સપ્તક, તું દિવાળી પર આવે છે?

29 Oct, 2016
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: khabarchhe.com

24th October,2016

Ahmedabad.

 

પ્રિય સપ્તક,

What a pleasant surprise ! Just loved it... Just loved it. તને કલ્પના પણ નહીં આવે કે હું કેટલી ખુશ થઈ ગઈ તારું એકદમ કલાત્મક કાર્ડ જોઈને! Finally, you learnt how to please a friend. So happy i am. ગીતનો આભાર કે એણે તને આટલો તો સુધાર્યો. સાવ ખડુસ હતો બાકી તું. લાગણી પ્રદર્શિત કરવાની આવે એને તું વેવલાંવેડાં ને દેખાડાં કહેતો. 'મર્દ કો દર્દ નહીં હોતા'ને 'આપડે કંઈ છોકરી નથી તારી જેમ' કે 'આમ જરા જરામાં પલપલિયા પાડીએ..' યાદ છે કે ભૂલી ગયો? કેટલું ચીડવતો તું મને 'કપાળે કુવા છે તારે તો એટલે જ છલકાયા કરે છે...' આ તારું એવરગ્રીન સેન્ટેન્સ મેં બિહાગને કહ્યું ત્યારથી એ મને બે ત્રણ દિવસે એકવાર તો કહે જ કહે . ને પછી બે ય બાપ દીકરી મારી ઉડાવે પણ... Thanks a lot for this beautiful card. Loved it so much. No words to express my joy and happiness. ગીત અને કાવ્યાનો ય ફોન આવી ગયો સવારમાં. અને એ... આપ મુંબઈ જવાના કે નહીં? ગીતના ચિત્રોનું પ્રદર્શન ક્યારથી છે? એણે કહ્યું મને પણ હું ભુલી ગઈ. ટ્રાય કરીએ આવવાનો. અમારાથી શક્ય નહીં બને તો છેવટે જૈતશ્રીને તો પાર્સલ કરી જ દઈશું.

દિવાળી નજીક છે એટલે માહોલ જરા ઉત્સાહ ને ઉત્સવવાળો છે. રસ્તા પર ઘરગથ્થુ ચીજોનો ધંધો કરતા ફેરિયાઓ પાસે ઊંચું જોવાનો ય સમય નથી. લોકોની ખરીદશક્તિ વધી છે એવું ઉપરછલ્લું તો દેખાય છે. 'અચ્છે દિન'  ભ્રષ્ટાચારી પોલીસવાળા માટે ખરાં કારણ કે એ મોટી સોફિસ્ટીકેટેડ શૉપવાળા પાસેથી ય પાર્કિંગ (illegal, obviously) ના નામે પૈસા પડાવે તો નાના ફેરિયાઓ - લારી ગલ્લા ટુ બી પ્રિસાઈસ - પાસેથી મોટી દુકાનો કે ઘરો પાસે ઊભા રહીને વેપાર કરવાનો હપતો ઉઘરાવે. મોટી દુકાનો કે મોલવાળાને કશું કહી ન શકે એટલે ભ્રષ્ટાચારીઓ આ નાનાં, રોજ રળી ખાતાં વર્ગ પાસે દાદાગીરી કરે. ધાર્યું ન થાય અથવા કોઈ નિર્ધારિત હપતો આપવામાં આનાકાની કરે તો લારી ઉથલાવી દેતાં કાચી સેકન્ડ પણ ન લગાડે એવા નિષ્ઠુર. બધા પોલીસવાળા એવા જ હોય એવું કહેવાનો મારો લેશમાત્ર ઈરાદો નથી.

દિવાળી પછી અમે બહારગામ જવા વિચારીએ છીએ. દિવાળીમાં વેકેશનના હિસાબે બધે ભીડ નડે ને ભીડની અમને ત્રણેવને સખ્ખત ચીડ છે. આમ પણ અમારે ત્યાં દિવાળીમાં ઘર બંધ નહીં રાખવાનો વણલખ્યો ધારો છે. કોઈ દબાણ નથી પણ મને ય એવું લાગે કે દિવાળી વખતે જ કોઈ આપણે ત્યાં આવી ચડે ત્યારે જ જો ઘર બંધ હોય તો ફરીવાર એને આપણા ઘરે આવતા કોણ જાણે કઈ દિવાળી આવશે? 

હમણાં છાપામાં પેલા સમાચાર વાંચ્યા કે નહીં? ઑસ્ટ્રેલિયામાં એક જણને ઈ.સ. 1966મા લખાયેલો પત્ર મળ્યો. ટપાલ ટિકીટ પર તાહિતી- ફ્રાન્સના ટાપુનો વોટરમાર્ક ધરાવતો આ પત્ર ઈ.સ. 2016મા એની મંઝિલ પામી શક્યો. જેનાં નામે લખાયો એ તો નહીં પણ હા, એ સરનામે ચોક્કસ મળ્યો. પચાસ વરસ પછી પત્ર પહોંચાડ્યો એ બદલ  ઑસ્ટ્રેલિયન સરકારે માફી પણ માગી છે. ને વળી, એને એ 'સહેજ મોડી ડિલીવરી' કહે છે. Any comments? 

By the way, તું અમદાવાદ આવવાનો કે નહીં? જો અમે જવાના હોઈએ એ સમયે આવવાનું ન ગોઠવતો. એક કામ કર.. તું આવવાનું નક્કી કરીને જણાવ એટલે એ પછી જ અમારું schedule ગોઠવીએ.

ચલ,  આટલે અટકું. ખરીદી તો કશી કરવી નથી પણ જસ્ટ વિન્ડો શોપિંગ. બજારમાં શું વેચાય છે એ તો ખબર પડે એટ લીસ્ટ... અને હા, આજે તેં મને ફોન કર્યો નથી જેની કંપની સરકારે નોંધ લીધી છે. You will pay for this,my dear friend.

 

લિ.ફોનની રાહમાં નિરાશ થયેલી ,

હું.

*****

 

24/10/16

બેંગલુરુ. 

 

પ્રિય સખી અંતરા,

હવે મેં નક્કી કર્યું છે કે તારો પત્ર ગમે ત્યારે આવે, મને મન થશે તો હું તને રોજ જ પત્ર લખીશ. કારણમાં એમ છે કે આજે મને મમ્મી પપ્પા બહુ યાદ આવે છે. આજે સુ થયુ ,ખબર?  કાવ્યા અને ગીતે સરપ્રાઈઝ આપ્યું. બંને જણાએ મુંબઈને બદલે બેંગલુરુની ટિકીટ કરાવેલી ને મને છેક સુધી અંધારામાં રાખ્યો. મારે આજે મોડું જવાનું થયું ઑફિસમાં એટલે હું સાંતિથી ધીમનઅંકલને ત્યાં ચા નાસ્તાને ન્યાય આપતો હતો. ત્યાં અચાનક જ 'ભાઈઈઈઈઈ...' એવી બૂમ સાંભળી. ને હું એ સમયે કાવ્યાને જ યાદ કરી રહેલો.. એટલે મને એમ કે ભણકારો થયો..પણ પછી જોયું તો આ બે જણા બારણે ઊભેલાં. અરે ઓ ડોન... ક્યાંક આમાં તારા સળીસંચા તો નથી ને? તને ભયંકર ફાવટો છે આવા સળીસંચાની. ખબર હતી ને તને? સાચું બોલ. કહ્યું કેમ નહીં મને? જે હોય તે... મારા આનંદનો પાર નથી. મારી કાવ્યાને ખુશ જોઈને હૈયે ટાઢક થઈ ગઈ. મારી બહેનને કંઈ તકલીફ પડે એ મારાથી સહન ના થાય. કેદારે એને સરસ સંભાળી લીધી છે. વધુ તો એના મમ્મીએ. સાસુપણું ક્યાંય નડતું નથી એ બેની રિલેશનશીપમાં. બધે સાસુ વહુ વચ્ચે કેમ આવી મધુરતા નહીં હોય? જો, હું આજે રડી પડું તો 'કપાળે કુવા' કહીને ચીડવતી નહીં મને.. હમો મર્દ છીએ ને મર્દ કો દર્દ નહીં હોતા.. ;) યાદ છે ને? અહીં અચલાભાભીમાં તો એને જાણે મમ્મી જ મળી ગઈ . માસી કહે છે એમને. બહુ જ ધ્યાન રાખે છે ભાભી. કોણ જાણે કયા ભવનો આ ઋણાનુબંધ હસે. પ્રેગનન્સીમાં કયારે શું ખાવું પીવું એ બધું એમણે જ સંભાળી લીધું છે. એટલે હવે કેદારના મમ્મીને ય ચિંતા ઓછી થસે. નહીં તો એ ય કાલ થતાં બેંગલુરુ આવી જાત ;)  હા, તો હું સુ કહેતો તો? દિવાળી આવે અને અમને દેશ યાદ ના આવે એવું બને કે? થોડાં સમય પર ફેસબુકમાં વાંચેલું એક સ્ટેટસ શેઅર કરું.. એકદમ એપ્ટ છે...  Here you are: 

'બાંધ  ગઠરિયા...

દેશમાંથી જ્યારે સામાન ભેગાં નવાં સપનાં ય બાંધીએ ત્યારે અમે એક વણબૂઝી તરસનો શ્રાપ પણ અમારી અંદર અજાણતા જ રોપતા હોઈએ છીએ. સપનાં સાચાં પડ્યાંના ગળચટ્ટા ભાવમાં આ અભાવો મનનાં પાતાળમાં ય સળવળતો તો રહે જ છે. અમે મનાવેલી હોળીનાં ચોરીછૂપી હીરાકણી ભેળવેલાં રંગ, દિવાળીનાં લક્ષ્મી છાપ ટેટાં પહેલીવાર તારામંડળને બદલે અગરબત્તીથી હાથમાં સળગાવીને છૂટ્ટા ફેંક્યાનો અકલ્પ્ય રોમાંચ... ઊત્તરાયણમાં ધાબામાં સંતાઈને પાછળનાં ધાબાવાળાનો લૂંટેલો દોરો... નવરાત્રિમાં કરેલા દોઢિયા, પોપટીયા ને આડેધડીયા સ્ટેપ્સ, બહેનપણીઓને ખુશ જોવા માંડમાંડ જોગવેલા મ્યુઝિક કોન્સર્ટના પાસનાં અડધિયાં... કંઈ કેટલાંય સંસ્મરણો ય આ સામાન સાથે બાંધતા હોઈએ છીએ, જે આવનારાં વર્ષોમાં અમારાં સંતાનોને કહેતી વખતે અવાજમાં હરખ અને આંખોમાં ભીનાશ ભરવામાં કામ લાગવાનાં હોય છે.

અર્પણ : પોતાના ભાગે આવેલો ધરતીનો ટુકડો મૂકીને નવું આકાશ શોધવા નીકળેલાં તમામને....'

છે ને જોરદાર ? મૂળિયા તરફ ખેંચાવું એવો કોઈ વારતામાં વાક્યપ્રયોગ વાંચેલો. એ વખતે તો સમજાયો નહતો પણ હવે બિલકુલ સમજાય છે. સુ વાંચે છે આજકાલ? ને મુનશીનો આખો સેટ મારા માટે લેવાનો ભુલાય નહીં તારા બીજા વહીવટોમાં. હજુ બહુ લખવું છે પણ આ આંખમાં કંઈ પડ્યું લાગે છે તો વારંવાર પાણી નીકળે છે. 

જૈતશ્રીને વહાલ અને સાહેબને યાદ આપજે.

 

લિ. 

ખુશખુશાલ સપ્તક.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.