આજે થોડો જીવ બળ્યાં કરે છે
13/03/2017, ફાગણ વદ એકમ, ધૂળેટી,
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
અમદાવાદ.
પ્રિય સપ્તક,
મન જરા બેસેલું છે. ના ના, ડોન્ટ વરી. મિડલ એઈજ ક્રાઈસીસ નથી. પણ બસ એમ જ. કંઈક અજુગતુ બનશે એવી ધાસ્તી મારા મનમાં અડ્ડો જમાવીને બેઠી છે. ભાષણ કે ઉપદેશ આપવા ઉતરી ન પડતો કે મન પ્રવૃત્ત રાખ.. સારુ સારુ વાંચ… બુકસ્ટોલ જા… કાફે પર જા... ચાલવા જા… ને એવું કંઈ કેટલુંય. પણ જ્યારે જ્યારે એવું થાય છે મને ત્યારે ન ગમે એવું કશુંક તો બન્યું જ છે. Cross fingers… આ વખતે માત્ર મારા મનનો વહેમ હોય.
આ વરસે ય આપણી સોસાયટીમાં હોળી પ્રગટાવેલી. ગીત અહીં હતી એટલે એને ય લઈ ગયેલી. અમુક પ્રકારે જ્વાળા ઊંચે જાય તો વરસાદ સારો પડે ને અમુક રીતે જ્વાળા ફંટાય તો ચોમાસું નબળું જાય એવી માન્યતાઓમાં મને ખબર પડતી નથી. ઉત્તરાયણ વખતે સાચવી રાખેલા બે-ત્રણ પતંગ મૂકવાના હોળીમાં ને એવું બધું ય ખબર ન પડે. પતંગ સાચવી રાખ્યા હોય તે આપી દેવાના એ ખબર પડે;) એટલિસ્ટ સમૂહ પ્રવૃત્તિમાં સામેલગીરીનો માનસિક સંતોષ તો મળે… શું કહેવું છે તારું? કોઈ વિશેષ ટિપ્પણી, પ્રભુ? તું હોળીભૂખ્યો રહેલો કે નહીં? આ એક જ ઉપવાસ તું કરતો ને હોળીના દર્શન થઈ જાય એટલે કેટલું ખાતો! ઈથોપિયાથી સીધો અહીં આવ્યો છે કે શું એવું ય તારા પપ્પા કહેતા એ મને બરાબર યાદ રહી ગયું છે. ગીતને કહ્યું તો એને તો મઝા પડી ગઈ. એટલું હસે ને... એ હસે છે ત્યારે ગાલમાં ખંજન સરસ પડે છે. ધૂળેટી રમેલા કે બધા? આ વખતે અહીં જરા ઓછું લાગ્યું ધૂળેટીવાળું. ખાસ તો પેલાં કાળા ને સિલ્વર કલરના બુઢિયાઓ નજરે નથી પડ્યા. મને ને બિહાગને સાદાં રંગ હોય તો જ ગમે બાકી પાણી રેડ્યું ને રંગીન પાણીના ફુગ્ગા માર્યા કે પછી હીરાકણી મેળવેલા રંગની ભયંકર ચીડ છે. ચિત્રકામમાં રસ હોય એને રંગોની ચીડ ના હોવી જોઈએ એવી સૂફિયાણી વાતો બોલવામાં સારી લાગે. એ રંગ અને આ રંગમાં આભજમીનનો ફેર છે બાઘડદાસ. યાદ કર, તું ભૂલમાં રંગવાળી પીંછી બોળેલું રંગીન પાણી પી ગયો હતો ત્યારે કંઈ થયેલું તને? નહીં ને? આ રંગ તો સહેજ પણ મોંમાં અથવા આંખમાં જાય કે તરત જ irritation થવા લાગે. સેન્સિટીવ સ્કીનવાળા માટે આ તહેવાર નક્કામો. વળી, રંગ લગાડવાના બહાને અણછાજતું વર્તન કે મર્યાદાભંગ કરનારાઓનો તોટો નથી સમાજમાં. એમાં ને એમાં કેટલાંય સંબંધમાંથી રંગ ઊડી જતા હોય તો નવાઈ નહીં.
ગીત માટે તો આ બધા રીત રિવાજ સાવ નવા જ ને? એને શ્રદ્ધા હોય કે ન હોય, આ બધા તહેવારો સાથે જોડાયેલી માન્યતાઓ વિશે એને માહિતી તો આપજે જ. હોળી વિશે તો મેં એને માહિતી આપી જ છે ને મહેરબાની કરીને એની કોઈ ધાર્મિક લાગણી હોય તો એ હસી ન કાઢીશ. અંધશ્રદ્ધા લાગે એ હદ સુધીની શ્રદ્ધા હોય તો ય જરા સાચવીને કામ લેવું. હમણાં તો ખાસ.
કાવ્યાબેનનું કેમ ચાલે છે? જરા ચિંતા તો થઈ જ છે એનું વજન નથી વધ્યું એ જાણીને. પણ કેદારના મમ્મી સાથે જ છે એટલે રાહત છે. માની ખોટ તો કોઈ ન પુરી શકે પણ તો ય... કોઈ વડીલ હોય આવા સમયે તો સારું રહે.
બિહાગ અને જૈતશ્રી મઝામાં છે. એક વાત કહું? બિહાગ પણ હવે અમારા ટપાલી ખાનચાચાની રાહ જોતો હોય છે. એ ઑફિસ જાય ત્યાં સુધીમાં જો ન આવ્યા હોય તો ઘરે ફોન કરીને પૂછે કે, ‘ખાનચાચા આવી ગયા? મારો કોઈ લેટર છે?’ તારા ફિલ્મી અંદાજમાં કહું તો તેરા જાદુ ચલ ગયા… ;)
ચાલ, અહીં વિરમું.
લિ. કંઈક ગરબડ ન હોય તો સારું એવા ફડકામાં તારા પત્રની રાહ જોતી,
અંતરા.
****
19/03/17 ,monday ,
9 am.
New Delhi.
પ્રિય અંતરા,
તારો પત્ર પરમ દિવસનો મળી ગયેલો પણ તારો પત્ર વાંચીને બંદા જરા મૂંઝાઈ જેવા ગયેલા કે લે, આને કેમ આમ થયું? એમાં જરા કાવ્યાને તાત્કાલિક દવાખાને લઈ જવી પડી તો દોડાદોડી થઈ ગઈ. આ પત્ર મળશે ત્યાં સુધીમાં મેં તને સો ટકા આખી ક્રાઈસિસ ડિટેઈલમાં કહી જ દીધી હશે. તેમ છતાં ય કહું જ. તો જ મને સાંતિ થસે. થયું એવું કે બહેનબા કાલે સવારથી જ જરા મૂડલેસ હતા. પુછે તો કહે નહીં પાછી બહાદૂર તેમાંની. અમને તો ખબર જ નહોતી. સાંજે આંટીનો ફોન આવ્યો કે તમે લોકો આવો તો કાવ્યાને જરા ગમશે. બહુ સમજદાર સાસુ છે યાર આ. અમે જમીને ગયા એને ત્યાં. તો ય મારી બેટી બોલે નહીં કે શું થયું છે. ગીતે થોડી સમજાવટ પછી એકદમ કડક થઈને પુછ્યું તો કહ્યું કે એને પેટમાં બચ્ચું જનરલી આખો દિવસ એક્ટિવ રહે છે પણ આજે સવારથી મુવમેન્ટ ભાગ્યે જ કરે છે એવું લાગે છે. અમે બધાં તો ગભરાઇ જ ગયાં. તાત્કાલિક કેદારે કાર કાઢી અને અમે સીધા હોસ્પિટલ. અંકલ તો પરસેવે રેબઝેબ..બહુ પોચકા છે. આંટીને હોસ્પિટલ આવવું હતું પણ પછી અંકલની હાલત જોઈને એમણે ઘરે રહેવાનું નક્કી કર્યું. સો સ્ટ્રોંગ! ડોક્ટરને કેદારે રસ્તેથી જ ફોન કરી દીધેલો એટલે એ ત્યાં પહોંચી ગયેલા. ફટાફટ ઑપરેશન થિએટરમાં લીધી ને ચેક કર્યું. એ સિત્તેર મિનિટ તો અમારા સહુ માટે સિત્તેર યુગથી ય વધુ હતી. સોનોગ્રાફી કરી ને બીજાં ય કંઈક ટેસ્ટ કર્યા. બધું જ નોર્મલ. કેમ મુવમેન્ટ ઓછી હતી એનું કારણ તો કંઈ ન હતું. બીજી ય કોઈ ચિંતા ન હતી પણ કાલની રાત ઓબ્ઝર્વેશન માટે દાખલ કરી દીધી. આજે બાર વાગે ડોક્ટર રાઉન્ડમાં આવે પછી શું કરવું તે નક્કી કરશે. પણ સારી વાત એ છે કે કાલે દાખલ કર્યા પછી કલાકમાં જ બચ્ચું ભયંકર એક્ટિવ રહ્યું છે. ઠરવા નથી દીધી કાવ્યાને. લાગે છે કે ટેણિયું ઉત્પાતિયુ થસે કાવ્યા જેવું ;) વહેલી સવારે જરા પોરો ખાધો છે ને અત્યારે કાવ્યા ય નિરાંતે ઊંઘે છે. સવારમાં ડોક્ટર આવીને જોઈ ગયા ને ઑલ ઈઝ વેલ… ઑલ ઈઝ વેલ... થેન્ક ગોડ… મને તો એટલા બધા વિચારો આવે ને કે વાત જ ન પુછીસ. ગીતે મને કહ્યું કે તને ફોન કરું તો જરા મનને સારુ લાગે પણ રાત્રે અઢી વાગ્યે તમને નથી કરવો ફોન એમ વિચારીને ન કર્યો. ગુસ્સે ન થઈશ. તું સાચી છે કે પારકાને ક્યાં કરવાનો હતો ફોન? તો હું ય ખોટો નથી કે અડધી રાત્રે તમને ટેન્શન કરાવવાનો અર્થ નથી. હવે બધું બરાબર છે.
ગીતને હોળી વિષે માહિતી હતી પણ તેં જે ડિટેઈલ આપી એવી નહીં. એને ધરમધ્યાન વાળું નક્કી નહીં. મરજી પડે એ પ્રમાણે વર્તે. મારા ઘરે તો મંદિર નથી પણ એને ય ઘરમાં તો મંદિર હોવું જ જોઈએ એવો જડ ખ્યાલ મનમાં નથી. કોઈની શ્રધ્ધાને ઠેસ ન પહોંચે એ બરાબર ધ્યાન રાખે. બાકી " ભગવાન સર્વત્ર છે અને એના માટે મુર્તિ કે મંદિરની જરુર નથી " ની ફિલસુફી. કોઈવાર ભાષણ આપે તે સાંભળજે. ભયંકર ભારે ભારે બોલે. એને કહેવું પડે કે હે મા, માતાજી.. ખમૈયા કરો હવે..;)
બિહાગબાબુ અને માય ડાર્લિંગ Jને વહાલભરી યાદ.
લિ. હજુ ય થોડો ગભરાયેલો, મુંઝાયેલો,
હું
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર