सखा सप्तपदी भव
21/11/16
પ્રિય મિત્ર સપ્તક,
તારો પત્ર મળ્યો. ગીતનાં બધાં ચિત્રો વેચાઈ ગયા એમ તારો વોટ્સઅપનો મેસેજ બી મળ્યો. બહુ સારું કહેવાય . પહેલું જ પ્રદર્શન હોય અને બધાં ચિત્રો વેચાઈ જાય તો કલાકારને પાનો ચડે. હજુ વધુ સારું કરી દેખાડવાનો. આવું થાય ત્યારે કલાકાર જો સફળતા પચાવી ન શકે તો અભિમાનથી ભરાઈ જાય ને પછી એની કલા કરતાં વધુ પ્રદર્શન એના અભિમાનનું થતું જોવા મળે છે. જેટલું ઝડપથી ઊંચે જાય એથી ય વધુ ઝડપથી એનું પતન થાય. આ તો ફક્ત વાત કરી. મને ખબર છે કે ગીત એ કક્ષામાં નથી જ આવતી.
શું કહે છે પાંચસો હજારનું કમઠાણ? તને તો તકલીફ નહીં જ પડી હોય. પ્લાસ્ટિક મની યુઝર..;) અહીં અત્યારે તો જરા થાળે પડેલું દેખાય છે પણ ખરી ખબર નોકરિયાત વર્ગને પગાર થશે ત્યારે પડશે. આમ તો સાવ મજૂરવર્ગનાં પાંચેક જણને મેં પુછ્યું કે "મોદીએ આ સારું કર્યું કે નહીં?' તો એમની સમજ પ્રમાણે એમણે આ પગલાને સમર્થન આપ્યું. એમાંના એકને શાકભાજીની લારી છે. એણે મને એમ કહ્યું કે 'બેન, થોડી તકલીફ પડે તો પડે. થોડાંક દહાડા પછી તો સરખું થવા માંડશે ને બધું. પણ પૈસાવાળાઓને હવે ખબર પડશે કે ઓછાં પૈસે કેમ ઘર ચલાવવું?' રોજમદારી પર નભતા લોકોને ચોક્કસ અસર પડી હશે.તો કેટલાંક નાના દુકાનદારો અચ્છે દિનની આશામાં અત્યારે વસ્તુ ઉધાર પણ વેચે છે અને ચુકવણું જાન્યુઆરીમાં કરશો તો ચાલશે એમ પણ ઑફર આપે છે. પણ જે પરિવારમાં લગ્ન હોય એને માથે આભ તૂટી પડ્યું છે. વચ્ચે સમાચાર હતા કે રાજકોટમાં એક બેન્કે સરકારી જાહેરાત મુજબ લગ્ન નિમિત્તે અઢી લાખ રુપિયાનો ઉપાડ ન કરવા દેતાં એક મજબુર પિતાએ આત્મહત્યા કરી. આવું વાંચીને લોકોને સરકાર પરની શ્રધ્ધા જરા ડગી જાય ખરી.
લગ્નની વાત નીકળી જ છે તો એક વાત પુછું તને. તેં અને ગીતે તો કોર્ટ મેરેજ કરેલાં. બરાબર? પણ તને વિધિવત્ લગ્નમાં જે સપ્તપદીની વિધિ છે એ વિષે ખ્યાલ છે ? એ સાત વચનો કયાં તે જાણે છે તું? મને ય બધાં વચન ખબર ન હતાં એટલે મેં ગુગલ સર્ચ કર્યું તો આ વચનો મળ્યા. વાંચ. બહુ અર્થપૂર્ણ છે . (બેઠ્ઠું કોપી પેસ્ટ છે એટલે વાંધા વચકા ન કાઢીશ. આમ તો અંગ્રેજને સમજાય એવા છે એટલે વાંધો તો નહીં આવવો જોઈએ પણ તારું ભલું પુછવું. )
સપ્તપદીનો વિધિ હિંદુ લગ્ન-પ્રથાનો આત્મા છે.જેમાં વેદીથી એક હાથ દુર, ઉત્તર કે પશ્ચિમ દિશામાં ડાંગર કે ચોખાની સાત ઢગલી કરી તેનું પૂજન કરવામાં આવે છે.અને વર-વધુને ઉત્તર દિશા તરફ સાત ડગલાં મંડાવે છે અને એક એક પગલે એક એક વચન લેવડાવે છે.
1 - इष एकपदी भव ।
(તું પહેલું પગલું અન્ન- એટલે કે ઐશ્વર્ય માટે ભર.)
2 - બીજું પદ- उर्झे द्विपदी भव । (તું બીજું પગલું શક્તિ વધે તે માટે ભર)
3 -ત્રીજું પદ- रायस्पोषाय त्रिपदीभव। (તું ત્રીજું પગલું સંપત્તિને માટેભર)
4 - ચોથું પદ- मायोभव्याय चतुष्पदी भव । (તું ચોથું પગલું સુખચેનને માટે ભર)
5 - પાંચમું પદ- प्रजाभ्यः पंचपदी भव ।(તું પાંચમું પગલું પશુઓના કલ્યાણ માટે ભર.(દૂધ-ઘી-દહી ની ક્યારેય તમને અછત ન નડે)
6 - છઠું તમામ ઋતુઓ માટે, (એટલેકે કુદરતની જેમ જીવનની પણ ચડ-ઉતરની ઋતુ હોય છે એ બધી મોસમમાં બંને સમશીતોષ્ણ રહે તે માટે)
7 - સાતમું પદ- सखा सप्तपदी भव । ( સાતમું પગલું ભરીને તું મારી મિત્ર થા પતિ અને પત્ની હક્કો અને ફરજોના ગુંચવાડામાં ન પડતા મિત્ર બનીને રહે તો સંસાર વધુ સરી રીતે ચાલે છે.)
છે ને જોરદાર? સાતમું વચન જ જો દરેક યુગલ પાળે તો ય આગલાં છ એ છ વચનની પૂર્તિ થઈ જાય અને ભવસાગર તરી જવાય. કમનસીબે બધે એવી સમજદારી જોવા મળતી નથી.
ગીતને યાદ આપજે. દિલ્હી ક્યારે જવાની? તારી બેનપણીએ માહિતી આપી મને કે ગીત બેંગલોર છે. એનો શું પ્લાન છે હવે? એ મને કહેજે. તારી બેનપણી તારા જેવી લાહરિયણ છે. તું એને કહીશ ને એ ભૂલી જાય મને કહેવાનું તો? બહુ એનો પક્ષ તાણવાની જરુર નથી. મને ખબર છે બધાં મારી સામે ષડયંત્ર રચો છો તે. પણ બધાં ય ને સીધાં કરી દઈશ, જોજે.
એ જ લિ.
ફરી ક્યારે મળાશે એ રાહ જોતી ,
અંતરા.
*********
22/11/16
My darling J ની વહાલી મમ્મી,
ક્યા હાલ હે? હેં? સબ ટનાટન ને? હમ ભી એકદમ ઢીનચાક હે હોં. તુમારે વહાં નોટો કી કમી કમ હુવી કે નઈ? હમ તો કાગળ કી નોટો વાપરતે હી નઈ એટલે ફિકર નોટ. ખીખીખીખી..તને એમ લાગ્યું ને કે આ તેં જ લખ્યું છે? ના મેરે દોસ્ત ના... J એ તારા હિન્દી જ્ઞાન વિશે હમોને ખુફિયા બાતમી આપ દી હે . તો હમ કો માલુમ હે કે તુમ કો એસા હિન્દી જ જ્યાદા ખબર પડતી હે. ;)
એ સાંભળ ને, પરમ દિવસે માસીને બહુ યાદ કરેલા. અહીં કોલોનીમાં એક જણની દીકરીના લગ્ન હતા તો મને ય ઈન્વાઈટ હતું . આપડે મારા ભુરીયા કલીગને ય ઇન્ડિયન વેડિંગ જોવા લઈ ગયેલા.વિધિઓ જોઈને મગજ ખઈ ગયો કે આ સુ ને પેલું કેમ ને આ માથામાં બ્ાઈડને ગૃમે કેમ કલરથી લાઈન ડ્રો કરી ને ગળામાં સુ બાંધ્યું ને બાપા એટલા સવાલો કર્યાને ક્વેશ્ચન બેંકે તો. આપડે તો ધીમનઅંકલને સોંપી દીધો હવાલો. બધું મસ્ત સમજાયું એમણે તો. અમે તો કોર્ટમેરેજ કરેલા અને આ બધા શ્લોકનો આવો અર્થ થાય એ તો ખબર જ નહતી. ગીતને ય કહીશ આ બધું .નવું જાણવાનું ગમે છે એને ય એટલે ગમશે એને ય. પેલા ભુરીયાએ તો હવે લગન કરસે ત્યારે અહીં આઈને હિંદુ વિધિથી કરસે એવું ય કહી દીધું. જમ્મા ગયા તો મેન્યુમાં તવા સબ્જી હતી એક. એ જોઈને મને ઉંધિયું અને માસી , બંને યાદ આવ્યા. હજુ માસી બનાવે કે ઉંધિયુ? તું તો નહીં જ શીખી હોય આઈ એમ પ્રેટી શ્યોર . સ્વીટમાં બાસુદી હતી. ભુરીયાએ તો જે બાસુદી પીધી છે... બાપરે.. એને રોકવો પડ્યો કે અલા બસ કર નહીં તો પુંછડુ છૂટી જસે. તો તવા સબ્જી પર જઈને એ લગાવવા મંડ્યો. જરા તીખું હતું . મને તીખું લાગ્યું તો એ લોકોને તો એવી ટેવ જ ન હોય તીખા તેજાનાની.. પરસેવે રેબઝેબ થઈ ગયો પણ મારો બેટો મુકે નહીં. ટેસ્ટી ટેસ્ટી કરીને ખાતો જાય. પરાણે પ્લેટ મુકાવડાવી. અચલાભાભી તો ગભરાતા હતા કે આને કાલે કંઈ થઈ ન જાય તો સારું. પણ આ તો બકાસુર જેવો સવારમાં બ્રેકફાસ્ટમાં સુઉ ચે ? એવું એની ટીપીકલ ઈંગ્લીશ એકસન્ટમાં મીઠડું ગુજરાતી બોલતો ટેબલ પર હાજર થઈ ગયો.
સાહેબ અને હું ફોન પર મળી લઈએ છે અેવરી ઓલ્ટરનેટ ડે. J સાથે તો ક્યારે વાત નથી થતી એ જ જોવાનું. ગીત સાથે બી એ ચેટ પર હોય છે. ને એં, અમારા ત્રણનું એક ગૃપ છે વોટ્સએપ પર. જલી ને તું? સાચું કહેજે.. બહુ ના જલીશ.. કોલસાથી ય કાળી થઈ જઇસ રુપલી.. ..;) રુપલી .. બહુ ટાઈમે આ નામ યાદ આયું . નહીં?
એ જ લિ.
પત્ર લખવામાં હવે આળસ ના કરતો,
હું જ ને. બીજુ કોણ વળી?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર