ખરી પડ્યો એક તારલો
28-02-2017, ફાગણ સુદ બીજ,
પ્રિય સપ્તક,
કેમ છે ? ગરમી શરુ થઈ કે નહીં દિલ્હીમાં? અહીં તો બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે હાલમાં. મોડી રાત્રે ને વહેલી સવારે જરા ઠંડક લાગે પણ સુર્યનારાયણ ઊંચે આવતા જાય એમ એમ ગરમી લાગવા માંડે. આ વખતે રેકર્ડ તુટશે ગરમીના એવું અત્યારે તો લાગી રહ્યું છે. જોઈએ શું થાય છે? ઘરબાર મૂકીને જતું થોડું રહેવાય છે કશે? આવનારા વર્ષોમાં એસી હોવું એ લક્ઝરી નહીં પણ જરુરિયાત થઈ પડશે. સૂર્યના પ્રકોપથી બચવા સાધન સંપન્ન હશે એ તો પોતાની વ્યવસ્થા કરી જ લેશે પણ જેની પાસે સગવડ ન હોય એ શું કરે ? ખાસ કરીને નાના બાળકો કે અબોલ પશુ પક્ષીઓ. વૃધ્ધો કે અશક્તો ય એ જ કેટેગરીમાં આવે. આપણે આ બધાની તો નહી પણ છેવટે પક્ષીઓ માટે પાણી કે માળાની સગવડ કરી શકીએ તો ય ઘણું.
છોડ, બીજી કંઈ વાત કરીએ. સૂર્ય પરથી યાદ આવ્યું. હમણાં અહીં સોલાર એનર્જીનું બહુ ચાલ્યું છે. સોલારથી વીજળીક ઉપકરણો ચલાવો ને વીજળી બચાવો. સારો initiative ને concept છે. નહીં? વર્ષો પહેલાં અમારી પાસે એક સોલાર કૂકર હતું. સરસ કામ આપતું. સુરજની ગરમીથી જ એમાં મુકેલી વસ્તુઓ રંધાતી. જેમ ગરમી વધે એમ ઝડપથી રંધાય.આપણે તો બારમાંથી દસ મહિના તો ગરમી જ ગરમી હોય એટલે બહુ કામ લીધું એની પાસે. પપ્પા હસતા ય ખરાં કે ‘ગમે એટલા સોલાર હોય, પણ તારા જેટલું તો ન જ બાફી શકે.’ :) (બસ હવે, બહુ ખિખિયાટા કરવાની જરુર નથી.) આ સોલારના ઉપયોગો ઘણાં છે એ કહું. આપણે રાત્રે નાઈટ લેમ્પ ચલાવીએ એના બદલે જો સોલારવાળી લાઈટ હોય તો આઠ કલાકની વીજળી બચે. અહીં હવે સોલારથી ચાલતા ઉપકરણોની બોલબાલા વધવા લાગી છે. કેટલાંક લોકો તો ઘરના ધાબે સોલાર પેનલ ફીટ કરાવીને વીજળીનો બચાવ કરે છે. જેમ ઇલેક્ટ્રીસિટી હોય બિલકુલ એમ જ. એનાંથી તમે ટીવી, પંખા, ટ્યુબલાઈટ જેવા સાધનો વાપરી શકો. મને ખબર છે કે તને સોલાર કૂકરમાં શું બને એ જાણવામાં જ વધુ રસ હશે. બકાસુર હજી સુધર્યો નહીં. આખો દિવસ ખાવામાં જ જીવ હોય. તો સાંભળ, એમાં દાળ -ભાત, ઢોકળાં, હાંડવો સરસ બને. અરે હા, તારા મનપસંદ સ્વીટ કેન્ડી પણ સરસ થાય છે. જોતાં રહેવું પડે પણ. સુરજની દિશા ફેરવાય એમ સોલાર કૂકરનો અરીસો ફેરવવો પડે. વધુ પડતું તપી જાય તો કદાચ વસ્તુ બળી જાય એમ બને. અમારાં એક પરિચિતે તો સોલાર કૂકર મુકવા ખાસ ગરગડીવાળુ અને રિવોલ્વ થાય એવું સ્પેશિયલ સ્ટેન્ડ જ બનાવડાવી દીધું છે. મસ્ત ને? કેવી કેવી વૈજ્ઞાનિક શોધો થઈ છે એમ મને વિચાર આવે કોઈવાર. જીવન કેટલું સરળ બનાવી દીધું છે વિજ્ઞાને તો! શું કહે છે?
કાવ્યાને ક્યારે છે ડ્યુ ડેટ? એ વખતે મારી જરુર હોય તો કહેજે. એની સાસુને પૂછી જોજે પણ. એમના જેટલી ખબર ના પડે પણ એટલીસ્ટ ઘરમાં તો કામ લાગી જ શકું. ગીતને ય મદદ રહે. પાછો હસ્યો? એ મહાત્મા, મારા ઘરે હું કરું જ છું બધું. જેવું આવડે એવું, કદાચ આદર્શ ગૃહિણીની વ્યાખ્યામાં ફીટ ન બેસું પણ... ચાલે. ;) જેને તકલીફ થવી જોઈએ એમને કોઈ તકલીફ કે ફરિયાદ નથી મારા કે મારા કામ માટે એટલે i dont care. (આમે ય કયે દહાડે સમાજની પરવા કરી છે જે હવે કરું? ;))
ગીત શું કરે? વાત નથી થઈ હમણાંની. હવે સ્ટ્રેસ ઓછો થયો હશે એને. એમ કર, અહીં મોકલી આપ અઠવાડિયું. કાવ્યાને બચ્ચું આવી જશે પછી નહીં નીકળી શકાય. વિચારી જોજે.
ચાલ, પછી વાત. ટીવી જોઉં જરાવાર. કંઈ ભલીવાર નથી હોતો પણ સમાચારમાં કોઈવાર સારી કોમેડી જોવા મળી જાય છે.:p
એ જ લિ.
અંતરા.
****
01/03/17, રાત્રે સાડાનવનો સુમાર (આસરે)
નવી દિલ્લી.
પ્રિય અંતરા,
મગજ ઠેકાણે નોહતું ને છેલ્લા કાગળમાં? કારણકે ત્રેવીસમી તારીખ સાથે તિથી લખવાને બદલે ક્વેશ્ચન માર્ક મુકેલો હતો.
ટીવીમાં તારક મહેતાના અવસાનના સમાચાર જોયા. આઘાત તો નહીં કહું પણ મને દુ:ખ થયું કે કેમ હું છેલ્લે તારી સાથે એમને મળવા ના ગયો? તબિયત તો ઘણા સમયથી અપ ડાઉન થતી જ હતી ને we all knew કે હવે બહુ લાંબુ નહીં ખેંચી શકે. પણ મને ખટકો રહી ગયો. Exactly like તને પેલા મેક્સ બાબી માટે રહી ગયું ને મનમાં... એવું જ. મળવા જવા માટે તેં કહ્યું ય ખરું પણ મેં જ ના કહી કે પછી જઈશું હવે તો હું અહીં જ છું ને? પણ એ આમ આટલું જલદી એડ્રેસ બદલી કાઢસે એવી જરા પણ કલ્પના હોત તો મળવા જાત જ. પણ કાલ કોણે જોઈ છે? સારુ થયું કે ધીમન અંકલવાળા ખજાનામાં તારકકાકાની "એક્શન રિપ્લે 1-2" છે. વાંચીસ હવે. તેં ય ભલામણ કરેલી આ આત્મકથા માટે એ હું ભુલ્યો નથી. તારી પાસે જ સાંભળેલું કે એમના ઘરે ચાર્લી ચેપ્લિનનો મોટો ફોટો છે. ચાર્લી વોઝ હીઝ ફેવરીટ એક્ટર. દિલીપકુમાર બી ખરા એમ તો. આખો દિવસ ટીવી પર એમના વિષે જ સ્મરણો સ્ક્રોલ થયા. વિનોદ ભટ્ટે બહુ સરસ કહ્યું તારક તો તારો થઈ ગયો. આટલું બધું માન કોઈ રિજ્યોનલ રાઈટરને મળ્યું હોય અને તે ય ગુજરાતી એ તો કદાચ રેકર્ડ જ હસે. દેશઆખાની સમાચાર સંસ્થાઓ આટલું સન્માન આપે એકસરખું એવું મેં તો નથી સાંભળ્યું. કહે છે કે ગાંધીજી પછી પારદર્શક આત્મકથા હોય તો એ તારક મહેતાની છે. સામાન્ય રીતે ઓટો બાયોગ્રાફી કે બાયોગ્રાફી મને આત્મકથા કરતા આત્મશ્લાઘા જેવું વધારે લાગે છે એટલે હું એ પ્રકાર વાંચવાનો અવોઈડ જ કરું. પણ આ વાંચીસ.
કરણ જોહર વાળું વાંચ્યું? એની આત્મકથામાં એણે એના ને કાજોલની દોસ્તીનો ધી એન્ડ આવી ગયાની ચોંકાવનારી વાત લખી છે. આપડે વાંચી નથી પણ મને ખબર છે કે તને કાજોલ હોવાનો વહેમ છે એટલે તને જરા સળી કરી મુકી. એકે ય રીતે કાજોલ જેવી નથી દેખાતી તું તો ય સી ખબર આવા વહેમો ય લોકો ચમના પાળઅ છઅ? ચીસાચીસ ને બરાડા પાડવાથી કાજોલ નથી બની જવાતું મેડમ. પેલો ડાયલોગ સાભળ્યાને ખાસ્સા વરસ થઈ ગયા. કુછ કુછ હોતા હૈ સપ્તક, તુમ નહીં સમજોગે...ખીખીખીખી... પેલું યાદ છે કે ભુલી ગઈ? ડિટ્ટો ડીડીએલજે જેવો સીન થયેલો તે?ટ્રેઈનવાળો? કહ્યું છે એ પરાક્રમ બિહાગ અને જૈતશ્રીને? ના કહ્યું હોય તો રહેવા દેજે. આપણે ભેગાં થઈસું ત્યારે હું એક્ટ કરી દેખાડીસ. જો મઝા પછી…
જો ગુગલ પર" વેધશાળા "સર્ચ કરતો હતો તો જાણવા મળ્યું કે ફ્રાંસ અને ઈટલીના વૈજ્ઞાનીકો મળીને પીઝા,ઈટલી ખાતે ત્રણ- i repeat- ત્રણ કિલોમીટર લાંબી વેધશાળા બનાવવાના છે. હું જઈસ જોવા. મને બહુ જ ગમે અાકાશદર્શન. આદ્રા, આશ્લેષા , સ્વાતિ, રોહિણી, મૃગશીર્ષ ,હસ્ત , પુષ્ય વગેરે નક્ષત્રના નામ છે? ખબર છે કેટલાં નક્ષત્ર છે તે? પુષ્ય નક્ષત્ર વિષે તો માહિતી હસે જ. સ્ત્રીઓને બીજી બધી ધાતુઓ કરતા સોનું જરા વધુ જ વહાલું હોય છે. ને પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવાનો મહિમા આપશ્રી તો જાણતા જ હસો. કેટલું સોનું ભેગું કર્યું છે સાચું કહેજે. બિહાગને ખર્ચો જ છે તું મોટોમાં મોટો.
સારુ ચાલ, ધાબે જઉં જરા. ગીત જરા નોર્મલ થઈ છે હવે. કાવ્યા એન્ડ પાર્ટી મસ્ત.
એ જ લિ.
નોકરીમાં હજી કદાચ બદલી આવસેના ભણકારામાં છળી મરતો ,
હું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર