મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (8)

14 Apr, 2017
12:00 AM

સલિલ દલાલ

PC: cloudfront.net

મધુબાલા સામે કરેલા કેસમાં વિવાદનો મુદ્દો એ હતો કે આઉટડોર શૂટિંગ કરવા માટે મુંબઈથી દૂર ભોપાલ અને પૂણે સુધી જવાનું જરૂરી હતું? બી.આર. ચોપરાના પક્ષે થયેલી જુબાનીઓ અને રજૂઆતો પછી એ લગભગ નક્કી હતું કે કેસનો નિર્ણય તેમની તરફેણમાં આવશે. ન્યાયાધીશ પારેખ એ વાતની ચોકસાઇ કરવા ફિલ્મ જોવા ગયા હતા કે ખરેખર તેમાં આઉટડોરની જરૂર હતી કે નહીં? જેમણે પણ ‘નયા દૌર’ જોયું હોય (અને આટલી સુંદર ફિલ્મ કોઇએ કેમ ના જોઇ હોય?) એ સૌ જાણે છે કે ફિલ્મની વાર્તામાં રોડના બાંધકામનો પણ મહત્ત્વનો રોલ હોઇ બહાર શૂટિંગ જરૂરી હતું જ. તેને હાઇલાઇટ કરતું ગીત ‘સાથી હાથ બઢાના....’ તો ઠીક ચોપરાજીએ અન્ય ગાયનો ‘માંગ કે સાથ તુમ્હારા, મૈંને માંગ લિયા સંસાર....’, ‘આના હૈ તો આ રાહ મેં કુછ દેર નહીં હૈ, ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ....’ ઉપરાંત જહોની વોકર પર ફિલ્માવાયેલું ગીત ‘મૈં બમ્બઈ કા બાબુ, નામ મેરા મસ્તાના, ઇંગ્લિશ સ્કૂલ મેં ગાઉં મૈં હિન્દુસ્તાની ગાના...’ પણ રોડ કન્સ્ટ્રક્શનની સાઇટ પર શૂટ કર્યું હતું. 

વળી, છેલ્લે આવતી રેસનાં દૃશ્યો માટે તો વિશાળ ખૂલ્લી જગ્યા જોઇએ જ, જ્યાં ગામલોકો બેસીને તેનો અંત જોઇ શકે. ‘નયા દૌર’ના એ સીન જોયા પછી મેજિસ્ટ્રેટ પારેખ સાહેબને સમજાઇ ચૂક્યું હતું અને તે તેમણે જજમેન્ટ આપતાં ભારપૂર્વક કહ્યું પણ ખરું. ચુકાદામાં એમ કહેવાયું કે ‘નયા દૌર’ સ્ટુડિયોમાં ના બની શકે. તેને માટે આઉટડોર શૂટિંગ જરૂરી જ હતું. આમ કેસનો પ્રથમ તબક્કો પૂરો થયો હતો. હવેની મુદતે મધુબાલા સામે આરોપો ઘડવાના હતા. તે દિવસે શું થશે તેની આતૂરતાપૂર્વક રાહ જોવાતી હતી. આ બાજુ ‘નયા દૌર’ ટિકિટબારી પર ધૂમ મચાવતું હતું. બી.આર.ચોપરાનો મુદ્દો સાબિત થઈ ચૂક્યો હતો. આઉટડોર માટે હીરોઇને આવવું જ પડે એવી વાર્તા હતી. જો મધુબાલાએ  સ્ટોરી સાંભળીને નાયિકાના રોલ માટે સંમતિ આપી હોય તો એ તે માટે ઇનકાર ન કરી શકે. નિર્માતા-દિગ્દર્શકે પોતાના હીરોને તેના પ્રેમપ્રકરણમાં મદદરૂપ થવા શૂટિંગ મુંબઈ બહાર કરવાનું બહાનું નહતું ઊભું કર્યું. હવે સુનાવણીની તારીખે મેજિસ્ટ્રેટ આગળની કાર્યવાહી કરે તે પહેલાં ચોપરાજીએ ખેલદિલી બતાવી.

તેમણે ‘બી.આર. ફિલ્મ્સ’ તરફથી કરાયેલી ફરિયાદ પાછી ખેંચવાની અરજી કોર્ટને આપી. હવે કાનૂની વ્યવસ્થાના અભ્યાસીઓ જાણે છે એમ, ક્રિમિનલ કેસમાં ફરિયાદ પાછી ખેંચવાની અરજદારને છૂટ હોતી નથી. કેમ કે ફરિયાદ કાયદો અને વ્યવસ્થાના ભંગ અંગે થતી હોઇ, ફોજદારી કેસમાં સરકાર પાર્ટી થઈ જાય. પરવાનગી ના મળી. ચોપરા સાહેબે અપીલ કરી અને છેવટે ફરિયાદ પાછી ખેંચાઇ. પણ મધુબાલા માટે એ આખો સમય ભારે હતાશા અને તણાવનો રહ્યો. દિલીપ કુમાર સાથે સંબંધ રહ્યા નહીં. એ બંનેનું એક માત્ર પિક્ચર ‘મુગલ-એ-આઝમ’ બાકી હતું. એ બેઉ કલાકારોને અમર પ્રેમીઓ બતાવતા રોલ હતા. શૂટિંગમાં મુશ્કેલી થઈ શકી હોત. પરંતુ, કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર મધુબાલાએ આખું પિક્ચર પૂરું કરાવ્યું. સૌ જાણતા જ હશે કે જે સીનને હિન્દી સિનેમાના ઇતિહાસનાં પ્રણય દૃશ્યોમાં શિરમોર કહેવાય છે, એ પણ આ અબોલા દરમિયાન જ શૂટ થયો હતો. યાદ છે ને એ સીન?

એક બાજુ સંગીત સમ્રાટ તાનસેન પોતાના શાસ્ત્રીય ગાયનનો રિયાઝ કરતા ‘પ્રેમ જોગન બન કે....’ ગાતા હોય છે. પ્રિન્સ સલીમે પત્ર લખીને જ્યાં મળવાનું કહ્યું હોય છે એ સ્થળે અનારકલી પહોંચે અને પછી બંનેની પ્રણયક્રિડાને કે. આસિફે એક કવિતાની માફક કચકડે મઢી છે એ જ્યારે જુઓ ત્યારે તે પ્રેમની કોમળતાનું અદભુત ચિત્રણ લાગ્યા વિના ના રહે. મધુબાલાના ખૂબસૂરત ચહેરાને સફેદ પીંછા વડે લાડ કરાવતા દિલીપકુમારના એ દૃશ્યને સેક્સના અભ્યાસીઓ ફોરપ્લેનો શ્રેષ્ઠ નમૂનો કહે છે. ધીમે ધીમે એ જ પીંછાની આડમાં ચુંબન કરવા આતુર સલીમ અને અનારકલી ઢંકાઇ જાય! કેમેરો બંનેને રાતભર સાથે રહ્યાં હોવાનું બતાવવા પરોઢિયે ખરેલાં પુષ્પોથી ઢંકાઇને સૂતેલાં મધુબાલા પર આવે. એક પગથિયા નીચે દિલીપ કુમાર પણ સૂતા છે. જાગીને એ મધુબાલાના ચહેરા પરનો પારદર્શક દુપટ્ટો ભારે નજાકતથી ખસેડે અને મધુબાલાના ચહેરાને નાજુકાઇથી પસરાવતા દિલીપકુમાર! પ્રણયની આ પરિભાષા હિન્દી પડદા માટે ત્યારે બેનમૂન હતી. (અને કદાચ આજે પણ છે.)

એ લવ-સીન માટે ખુદ દિલીપ કુમારે પોતાના આત્મકથનમાં આવી નોંધ કરી છે... ‘પેલો કલાસિક સીન જ્યારે પીંછું અમારા હોઠ વચ્ચે આવી જાય છે, જેનાથી લાખો કલ્પનાઓ પ્રજ્વલિત થઈ હતી, એવા સમયે શૂટ થયો હતો, જ્યારે અમે બંનેએ એકબીજાને ‘કેમ છો’ એમ પણ પૂછવાનું બંધ કરી દીધું હતું. ન્યાય કરવાની રીતે એ દૃશ્ય ફિલ્મ ઇતિહાસનાં પાનાં પર વ્યાવસાયિક રીતે પ્રતિબદ્ધ બે કલાકારોની કળાને અંજલિ કહેવાવી જોઇએ જેઓએ પોતાના અંગત મતભેદોને બાજુ પર રાખીને પડદા પરની એક સંવેદનશીલ, આકર્ષક અને કામુક ક્ષણની નિર્દેશકની પરિકલ્પનાને પરિપૂર્ણ કરી....’ તેથી ‘મુગલ-એ-આઝમ’ના શૂટિંગમાં મુખ્ય કલાકારોના અણબનાવને લીધે કોઇ અંતરાય ન આવ્યો. એ ફિલ્મ અને તેના મેકિંગની પડદા પાછળની વાતોનો પાર નથી. પરંતુ, અત્યારે આપણે મધુબાલાની કથા માંડી છે, ત્યારે તેમના સંદર્ભે જોઇએ તો પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર એક કમિટેડ આર્ટિસ્ટ કેટલી જવાબદારીથી કામ કરી શકે તેનું એ ફિલ્મ અને તે અભિનેત્રી અપ્રતિમ ઉદાહરણ કહી શકાય.

મધુબાલાની તબિયત કેટલી નાજુક હતી એ ઠેઠ 1954મા મદ્રાસમાં ‘બહુત દિન હુએ’ના શૂટિંગ દરમિયાન તેમની ઉલ્ટીમાં લોહી દેખાયા પછી ઇન્ડસ્ટ્રીમાં કોઇનાથી અજાણ્યું નહોતું. છતાં પિક્ચરની શરૂઆતમાં અનારકલી બાદશાહ અકબર અને શાહજાદા સલીમની સમક્ષ રૂબરૂ પ્રસ્તુત કરાય છે એ નાટ્યાત્મક દૃશ્ય માટે મધુબાલાને કેવું કષ્ટ સહન કરવું પડ્યું હતું? એ સીનમાં સફેદ આરસમાં ઘડેલી મૂર્તિ તરીકે સ્થિર અવસ્થામાં મધુબાલાને ઊભા રહેવાનું હતું. તે માટે પોતે આખા શરીરે સફેદો લગાવડાવવાનો હતો. પગથી માથા સુધી વાળ, આંખો અને પાંપણો સહિત સફેદ રંગાયા સાથે તેમનો ડ્રેસ તેની ગડીઓ વગેરે તમામ એક સફેદ મૂર્તિનાં હોય એવાં લાગે એમ બતાવવા કલર કરાયાં હતાં. તેને કારણે વસ્ત્રોનું વજન પણ ઘણું વધી ગયું હતું. જો તમે પ્રથમવાર ‘મુગલ-એ-આઝમ’ જોતા હો તો, જ્યાં સુધી મધુબાલા હાલે નહીં ત્યાં સુધી કલ્પના પણ ન થઈ શકે કે આ કોઇ સ્ટેચ્યુ નહીં પણ જીવતી જાગતી વ્યક્તિ છે! એક હાર્ટ પેશન્ટ માટે આ શ્રમ જ હતો. પરંતુ, મધુબાલાએ એ સીન પણ એતલી જ નિષ્ઠાપૂર્વક કર્યો, જેટલી તકલીફો વેઠીને એક કેદી તરીકે સાંકળોમાં બંધાઇને જેલમાં રહેવાનાં તથા રાજદરબારમાં ઉપસ્થિત થવાનાં દ્દશ્યો ભજવ્યાં. 

જેલમાં ગવાતા ગાયન ‘મોહબ્બત કી જુટી કહાની પે રોયે....’ માટે દિગ્દર્શકે સાચી વજનદાર સાંકળો પહેરાવવાનો આગ્રહ રાખ્યો હતો. આજે પણ ‘યુ ટ્યુબ’ પર એ ગીત જુઓ તો સીનમાં વાસ્તવિકતા લાવવા કે.આસિફે પથરાવેલી અને લટકાવેલી લોખંડની સાચી સાંકળો જોતાં તો ‘વાહ’ કહેવાનું મન થાય. પરંતુ, મધુબાલાના હાથ પર જે સંખ્યામાં સાંકળો લટકાવાઇ છે, તે જોઇને તો એ છોકરીની દયા જ આવે! પોતાની બીમાર હીરોઇનને રાહત આપવા વજનમાં હલકી કલર કરેલી એલ્યુમિનિયમની સાંકળો ન લવાય? અથવા હાથે પહેરાવાયેલા સાંકળોના ઝુમખામાંથી બે ઓછી પણ ના કરી શકાય? મધુબાલાનો એ દાખલો જોઇને જ કદાચ કમાલ અમરોહીએ ‘પાકીઝા’ના અમુક ડાન્સમાં મીનાકુમારીને બદલે પદ્મા ખન્નાના લોંગ શોટ લઈને પોતાની પત્નીને રાહત આપી હશે. જો કે ડાયરેક્ટર કે.આસિફને અન્યાય ન થાય તે માટે એક ચોખવટ જરૂરી છે.

આસિફ સાહેબનો વાસ્તવિકતાનો આગ્રહ એવો હતો કે હીરોઇનનાં ઘરેણાં પણ અસલ સોનામાં જ તૈયાર કરાવ્યાં હતાં અને તેમાં મઢેલાં હીરા-મોતી પણ અસલી હતાં. યાદ રહે, મૂળે તો ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ જ હતી. છતાં એવો આગ્રહ!  આવા બધા ખર્ચાઓ અને ‘ચાલશે.... ફાવશે’નો અભિગમ નહીં પણ પોતાને સંતોષ થાય એવો સેટ ન તૈયાર થાય ત્યાં સુધી કામ શરૂ નહીં કરવાની જીદને લીધે, તેમના ફાયનાન્સારે તો એક તબક્કે આસિફ સાહેબને કાઢીને સોહરાબ મોદીને ડાયરેક્શન સોંપવાનું નક્કી કરી દીધું હતું. એ સમય હતો જ્યારે ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ એ અમર ગીત માટે શીશ મહલનો ૧૩૦ બાય ૮૦ ફુટનો ૩૦ ફુટ ઊંચો સેટ ઉભો કરતાં બે વરસ લાગ્યાં હતાં. તેમાં જડવાના ખૂબસુરત કલરફુલ કાચ બેલ્જીયમથી મંગાવવાનો આગ્રહ રાખ્યો હતો. એ વાત અલગ છે કે શૂટિંગ પતી ગયા પછી પણ એ સેટ બે વરસ સુધી મુંબઈના મુલાકાતીઓ માટે ટુરિસ્ટ એટ્રેક્શન બન્યો હતો. પરંતુ, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’નું શૂટિંગ શરૂ થતું નહોતું એવા સમયે એક દિવસ એ બનતો સેટ તોડવાનો તથા આસિફને કાઢીને સોહરાબ મોદીને લેવાનો નિર્ણય ફાયનાન્સર શાપૂરજીએ લીધો હોવાના સમાચાર ઇન્ડસ્ટ્રીમાં ફેલાઇ ચૂક્યા હતા. બીજે દિવસે સવારમાં સોહરાબ મોદી અને શાપૂરજી સેટ પર આવ્યા અને શું જુએ છે?

કે. આસિફ શહેનશાહ અકબરના સિંહાસન પર બેઠા છે અને ધમકીની ભાષામાં કહી રહ્યા હતા, “આ સેટને તોડવાની હિંમત કરનારના હું ટાંટીયા તોડી નાખીશ....”! આવો હિંસક મૂડ જોઇ બન્ને પારસી બિરાદરો ખચકાયા. આસિફે બેઉની માફી માગીને કહ્યું કે એક વાર ગાયન શૂટ થઈ જવા દો. તમને ના પસંદ પડે તો જે નિર્ણય તમે લેશો તે સ્વીકારીશ. આજે આટલા દાયકા પછી પણ એ સ્તરનું, પ્રેમીઓના બળવા પ્રત્યે એવી લાગણીઓ ઉભી કરનારું બીજું કોઇ ગીત અમને તો દેખાતું નથી. એ ગાયન શરૂ થતાં અગાઉનું મધુબાલાનું નૃત્ય જુઓ કે ગીત દરમિયાનના ચહેરાના હાવભાવ ક્યાંય ખામી ન કાઢી શકો. મધુબાલાની ટેલેન્ટનું એ ગીત અલ્ટિમેટ સર્ટિફિકેટ છે. તેમના અભિનયમાં સલ્તનતના બાદશાહની અમાપ સત્તાની કોઇ પરવા વગરનું, નર્યા પ્રેમનું, એલાન છે. પરંતુ, પ્રેમીઓની પેઢીઓની પેઢીઓ જેનાથી પ્રોત્સાહિત થાય છે એવા એ શબ્દો ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ શરૂઆતમાં ક્યાં હતા? શાયર શકીલ બદાયૂનિએ એ ગીતને જુદી રીતે લખ્યું હતું. (વધુ આવતા અંકે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.