તારી સરપ્રાઈઝની રાહ જોઉં છું

14 Jan, 2017
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: Entrepreneur.com

02/01/17

અમદાવાદ.

પ્રિય દેવ આનંદના વહેમ પણ હકીકતમાં દેવ આનંદની પાંચમી કાર્બન જેવા ય ન લાગતા મહાશય,

આજે સવારમાં મને બહુ જ મઝાનું સપનું આવેલું. તમે લોકો પાછાં આવ્યાં છો અને આપણે બધાં કાવ્યાનાં ઘરે ભેગાં થયાં છીએ. કાવ્યાના સાસુ- સસરા ય આપણી સાથે હાહાહીહીમાં જોડાયેલાં છે ને એવું બધું. એ સપલુતને મેં વાત કરી કે કાવ્યાનાં સસરા સાથે બિહાગને કંઈક પરિચય નીકળ્યો જૂનો? હવે એ બે જણા ત્રણ ચાર દિવસે એકવાર તો વાત કરી જ લે છે. ગામ આખાની પંચાત કરતો મેં બિહાગને આટલા વર્ષોમાં કદી જોયો નથી એટલે એને આમ ખપત કરતો જોવો  અમારા માટે તો આ સાવ નવું જ દ્રશ્ય છે. ' ખપત' શબ્દનો કેટલા સમયે ઉપયોગ કર્યો હશે મેં? જોયું? તું આવે એટલે બધું કેવું જીવતું થઈ જાય છે ! ચાલ આપણે  જુનાં જુનાં શબ્દો યાદ કરી કરીને એક યાદી જેવું કરીએ. આપણાને લાગે કે આ વ્યક્તિ પાસે આપણે બોલતાં એવાં શબ્દો હોઈ શકે તો એને તરત પૂછીને નોંધી લઈએ. મઝા પડશે. સમાજમાં આપણી આ પ્રવૃત્તિથી બીજું કંઈ થાય કે ન થાય એક મિનિટ માટે ય કોઈના ચહેરા પર સ્મિત લાવી શકીએ તો એનાથી રુડું શું? શું કહે છે તું? ' લેંચુ ના બકીશ ' યાદ છે આ? એ સમયે ' હોંશિયારી ન મારીશ ' એ અર્થમાં આવું બોલાતું. અત્યારે ' હોંશિયારી ન મારીશ ' માટે ' બહુ ઓવર ના જઈશ ' જેવું કશું પ્રચલિત છે.જૈતશ્રીને પુછી જોઈશ.

થોડાં સમયથી ચિત્રો દોરવાનું શરુ કર્યું છે જેને તારી ખાસમખાસ બહેનપણી જે અને એના પપ્પા  ‘કાર્ટુન ચિત્રો દોરે છે…’ એમ કહી ઉડાવે છે. પાછાં કહે ય ખરાં કે ‘pun intended’  હવે આ વાત તને કરી છે એટલે તું ય એમની જ પંગતમાં બેસવાનો મને ખબર છે. વોટ્સઅપ કરીશ એકાદ બે ચિત્રો. મને પેન્સિલ વર્ક ગમે. વોટર કલરમાં હજુ હાથ અજમાવી જોયો નથી. કદાચ વોટર કલર સુધી જ રસ હોય એમ બને કારણકે ઓઈલ કે એક્રિલિક કરું એટલો  રસ કે ધીરજ નથી મારામાં.

પક્ષી નિરીક્ષણમાં રસ ખરો મને. ઓળખી ય શકું . તારી જેમ  ચાર જ નામ આવડે છે એવું નથી જરા ય  કે સાવ નાનું પક્ષી હોય તો ચકલી, સહેજ મોટું ને જાડું હોય તો કબૂતર, કાળું હોય તો કાગડો જ ને રુપાળું પક્ષી તો એક મોર જ છે . હજુ ય આટલું જ આવડે છે કે જરાતરા જ્ઞાનવૃધ્ધિ થઈ ?

ગીતને વહાલ. કાવ્યા ને બૈજુ સાથે નિયમિત વાત થાય છે. કદાચ જાન્યુઆરી એન્ડમાં દિલ્હી જઈશું.

એ જ લિ.

સપનું સાચું થાય એવા આશાવાદમાં ખુશખુશાલ ,

અંતરા.

****

04/01/2017

NZ,

એ રુપલી દાતણવાળી,

તારીખ લખે તો હવે ધ્યાન રાખજે, ખાસ કરીને ચેક લખતી વખતે. '17 ને બદલે '16 લખાઈ જસે તો પંચાત પડસે. પડી કે સમજ?

ને ધાબેથી નીચે આઈ કે નહીં? તારું ચાલે તો તું ધાબે જ અડિંગો જમાવે ઉત્તરાયણ વખતે. જો કે એમ પણ તું ધાબેથી જમવા ને પતંગ લુંટવા જ નીચે આવતી હતી. હજુ ય કંઈ ફેર નહીં પડ્યો હોય. મને એમ કે પરણ્યા પછી તો તું સુધરીશ પણ નસીબ જો, વર બી તને માથે બેસાડે એવો મળ્યો છે. મારે તો એને કહેવું પડસે હવે કે આ જોગમાયાને બહુ માથે ના ચડાવ, છાણાં થાપસે. હારું હેંડ જો ઉત્તરાયણ વિશે ગુગલ બાપાને પુછ્યું તો મઝા પડે એવી માહિતી મળી. તું ય વાંચ લે. મને ખબર છે તને ખાવા સિવાય કશામાં રસ નથી પણ તો યતને ખબર નહીં જ હોય I am pretty sure, વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે 'પતંગ' શબ્દ વપરાયો છે. નહોતી ખબર ને ? તલસાંકળી  ને સિંગની ચીક્કીને શું કહેવાય છે એવું એ ગ્રંથમાં નહીં હોય કદાચ. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ  સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. (પાછું ડબડબ કર્યું કે મહાશય તમને ક્યાંથી જ્યોતિષમાં રસ જાગ્યો? એ તો બધા ધતિંગ હતા ને?’  તે હજી ય હમો એમ જ માનીએ છીએ પણ માય ડિયર દોસ્ત, હમો તમોને જસ્ટ માહિતી આપી રહ્યા છીએ. ધેટ્સ ઑલ.) સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. કહે છે કે ભીષ્મ પિતામહે મકર સંક્રાંતિના દિવસે દેહ છોડ્યો હતો. ગ્રહોના અગ્રણી એવા ભગવાન આદિત્યનો રોગનિવૃત્તિ કરનાર અને આયુષ્ય આપનાર દેવ તરીકે પણ ઉલ્લેખ જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસીઓ મુજબ શનિ-યમ સૂર્યપુત્ર હોવાથી એમના પર પર શનિદેવ અને યમરાજાની પણ રહેમ રહે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યપૂજા માટે આદિત્ય, મિત્ર, અર્ક, માર્તણ્ડ, ખગ, દિવાકર, ભાસ્કર સહિત 108થી માંડીને સહસ્ત્ર નામ જોવા મળે છે. પદ્મપુરાણ અનુસાર સૂર્યદેવ બાળસ્વરૂપ ધારણ કરીને 12 મહિનામાં 12 રાશીઓમાં સંક્રમણ કરતા રહે છે. આ સંક્રમણને સંક્રાંતિ કહે છે. ધન, મિથુન, મીન, કન્યા રાશીની સંક્રાંતિને ષડશીતિ કહે છે. વૃષભ-વૃશ્વિક-કુંભ અને સિંહ રાશીની સંક્રાંતિને વિષ્ણુપદી સંક્રાંતિ કહે છે. ષડશીતિ નામની સંક્રાંતિમાં કરેલા પુણ્યકર્મનું ફળ 86,000 ગણું અને વિષ્ણુપદીમાં કરેલા પુણ્યકર્મ લાખગણું અને ઉત્તરાયણ અથવા દક્ષિણાયન આરંભના સમયે કરેલા પુણ્ય કોટિ-કોટિ ગણું ફળ આપે છે. પુરાણો અનુસાર સંક્રાંતિના દિવસે સૂર્યસ્તોત્રનું પઠન કરવાથી લક્ષ્મી સ્થિર રહે છે. સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પવિત્ર થઈ પૂજા કરવાથી તલમિશ્રિત જળથી સૂર્યને જળ ચડાવવાથી કોઢ અને આંખ સંબંધી રોગો, અસાઘ્ય રોગ, દરિદ્રતા દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. વિજ્ઞાન મુજબ સૂર્યપ્રકાશથી વિટામિન-ડી મળે છે અને ચામડી સુંવાળી બને છે, હાડકા-દાંત-વાળ-નખ મજબૂત બને છે. આયુર્વેદ શાસ્ત્ર મુજબ અત્યારે શિશિર ઋતુ ચાલી રહી છે. તેમાં શેરડી-તલ-ગોળ-મમરાનો લાડુ જેવા મધુર પદાર્થોસ્વાસ્થ્ય માટે સારા હોવાથી મકરસંક્રાંતિના દિવસે તલની ચીકી વગેરે ખાવામાં આવે છે. જો કે તેમાં શરદી-કરમિયા કે ડાયાબિટિસના દર્દીઓએ આ બધું ડોક્ટરને પૂછ્યા વિના ખાવું નહીં . હજુ તો બાપા બહુયે લખ્યું છે પણ  બસઆનાથી વધુ આ બાબતે મારે કશું કહેવું નથી.   ને ખાવાની વાત આઈ એટલે પાલ્ટી ફોર્મમાં આઈ ગઈ હસે,હેં ને? આ ઉત્તરાયણ જ એકમાત્ર ભારતીય તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે હોય બાકી બધા તહેવારો હિંદુ કેલેન્ડર પ્રમાણે હોવાથી એની તારીખો આઘીપાછી થતી હોય છે. ( વાંચતા વાંચતા તેં એવા હિંદુ તહેવારો વિશે વિચારવા માંડ્યું ને? સાચ્ચું કહે..)

લે હેંડ..મું થાચી જ્યો સુ બરોબ્બરનો આ બધી મોટી મોટી વાતો વોંચીન.. અવઅ પછે લખે .. જમ્બુ પડસે. ગીતલી બોલાવઅ સઅ.

જે ને કહેજે કે વોટ્સઅપ ચેક કરે. ભયંકર મસ્ત સરપ્રાઈઝ ઈઝ વેઈટિંગ ફોર હર. હવે પહેલાં જેટલું હોતી નથી વોટ્સઅપ પર એ ચાંપલી. ક્યાં છે? ઑલ ગુડ છે ને ? બિહાગ મહારાજને હાઈ હેલ્લો નમસ્કાર સત શ્રી અકાલ અસ્સલામાલેકુમ..

ઉત્તરાયણ પર અપાતી બધી શુભકામનાઓ અમારા બંને તરફથી તમને સૌને.

એ જ લિ.

ઉત્તરાયણ પર એક સુખદ સરપ્રાઈઝની રાહ જોતો ,

હું જ તો. બીજું કોણ વળી?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.