નાનકડી પરીના મામા...

20 May, 2017
07:57 AM

શિલ્પા દેસાઈ

PC: Dhaivat Hathi

25 એપ્રિલ,2017 ચૈત્ર વદચૌદસ ,મંગળવાર રેવતી નક્ષત્ર

અમદાવાદ.

પ્રિય સપ્તક, 

ગુસ્સો ઉતર્યો? મને ખબર છે કે તું હજી ગુસ્સામાં જ હોઈશ. મારા નહીં આવવા વિષેના ખુલાસાવાળા વોટ્સઅપ મેસેજીસ તને મળી ગયાં છે પણ તેં જોયા પણ નથી એ પેલી ભુરી ટીકની ગેરહાજરીથી સમજી શકી છું પણ મારાથી નીકળાય એમ જ ન હતું. બિહાગને  એક અરજન્ટ પ્રેઝન્ટેશન હતું અને એ માટે ફોરેનથી એક ડેલિગેશન આવવાનું હતું એમાં બે જણાં સપત્નીક આવ્યાં. હવે એ લોકોને સીટી દેખાડવાનું મારા માથે આવ્યું. એટલે મારે લીધેલી ટિકીટ કેન્સલ કરવી પડી. :( તને ફોન કરીને કહ્યું ને આપનો પિત્તો છટ્ક્યો ને પુરી વાત પણ સાંભળ્યા વિના તેં ફોન કટ કર્યો. પણ તું જ કહે, મારી જગ્યાએ તું હોય તો શું કરે?

Anyways, અમદાવાદમાં કોઈને જોવા જેવી જગ્યાઓ વિષે કહેવું હોય તો તું શુ કહે? જગવિખ્યાત સીદી સૈયદની જાળી.. અજાયબી જેવાં ઝુલતાં મિનારાં.. સરખેજના રોજાં.. કાંકરિયા... ? બસ? પુરું ને ? કદાચ બહુ થાય ને યાદ આવે તો વિશાલા... હવે તો પુરું જ... બરાબર ને ?  ના દોસ્ત ના... અમદાવાદ આના સિવાય પણ ઘણી જોવા જેવી જગ્યાઓ ધરાવે છે. Any guesses? No? Give up ? હું જ કહી દઉં ચાલ. અમદાવાદમાં જુદાં જુદાં પ્રકારનાં 20 - વીસથી ય વધુ મ્યુઝિયમો  છે. 

18મી મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ તરીકે ઉજવાય છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમ્સ (ICOM) દ્વારા આ દિવસે જાહેર જનતાને જુદા જુદા મ્યુઝિયમો વિષે માહિતી અાપવામાં આવે છે. ધ ઇન્ટરનેશનલ  કાઉન્સિલ ઑફ મ્યુઝિયમ્સ સાંસ્કૃતિક અને કુદરતી  વારસાનું જતન કરતી મુખ્ય સંસ્થા છે. 1977મા સ્થપાયેલી આ સંસ્થા દ્વારા  જુદી જુદી theme ઉપર દર વર્ષે અઢારમી મે કે એની આસપાસની તારીખે  કોઈ ને કોઈ કોઈ એવી પ્રવૃત્તિ કરવામાં આવે કે જેથી લોકોને મ્યુઝિયમ જાળવવામાં પડતી તકલીફો, પડકારો વિષે ખ્યાલ આવે અને સંગ્રહાલયને જોવાની દ્રષ્ટિ બદલાય. હજુ જો વાંચ આગળ- 2009મા આવા ઉજવણામાં 90થી ય વધુ દેશો અને 20,000 -વીસ હજ્જાર -  જેટલાં મ્યુઝ્યમોએ હોંશભેર ભાગ લીધેલો. 2012મા 129 દેશો અને 30,000 જેટલાં મ્યુઝિયમોએ ભાગ લીધેલો. એના પોસ્ટરેસનો 30થી વધુ ભાષામાં અનુવાદ થયોછે. છે ને અદ્ભુત?  તને ખબર હતી આવી બધી? મને માત્ર દિવસ વિષે માહિતી હતી પણ વિસ્તારમાં કંઈ ખબર ન હતી. મેં તો અત્યાર સુધી એવું જ અનુભવ્યું છે કે આવા સ્થળો પર પુરતી માહિતી- સંકલનનો સદંતર અભાવ હોય. એટલે જેને રસ હોય એને તો ત્યાં જે અધૂરા ઘડાં જેવા કેર-ટેકર કે કદાય પત્થર પર કોતરેલી વિગતો( એ ય કોઈવાર અવાચ્ય હોય)થી સંતોષ માનવો પડે. કોઈવાર ખબર જ ન હોય કે જે-તે સ્થળે મ્યુઝિયમ છે. કોઈને કહેવું હોય તો છુટાંછવાયાં બે-ચાર નામ સુઝે. અહીં અવની વારિયા નામના બહેન છે. એમણે અમદાવાદના મ્યુઝિયમોનો નક્શો તૈયાર કરવાનું સાહસ કર્યું છે. જોરદાર ને? આપણે ત્યાં અમદાવાદમાં હજી સુધી આ કોન્સેપ્ટ નવો છે. આ નક્શાઓ એમાં આવરી લેવાયેલાં મ્યુઝિયમ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, ક્લબોમાં અથવા જેને પણ રસ હશે એને આપવામાં આવશે. જેમાં કયા સ્થળે કયું મ્યુઝિયમ છે એ નક્શો જુઓ એટલે તરત ખબર પડી જાય. 

ઓહ.. બહુ લખાઈ ગયું,નહીં? જો કે અત્યારે તો રાધાજી રિસાયા છે તો પત્ર વાંચશે કે કેમ એ ય પ્રશ્ન છે. 

કાવ્યા સાથે વાત કરું છું રોજ વોટ્સઅપ પર. હમણાં તો ખુશ લાગે છે બહેનબા. કોઈવાર વિડીયો કોલ પણ કરી લઈએ છીએ. તારી વાત એકદમ સાચી કે ઢીંગલી તારા પપ્પાનો નાક નાક્શો લઈને આવી છે. કેદાર અને અંકલ આંટીને યાદ. નામનું લિસ્ટ મોકલ્યું છે કાવ્યાને. મને ગમતા નામ કેપિટલમાં લખ્યા છે. ફાઇનલી તો મા-બાપને ગમે એ નામ . 

એ જ લિ. 

માની જા હવે, 

બહુ રિસાયો. 

અંતરા. 

તા.ક : સરપ્રાઈઝ કહી જ દઉં ચાલ. કાવ્યાનું ઢીંગલું એકવીસ દિવસનું થાય ત્યારે નામ પાડવાનું છે ને?  અમે ત્રણેય જણ આવી પહોંચશું. ખુશ?

***

28th april,2017. 

નવી દિલ્હી. 

પ્રિય અંતરા, 

હમોએ નક્કી કરેલું કે હમો તમારી સાથે ઓછામાં ઓછું એક હપતો તો વાત નહીં જ કરીએ પરંતુ અહીં તારી બે ચમચીઓ છે એ મારે કેમ ખ્યાલ બહાર રહી ગયું વારુ? બંને જણીઓ ફેલ બિહાઇન્ડ મી આફ્ટર ઈટીંગ જીંજર.. કેમ બોલતો નથી દીદી જોડે? એમનો પ્રોબ્લેમ જેન્યુઇન છે ને... તમારે નથી થતું આવું બધું? એવું તારી ગોલ્ડન સ્પુને તારીખ વાર સહિત યાદ કરી કરીને સંભળાવ્યું. ચાંપલી ક્યાંયની. જબરું ટાઈમટેબલ છે બાપા એની મેમરી ચીપમાં તો. મારું હાળુ કોઈવાર ક્રેશ બી નથી થતું કે બધી માહિતી આડી અવળી થાય. બધી લેડિઝું ને એવી જ મેમરીયું દીધી હોય કે ભગવાને? ને પેલી કવલી તો નાનપણનું ય લઈ આઈ ક્યાંકથી. તૈણે જણી એક પંગતમાં બેહીઓ જઈ છ પણ મું ય કમ નહેં. પહોંચી વરે બધાય ને. હમજી લેજે. ને નય પહોંસી વરાય તો બિહાગબાબુ એન્ડ માય ડાર્લિંગ J તો મારી જ સાઈડ લેશે. कोई शक्क? 

હારુ હેંડ.. On a serious note, મારી ટ્રાન્સફર નિશ્ચિત છે. જો કે ત્રણ મહિના એક્સટેન્શન માંગ્યું છે. લગભગ તો વાંધો નહીં આવે. એમ તો અપના ટ્રેક રેકર્ડ કાફી અચ્છા હૈ ઔર અપને ઑફિસર્સ ભી અપની કામગીરી સે મહાખુશ હૈ. 

કાવ્યા કોઈ કોઈવાર જરા ચુપ થઈ જાય છે પણ હવે અમે કોઈ ને કોઈ સાથે રહીએ જ છીએ.. એને એકલી પડવા જ નથી દેતા. બધું સરસ થઇ જશે હવે. તારા ભગવાનને કહેજે કે મારી કાવ્યાને હવે તકલીફ ના આપે. નહીં તો આપડે એની સાથે સદંતર સંબંધ કટ્ટ.. આખો દિવસ મસ્ત ટમટમ સાથે પસાર થઈ જાય છે. ટમટમ.. પમપમ.. છમછમ.. આ બધાં નામો ગીતની શોધ છે. દરવખતે એ જુદું જ નામ પાડે. ને પેલી ય એવી નોટ છે ને કે ગીત જેવી એને બોલાવે કે તરત જ રિસ્પોન્સ આપે. હારા આપડે તો કેવા પડ્યા રહેતા ને ઊંઘ્યા કરતા આવડા હતા ત્યારે. પણ આ બધી ' e- જેન 'તો બહુ ફાસ્ટ. આંખો તો એવી મસ્ત ચકળવકળ કરે ને... નવી આંખ નવી દુનિયા... નર્યું વિસ્મય આંજેલું દેખાય એની આંખમાં આપણાને. ફોટા પાડ્યા છે થોડાં. E mail કરીશ. બહુ મસ્ત ક્વોલિટી ન હોય ક્વાઈટ ઑબ્વિયસ, પણ તું ખાલી ઈમોશન્સ પકડ્યાં છે એ જ જોજે. 

જૈતશ્રીને બહુ ગમશે. એને નાના છોકરાં બહુ ગમે છે એવું મને કહેલું. એને રોજ ફોટોગ્રાફ્સ મોકલું ને રોજ એને અહીં આવવાની ઈચ્છા બળવત્તર બનતી જાય. મોકલી આપ એને. તું જ્યારે આવે ત્યારે ચાલશે. 

મારૂ ટ્રેઇનિંગનું  કામ ધમધોકાર ચાલે છે. વચ્ચે કદાચ એક વીક સિંગાપોર જવાનું થશે. Not sure. બેબીનું નામ પાડ્યા પછી જ થશે એટલે ફિકર નોટ. તારાં મોકલેલા નામોમાં અમને ય તને જે ગમ્યાં છે એ જ નામ ગમ્યાં છે. અલી એ, મામા મામીએ વહેવાર શું કરવાનો હોય? નાના-નાની હોત તો મારે આ બધું ક્યાં વિચારવાનું જ હતું? :( આંટીએ તો સ્ટ્રીક્ટલી ના જ કહી છે કશો વહેવાર કરવાની. પણ એ તો કહે. આપડે તો આપ્પું પડે ના? ( આ તારા ગોલ્ડન સ્પુનના શબ્દો છે.બાકી આપડે તો માની ગયા હતો કે કશો વહેવાર નહીં કરીએ;) ) અને એ કંજુસ, વહેવારનું કહેવા ફોન કરજે. કાગળ જ લખીશ એવી હુસિયારી ના રાખતી બાપા. સમય હોય તો સરખી કંઈ વસ્તુ લાવવાની હમજણ પડે. પડી કે હમજ? 

એ જ લિ. 

ચંદામામા સે પ્યારા મેરી ભાંજી કા મામા..:p 

સપ્તક. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.