કેદીઓ છે કે કળાકાર?
23/09/2016
અમદાવાદ.
પ્રિય સપ્તક,
દુષ્યંતકુમારની પંક્તિઓ મને બહુ ગમી પણ તને લખવાનું રહી ગયેલું. કેટલાંક લખાણો સાથે આપણા મનનાં તાર તરત જ જોડાઈ જાય. વાંચીને આપણાને એમ જ થાય કે ઓ આ તો આપણા મનની જ વાત છે. તારે ય થતું જ હશે ને એવું ?
આવતા અઠવાડિયે અહીં નવજીવન ટ્રસ્ટનાં ઉપક્રમે એક અદ્ભુત અને અભૂતપુર્વ ઘટના બનવાની છે. જેલનાં કેદીઓ વિશે તને પૂછું તો તારો શું જવાબ હોય? આપણે તો ફિલ્મોમાં જોયાં હોય એ જ કોઈ હીરો કે ગુંડાનો ચહેરો નજર સામે આવે. હકીકતમાં આ લોકો માનવામાં ન આવે એટલા જુદાં હોય. તને યાદ છે મેં એકવાર તને કહેલું કે હું ઘણીવાર 'નવજીવન પ્રેસ' જાઉં છું? હવે તને એમ વિચાર આવશે કે જેલના કેદીઓ અને નવજીવનને શું સંબંધ છે? તો વાત એમ છે કે આ નવજીવન પ્રેસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેલના કેદીઓ પાસે હુન્નર ઘણો હોય છે પણ એની યોગ્ય કદર નથી થતી એ વિચારને લઈને નવજીવનની યંગ બ્રિગેડે સાબરમતી જેલનાં કેદીઓ પાસે ચિત્રો દોરાવડાવ્યાં છે. ત્રીસેક જેવા ચિત્રો આપવાનું કેદીઓએ કહ્યું છે. દરેકને પોતાની કલાની કદર થાય એ ગમતું જ હોય છે. નવજીવનનાં એક સાથી દ્વારા જાણવા મળ્યું કે કેદીઓ આ બાબતથી એટલા બધા રોમાંચિત અને ભાવવિભોર થઈ ગયાં કે રીતસર રડવા જ લાગ્યા.
આજે હું અહીં પ્રેસ પર આવી ત્યારે જોયું કે એ ચિત્રો અહીં પહોંચાડી દેવાયાં છે. કેદીઓએ શું અદ્ભુત કામ કર્યું છે! તમને જો કહેવામાં ન આવે તો તમે એને કોઈ જાણીતા ચિત્રકારનું કામ કહી શકો એટલું મજબૂત કામ છે. હું ખાસ તો આજે અહીં એસ્થર ડેવિડ આવવાના હતા એટલે એમને મળવા જ આવેલી. એ પોતે ઊંચા ગજાના ચિત્રકાર છે એટલે મેં એમને આ ચિત્રો વિશે પૂછ્યું . તો મને કહે કે 'શું આ કેદીઓની thought process છે! Hats off to them. એક એક લસરકો મને જુદાં જુદાં અર્થ આપે છે. ક્યાંય કોઈ confusion નથી જેણે બી દોર્યાં છે એને. જો વ્યવસ્થિત તાલીમ મળે તો આ લોકો તહેલકો મચાવી દે એવું લાગે છે મને તો.'
હવે તું વિચાર કર કે એસ્થરબહેન જેવા કડક આલોચક જો આવું કહેતા હોય તો ચિત્રો કઈ કક્ષાના હશે? એકવાર ફ્રેમ થઈને આવી જાય પછી ગીતને વોટ્સઅપ પર ફોટા મોકલીશ. તને ય મોકલીશ. તને શું સમજાશે એ મને ખબર નથી પણ ન મોકલું તો પાછો તું ઈર્ષાનો માર્યો બળી બળીને કાળો થઈ જઈશ. ગીતના એક્ઝીબિશનનું કેટલે પહોંચ્યું? એ ક્યારે આવવાની છે? હમણાંથી વાત નથી થઈ શકી મારે. કહેજે કે હું ગમ્મે ત્યારે ફોન કરીશ. એને કંઈ કામ હોય તો નિ:સંકોચ મને કહેવા કહેજે. આમ તો શરમાય એવી લાગતી નથી પણ તેં મારા વિશે શું ય કાનભંભેરણી કરી હશે તો કદાચ મારી સાથે વાત કરતા અચકાય એમ બને. તને તો એમ પણ કોઈ મારું સારું બોલે એટલે કેટલું ખરાબ લાગતું , હેં? તરત જ મારા વાંક ગણાવવા બેસી જતો 'એને ગણિત નથી આવડતું.' એકવાર એક દાખલાનો જવાબ એ માઈનસ ઝીરો લખેલો. પૂછો ખોટું કહું છું? આ તારું ખાસ શસ્ત્ર મને નીચાં દેખાડવાનું . ;) પણ, સાચું કહું? મને હજી ય ગણતરી નથી જ આવડતી. દિમાગને બદલે દિલ ઓવરટાઈમ કરે છે ને પછી બધાં દાખલાં ખોટાં પડે છે.
ચલ, બહુ નથી લખતી. આ જેલનાં કેદીઓના ચિત્રોના ફોટા મોકલીશ. ઉદ્ઘાટન કોણ કરવાનું છે એ મને ખ્યાલ નથી. જેલ જોવા જવું છે એકવાર. બિહાગને કહેલું એકવાર તો મને કહે કે 'હા, તો કંઈ ક્રાઈમ કર એટલે જેલભેગી.' બોલ કંઈ કહેવું છે તારે ? રહેવા દે. કંઈ જરૂર નથી. તું ય એની ગાડીમાં જ બેસે એવો છે.
લિ. અંતરા .
PS: વરસાદનું જોર કેમ છે? બહાર રસ્તા પર લારીઓમાં જે મળે એ ડફાટવા ના લાગી જતો. અચલાભાભીને કહેજે કંઈ સ્પેશિયલ ખાવું હોય તો. આમ તો મને ખાતરી જ છે કે આટલા દિવસમાં તું એમનો 'નાનો દિયરીયો લાડકો...' બની જ ગયો હોઈશ એટલે મારે કંઈ કહેવાની જરુર નથી.
***
29/09/2016
અલી ,
તારો પત્ર મળ્યો. ને હું સુ કહુ છું કે તું મને હજી ખાઉધરો જ સમજે છે? Let me tell you that you are very much right my dear friend. મારો તો જન્મ જ ખાવા માટે થયો છે. અચલાભાભીને કંઈ કહેવાની જરુર નથી. સાક્ષાત અન્નપૂર્ણા છે. મારી મમ્મી જેવાં જ. મારુ બઉ ધ્યાન રાખે છે ભાભી. Infact,આખું ફેમિલી. જાડિયો થયો છું મસ્ત પંદર દિવસમાં તો. આમ ને આમ ઝાપટતો રહીશ તો હું ન્યુઝીલેન્ડ જઈશ ત્યાં સુધીમાં ભીમ થઈ જઈસ.
વરસાદ નથી હવે. હૈદરાબાદ બાજુ બહુ પડ્યો.
આ જેલના કેદીઓ વાળું એકદમ interesting હં. જેલનાં ભજિયાં ખાધાનું યાદ છે હજુ મને. લગભગ દર રવિવારે તારા પપ્પા ખાસ લઈ આવતા આ ભજિયાં. જેને પણ આ પેઈન્ટિંગ વાળો આઈડિયા આવ્યો હોય એને salutes. કાશ, હું ત્યાં હોત તો? જેવો તારો પત્ર વાંચ્યો કે તરત જ ઓનલાઈન flight બુકિંગ જોયું પણ not available. સહેજ અફસોસ થયો કે એમ જ ટિકીટ બુક કરાવી રાખવા જેવી હતી. કંઈ નહીં, તું ફોટા મોકલજે. એસ્થર ડેવિડ એટલે પેલા કાંકરિયા ઝુ વાળા રુબિન ડેવિડના ડોટર ને? માધવ રામાનુજે લખેલી રુબિન ડેવિડની બાયોગ્રાફી 'પિંજરની આરપાર' વાચી છે તેં? મને બહુ ગમેલી. મળે તો વાંચજે. એસ્થર ડેવિડ મૂળે તો શિલ્પકાર પણ ચિત્રો ય સરસ કરે છે એ મને ખ્યાલ છે. અમદાવાદ પર કોઈ બુક પણ લખી ને એમણે? મારા વોટ્સઅપ ગૃપમાં આવું બધું ખુણા ખાંચરાનું આવ્યાં કરે એટલે ખબર પડે.
મેં તને કહેલું ને કે ભારતે પાકિસ્તાનને કંઈક તો જવાબ આપવો જ પડશે. આપ્યો ને મસ્ત? બહુ ચગ્યા હતા તે લો, લેતા જાવ. છેક કેમ્પ સુધી આઈને મારી ગયા અમે. ભારતીયોને થોડો આત્મવિશ્વાસ આવ્યો હસે કે આપણે દુનિયા માને છે એવા પાણી વિનાના નથી. Surgical strike પહેલી વાર સાંભળ્યું. પાકિસ્તાન કંઈ ચુપ નહીં રહે. અવળચંડાઈ એનો સ્વભાવ છે, એ જાય નહીં. આપણે તો એટલું જોઈએ કે નાગરિક ભારતનો હોય કે પાકિસ્તાનનો, નિર્દોષની ખુવારી ન થાય ત્યાં સુધી ઉત્તમ. એ નુકસાન જેમ બને એટલું ઓછું થાય એ desirable. અત્યાર સુધી આપણે સહન કર્યું જ છે. પણ દરેક વાતની હદ હોય. દુશ્મનને એની હૈસિયત તો બતાવવી જ પડે. નહીં તો એ માથે છાણાં થાપે. ને મારા સહિત મોટાભાગનાં ભારતીયોને આપણા પડોશી દેશોનો પઈનો ય ભરોસો નથી. ખાસ કરીને પાકિસ્તાનને સીધું કરવાની મગજમારીમાં ચીન આડું ફાટે એવી પુરી સંભાવનાઓ છે. બે બિલાડીની લડાઇમાં ચીન વાંદરા જેવું છે. આપણે તો એ ફાવી ન જાય એ ય જોવાનું. દેખતે હૈ આગે ક્યા હોતા હૈ.
ધીમનઅંકલ એન્ડ ફેમિલીએ તમને ત્રણેય ને બેંગલોર આવવાનું આમંત્રણ આપ્યું છે. જોયું? મારી લાગવગ કામે લાગી ને ? ;)
બિહાગ અને જૈતશ્રીને કહેજે કે આપણો પ્રોગ્રામ ફાઈનલ છે. તારી આદત મુજબ 'કયો પ્રોગ્રામ ' એવી પંચાત પ્લીઝ ન કરીશ. અમારા ત્રણનું સિક્રેટ છે.
લિ. સપ્તક
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર