કેદીઓની કવિતા
18/12/2016
અમદાવાદ.
પ્રિય સપ્તક,
કેમ છે દોસ્ત? હું મઝામાં છું. જીએલએફ વિશે સાંભળ્યું છે? ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ? ન સાંભળ્યું હોય એવી શક્યતાઓ પૂરેપૂરી છે અંગ્રેજ માટે. છેલ્લાં ચાર વર્ષથી નિયમિત યોજાતો આ સાહિત્ય મેળો આજના કોન્વેન્ટીયા યુવાધનને આકર્ષવામાં કંઈક અંશે સફળ રહ્યો છે એવું મારું માનવું છે. વરસો વરસ આ પ્રવૃત્તિમાં યુવાનો વધુ ને વધુ નજરે પડે છે એ પરથી કહું છું હં. પાછો તારી આદત પ્રમાણે લોજિક ને ઑથેન્ટિસિટીની ચર્ચાઓ શરુ ન કરી દેતો બાપા. દલીલોમાં તને કોઈ પહોંચી નથી વળતું. મને કોઈવાર સાચ્ચે એમ થાય કે તું વકીલ કેમ ના થયો? હજુ ય થવાય હં. ભણવાની કોઈ ઉંમર નથી હોતી. ગીતનું ય વિચારજે પણ ;) કુદી ન પડતો . જો તારી બધી લમણાકુટમાં હું શું કહેતી હતી તે ભુલી ગઈ. હં , ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ. આ વખતે પણ સારાં કાર્યક્રમો હતાં. જો કે તને એમાંથી કેટલામાં ટપ્પી પડી હોત એ વિશે મને પાછી શંકા છે જ તો. 80 જેવા કાર્યક્રમો, જુદી જુદી ભાષાના 180+ લેખકો, કવિઓ, વક્તાઓ, કલાકારો, 11 વર્કશોપ્સ, અને કંઈ કેટલુંય ..તને યાદ છે મેં અેકવાર સાબરમતી સેન્ટ્રલ જેલનાં કેદીઓનાં ચિત્ર પ્રદર્શન વિષે લખેલું? યસ્સ, નવજીવન ટ્રસ્ટ અને સાબરમતી જેલનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલો એ કાર્યક્રમ આખો અત્યંત રસપ્રદ હતો. તને થશે કે અત્યારે એનું શું છે? તો એ એટલા માટે કે આ ગુજરાત લિટ્રેચર ફેસ્ટિવલ-4 માં સાબરમતી સેન્ટ્રલ જેલ અને નવજીવન ટ્રસ્ટના જ ઉપક્રમે જેલના કેદીઓના કવિસંમેલનનું એક સેશન હતું. Interesting ને ? કેદી અને કવિતાને શું લાગે વળગે એમ પણ વિચાર આવ્યો હશે તને. પણ ચોવીસે કલાક જેલની દીવાલો વચ્ચે રહીને ય એમણે એમની સંવેદનાને જીવતી રાખી છે. ત્યાં હાજર શ્રોતા લાગણીશીલ થયા વિના ન જ રહી શકે એવું વાતાવરણ થઈ ગયેલું. કેટલાંક માત્ર કુતૂહલથી તો કેટલાંક ખરેખર રસથી સાંભળવા આવેલાં. મને ખાતરી છે કે ક્ષણિક આવેગના લીધે ગુનો આચરી બેઠેલા આ કેદીઓ માટેની એમની પુર્વગ્રહયુક્ત દૃષ્ટિમાં થોડોક તો ફેરફાર આવ્યો જ હશે.
બીજાં ય સારાં સારાં સેશન્સ હતાં ફેસ્ટિવલમાં પણ મને અંગત રીતે એમ લાગ્યું કે આ વખતે ફિલ્મો પર જરા વધુ ભાર હતો. No doubt અત્યારે સિનેમા સૌથી વધુ લોકપ્રિય અને લોકભોગ્ય કલા છે એટલે ગુણગાન એના જ ગવાવાના, પણ સાહિત્યમાં ય થોડું ઊંડુ આવા પ્લેટફોર્મથી જવાનું સરળ પડે. યુવાનો આ ફિલ્મી આકર્ષણને લીધે વધુ આવે એ વાત સાચી પણ માત્ર યુવાનો જ આવે એવું ભવિષ્યમાં ન થઈ જાય તો સારું. આપણે આજની ચટરપટર અંગ્રેજી બોલતી ' hi- five' પેઢીને કમ સે કમ આપણા સાહિત્યવારસાથી માહિતગાર થાય એવા કાર્યક્રમો તો આપી જ શકીએ. જો કે, એક સેશન અખાના છપ્પાનું હતું. રોક મ્યુઝિકમાં અખાના છપ્પા આપણે ગાયેલા કે સાંભળેલા એથી સાવ હટ કે રાગમાં સાંભળ્યા. કાનને જરા વાર થઇ આ રાગ-રુપ સ્વીકારતા. અન્ય એક સેશનમાં જુના સાહિત્યમાંથી વાર્તાનું વાચિકમ્ હતું. એમાં મને બહુ મઝા પડી. વિગતે બધાં સેશન્સ વિષે લખાય પણ એ વિષે હવે વધુ લખીને તને બોર નહીં કરું. અહીં અંદરખાને તો એવી ચર્ચા ચાલતી રહે છે કે ભાવકને ગમે, રસ પડે એવું અથવા ગલગલિયાં કરાવે એવું પીરસવું કે ખરેખર જે પૌષ્ટિક છે એ પીરસવું? આમાં આપણે કોઈના ય ન્યાયાધીશ નથી થવું પણ સાહિત્યકાર - જેને જે -તે વિષયનું જ્ઞાન છે એ જ જો પૌષ્ટિક વાચન કે સામગ્રી નહીં આપે તો ભાવક તો સ્વાભાવિક રીતે જ આચરકુચર બાજુ વળવાનો જ. એકવાર આવા આચરકુચરની ટેવ પડી જાય પછી એને ક્લાસિક કે કલા સાથે ઝાઝી નિસબત રહેતી નથી. ઓહો, બહુ થઈ ગયું આ તો તારા જેવા આચરકુચરના આશિક માટે..
ગીતને યાદ આપજે. હવે તને તારાં ભાવતાં ભોજનિયાં મળી રહેતાં હશે. બરાબર ને? બકાસુર ..જાતે શીખી જા રસોઈ . એ ય ને કોઈ કેવી રસોઈ બનાવે છે એની ટીકાઓ કરવી એના કરતા રસોઈ શીખ, કામ લાગશે. મને ખબર છે કે હમણાં આપ કહેશો કે " રહેવા જ દેજે રુપલી, જે બનાવું છું એ તારા કરતા તો સારું જ બનાવું છું." ;)
જૈતશ્રી અને બિહાગ પોતપોતાના રુટિનમાં મસ્ત. મારા બગીચામાં ચારેક વર્ષ પહેલાં લજામણીનો એક છોડ રોપેલો. મારા એક મિત્રએ મને ગીફ્ટ કરેલો. મસ્ત ફુલ્યો ફાલ્યો હતો. અચાનક જ મુરઝાઈ ગયો. નજર લાગી ગઈ હશે ?
એ જ લિ.
પત્રની કાગડોળે રાહ જોતી,
હું.
તા.ક. તું NZ ગયો પછી તારો પત્ર વિલંબે મળ્યો એમાં અમારા ટપાલી ખાનચાચાને ચટપટી થઈ કે પત્ર કેમ ન આવ્યો. જે દિવસે તારો પત્ર આવ્યો એ દિવસે મારા કરતા એને વધુ આનંદ થયેલો.
********
16/12/16
NZ.
અલી ઓ,
સ્વેટર બજાર યાદ કરાવીને તેં તો મને એકદમ ટાઈમ મસીન ઊંધુ ફેરવી દીધું જાણે. મન ભરાઈ ગયું બધું યાદ કરીને. કેવાં કેવાં રંગીન સપનાં જોતાં , નહીં? ને પેલું યાદ છે કે? આપણે ય નેપાળી હોત તો કેવું સારું થાત? સ્વેટર ગુંથી ગુંથીને અમદાવાદ આવતા હોત ને કેટલી કમાણી કરતા હોત.. કોઈ ભણવા માટે ના કહેત ..જ્યારે સ્વેટર ન ગુંથવાના હોય ત્યારે આખો દિવસ બરફીલા પહાડોમાં રખડ્યા કરતે ને હિમમાનવ શોધ્યા કરતે ને what not..oh my god..કેટલાં બાલિશ હતા ..નહીં? હું હવે જો કે દુનિયાદારી શીખી રહ્યો છું. તારે વાર થશે ;) એ સોરી સોરી.
મારા એક મિત્રએ મને ભાવનગર પાસે કોઈ રવેચીમાતાનું મંદિર છે એના ફોટા મોકલ્યા છે. આ રવેચી માતા કચ્છમાં ય છે ને ? શ્રાવણ મહિનામાં કંઈ મેળો ય ભરાય છે. ગુગલ કરી જોઈશ. Any ways, આ ભાવનગરવાળી ભયંકર મસ્ત જગ્યા લાગી મને. મારા મિત્રે મને આ સ્થળનું વર્ણન લખી મોકલ્યું છે તે પરથી લાગે છે કે આ એકદમ શાંત જગ્યા હશે. તળાવના કિનારે મંદિર હોય એટલે વાતાવરણમાં અજબ પ્રકારનું સંમોહન તો હોય જ . પાણીના પક્ષીઓ ય આવતા હોવા જોઈએ.. એ, તેં લાલસિંહ રાઓલની 'પાણીના પંખીઓ' વાંચી છે? મારી પાસે એમની પક્ષીઓ વિષેની શ્રેણીનો આખો સેટ હતો . એ સેટ હવે તો ક્યાં હશે ખબર નથી. પણ જો J ને બર્ડવોચિંગમાં ઈન્ટરેસ્ટ હોય તો બહુ મઝા પડસે એને. પક્ષીઓ વિષે આટલા સરસ અને સાવ ઝીણાંમાં ઝીણાં અવલોકનો ગુજરાતીમાં બીજાં કોઈએ નહીં કર્યા હોય. લાવી આપજે એને. ક્રોસવર્ડમાં જાય એટલે આપણાને ગમતી બુક્સ જ લેવાની એવું નહીં.કોઈવાર એના માટે ય લેવાય.
ગીત મઝામાં છે. આ વખતે તો એને ય અહાંગરો લાગ્યો છે. તેરે નામ સે સુરુ તેરે નામ પે ખતમ ની જેમ કોઈ પણ વાતમાં "આપડે ઈન્ડિયામાં તો...." આવે જ છે. એને કાવ્યા સાથે બહુ લગાવ થઈ ગયો છે તે હવે નણંદ ભોજાઈને બદલે બહેનપણા બની ગયા છે. ને બેઉ જણા એ મને એકલો પાડી દીધો છે બોલ. બે ય જણીઓ આખો વખત ફોન ને વોટ્સપ વિડીયો કોલિંગમાં લાગેલી હોય છે. એક દિવસ મેં બંનેને એમ કહ્યું કે કેદારના મમ્મી ખિજાસે આખો દિવસ તમે બે લાગેલા રહો છો તે .. તો જવાબમાં કેદારના મમ્મી જ પ્રગટ્યા ને મને કહે કે " તમે જરાય ચિંતા ન કરો. મને પણ એ લોકોની વાત ને વિડીયોથી ઘર ભરેલું લાગે છે. ભલે કરતા વાત.." બોલ , આપડે તો બોલતી બંધ .
ચલ ,પછી વાત. જમવાની બૂમ પડી છે. આજે મેડમે કાઠિયાવાડી ઢોકળી બનાવી છે અપુન કી ફરમાઈશ પર.
સાહેબ અને જૈતશ્રીને હાય હેલો.
એ જ લિ.
તક મળે તો ભારતભેગાં એમ મને જ વચન આપતો ,
હું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર