હવે ફરી મળી શકાશે ખરું?
25/11/16, કારતક વદ અગિયારસ, હસ્ત નક્ષત્ર, તુલા રાશિ,
પ્રિય સપ્તક,
એટલામાં તને અહીં આવ્યાને ત્રણ મહિના પૂરાં ય થઈ ગયાં? આનંદદાયક સમય કેમ પાંખાળા ઘોડા પર સવાર થઈને આવતો હશે? જાણે સપનું જોતાં હોઈએ એમ આંખ ખુલે, ન ખુલે એટલામાં તો ઉડી જાય. પરમદિવસે તેં ફોન પર કહ્યું કે હવે તારો પ્રોજેક્ટ પુરો થયો છે અને આવતા અઠવાડિયે સબમિશનના બીજાં દિવસે તું પાછો ન્યુઝીલેન્ડ જઈશ ત્યારે ઘડીભર તો મને માનવામાં જ નહતું આવ્યું. જાણે મેં મારી જાતે જ નક્કી કરી લીધેલું કે તું હવે કાયમ માટે અહીં જ સ્થાયી થઈ જવાનો છે. જેટલું જલદી સત્ય અને પરિસ્થિતિ સ્વીકારીએ એટલું જલદી પીડા રુઝાવા લાગે એવી ક્યારેક મેં જ કોઈને કહેલી ફિલસૂફી મારે ભાગે જ સમજવાની આવશે એવી ખબર નહતી. Anyways, no complaints, no grievances વાળી તારી ફિલસૂફી અજમાવી જોઉં. કદાચ જલદી સ્વસ્થ થઈ શકીશ. ચાલ, બીજી કંઈ વાત લખું.
કેમ તને ઉધરસ આવતી હતી? શું માફક ન આવ્યું? પેલા ભુરીયાને બદલે તારો વારો પડી ગયો કે શું? કંઈ દવા લીધી કે પછી હરિ ૐ? અચલાભાભીને કે સુરુપાઆંટીને કહે કોઈ ઘરગથ્થુ દવા આપે તને. એલોપથીના તો આપ વિરોધી છો. જો લા. ઠા. દાદાનો એક અક્સીર ઉપચાર મોકલું. કરજે ખરો. તને ખબર છે સાકરનું એક નામ 'સીતોપલા' છે? મેડિકલ સ્ટોરમાં બધી આયુર્વેદિક દવા તો ન મળે પણ સિતોપલાદિ ચૂર્ણ, સુદર્શન ઘનવટી જેવી દવાઓ સહેલાઈથી મળી જાય. એક ચમચી સિતોપલાદિ ચૂર્ણને મધ અને ઘી સાથે ભેળવીને ખાઈ લેજે. રાહત થશે. તને યાદ હોય તો તારા દાદી આ સિતોપલાદિ કાયમ એમના દવાના ડબ્બામાં રાખતાં. ઈન ફેક્ટ, સિતોપલાદિ મેં સૌ પહેલી વાર એમની 'આબરા કા ડાબરા... ખુલ જા સીમ સીમ' દવાની પેટીમાં જ જોયેલું . જગત આખાના કેટલાંય રોગો સામે રક્ષણ થાય એવી જાદૂઈ દવાઓ ભરેલી હતી. પેટી ય પાછી એકદમ કલાત્મક હતી.
એ તારા ઘરે એક હનુમાન ને એક રામ એમ બે મસમોટાં માસ્ક હતાં. ક્યાં ગયાં? ને પેલી બાબા આદમના જમાનાની ખુરશી? પેલું ગ્રામોફોન મારે જોઈતું હતું ને તેં પેલી નૌટંકીને આપી દીધેલું એ હજુ યાદ છે મને. ઝઘડો ય કરેલો મેં તારી સાથે એ બાબતે કે તેં મને કેમ ન આપ્યું? એ વખતે ય તેં મને સમજાવી મુકેલી... ને હું સમજી ય ગયેલી કે ભાઈએ સોંટા પાડવા જ આવું કર્યું છે. એ વીસનખાળીને એના ડ્રામાના માત્ર બે સીન માટે જ એ જોઈતું હતું ને ભાઈ દાનેશ્વરી કર્ણે કાયમ માટે આપી દીધું. બોઘડદાસ ક્યાંયનો. તારા ઘરમાં બધી એન્ટિક વસ્તુઓ બહુ હતી, નહીં? ડબલા, ડબલી, પટારા, ઈસ્કોતરો અને તું ;) sorry sorry :p હવે ગામડાંઓમાંથી ય મનોરંજન અને કેટલાંયની રોજીરોટીનું આ સાધન એવી રામલીલાઓ કે ભવાઈનાં વેશ ઓછાં થઇ ગયાં છે. બિલકુલ એવાં જ માસ્ક બિહાગ યુ.પી.નાં કોઈ ગામડાંની રામલીલામાંથી ખરીદી લાવ્યો છે. ઘરમાં ક્યાં મૂકવુ એ નક્કી ન હતું એટલે એમ જ બારી પર મૂકી રાખેલું તો એને તારી બેનપણીએ જો શું ખેલ કર્યો! સોફાની બેક ઉપર માસ્ક મુક્યું, સોફા પર સ્વેટર મુકીને એની બાંય ફેલાવી અને નીચે ટ્રાઉઝર એવી રીતે મુક્યું કે કોઈ બેઠું છે એવું લાગે. છે ને નોટ?
ગીત અને કાવ્યા દિલ્હીની ઠંડી માણે છે એમ ને? બંને સાથે નિયમિત વાત/ ચેટ થતી રહે છે. ખુશ છે બંને એટલે બસ. આપણાં વહાલાં ખુશ હોય અને હંમેશા ખુશ રહે એનાંથી વિશેષ આપણે ભગવાન પાસે શું માગીએ? બરાબર ને? ને ઓ મહાત્મા, કાવ્યાના વરનું નામ બૈજુ છે કે કેદાર? કોઈવાર તું બૈજુ કહે, કોઈવાર કેદાર...કે પછી બંને નામ એના જ છે? હજી એની સાથે વાત કરવાનું બન્યું નથી કદી પણ તમારા લોકોની વાત પરથી એમ લાગે છે કે એનો સ્વભાવ બિહાગ જેવો હશે. જો એવો હશે તો મને તો એની સાથે ફાવશે, એની ખબર નહીં.
એ જ લિ.
ફરી કોણ જાણે ક્યારેય મળીશુંની લાગણી સાથે યાદ કરનાર,
અંતરા.
P. S. : તારી ન્યુઝીલેન્ડની ટિકીટ અમદાવાદથી ન કરાવીશ. મારાથી તને વિદાય નહીં આપી શકાય. મને ખબર છે કે વાસ્તવિક્તા એ જ છે તો ભલે રહી. પણ હું તને વિદાય નહીં જ આપી શકું .
****
25/11/16
પ્રિય સખી અંતરા,
હજુ ય રોતલ જ રહી? કોઈ આટલું બધું રડે કે? બિહાગને કેવું લાગે ? કંઈ ભાન પડે કે નહીં તને? જાણે આપણે ફરી મળવાના જ ન હોઈએ એમ રડતી હતી. ભયંકર જોખમ છે તું. બિહાગે મને ફોન કરીને પુછ્યું કે એ તને બે દિવસ અહીં મોકલી આપે તો મને વાંધો નથી ને? મને એટલુ તો ખરાબ લાગે છે કે મારે એમને ના કહેવી પડી. ( જો મારે છેલ્લાં દિવસ સુધી submissionનું ડીંડક ન હોત તો હું જ ત્યાં આવી જાત અને ત્યાંથી જ ટિકીટ કરાવતે. એ માણસની લાગણી જો તું. તારી આંખમાં સહેજ પણ ભીનાશ દેખાય તો ય એ બિચારો અર્ધો અર્ધો થઈ જતો હશે i am sure. તારી ગોર્યો ફળી તને. બિહાગ તને જેટલું સમજે છે એટલું તો કદાચ તું ય તને નહીં સમજતી હોય એવી મારી માન્યતા છે. Really, a gem of a person... તને ફોન કર્યા પછી હું ય થોડીવાર તો જરા સેન્ટી થઈ ગયેલો. મને ય એમ થઈ ગયું કે હજુ અહીં થોડું રોકાવા મળે તો સારું. આપણે બધાં quality time spend કરીશું ને આમ જઈશું ને પેલું ખાઈશું ને what not... પણ પછી તરત જ મેં મારી લાગણીઓ પર કાબૂ મેળવી લીધો . મર્દ કો દર્દ નહીં હોતા . ;) એટલે કે... મર્દ કો દર્દ તો હોતા હૈ પણ દેખાડતે નહીં હે તુમ લડકી લોક કી તરહ. ( ગમ્મે એટલો પ્રયત્ન કરું તો ય તારા જેવું હિન્દી તો હું નહીં જ બોલી શકું :p ) Now all set to fly next week. બાજુમાં અંકલને ત્યાં આજે સવારે ચ્હા પીવા ગયો ત્યારે મારા જવા વિષે વાત કરી તો એ લોકો પણ ઉદાસ થઈ ગયા. એમાં ય ભાભી તો રડવા જ લાગ્યા. ને પછી સુરુપાઆંટી ય એમને છાનાં રાખતા રાખતા પોતે રડવા લાગ્યા. હું આ જનમ ને ગયો જનમ એવું બધું ખાસ માનતો નથી પણ હવે મને માનવાનું મન થાય છે કે મને તમે બધાં મળ્યા એ માત્ર મારા આ જનમનાં કર્મોનું ફળ નહીં જ હોય. ગઈ વખતે બાંધેલા કર્મોનું ફળ પણ આ વખતે ઉમેરાયું હોવું જોઈએ.
J ને ન્યુઝીલેન્ડ મોકલી આપજે વેકેશનમાં. Of course, તમે લોકો ય આવી શકો તો અમને તો ગમશે જ પણ આ તો એને આવવું હોય તો રોકતી નહીં. હવે એના uncleS અને AuntyG ત્યાં છે જ. જરાય તકલીફ નહીં પડવા દઈએ.
ધીમન અંકલે મને એમની લાયબ્રેરીમાંથી જે પુસ્તક લઈ જવું હોય એ લઈ જવા કહ્યું. તારે મને કસુ નથી આપવું? ગીતને તો આપ છેવટે? કંજુસ હારી. મુનશીવાળો સેટ બી ના મોકલ્યો. આપડે નક્કી જ કર્યું છે કે એ સેટ તો તું ગીફ્ટ આપે તો જ લેવો બાકી નહીં.
અત્યારે હવે બંધ કરું લખવાનું. ઑફિસથી કોઈ આયુ લાગે છે મળવા. કદાચ અહીંથી આ મારો છેલ્લો પત્ર છે. પછી ન્યુઝીલેન્ડથી લખીશ.
બિહાગનો ખાસ આભાર. J ને અઢળક વહાલ.
લિ. પાછાં આવવાનાં સપના ખુલ્લી આંખે જોતો ,
હું.
P.S. ઓહ માય્ય ગ્ગોડ, વ્હોટ અ ટેલિપથી! કાન્ટ બિલિવ ધીસ. મુનશીનો આખો સેટ કુરિઅર કર્યો મને? મને એમ કે તું ભુલી જ ગઈ છે તો હવે મને તને હેરાન કરવાની એક તક નવી મળી. J કહે છે એમ ' ચોપ્પ થઈ ગયું આ તો..' Thanks a lot dear friend .. Keep in touch.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર