ગીત અને બિહાગનો નાતો
08/03/2017 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, રાત્રે 11નો સુમાર,
અમદાવાદ.
પ્રિય સપ્તક,
આ પત્ર તને ય હાથોહાથ મળશે. બહુ જ ગમ્યું ગીતને તેં મોકલી આપી આજે તે. બિહાગે ય રાજી થયો અને જૈતશ્રીબેન તો મહાખુશ. સ્કૂલમાં રજા પાડી દીધી. મને લાગે છે કે ગીત છે ત્યાં સુધી એ ગાળિયા જ કાઢશે. મહેમાન આવે એ એને બહુ જ ગમે. એમાં ય ગમતા મહેમાન હોય તો તો પત્યું. મમ્મી પપ્પાને તડકે જ મુકી દે. જેવી ખબર પડે તે કોઈ આવવાનું છે તો પહેલો પ્રશ્ન એમ હોય કે એ રોકાસે ને આપડે ત્યાં? કે તરત જતા રેહસે? ( અમે શુધ્ધ ગુજરાતી બોલીએ ને તારી ખાસંખાસ આવું ગુજરાતી બોલે. જો કે તું ય આવું જ લખે બોલે છે એટલે તને જરાય ખોટું નહીં લાગે એ મને ખબર છે.) એકવાર તો કોઈ આવેલું એમને જ પુછી પાડેલું કે ‘આંટી, તમે ક્યારે જવાનાં?’ અમે બે તો થીજી જ ગયાં. એટલું સારું કે આંટીએ આખી વાત હળવાશથી લીધી બાકી તો ખરાબ લાગી જાય કે નહીં કોઈને કે ઘરમાં મા-બાપ આવું બોલતા હશે તો જ શીખે ને છોકરું તો? હવેની પેઢી તો બહુ જ એડવાન્સ છે. પ્રમાણમાં નિખાલસ, સ્પષ્ટવક્તા. ને પેલી ઉક્તિ સાંભળી છે? स्पष्टवक्ता सुखी भवेत् ! નહીં જ સાંભળી હોય . અંગ્રેજ ક્યાંયનો. આવતીકાલે તેં કહ્યું હતું એમ ગીતને ગાંધીઆશ્રમ, નવજીવન અને કોચરબ આશ્રમ લઈ જઈશું. અરે હા, નવજીવનને હવે ગુગલ મેપમાં સર્ચ કરજે. 360ડિગ્રી વ્યુ અવેલેબલ છે . એવું ય બને કે તું તો કમ્પ્યુટરનો કીડો છે તો અત્યાર સુધીમાં જોઈ પણ લીધું હોય.
ગીત આજે તો અમને એકદમ નોર્મલ લાગે છે. પરિસ્થિતિ સ્વીકાર કરી લીધી હોય એમ એની સ્વસ્થતા જોઈને અનુભવ્યું છે અમે બંનેએ. સત્ય જેટલું જલદી સ્વીકારો એટલી તકલીફ ઓછી પડે પરિસ્થિતિ સાથે અનુકુલન સાધવામાં. આ સ્વસ્થતા જ સમસ્યા અથવા મૂંઝવણમાંથી બહાર કાઢી શકે. તમે પોતે જ જો ગૂંચવાયેલા હોવ કે મન અશાંત હોય તો સંજોગોનો સામનો કેવી રીતે કરી શકો?
એ એક વાત કહું મસ્ત. કહ્યું જ છે તને ગીતે મને પાક્કી ખાતરી છે પણ તો ય. જૈતશ્રી સાથે તો ગીતને ફાવતું જ હતું પણ હવે બિહાગ સાથે ય એણે નવો જ સંબંધ જોડી દીધો છે. "ભાઈ" કહે છે એને. આ ભાઈ-બહેન વાળું ડેવલપમેન્ટ બપોરે જ થયું છે. બન્યું એવું કે આજે બિહાગે ઑફિસને બદલે ઘરેથી જ કામ કરવાનું હતું એટલે સાહેબ ઘરે હતા. ચા નાસ્તો પતાવ્યાં પછી હું પાછી રસોડે ગઈ. ગીતને અજાણ્યું ન લાગે એટલા માટે એની સાથે સતત હસીમજાક કરતો રહ્યો ને એને શું ગમે શું ન ગમે બધું જાણી લીધું ને મને વોટ્સપ કરી દીધું. ને જમવા બેઠાં ત્યારે બધું પોતાની પસંદનું જ બનેલું જોઈને ગીતબહેન તો એટલા બધા ભાવવિભોર થઈ ગયાં કે રડવા જ માંડ્યા. કપાળે કૂવા જ તો વળી.. મારે આવો એક મોટોભાઈ હોત તો... બોલીને વળી ગંગાજમના... બિહાગે તરત જ એને માથે હાથ મૂકી દીધો. બસ... આજથી તું મારી બેન. બિહાગને ય કોઈ બહેન નથી એટલે એને તો કોઈ બહેન મળ્યાનો અત્યંત આનંદ છે. તું અહીં હોત તો તને એ બેની ખુશી જોવાનો ય મોકો મળતે. ને જો અાજે તેં એ બેની ઉડાવી હોત તો અમે ત્રણે ય જણે ભેગાં મળીને તારી વગર સાબુએ ધોલાઈ કરી જ હોત. ;)
આજે મહિલા દિવસે તો બની બેઠેલા નારીસમર્થકોએ વારો પાડી દીધો. ઠેરઠેર મહિલા દિવસની ઉજવણી. મને થાય કે કેમ એક જ દિવસ મહિલાઓને માનપાન આપવાના? કાયમ આપો ને આવાં જ માનપાન? અંગત રીતે હું એમ માનું છું કે સમાજમાં જ્યાં સુધી પુરુષો મહિલાઓ સાથેના વ્યવહારમાં શિક્ષિત નહીં થાય ત્યાં સુધી આવી ગમે એટલી ઉજવણીઓ થાય કોઈ ફરક નહીં પડે. આજે મહિલાઓની તરફેણમાં બોલતો પુરુષ ઘરે જઈને એની પત્ની કે અન્ય સ્ત્રી સાથે અશોભનીય વર્તન કરતો ય હોય... You never know.. ખરેખર તો પુરુષોને જ યોગ્ય સમજ અને શિક્ષણ આપવામાં આવે તો આવા દિવસો ઉજવવાનો વારો નહીં આવે. ઓહ, વધુ પડતું લખી નાંખ્યું, કેમ ને?
એ જ લિ.
ગીતના આવવાથી અમારા માળાના વધી ગયેલા કલબલાટને હેતથી માણતી,
હું.
***
13/03/2017, ફાગણ વદ એકમ, (ધૂળેટી)
નવી દિલ્લી.
પ્રિય અંતરા આણી મંડળી,
What a pleasant surprise ! Bihagbabu wrote me a letter. ઢેનટેણેનનનનન... આપડે તો ખુસ નહી મહા-ખુસ થઈ ગયા. ગીતે આવીને મને બે એન્વેલપ આપ્યા તો મને નવાઈ તો લાગેલી કે એંહ, ખરી છે આ અં પણ.. બે કાગળ લખ્યા તો એક જ એન્વેલપમાં મુકીને આપતે તો ચાલતે જ ને . પણ ગીત કહે કે આ બીજું એન્વેલપ તો ભાઈએ આપ્યું છે. લો બોલો. 'ભાઈ' બોલતા બોલતા તો મેડમ એકદમ રાજી રાજી. એટલે પહેલાં એમનો કાગળ વાંચ્યો. 'પિંજરની આરપાર' નામના પુસ્તકનો રિવ્યુ લખ્યો છે. તારા કરતા સારુ લખે છે હોં. એમને ય જુદો કાગળ લખીસ એટલે આમાં બીજુ કંઈ લખતો નથી એ વિશે. (જલવાનું બંધ કર રુપલી.. કેટલું બળે ને પણ ) by the way, thanks a lot for giving so much happiness to my Geet. જો કે હવે એ આપણા સૌનું ગીત બની ગઈ છે , ખરું ને? લોહીની સગાઈ વિનાના સંબંધ પણ આટલી બધી ખુશી આપી શકે એ વાત કદાચ મને કોઈએ કરી હોત તો હું ન માનતે પણ ગીતના કિસ્સામાં તો એને તમારાં તરફથી જે સ્વીકાર અને ખુશી મળ્યા છે એ હું જાતે અનુભવી રહ્યો છું એટલે ચોક્કસ માનું છું. Thank you both of you very much. આટલી સમજદારીથી એને સમજવા અને મને સમજાવવા બદલ.
સાંભળ ને... મહિલા દિવસમાં તને ભાષણ આપવા બોલાવે તો તું શું બોલે ? તારું ઘડતર જ એ પ્રકારે થયું છે. સીધું ને સટ્ટ કહી દેવાનો તારો સ્વભાવ તને ઘણીબધી વાર મુશ્કેલીમાં ય મુકે ને આવું ભાષણબાજી કરવામાંથી ઉગારી ય લે. તું સ્ટેજ પર જઈને બોલે તો ઓડિયન્સ મુંઝાઈ જાય કે ખરેખર તું મહિલાઓ માટે બોલે છે કે મહિલાઓની વિરુદ્ધમાં? એટલે એમાં તાળી ક્યારે પાડવી એ ખ્યાલ જ ન આવે. મને તો એમ પણ થાય છે કે ધારો કે કોઈ એકવાર તને ભાષણ માટે બોલાવે પછી તને મહિલા ગણે કે કેમ? સો વાતની એક વાત. તારે અમારા બધા આગળ આગઝરતા ભાષણ કરી લેવા. સ્ટેજનાં ધખારા ન રાખવા. . :p એ હા.. માતાજી કોપાયમાન.
માય ડાર્લિંગ જૈતશ્રીને મઝા આવી ગઈ એ ગીત પાસેથી જાણ્યું. મોકલી આપજે પરીક્ષા પતે એટલે. અમે એને દિલ્લી દર્સન કરાવીશું. ખાસ તો રોજ જુદી જુદી લારીઓ પર ખાવા જઈસુ. હવે તો હું અહીંનો ભોમિયો થઈ ગયો છુ.
કાવ્યાને કદાચ વહેલી ડિલીવરી આવી જસે એમ ડોક્ટર કહેતા હતા. વજન વધતું નથી એ સિવાય ચિંતાનું કારણ હજુ સુધી તો નથી.બધું હેમખેમ રહે તો સારું. પ્રાર્થના કરજે.
એ જ લિ.
ગરમીમાં પાપડ કરતા ય જલદી સેકાઈ જવાના એમ વિચારીને અત્યારથી જ રેબઝેબ થતો,
હું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર