજીયન, પહેલાં ત્રણ અંક જિલ્લો અને છેલ્લાં ત્રણ અંક જે-તે વિસ્તારની પોસ્ટ ઓફિસ સૂચિત કરે છે. મને હવે ખબર પડી કે પત્રોના સરનામામાં પીનકોડનો આગ્રહ આપણી ટપાલ ચોક્કસ સરનામે પહોંચે એટલે રખાય છે. તરત જ મેં તારા પત્રો ચેક કર્યા કે તેં પીનકોડ લખ્યા છે ને? હું તો કાયમ લખું જ કારણકે નાનપણમાં સરનામું ગોખતી વખતે પીનકોડ સહિત જ ગોખેલું :p હજુ તો આવું કંઈ કેટલુંય છે જે આપણે કદી જાણવાની તસદી જ નથી લીધી. જડબું ખૂલ્લું રહી ગયું ને ? ચાલ, હવે પત્ર ને પોસ્ટની વાત પછી. મિટીંગમાં જવાનું મોડું ન થતું હોત તો હજી ય બહુ લખી નાંખવાનો ઉત્સાહ છે.
બિહાગને યાદ અને જૈતશ્રીને વહાલ. એના માટે એક પેઈન્ટિંગ બ્રશનો સેટ વિયેનાથી ખાસ લીધો છે. કુરિયર કરી દઈશ. જોયું? કુરિયર પણ પોસ્ટનો જ એક ભાગ છે.
Happy World Letter Writing Day (WLWD)
લિ. સપ્તક .
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર