તારા માણેક નોતરાંને માન આપીને...

08 Oct, 2016
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: khabarchhe.com

ગાંધી જયંતિ,ચિત્રા (02/10/2016 ) 11.45 રાત્રે.

 

અમદાવાદ .

 

પ્રિય ભાઈબંધ સપ્તક,

 

આજે ગાંધી જયંતિ. અમદાવાદમાં ઠેર ઠેર કાર્યક્રમ હતા. સાવ અલગ કાર્યક્રમ 'નવજીવન ટ્રસ્ટ'નો હતો. જેલના કેદીઓએ અહીં ગયા અઠવાડિયે એમની ચિત્રકળાની ઝલક દેખાડેલી તો આજે એમના કંઠનો જાદુનો પરિચય કરાવ્યો. હું તો જઈ નહતી શકી પણ એક મિત્રના જણાવ્યા અનુસાર નવજીવન ટ્રસ્ટ ઈ.સ.2020 સુધીમાં 'ગાંધી 150' નામના પ્રોજેક્ટ અંતર્ગત ઘણી ઈવેન્ટ્સ કરશે. માહિતી મળશે તો કહીશ તને. પેલાં કેદીઓનાં ચિત્રોના ફોટોગ્રાફ્સ જોયા? અદ્ભુત ને? 

 

આ વખતે વરસાદે નવરાત્રિની મઝા ઝૂંટવી જેવી લીધી. પહેલાં જ નોરતાથી વરસાદ વિલન બન્યો છે. જ્યારે આવવો જોઈતો હતો ત્યારે આવ્યો નહીં અને હવે ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી રહ્યો છે. હજુ તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે છઠ્ઠી ઓક્ટોબર સુધી વરસાદ પડે એવી વકી છે. સામાન્ય રીતે આપણા હવામાન ખાતાની આગાહીઓ સાચી પડતી નથી. આપણે એવું ઇચ્છીએ કે આ વખતે પણ ખોટી પડે અને વરસાદ ન જ આવે. પણ આગાહી ખોટી પડે ને વરસાદ બધા દિવસ પડે તો ? ;) 

 

સાબરમતી રિવરફ્રન્ટ પર નવરાત્રિ નિમિત્તે બે વિરાટ દાંડિયા મૂક્યા છે. 45 બાય ત્રણ ફુટના માપના આ દાંડિયામાં સાત ટન... i repeat... સાત ટન લોખંડ વપરાયું છે. પ્લસ આ દાંડિયાનો 'ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકર્ડમાં  સમાવેશ કરવામાં આવ્યો છે. ફોટો મોકલું વોટ્સઅપ પર? 

 

હમણાં જ મોબાઈલ પર એક ન્યૂઝ સ્ક્રોલ થયાં. : 'એક વરસ સુધી તાજમહાલ જોવા નહીં મળે.'

દિલ્હીના પ્રદુષણના પ્રતાપે આ ઐતિહાસિક ઈમારતને પારવાર નુક્સાન પહોંચે છે. એટલે સરકાર એપ્રિલ, 2017થી માર્ચ, 2018 સુધી અહીં સમારકામ કરશે તો તાજનો મુખ્ય ડોમ એટલો સમય જોવા નહીં મળે. તાજની પીળાશ દૂર કરવા માટે લગભગ બે ( 2 ) મીમી જેટલો ગુલાબજળ ભેળવેલો મુલતાની માટીનો થર લગાડવામાં આવશે. - બસ, આટલી વિગત છે. આ થર કેવી રીતે કેટલો સમય લગાડવો પડશે એવું બધું લખ્યું નથી. અંગત રીતે જો કે મને તાજમહાલ માટે ખાસ આકર્ષણ નથી. અન્ય ઐતિહાસિક ઈમારતો જેવી ઈમારત. વિશ્વ કક્ષાની અજાયબી હું જોઈ શકી એ વાત અલગ પણ એ બનાવડાવ્યા પછી બાદશાહે કારીગરોનાં હાથ કાપી નંખાવેલા એ ક્રુરતા મને તાજ માટે અહોભાવ થતા રોકે છે. મને પથ્થરમાં વધારે રસ પડે. અહીં ગુજરાતમાં ઈડરના પથ્થરો પ્રખ્યાત છે. દરેક પથ્થર જીવતી વારતા સમો છે. સદીઓથી ઋષિમુનિઓની માફક મૌન રહી, અડિંગો જમાવીને બેઠેલાં આ પથ્થરોએ કેટલાં રહસ્યો ભંડારી રાખ્યા હશે! અમિતાભ બચ્ચન મને બહુ ગમે છે પણ એણે આ જગ્યા પર એનું મ્યુઝિક આલ્બમ શૂટ કરીને પથ્થરોની શાંતિ છીનવી લીધી . 'આ બચ્ચનવાળો પથરો' બોલનારા લોકોએ સ્થળનું સૌંદર્ય જાળવવાને બદલે ખાણીપીણી ને પિકનિક સ્પોટ બનાવીને અહીંના પર્યાવરણને ડહોળી નાંખ્યું એમાં બેમત નથી. તું બેંગલોરથી હમ્પી જવાય તો જજે. બહુ જ સરસ જગ્યા છે. બેંગલોરથી છ-સાત કલાક દૂર છે. તુંગભદ્રા નદીની આગોશમાં પથ્થરો અને મંદિરોથી ઘેરાયેલા હમ્પી અંગેની દંતકથાની ધાર્મિકતામાં ઊંડા ઊતરવાને બદલે just enjoy the rocks. મારે જવું છે એકવાર અહીં. ફોટોગ્રાફી અને ચિત્ર, બંને માટે આ સ્થળ સ્વર્ગથી કમ નથી એમ કહેવું સહેજ પણ અતિશયોક્તિ ભરેલું નથી. બે માંથી કંઈ ન કરવું હોય તો ય શહેરના પ્રદૂષણથી સાવ અલિપ્ત આ સ્થળ પર રિચાર્જ તો થઈ જ જવાય. 

 

તારું પ્રેઝન્ટેશન કેમ ચાલે છે? મસ્ત જ હશે વળી. ઓફિસ અવર્સ સિવાયના સમયે આજુબાજુમાં ઘુમી વળજે. તારી પાસે પ્રોફેશનલ કેમેરા નથી પણ મોબાઈલથી પાડજે. આજીવન સ્મરણ રહેશે. 

 

કાવ્યા સાથે નિયમિત વાત થાય છે હવે. ફોટોગ્રાફ્સ આવ્યાં છે એના અને કેદારના. સુંદર તો છે જ એ ને એમાં    પ્રેગનન્સીનો ગ્લો... મીઠડી મારી... ગીત સાથે ય વાત થઈ. મારા કરતાં ય વધારે બોલે છે બાપા તારી વહુ તો. એને તું કહે છે કે નહીં : 'બોલવાનું બંધ કર,  મારું માથું દુખે છે તારા બકવાસથી?' શાનું કહેવાય એ તો? કાઢી મૂકે તને. જોરુ કા ગુલામ. બધી દાદાગીરીઓ ત્યાં દેખાડ તો ખરો માનું . ;) 

 

ચલ, હવે પછી વાત. બિહાગ અને જૈતશ્રી બોલબોલ કરીને મારું ધ્યાન બીજે વાળી રહ્યાં છે. હવે એમનો વારો પાડવો પડશે. જ્યારે હું તને પત્ર લખતી હોઉં ત્યારે જ બે ય બાપ દીકરીને તોફાનો સૂઝે. 

 

લિ. જવાબમાં તું શું લખશે એ અટકળ કરવાની મઝા લેતી,

 

હું. 

 

*********

 

(એકેય જયંતિ નથી ને નક્ષત્ર તો તું જ જોઈ લેજે.)

 

પરીય સખી અન્તરા,

 

તારા પતર વાન્ચવાની મજા પડે છેતે જાણશો. ઊંઝા જોડણી યાદ આવી ગઈ તો એવુ લખવા પરયતન કરી જોયો પણ આપણી આન્ખો આ રીતનું લખાણ વાન્ચવા ટેવાયેલી નથી એટલે વાન્ચતા વાર થાય. ને લખતાં તો એનાથી ય વધારે વાર થાય. સું કહે છે? 

 

નવરાત્રિ બગડી, એમ ને? કંઈ નઈ. Better luck next time. નઈ તો ગરબા તો આપણે જ્યાં સુધી રમવા હોય ત્યાં સુધી રમાય . દિવાળી સુધી રમો તમતમારે ..;) sorry sorry.. Just teasing. I know how much you love festivals especially Navratree. દાંડિયાવાળુ જોરદાર છે. અમારા વોટ્સઅપ ગૃપમાં એકવાર આ રિવરફ્રન્ટ પર કોઈ મેળો કે એવું કંઈ હતું ત્યારે giant size કીટલીનું સ્કલ્પચર કોઈએ બનાવેલું તેનો ફોટો મોકલેલો. મોટ્ટી કીટલીના સ્ટ્રક્ચરમાં નાની નાની કીટલીઓ હતી એવું કંઈક યાદ રહી ગયું છે. Not sure. 

 

તાજમહાલ તો આપણું ગૌરવ છે,ગાંડી. લોક બધું દેસવિદેશથી તાજ જોવા આવે ને તમને એ ગમતું નથી બોલો. પેલો યાન્ની યાદ છે? પેલો સંગીતકાર?  તાજમહાલ ખાતે મ્યુઝિક કોન્સર્ટ કરેલી? સાલ ને એવું બધું યાદ નથી પણ બહુ વિવાદ થયેલા. ને ભારે ઉગ્ર વિરોધ વિવાદ વચ્ચે ય એ કોન્સર્ટ થયેલી. કલાને કોઈ સીમાડાં ના હોય. પણ આપણા હિન્દી ફિલ્મોના કલાકારો પાકિસ્તાન પર સેના વરસી પડે છે, ખબર નહી. પાકિસ્તાની કલાકારો માટે એમનો દેશ પહેલો છે એવું એ લોકો જ કહે ય છે ને આપણા સલ્લુ મિંયા જેવા કલાકારો  આપણા દેશના જવાનોને બદલે આ કલાકારોને વધાવે. અલ્યા તારા દેશની રક્ષા એ કલાકાર કરવાના છે? આપણે ય એમ માનીએ જ છીએ કે કલાને કોઈ સીમાડા ન હોય પણ જ્યાં દેશની વાત આવે ત્યાં પોતાની કલા કરતા દેશદાઝનો નંબર પહેલો આવવો જોઈએ. ને જે-તે કલાકારોને સમર્થન આપીને સાબિત શું કરવું હશે આ બુદ્ધિજીવીઓને એ મારા જેવા ઓછી અક્કલવાળા કે અક્કલહીન માણસને પલ્લે પડતું નથી. 

 

ધીમનઅંકલ પાસેથી ભગવદ્ ગોમંડળ લઈ આયો છું. અમથે અમથા પાનાં ફેરવવામાં એક શબ્દ વાંચ્યો: માણેક નોતરું. એનો અર્થ શું થાય ખબર છે? 'માનને ખાતર આપેલું નામનું નોતરું ; શિષ્ટાચારને ખાતર કરેલું નોતરું કે આમંત્રણ ; નામનું નોતરું.' છે ને જબ્બર?  એ તું મને બોલાવ બોલાવ કરે છે એ ય આવું માણેક નોતરું તો નથી ને ? કહી દેજે હોં. અને એવું હોય તો ય બંદા આવવાના જ. તું રોકે સેની મને? 

 

ધીમનઅંકલને ત્યાં ટીપીકલ નાગર ગરબા થાય છે. બેઠાં ગરબા. આજુબાજુ નોન-ગુજરાતી પડોશીઓ ય આવે રોજ સાંજે. આજે મેં પ્રસાદ ધરાવેલો. કાવ્યા માટે .મારી બહેનની કેદાર છે એટલે ચિંતા તો એક ટકો ય નથી પણ તો ય મારી બહેન છે. મમ્મી પપ્પાની ખોટ તો હું કે ગીત પૂરી ના કરી શકીએ પણ અમારાથી બનતું તો બધું કરીસું જ. ગીતને પણ એટલી જ વહાલી છે કાવ્યા. હું બઉ નસીબદાર છું કે મને ગીત જેવી સમજદાર પાર્ટનર મલી. Senti .. :( 

 

C ya.. 

 

સપ્તક. 

 

PS: 

 

જૈતશ્રીને કહેજે કે મને યાદ જ છે.big hello to Bihag. 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.