તને યાદ છે સપ્તક ?
જેઠ વદ પાંચમ, શનિવાર,વિ.સં ૨૦૭૨
પ્રિય સપ્તક,
બરાબર પહોંચી ગયો ને ? All set ? તારી ડિમાન્ડ મુજબ e-mail નથી કર્યો. તારું એડ્રેસ તેં મને પહેલેથી આપી રાખેલું એટલે એમ પણ બને કે તું પહોંચે ને પાછળ જ આ પત્ર પણ આવી પડે. સાચું કહું તો મને ય પત્ર-લેખન આ રીતે વધારે મઝા પડે. પત્ર મળ્યો કે નહીં હોય? મળ્યો હશે તો વાંચ્યો હશે કે નહીં? કેટલાંય સવાલ જવાબ મનમાં ઊઠે. અત્યારે અહીં રાતના એક વાગ્યો છે. પણ ગરમી સખત લાગે છે. તને હવે અહીંની ગરમી વિશે તારા પુસ્તકો અથવા મિત્રો કહે તો કદાચ ખબર પડે. ક્યાંય ઠરાય એમ નથી. ને તને તો ખબર જ છે કે મને એસી અનુકૂળ આવતું નથી. એટલે ગમે એટલી ગરમી લાગે પણ હું એસી ચાલુ કરવામાં આળસ જ કરું. ગરમી ને ઠંડી તો લગાડો એટલા લાગે એવું મારા દાદા કહેતા. હાઉ ટ્રુ! ધાબે જઈશ સૂવા. તારાદર્શન કરતા કરતા ક્યારે ઊંઘ આવી જશે ને કોયલ મોરના મીઠાં ટહુકાથી મોર્નિંગ ખરેખર ગુડ થઈ જશે.
કેલેન્ડર પ્રમાણે આમ તો વરસાદની સિઝન ક્યારની બેસી જવી જોઈતી હતી પણ મોડી પડી. Better late than never. જોકે ગરમી ઓછી થઈ રહી છે. ભયંકર ત્રાસ વર્તાવી દીધેલો આ વખતે તો ગરમીએ. વરસોવરસ પારો ઊંચો રહેવાના દિવસો વધતાં જાય છે. તને યાદ છે અહીંનો વરસાદ? કે પાંચ વરસમાં બધું બાષ્પીભવન થઈ ગયું? થોડાં દિવસ પર હું કાકાસાહેબ કાલેલકરનું પુસ્તક 'ઓતરાતી દીવાલો' વાંચતી હતી. મને ખૂબ ગમે એમનાં લખાણ, શૈલી, ભાષા.. શું ગજબ લખ્યું છે આ માણસે! માતૃભાષા મરાઠી હોવા છતાં સવાયું ગુજરાતી જાણે. આપણે ગુજરાતી હોવા છતાં આટલું ઉચ્ચ કક્ષાનું ગુજરાતી લખી શકીશું ખરાં? મેં ફેસબુક પર પોસ્ટ પણ મૂકેલી. તારી કમેન્ટ કે લાઈક કશું નથી એટલે તેં નહીં જ વાંચ્યું હોય એમ માનીને એ પોસ્ટ અહીં કોપી કરી છે.
'વર્ષો પહેલાં જ્યારે મોબાઈલ અને કમ્પ્યુટર યુગ હજી દાયકાઓ છેટો હતો ત્યારે બાળકો virtual ને બદલે actual games રમતાં. ચોમાસામાં બહાર ખુલ્લામાં બીજું કંઈ રમવાનું ઓછું શક્ય બને પણ કોચમડી તો વરસાદી રમત જ હતી. ચીંધરો સળિયો વરસાદથી પોચી પડેલી અને ઘાસ વિનાની જમીનમાં ઘપ્પ લઈને ખોસવાનો. આ સળિયો વાગી જવાનોય ભય હોય એટલે મોટાભાગનાં છોકરાં વડીલોથી છાનછપને જ રમે. ઘાસ ઊંચુ આવે પછી આ રમતમાં જરા અવરોધ આવે. એવે વખતે લીલીછમ્મ ચાદર પર હાઈજીન-ફાઈજીનની તમા રાખ્યા વિના ખુલ્લા પગે ચાલવાનું. ઈન ફેક્ટ, હાઈજીન શબ્દ પણ શબ્દકોશમાંથી ભાગ્યે જ બહાર આવતો. ત્યારે ઘાસમાં નાનાં નાનાં જીવજંતુઓ જોવા નજર જમીન પર રહેતી. ને કાળી ગાય અને લાલ ગાય નામનાં બે જંતુ દેખાતાં. બંને નિરુપદ્રવી... કાળી ગાય નામનું જંતુ લાલ ગાયનાં પ્રમાણમાં વધુ દેખાતું. લાલ ગાયને એના શારીરિક બંધારણને લીધે મખમલની ગાય પણ કહેતા. સહેજ સ્પર્શ કરતાવેંત પગ સંકોચી લેતું, લાલ મખમલમાંથી કાપેલું હોય એવું નાનું અમથું ગોળમટોળ આ જંતુ જોવા મળે તો જાણે મહામૂલો ખજાનો મળ્યો હોય એવી લાગણી થતી. 'ઓતરાતી દીવાલો'માં આ લાલ જંતુ નામે 'ઈન્દ્રગોપ' નો ઉલ્લેખ વાંચીને મન જઈ પહોંચ્યું બાળપણમાં...'
કાકાસાહેબના અન્ય પુસ્તકો પણ માહિતીસભર. તને પ્રકૃતિ માટે પ્રેમ છે એટલે મને ખાતરી છે કે તને ય ગમશે જ.
અનુકુળતાએ જવાબ લખજે. મારા માટે તો ન્યુઝીલેન્ડ બી અજાણ્યું છે ને ઓસ્ટ્રિયા પણ. ત્યાંના રીત રિવાજો રહેણી કરણી વગેરે વિશે વિગતવાર લખજે. મને બહુ ગમે જુદાં જુદાં પ્રદેશો વિશે જાણવાનું. ને આપ એકલા કેમ ગયા? ગીતને ય લઈ જાત તો એને ય હવાફેર થઈ જાત. ડ્રોઈંગ ત્યાંય કરી જ શકેને એ? તું જ કંજૂસ છે. પૈસા પૈસા શું ગણ્યા કરે આખો દિવસ?
વહાલ.
એ જ લિ.
અંતરા.
**********
પ્રિય અંતરા,
તારો સુંદર અક્ષરોવાળો પત્ર મળ્યો. પહેલેથી જ આટલાં સારાં અક્ષર છે કે મને ઈમ્પ્રેસ કરવા સારાં અક્ષર કાઢ્યાં છે? :p મારા અક્ષર જોઈને હસતી નહીં. ઉકલે એટલેય ઘણું છે. તારા એન્વલપ પર પોસ્ટના સિક્કા પરથી લાગે છે કે અહીં અમુક પોસ્ટ ભેગી થાય પછી સામટી જ વહેંચાતી હશે. હવે પત્રો લખે છે કોણ જે? અહીં હું માત્ર ત્રણ મહિના સુધી પ્રોજેક્ટ માટે છું. અહીંના રીતરિવાજો ધ્યાનમાં આવશે તો લખીશ. આટલા ટૂંકા સમય માટે આવવાનું થયું છે એય એકદમ ઉતાવળમાં એટલે ગીતને લાવ્યો નથી. આમ પણ, એનું એક એક્ઝિબિશન છે ચાર મહિના પછી. મુંબઈમાં કોઈ જહાંગીર ગેલેરી છે ત્યાં. તો એની તૈયારીમાં બિઝી છે. બાકી એને ટ્રાવેલિંગનો ગજ્જબનો શોખ છે. મેં નથી જોઈ એવી ય કેટલી જગ્યાઓએ એ ભમી આવી છે. કદાચ એ સાથે આવી હોત તો રીતરિવાજનું એ જાણી જ લેત. એનો સ્વભાવ તારા જેવો છે. એકાદ મુલાકાતમાં તો કુંડળી સુદ્ધાં કાઢી લાવે. અહીં મને જે કોટેજ આપ્યું છે રહેવા એ સરસ હવા ઉજાસવાળું છે. બાજુમાં નાનકડો બગીચો છે. જુદાં જુદાં ફુલ બહુ બધાં છે પણ એ બધું મારા સિલેબસ બહારનું છે. ઑફિસ પણ સરસ જગ્યાએ છે. સ્ટાફ પણ આમ તો હેલ્પફુલ થાય એવો લાગે છે. આ કાકાસાહેબનું 'ઈન્દ્રગોપ' વાળું મસ્ત છે. આટલાં વર્ષો મને એનું નામ જ ખબર ન હતી. હજી ય એ વેલ્વેટ ફીલ યાદ છે મને... રથયાત્રા કેવી રહી? જોવા ગઈ જ હોઈશ આયમ શ્યોર. ધનોરીમાં તૂર વાગે ને ભાણાભાઈ ઘેર રહે? હોપ કે આ વખતે પણ કંઈ છમકલાં થયા નહીં હોય. અમદાવાદની રથયાત્રા કાયમ સામાન્ય માણસ કે રાજકારણી માટે ગભરાટીયો તહેવાર રહી છે. એ વાત જવા દે. કેટલા કિલો મગ ને જાંબુનો પ્રસાદ વપરાયો? તું હજી પેલા મંદિરે જાય છે?કે ભક્તિભાવ પૂરો? બધે પંચાત કરવામાં જ ટાઈમ જતો રહેતો હશે, કેમ ને ? અલી, મને પાંચ વર્ષ થઈ ગયા ન્યુઝીલેન્ડ આવ્યાને? તું તો કલ્લાકને મિનીટનો ય હિસાબ રાખતી હોઈશ ને? તમારા લોકોનો આ જ ત્રાસ. મિનીટબુક સાથે લઈને જ ચાલો. ઢોકળાં બનાવવા કહ્યું હોય એ સાંજ સુધીમાં ભૂલી જાવ ને બટાકોપૌંવા પીરસી લાવો. ઢોકળા વિશે પૂછીએ તો એવું દયામણું મોં કરીને 'ઓહહ... ભુલાઈ જ ગયું.' કહો કે આપણા વાંધાવચકાં ફુરરરર થઈ જાય. ને અમે કદાચ કામમાં મોડું થશે એવો ફોન કે મેસેજ કરવાનું ભૂલી ગયા હોઈએ તો કેટલાય મહિના સુધી તારીખ વાર સમય સહિત યાદ કરાવ્યા કરો. આ જનરલ વાત છે. પાઘડી પહેરીને મોંઢા ફૂલાવવાની જરુર નથી.
હમણાંથી મારે વર્કલોડ બહુ રહે છે તો ઈતર વાંચન ઘણું ઓછું થઈ ગયું છે. પણ તું મને મોકલ્યા કરજે આવું કંઈક નાનું નાનું... સમય મળ્યે એ પુસ્તક પણ મેળવીને વાંચીશ. હવે ઓનલાઈન પુસ્તક ખરીદવાની અને ડિજિટલ પુસ્તક ડાઉનલોડની બહુ સારી સગવડ થઈ ગઈ છે. પુસ્તકો ખરીદીને મૂકવા ક્યાં એ પ્રાણપ્રશ્ન હવે રહ્યો નથી એમ કહીએ તો ચાલે.ડિજિટલ એડિશન આવી એટલે જરા સારું પડે છે. પણ પર્સનલી મને હાથમાં પુસ્તક હોય અને હું વાંચુ એવું વધારે ગમે.
ચલ પછી લખીશ.
બિહાગને યાદ. જૈતશ્રીને ખૂબ ખૂબ વહાલ.
સ્નેહ.
એ જ લિ.
સપ્તક
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર