જ્યારે પુનરાવર્તન થાય ઈતિહાસનું…
19મી એપ્રિલ,2017 ચૈત્ર વદ આઠમ,
અમદાવાદ.
પ્રિય સપ્તક,
મારા આનંદનો પાર નથી આજે. ગઈકાલે તેં ફોન કર્યો ને કહ્યું કે કાવ્યાને દાખલ કરી છે પછી તો મારા હાંજા ગગડી ગયેલા. કશું સુઝે જ નહીં. બિહાગ પણ જરા સ્ટ્રેસમાં હતો. ને તારી લાડકી ય પરિસ્થિતિ સમજીને એના રુમમાં પોતાનું કામ કર્યા કરતી હતી. જેવી ફોનની ઘંટડી સાંભળી કે તરત જ દોડતી એના રુમમાંથી બહાર આવી પહોંચી. બિહાગ ઈશારાથી મને કહે કે સ્પીકર કર .. પણ હું ક્યાં કશું સાંભળતી જ હતી "કાવ્યા ડિલીવર્ડ અ બેબી ગર્લ" સાંભળ્યા પછી! એટલે બિહાગે લગભગ ફોન ઝુંટવીને સ્પીકર ઑન કર્યું. એટલે તું વાત કરતો હતો એના જવાબ બિહાગે આપ્યા. તું ય એટલો બધો ઘાંઘો થઈ ગયેલો કે તને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે મારા બદલે જવાબ બિહાગ આપે છે. આજે હવે સ્વસ્થ છું એટલે સવારમાં નવ વાગ્યામાં પત્ર લખવા બેસી ગઈ. મોડેથી તને ફોન કરીશ.
ઘરમાં દીકરી આવે તો કેવો ઉલ્લાસ લેતી આવે એ અમારાથી વધુ સારું કોણ જાણે? એમાં ય આ તો કાવ્યાને ત્યાં દીકરી.. ડબલ બોનાન્ઝા.. કોના જેવી દેખાય છે? નાનકડી કાવ્યા છે કે કેદાર? જે હોય એ.. આપણાં બધાના માટે તો ઉત્સવનું સરનામું છે આ ઢીંગલું.. એમ કહેવાય છે કે દીકરી બાપનું ભાગ્ય લઈને આવે છે. જોજે ને ,આ ઢીંગલું આવી ગયું છે એટલે કેદારની પ્રગતિનો ગ્રાફ સડસડાટ ઊંચો જશે. દીકરી આવે ને ઘરમાં એટલે ઘરનો એકેએક ખૂણો બોલકો થઈ જાય.. અણુ અણુએ જાણે ઝાંઝરી પહેરી હોય એમ રણઝણતું થઈ જાય. એવો મીઠો લાગે ને આ રણકાર તો.. કાલ સુધી ટેણિયામેણિયાના અવાજથી કંટાળી જવાતું હતું , જે રુદન કકળાટ લાગતું હતું એ એકદમ કર્ણપ્રિય થઈ જાય..અત્યાર સુધી નાનાં નાનાં કપડાં કે રમકડાંમાં કદી ધ્યાન ન ગયું હોય પણ હવે બધે ગુલાબી ભુરાં ઝીરો સાઈઝનાં કપડાં દેખાતાં થઈ જાય.. આપણી ખરીદી કરતા પહેલાં એ ઝીરો સાઈઝની ખરીદી કરવાનું જ મન થાય.. બાપની આંખમાં કઠોરતાના સ્થાને કરુણતા આવી જાય.. ઘરમાં એક નાનકડો જીવ આવે એટલામાં તો આખી દુનિયા 360 ડિગ્રી ફરી જાય, જીવનની રંગોળીમાં ખૂટતાં રંગો આપોઆપ જ પુરાઈ જાય..
લે, હું ય કેવી છું .. કાવ્યાની બેબલી આવી તો મને મારી જૈતશ્રી આવેલી એ ઘડીઓ યાદ આવી ગઇ ને એ બધું તને કહેવા બેઠી. પણ તને તો ન જ ખબર હોય ને એ બધું? તું ક્યાં અહીં હતો તે તને કહ્યું હોય મેં . બંનેની તબિયત સારી છે એ જાણીને ખુબ રાહત થઈ છે. એક હાશકારો થયો કે બધું હેમખેમ પાર પડ્યું. કેદાર તો મહાખુશ હશે કારણકે એને તો દીકરી જ જોઈતી હતી. અંકલ આંટી તો "દીકરી જ આવવાની આપણે ત્યાં" એમ જ કહેતા હતાં ને ? ને કાવ્યાબેન? એ રાજી છે ને? જો હવે ખાસ ધ્યાન રાખજો થોડો સમય. પ્રસુતિ પછી ડિપ્રેશન આવે કોઈ કોઈને. પહેલાંના સમયમાં આવું ડિપ્રેશન ખાસ નહતું દેખાતું કારણકે ભર્યાં ભાદર્યાં ઘરમાં નવી નવી માતા બનેલી છોકરી પાસે કોઈને કોઈ રહેતું જ જેથી એને બીજું કશું વિચારવાનો અવકાશ ઓછો રહેતો.આવું કહીને હું તમને ગભરાવવા નથી માંગતી પણ સાચવી લેવું કારણકે કાવ્યા ઑલરેડી એકવાર ડિપ્રેશનનો ભોગ બની ચુકી છે. કારણ જુદું હતું પણ પરિણામ સરખું આવી શકે. ગીતને ય ખાસ કહેજે કે હું આ નહીં ને આવતા શનિવારે આવી શકીશ. થોડાં દિવસ રોકાઈશ. હવે જૈતશ્રીને વેકેશન છે એટલે એની ખાસ દોડાદોડી નહીં હોય. કદાચ એ ને બિહાગ પછીના અઠવાડિયે આવશે.
એ જ લિ.
માનસિક રીતે તો ક્યારની દિલ્હી પહોંચી ગયેલી,
હું.
***
24th April,'17
New Delhi.
પ્રિય અંતરા અને બિહાગબાબુ,
કાવ્યાને હોસ્પિટલથી રજા આપી દીધી છે. હવે હોસ્પિટલના આંટાફેરા નથી. એક વાવાઝોડું આપણા પર આવતા આવતા ફંટાઈ ગયું ને આફતને બદલે આપણા સૌ પર ખુશીઓનો વરસાદ વરસાવતું ગયું. કાવ્યાની ઢીંગલી કોના જેવી દેખાય છે મને કહું? મારા પપ્પા જેવી. બિલકુલ એ જ નાક-નક્શ.. ને ઉંઘતી હોય ત્યારે મારી મમ્મી જેમ ડાબા હાથથી આંખ ઢાંકીને સુઈ જતી એમ જ સુઈ જાય. મને તો લાગે કે મારા મમ્મી પપ્પા જ કાવ્યાને ત્યાં પાછાં આવ્યાં છે. આમ પણ કાવ્યા એમનો જીવથી ય વહાલી જ હતી ને? બાકી રહી ગયેલું લેણું પુરું કરવા પધાર્યા.. Even અાંટીએ પણ કહ્યું કે અસ્સલ નાનાનો ચહેરોમહોરો લઈને આવી છે. કેદારની બહુ મઝા આવે આમાં. એ જુદા જુદા એંગલથી અમને ઠસાવે કે દીકરી તો એના જેવી જ દેખાય છે. :D કાવ્યાને કહે કે તું તો મારી સાઈડમાં બોલ કે હા એ મારા જેવી દેખાય છે.. ને એં, આ કેદારપુત્રી એટલી તો હુશિયાર છે ને કે તું પૂછીશ જ નહીં. આખો દિવસ બીજા બધા આવે, જાય ત્યારે બેનબા ઊંઘે . કેટલું ય ઉઠાડો પણ જરા આંખ ખોલે ને જાણે હાજરી રજિસ્ટર કરી એમ જોઈને પાછા ઘોરવા માંડે. જેવો હું પહોંચું મોડી સાંજે કે મેડમ જાગી જાય. ટગર ટગર મારી સામે જોયા કરે મસ્ત. જાણે મારી જ રાહ જોતી હોય. એટલે મને તો પાક્કી ખાતરી છે કે આ મમ્મી પપ્પા જ છે . હું ન્યુઝીલેન્ડ ગયો એ પહેલા જ્યારે અહીં જોબ કરતો તો ત્યારે મારા આવવાના સમયે invariably બંને જણ વરંડામાં બહાર ખુરશી પર બેસીને રાહ જ જોતા હોય. હવે તું જ કહે , કેટલું બધું સામ્ય છે ? કાવ્યાને બહુ નાની હતી ત્યારે એક ટેવ હતી. મમ્મી અમને લઈને મામાને ત્યાં જતી ત્યારે મામા રાત્રે ગમે એટલા મોડા આવે, કાવ્યાને ઉંચકીને કંપાઉન્ડમાં આંટા મારે પછી જ કાવ્યા ઊંઘી જતી. એ જ ટેવ એની દીકરીમાં પણ આવી છે. History repeats ;) એ જન્મી તે જ દિવસથી મારે એને ઉંચકીને આંટા મરાવવા પડે.મને એટલું બધું વહાલ આવે ને એના પર તો.. કેદારને હજુ બીક લાગે છે આ બારકસને ઉંચકતા પણ આપડાને મસ્ત ફાવી ગયું છે. ને કકળાટિયણ નથી જરાક પણ એટલે વધારે મઝા આવે. મને લાગે છે કે એ પહેલો શબ્દ "મામા" જ બોલસે. તારા મહાદેવજી ગણપતિ બાપ્પા જે બધા હોય એમને પ્રાર્થના કર કે મારી બદલી ના થાય . જો બદલી નહી થાય તો જનતા આપની આભારી રહેસે.
આ કાવ્યા એટલી રુપાળી દેખાય છે ને .. માતૃત્વનો સંતોષ એના ચહેરા પર સાફ નજર આવે છે. પણ આજે સવારથી જરા મૂડમાં નથી એમ લાગે છે. મને તો ખબર નથી પડી પણ ગીતે મને કહ્યું. ને ગીત કહે એટલે ફાઇનલ. કેટલીબધી વાર પુછ્યું પણ બોલતી નથી. તું ફોન કરે ત્યારે એને આડકતરું પુછી જોજે ને . એ આમ મુંગી રહે તો મને હવે એક પ્રકારની બીક પેસી ગઇ છે કે એને ફરીથી ડિપ્રેશનનો એટેક તો નહીં હોય ને ?
પણ.. To be frank with you, મને ગીતની માતૃત્વની ઝંખના હવે સમજાય છે. નાના નાના ગુલાબી હાથ પગ આપણાને હળવી હળવી મુક્કી ને લાત મારતા હોય ત્યારે જે આનંદ આવે એ વર્ણવવા માાટે શબ્દોનો પનો ટુંકો પડે.
તમારી આવવાની રાહ જોઈએ છીએ. ને સરસ મઝાના અર્થસભર નામો શોધતી આવજે. કેદાર અને કાવ્યાએ તું પાડે એ જ નામ એવો આગ્રહ પકડી રાખ્યો છે. ગબા જેવા નામનું લિસ્ટ ના લાવતી પાછી. ;)
એ જ લિ.
મામા ;)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર