મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (11)
મધુબાલા અને દિલીપ કુમાર બેઉ મુખ્ય કલાકારો ‘મુગલ-એ-આઝમ’ના પ્રિમિયરમાં હાજર ન રહ્યા એ તે દિવસોની મોટી સ્ટોરી હતી. છતાં બીમાર મધુબાલા કરતાં પણ વિશેષ તો દિલીપ કુમારના કિસ્સામાં એ કેટલેક અંશે અપેક્ષિત હતું. તેનું કારણ એ હતું કે એ મહાન ફિલ્મના સર્જન દરમિયાન ડાયરેકટર કે. આસિફ (કરીમુદ્દીન)ને વારંવાર હીરોના બંગલે જવા-આવવાનું થતું અને પરિણામ? દિલીપ સા’બની સૌથી લાડકી બેન અખ્તર સાથે કે.આસિફે ચૂપચાપ શાદી રચાવી લીધી હતી! આસિફ કાંઇ કુંવારા નહતા. બલકે તેમણે અગાઉ નૃત્યાંગના સિતારાદેવી સાથે લગ્ન કર્યાં હતાં. સિતારાજીએ ‘સોસાયટી’ મેગેઝિનને એક મુલાકાતમાં જણાવ્યા મુજબ તો, તે પછી આસિફે પોતાની માતાની પસંદગીની ફિરોજા નામની યુવતિ સાથે પણ શાદી કરી હતી, જેને ગામડે જ રહેવા દીધી હતી. એટલું જ નહીં, ‘મુગલ-એ-આઝમ’ના સર્જન દરમિયાન આસિફે ‘બહાર’નું પાત્ર ભજવનાર માંજરી આંખોવાળી આકર્ષક અભિનેત્રી અને સિતારાદેવીની અંગત સહેલી એવી નિગાર સુલ્તાન સાથે પણ લગ્ન કર્યાં હતાં. નિગાર એટલે ‘તેરી મેહફિલ મેં કિસ્મત આજમા કર હમ ભી દેખેંગે....’ એ કવ્વાલીમાં મધુબાલાની સામી પાર્ટી ‘બહાર’ બને છે તે. આમ, ત્રણ વાર પરણેલા આસિફે ચોથી શાદી માટે પોતાના મિત્ર દિલીપ કુમારની જ બેનને પસંદ કરી એ આઘાત યુસુફભાઇ માટે મધુબાલા સાથેના પ્રેમસંબંધના અંત કરતાં પણ ભારે હતો.
પરિણામ એ આવ્યું કે દિલીપ કુમારે કે. આસિફ અને સગી બહેન અખ્તર બંને સાથે સંબંધ કાપી નાખ્યો! એ હતાશા એટલી ભયંકર હોવાનું કારણ એ પણ હતું કે તે સમયના પરંપરાગત મુસ્લિમ વડેરાની અદામાં દિલીપ કુમારે બેનને નાની ઉંમરે પરણાવી નહોતી દીધી. તેને બદલે પોતાના પરિવાર અને જૂની પરંપરાઓમાં માનતા સમાજમાં અળખામણા થઈને પણ અખ્તરને ભણવા દીધી હતી. તેને વધુ અભ્યાસ અર્થે વિદેશ પણ મોકલી હતી. એ જ ભગિનીએ ભાગીને એવા પુરુષ સાથે શાદી કરી લીધી જે અગાઉ ત્રણ વાર પરણી ચૂક્યા હતા! (કે. આસિફ અને નિગાર સુલ્તાનની પુત્રી એટલે અભિનેત્રી હીના કૌસર, જે અન્ડરવર્લ્ડના બદનામ ઇકબાલ મિર્ચી સાથે પરણેલી છે.) પોતાના અગિયાર ભાઇ- બહેનોના પરિવારના સંખ્યાબંધ વ્યક્તિઓ માટે એક આશ્રયસ્થાન સરખા વિશાળ બંગલાના દરવાજા હંમેશાં ખુલ્લા રાખનાર દિલીપ કુમારે 44 વરસની ઉંમર સુધી લગ્ન એટલા માટે નહોતાં કર્યાં કે બાકીના બધાની શાદી થઈ જાય. જ્યારે બન્યું એવું કે જે બહેનના અત્યંત ઉજ્વળ ભાવિની ભાઇને આશા હતી, તેણે જ સૌથી વધુ દુઃખી કરી દીધા હતા. એ રીતે જુઓ તો મધુબાલા અને દિલીપ કુમાર બંનેએ પોતપોતાના કુટુંબના સૌ સભ્યોના હિતને ખાતર પોતપોતાની અંગત જિંદગીની યુવાની અને મોહબ્બતને હોમી દીધી હતી. ફરક હતો તો બેઉની તંદુરસ્તીનો. મધુબાલાની હતાશામાં હ્રદયની બીમારીની શારીરિક અને પ્રણયભગ્ન થવાની તકલીફ ઓછી હોય એમ ‘મુગલ-એ-આઝમ’ રજૂ થયા પછીના સમયમાં ‘અનારકલી’ના ઐતિહાસિક અસ્તિત્વ વિશે સવાલો ઉઠવા જેવા વિવાદોએ પણ ઉમેરો કર્યો હશે.
એ વિવાદ અનુસાર તો, ‘અનારકલી’ નામની રાણી જોધાબાઇની કોઇ ‘ખાસ દાસી’ કે અકબરના દરબારની રાજ-નર્તકી ઇતિહાસમાં નોંધાયેલી નથી; એવી એક થિયરી તે વખતે બજારમાં આવી હતી અને સમયાંતરે એ આવ્યા કરતી રહી છે. એમ અનુમાન મૂકાયું હતું કે મુગલ શહેનશાહ અકબરને અને વિવિધ ધર્મોના સમન્વય જેવા તેમના મજહબ ‘દીન-એ-ઇલાહી’ને હાઇલાઇટ કરવા ‘મુગલ-એ-આઝમ’નું સર્જન કરાયું હતું. મધુબાલાના પાત્ર ‘અનારકલી’ને કોઇ ઐતિહાસિક ટેકો ન હતો. બાકી અકબરના વારસ પુત્ર એવા જહાંગીર એટલે કે ‘નુરુદ્દીન સલીમ’ના નામે તો ડઝનબંધ કાયદેસરના નિકાહની નોંધ છે. જહાંગીરે તો જ્યાં પોતાનું લશ્કર ફતેહ મેળવે ત્યાંના રાજવી પરિવારની કોઇને કોઇ ખૂબસૂરત કુમારી સાથે નિકાહ પઢી લેવાની પ્રથા રાખી હતી. એવામાં મહેલની કોઇ અદની કનીઝ માટે રાજપાટ છોડવા અથવા શહેનશાહ સામે બળવો કરવા સુધીની મોહબ્બતનો સવાલ જ નહોતો એમ ઇતિહાસનો અભ્યાસ કરનારાઓ કહેતા. તે વિવાદ અનુસાર, ‘સલીમ-અનારકલી’ની કાલ્પનિક પ્રેમ કથાનું મૂળ ઇંગ્લેન્ડના રાજ પરિવારમાં હતું. બ્રિટનના રાજા તરીકે બેઠા પછી એડવર્ડ આઠમાએ પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા રાજપાટનો ત્યાગ કર્યો હતો, એ વીસમી સદીની એક અમર પ્રેમકથા છે. બ્રિટીશ રાજા જ્યોર્જ પાંચમાના (આપણે ત્યાં જેમને પંચમ જ્યોર્જ કહેતા તેમના) દેહાંત પછી સૌથી મોટા પુત્ર એડવર્ડ ગાદીનશીન થયા અને એ પોતાની પ્રેમિકા ‘મિસિસ સિમ્પસન’ સાથે લગ્ન કરવા માગતા હતા. એ મહિલા ‘મિસિસ સિમ્પસન’ કોઇ રાજઘરાનામાંથી નહતાં આવતાં. બલકે એ તો અંગ્રેજ નહીં, પણ અમેરિકન હતાં. એટલું જ નહીં, સિમ્પસનનાં અગાઉ બે વાર લગ્ન થઈ ચૂક્યાં હતાં!
એટલે કે. આસિફે અથવા તો અગાઉ ‘અનારકલી’ ફિલ્મની કથા લખનાર કમાલ અમરોહીએ જો તે દિવસોની આ સૌથી સનસનાટીભરી લવસ્ટોરીમાંથી પ્રેરણા લીધી હોય તો પણ; એડવર્ડ આઠમાએ 10મી ડિસેમ્બર 1936ના દિવસે રાજગાદી ત્યાગ કરવાના પોતાના ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એબ્ડિકેશન’ પર હસ્તાક્ષર કર્યા, ત્યારે એ પ્રેમની એવી મોટી મિસાલ હતી કે તેની સામે સલીમ-અનારકલીની પ્રણયકથા સાચી હોય તો પણ કશું ન લાગે. જે સમયે એડવર્ડ આઠમાએ પોતાની બે વાર લગ્ન કરી ચૂકેલી અમેરિકન મહિલાના ત્રીજા પતિ બનવા રાજગાદીનો ત્યાગ કર્યો, ત્યારે એ બ્રિટીશ તાજના વારસદાર ‘પ્રિન્સ ઓફ વેલ્સ’ (ગુજરાતીમાં ‘પાટવી કુંવર’ અને ઉર્દૂમાં ‘વલી-એહદ-એ-સલ્તનત’ કહેવાય તે) નહોતા; એ ઓલરેડી ઇંગ્લેંડના રાજા હતા અને 327 દિવસ કિંગ ઓફ ઇંગ્લેન્ડ તરીકે તખ્ત પર બિરાજમાન રહી ચૂક્યા હતા! એ એવા અંગ્રેજ સામ્રાજ્યના શહેનશાહ હતા, જેના તાબામાં 50 જેટલા દેશો હતા અને જેનો સૂરજ આથમતો નહતો. એ રજવાડી લગ્નના વિરોધીઓ ત્યારે કહેતા હતા કે મિસિસ સિમ્પસને આ લગ્ન રાજાની દોલત માટે કર્યાં હતાં અને તેથી એ મેરેજ બહુ લાંબું નહીં ટકે. પણ ‘37માં લગ્ન થયાથી માંડીને ઠેઠ 1972માં પ્રિન્સ એડવર્ડનું અવસાન થયું, ત્યાં સુધી એટલે કે 35 વરસ એ લગ્નજીવન ટક્યું હતું. એડવર્ડ આઠમાના ગાદીત્યાગ પછી તેમનાથી નાના ભાઇ પ્રિન્સ આલ્બર્ટ રાજા બન્યા અને ‘જ્યોર્જ છઠ્ઠા’ તરીકે તખ્તનશીન થયા. તેમનાં દીકરી પ્રિન્સેસ એલિઝાબેથ આજે 90 પ્લસની ઉંમરે ઇંગ્લેન્ડનાં રાણી તરીકે કડેધડે છે. જો એડવર્ડ આઠમાની પ્રેમકથા ન હોત તો? બ્રિટનના આજના રાજવી તરીકે ક્વીન એલિઝાબેથ ન હોત અને કદાચ ‘મુગલ-એ-આઝમ’ કે ઇવન ‘અનારકલી’ જેવી ફિલ્મો પણ બની હોત કે કેમ એ સવાલ જ છે!
‘મુગલ-એ-આઝમ’ની તમામ ભવ્યતાઓ છતાં તેમાં જેના પરથી પ્રેરણા લીધી હોવાનું કહેવાયું હતું એ એડવર્ડ આઠમાની પ્રેમકથા કરતાં તે અકબરની યશગાથા વધુ હતી, જ્યારે બીના રોય અને પ્રદીપકુમારની મુખ્ય ભૂમિકાવાળી ‘અનારકલી’ એ કનીઝની દુઃખભરી દાસ્તાન કેન્દ્રિત હતી. એટલે મધુબાલાની જીવનકથા ‘અનારકલી’ની જ વાર્તાને અસલી જિંદગીમાં જીવવાની હોય એવી થઈ ચૂકી હતી. કિશોર કુમાર સાથેના લગ્ન પહેલાં મધુબાલાની બીમારીના નિદાન અને ઇલાજ માટે પિતા અતાઉલ્લાહ ખાનનો આગ્રહ હતો. પરંતુ, શાદી કરીને જ જવાના કિશોરદાના આગ્રહને પગલે શાદી પછી બંને લંડન ગયાં. જો કે, ત્યાં સુધી કદાચ હાર્ટની હાલત કેટલી ગંભીર હતી તે વિશે કોઇને અંદાજ નહતો. મધુબાલાના હ્રદયમાં કાણું હોવાની શારીરિક સ્થિતિને મેડિકલ દુનિયામાં ‘વીએસડી’ એટલે કે ‘વેન્ટ્રિકયુલર સેપ્ટલ ડિસઓર્ડર’ કહે છે, જેનો હવે તો ઇલાજ પણ થઈ શકે છે. પરંતુ, ‘60ની શરૂઆતમાં એ સારવાર હજી એવી પ્રચલિત કે સામાન્ય થઈ નહોતી. લંડનમાં જે ડોકટરે તપાસ કરી તેમણે શબ્દો ચોર્યા વગર કિશોર કુમારને સ્પષ્ટ કહી દીધું કે મરીઝની હાલત એવી છે કે તેનું ઓપરેશન શક્ય નથી. હ્રદયમાં જતું અને ત્યાંથી આવતું એ બંને લોહી ભેગાં થઈ જતાં હોવાથી દરદીની જીવાદોરી ગમે ત્યારે તૂટી જઈ શકે છે!
એ ખુલાસો એક નવપરિણિત પતિ માટે અને વધારે તો તેની દુલ્હન માટે કેવો આઘાતજનક હોય એ કલ્પના કરવી મુશ્કેલ નથી. પેશન્ટ મધુબાલાને ડોક્ટરનું નિદાન નેચરલી એટલા સ્પષ્ટ શબ્દોમાં કિશોર કુમારે નહીં જ કહ્યું હોય. પરંતુ, મુંબઈના ડોક્ટરોએ ઓપરેશનની તૈયારી સાથે લંડન મોકલ્યા હોય અને ટેસ્ટ્સ પછી દરદીને એવી કોઇ ટ્રિટમેન્ટ વગર પાછા વતન જવાનું થાય તો પોતાની માંદગી લાઇલાજ છે એવી સમજણ પડી જ જાયને? મધુબાલાને પણ એવો ભય લાગી ગયો હશે. કેમ કે એ દંપતિ જ્યાં ઉતર્યું હતું એ લંડનની બહુમાળી હોટલની બારીમાંથી કૂદીને મધુબાલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ખુલાસો ખુદ કિશોર કુમારે એક સમયની સૌથી નિષ્પક્ષ અને સ્ટાન્ડર્ડ હિન્દી ફિલ્મપત્રિકા ‘માધુરી’ના વિનોદ તિવારીને આપેલી મુલાકાતમાં કહી હતી. એ ઘટના કિશોરદાએ આ શબ્દોમાં કહી હતી, ‘હમ વાપસ લૌટ આયે. લૌટને કે પહલે મધુને ઉસ હોટલ કી ખિડકી સે કૂદ કર જાન દે દેને કી કોશીશ કી, જિસ મેં હમ ઠહરે હુએ થે. ઠીક વક્ત પર મેરી આંખ ના ખુલ ગઈ હોતી, તો ઉસને ખુદ કો ઉસી દિન ખતમ કર લિયા હોતા...’
લંડનના ડોક્ટરે લોહીના દબાણના પ્રશ્નો થવાની શક્યતાને લીધે મધુબાલા માતા ન બને તેની પણ ચેતવણી કિશોર કુમારને આપી હતી. નિષ્ણાતની ભવિષ્યવાણી અનુસાર વરસ-બે વરસ જે કોઇ સમય મધુબાલાની આયુષ્યરેખામાં હોય એટલો વખત પસાર કરવા સિવાય એ લગ્નજીવનમાં કશું રહ્યું નહોતું અથવા એ બંને એમ માનતાં થઈ ગયાં હતાં. આવી વાતો તે વખતે વહેતી થયેલી અને મધુબાલાને યોગ્ય રીતે નહીં પ્રસ્તુત કરવા માગતા લોકોએ કહેલું/લખેલું છે. પરંતુ ભારત પરત આવ્યા પછીની ફિલ્મોમાં મધુબાલાના અભિનયમાં હતાશા ક્યાંય દેખાઇ નહોતી. ઉલ્ટાનું આપઘાત કરવા જેવા ભયાનક ડિપ્રેશનમાં મધુબાલા હોય તો લંડનથી આવ્યા પછીની ફિલ્મોમાંની તેમની એક્ટિંગને તેમના રૂપ કરતાં પણ બહુ ઊંચા માર્ક્સ આપવા પડે. વિશ્વાસ ન પડતો હોય તો 1961માં રિલીઝ થયેલી ‘બોયફ્રેન્ડ’માં શમ્મી કપૂર સાથેના ગાયન ‘આઇગો આઇગો યે ક્યા હો ગયા...’ ક્યારેક જો જો. એ જ રીતે ‘ઝુમરૂ’ અને ‘હાફ ટિકિટ’ જેવી બે ફિલ્મોમાં પતિ-પત્ની સાથે આવ્યાં, જે કોમેડી હતી. જ્યારે ‘શરાબી’ (1964)માં તે દેવ આનંદની નાયિકા હતાં. એ તમામ પિક્ચરો આજે પણ જોવાથી મધુબાલાની એ જ નટખટ અદાઓ જોઇ શકાય છે, જે ‘ચલતી કા નામ ગાડી’માં હતી. છતાં મિયાં-બીવી વચ્ચેના ખટરાગની વાતો તો સંભળાતી જ હતી, જેની ગવાહી ‘મુગલ-એ-આઝમ’ના સંગીતકાર નૌશાદે આપેલી છે. (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર