મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (5)
મધુબાલા ઉપર કડકાઇ રાખવા બદલ તેમના પિતા અતાઉલ્લાહ ખાનની ટીકાઓ થતી રહી છે. એ કડક નિયમોમાં કોઇને મધુબાલાના મેક અપ રૂમમાં જવાની છૂટ નહોતી કે નહોતી ઘેર આવવાની પરવાનગી. પરંતુ, એ બંદીશો પાછળ સોનાનાં ઇંડાં આપતી મરઘીને સાચવતા માલિકની મનોદશા ઉપરાંત એક રૂઢિચુસ્ત પિતાની ચિંતાઓ પણ હતી. તેમની નજર સામે નરગીસ અને મીનાકુમારીના બબ્બે કિસ્સા હતા જ. એ બંને પણ મધુબાલાની જેમ જ બાળ કલાકારમાંથી હીરોઇનો થઈ હતી. તે દિવસોમાં, નરગીસના પરિણીત રાજ કપૂર સાથેના નિકટતમ ગાઢ સંબંધોએ અને મીનાકુમારીએ શાદીશુદા કમાલ અમરોહી સાથે પિતાને અંધારામાં રાખીને કરેલાં લગ્ને ઇન્ડસ્ટ્રીમાં હીરોઇનોના સૌ વાલીઓને ચૌકન્ના કરી દીધા હતા. નેચરલી, અતાઉલ્લાહ તેમાં અપવાદ નહોતા.બલ્કે એ તો અગ્રેસર હતા!
પિતાની પાબંદીઓને મધુબાલાએ એક આજ્ઞાંકિત પુત્રી તરીકે માની અને પોતાના વિશાળ પરિવારની આર્થિક જરૂરિયાતોને પૂરી કરી એ કાંઇ નાની વાત નહતી. નેચરલી, ઉંમર પ્રમાણે તેમને પણ દિલમાં અન્ય વ્યક્તિઓ પ્રત્યે ઉર્મિઓ જાગી જ હોય. એ કુદરતી પ્રક્રિયા છતાં જે રીતે પોતાની અંગત લાગણીઓને બીજા નંબરે રાખી એ કુટુંબ માટે સંતાને કરેલા ત્યાગ અને બલિદાનની એ એક વિશિષ્ટ મિસાલ હતી. દિલીપ કુમાર સાથેના મધુબાલાના સંબંધો ‘તરાના’ વખતથી જ શરૂ થયેલા હતા અને તે ‘સંગદિલ’ અને ‘અમર’ સુધી લંબાયા હતા. તે દરમિયાન દિલીપ કુમાર અને 1951ની ‘હલચલ’ નામની ફિલ્મથી હલચલ મચાવનાર કે.આસિફ વચ્ચે દોસ્તી થઈ હતી. કે. આસિફે એક સાહસી યુવાન તરીકે માત્ર 22 વર્ષની ઉંમરે સલીમ અને અનારકલીની પ્રેમકહાણી આધારિત ‘મુગલ-એ-આઝમ’નું પ્લાનિંગ 1944મા કર્યા પછી, તેના હીરો એક્ટર ચંદ્રમોહનનું અવસાન થઈ જતાં ફિલ્મ અભરાઇએ ચઢાવી દીધી હતી. દિલીપ કુમાર સાથેની વાતચીતમાં એ પ્રોજેક્ટને પુનર્જીવિત કરવાનું નક્કી થયું. દિલીપ કુમારે પોતે પણ તેમાં પૈસા લગાવ્યા હોવાનો એક રિપોર્ટ જૂન 1952ના ‘ફિલ્મફેર’માં પછી તો આવ્યો હતો. એટલે ‘મુગલ-એ-આઝમ’માં મધુબાલા સ્વાભાવિક રીતે જ હોય એવું લાગે. પણ હકીકત અલગ હતી.
મધુબાલાની પસંદગી થતા અગાઉ નવી હીરોઇન લેવાનું આયોજન કરાયું હતું. એવા મહાપ્રોજેક્ટ માટે શૂટિંગની સળંગ તારીખો મળે તે માટે કોઇ નવોદિત જ યોગ્ય રહે. એટલે 8મી ફેબ્રુઆરી 1952ના ‘સ્ક્રિન’માં જાહેરાત છપાવીને 16થી 22 વર્ષની કન્યાઓની અરજીઓ મગાવવામાં આવી હતી. એટલું જ નહીં, અભિનેત્રી શોભના સમર્થની તે વર્ષે જ ‘મિસ ઇન્ડિયા’ બનેલી દીકરી નૂતનને પસંદ પણ કરવામાં આવી હતી. (નૂતન એટલે કાજોલનાં સગ્ગાં માસી) નૂતન વિદેશમાં (મોટેભાગે સ્વીટ્ઝરલેન્ડમાં) ભણીને આવેલી છોકરી અને અહીં સ્ક્રિપ્ટમાં ‘સાહેબ-એ-આલમ આફતાબ કી રોશની દુનિયા કે હર ગોશે કો રોશન કરતી હૈ, ખુદ આફતાબને ક્યૂં તકલીફ કી?’ જેવા ભારેખમ ઉર્દૂ સંવાદો હતા. નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરવા માંડી. એવો એક અહેવાલ તે જ વરસના મે મહિનાના ‘ફિલ્મફેર’માં આવો આવ્યો હતો, ‘કે.આસિફ અને દિલીપ કુમારે રાષ્ટ્રવ્યાપી શોધ આદર્યા પછી અને સેંકડો છોકરીઓના ઇન્ટરવ્યૂ કર્યા પછી છેવટે નૂતનને પસંદ કરી છે, જે એ ભૂમિકા માટે અયોગ્ય સાબિત થશે… મધુબાલા સારી ચોઇસ હોત...’
છેવટે નૂતને (એટલે કે સગીરનાં વાલી મમ્મી શોભનાજીએ) જ ફિલ્મ છોડી દીધી. આનાથી એક વાત એ પણ સાબિત થાય છે કે મીડિયા વર્ષોથી આવી સલાહો આપતું આવ્યું છે અને તેની અસર પણ ઘણી વાર થતી જ હોય છે. નૂતનની વિદાયને પગલે એ પિક્ચર બનશે કે નહીં એ અનિશ્ચિતતા ઉભી થઈ અને સાથે સાથે મોહન સ્ટુડિયોમાં લગાવાયેલા સેટ પણ ઊભા રહી ગયા. કામ અટક્યું અને નાણાંનો પ્રવાહ અટકી ગયો. ઇન્ડસ્ટ્રીમાં એ અફવા ફેલાઇ ગઈ કે હીરોઇન વગર પ્રોજેક્ટ લટકી જશે. એટલે એક અન્ય પ્રોડ્યુસર શશધર મુકરજીએ ‘અનારકલી’ના નામે ફિલ્મ ઝડપથી હાથ ઉપર લીધી. વાર્તા તો ઠેઠ 1944મા લેખક સૈયદ ઇમ્તિયાઝ અલીએ લખી હોઇ બધાને ખબર હતી. બાય ધી વે, સલીમ-અનારકલીનો એવો કોઇ કિસ્સો ઇતિહાસમાં નોંધાયેલો નથી. એ સૈયદ સાહેબની કલ્પના હતી! ‘અનારકલી’ તરીકે બીના રાયને પસંદ કરવામાં આવ્યાં અને ‘સલીમ’ બન્યા હતા પ્રદીપ કુમાર. તેમાં સંગીતકાર વસંત પ્રકાશની જગ્યાએ આવેલા માસ્ટર મ્યુઝિક ડાયરેક્ટર પ્રિય સી.રામચંદ્રએ શૈલેન્દ્ર, હસરત જયપુરી, જાં નિસાર અખ્તર અને રાજેન્દ્ર ક્રિશ્ન જેવા ચાર ચાર શાયરોની કવિતાઓને સ્વરબદ્ધ કરીને ‘યે જિંદગી ઉસી કી હૈ જો કિસી કા હો ગયા....’ જેવાં ગીતો આપ્યાં અને જોતજોતામાં 1953મા તો ફિલ્મ રિલીઝ કરી દેવાઇ અને તે સાલનો સૌથી વધુ વકરો લાવીને બોક્સ ઓફિસ પર નંબર વન થઈ. તેને લીધે વાર્તા સુપરહીટ છે એ નક્કી હતું.
‘અનારકલી’નું પ્રોડક્શન ઝડપભેર શરૂ થતાં જ ‘મુગલ-એ-આઝમ’ની હીરોઇનની પસંદગી કરવાના કામે પણ સ્પીડ પકડી. છેવટે ‘ફિલ્મફેર’માં સૂચવાયું હતું એમ મધુબાલા ફાયનલ થયાં. પિતા અતાઉલ્લાહખાન આમ પણ દીકરીના શૂટિંગમાં હાજરી નહતા આપતા.મધુબાલાને સવારે ગાડી મૂકી આવે અને સાંજે મોકલેલી કાર સમયસર દીકરીને ઘેર પરત લઈ આવે એ તેમની શિસ્તનો શિરસ્તો. સ્ટુડિયોમાં ગયા પછી મધુબાલાથી ગાડી વગર બહાર જવાય નહીં અને મેક અપ રૂમમાં કોઇને પરવાનગી નહીં. સેટ પર હાજર લોકોની વચ્ચે કશું અજુગતું થાય તો પણ તરત વાત બહાર આવી જાય. જે કાંઇ અંગત વાતચીત કરવી હોય તે રિહર્સલ દરમિયાન ડાયરેક્ટરને વિશ્વાસમાં લઈને કરી શકાય. દિગ્દર્શક કે. આસિફ મધુબાલાની દિલીપ કુમાર સાથેની કેમેસ્ટ્રી પિક્ચરને મદદરૂપ થશે એ સમજતા હતા. તેથી બેઉ પ્રેમીપંખીડાંને સવલત કરી આપતા. પોતાને ઘેર પણ મોકલતા એમ આસિફનાં પ્રથમ પત્ની નૃત્યાંગના સિતારાદેવીએ કહેલું છે.
સિતારાદેવીના શબ્દોમાં, ‘એ બેઉ અમારે ત્યાં ઘણી વાર આવતાં. હું અને આસિફ તેમને સગવડ કરી આપવા બહાર જતા રહેતા...’ મધુબાલા અને દિલીપ કુમારની નિકટતા કન્યાના પિતા પણ જાણી ગયા હતા. છતાં એક મર્યાદા હતી. જેમ સિગરેટ પીનાર વડીલોની હાજરીમાં ધુમ્રપાન ન કરે પણ ઘરનાં સૌ જાણતા તો હોય જ, એવી સ્થિતિ હતી. પિતાને કે પરિવારને વાંધો હોય એવું કશું જ નહતું. બંને પાત્રો મુસ્લિમ હતાં. રૂપાળાં હતાં, કુંવારાં હતાં અને એક સરખાં જ લોકપ્રિય! આનાથી વધારે સારા ગુણાંક ક્યાં મળવાના હતા? મધુબાલા અને દિલીપ કુમારની સજોડે પ્લાન થતી ફિલ્મો વધતી જ જતી હતી. એક હતી ‘ગોહર’ તો બીજી એક ગુરૂ દત્તની ગ્રેટ સાબિત થયેલી ‘પ્યાસા’ પણ હતી. એ જ દિવસોમાં, ગુરૂ દત્ત સાથે મધુબાલાએ ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’માં કામ કર્યું હતું. તેમાં મધુબાલાની કોમેડી માટેની ટેલેન્ટ પણ જોવા મળે. પરંતુ, એ બધાથી વધારે મઝા એ જોવાની આવે કે ધનવાન પિતાની પુત્રી તરીકે એ કેપ્રી અને ટોપ જેવા અર્બન ડ્રેસમાં પણ એટલાં જ ખૂબસૂરત લાગે છે, જેટલાં અનારકલી તરીકે મોગલકાળના લેબાસમાં. (અમને તો જો કે અકબરની જેલમાં ‘મોહબત કી ઝુટી કહાની પે રોયે...’ ગાતાં પહેરેલા કેદીના સાવ સાદા કાળા પહેરવેશમાં પણ જબ્બર એટ્રેક્ટિવ લાગે છે!)
ગુરૂ દત્તે 1955ની એ કોમેડી પછી ‘પ્યાસા’ માટે દિલીપ કુમાર, મધુબાલા અને નરગીસની સ્ટારકાસ્ટ નક્કી કરી હતી. એ જ રીતે ‘ચિત્રલેખા’ નામે બનનારી ફિલ્મ માટે પણ એ બે ફાઇનલ થયાં હતાં. જોડી બરાબર જામી હતી. પડદા ઉપર અને પડદા બહાર પણ. પિતાજીને વાંધો ન હોવાનો એક વધુ પુરાવો મળ્યો ‘ઇન્સાનિયત’ના પ્રિમિયર વખતે. સિનેમાપ્રેમીઓ જાણે છે એમ, જેમીની સ્ટુડિયો મદ્રાસના એ ચલચિત્રમાં દિલીપ કુમાર અને દેવ આનંદ પહેલી (અને છેલ્લી) વાર એક સાથે આવ્યા હતા. તેના પ્રિમિયરની લોકોમાં ખૂબ ઉત્સુકતા હતી. થિયેટર પર હજારોની ભીડ પોતાના ચહિતા સ્ટાર્સને જોવા પડાપડી કરતી હતી. પોલીસ માટે કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ હતું અને ત્યાં જ પોલીસને વધારે તકલીફ પડે એવો સીન થયો. સૌએ જોયું કે દિલીપ કુમાર આવ્યા હતા. પણ તેમની સાથે આવેલી મહિલા કોણ હતી? પિક્ચરની બે નાયિકાઓ બીના રાય અને સાઉથની વિજયા લક્ષ્મી પૈકીની એકેય નહોતી.
દિલીપકુમાર મધુબાલા સાથે આવ્યા હતા! એટલું જ નહીં, બંને એક બીજાના હાથમાં હાથ પરોવીને થિયેટરમાં પ્રવેશ્યાં. આજના જેવી ન્યૂઝ ચેનલો ત્યારે નહોતી. નહિતર બ્રેકિંગ ન્યૂઝ અને દિવસો સુધી ચલાવવા જેવાં વિઝ્યુઅલ મળ્યાં હોત. મધુબાલાએ ‘બહુત દિન હુએ’ના સેટ પર વોમિટમાં લોહી દેખાયા પછી વાસન સાહેબે જે સારવાર મદ્રાસમાં કરાવી હતી તે ઉપકારનો બદલો વાળવા પ્રિમિયરમાં હાજરી આપવા દેવા પિતાજીને સંમત કર્યા હતા. એ અપવાદ પરવાનગી અને બેઉની સજોડે ખુશખુશાલ ઉપસ્થિતિના રિપોર્ટ છતાં અતાઉલ્લાહ નારાજ થયા હોય એવા કોઇ પુરાવા ક્યાંય નથી મળતા. ઉલ્ટાના અબ્બાજાન રાજી લાગતા હતા. તેની એક ઓર નિશાની એ હતી કે એ પ્રિમિયર પછી પણ દિલીપ કુમાર સાથે ‘નયા દૌર’ પણ સાઇન કરી હતી. જો કે તેનું એક કારણ ધંધાદારી પણ હોય.
તે સમયે મધુબાલાની ફિલ્મો એવી ચાલતી નહોતી. તેમના હીરો પણ ‘નાતા’માં અભિ ભટ્ટાચાર્ય, ‘તીરંદાજ’માં અજીત જેવા હતા; જેમની નાયક તરીકેની કરિયર પતવાની ધારે હતી. સામે પક્ષે દિલીપ કુમાર હિન્દી પડદે ગ્લેમર અને ટેલેન્ટનું જબ્બર મિશ્રણ ધરાવતા હીરો તરીકે લોકપ્રિયતાનાં નવાંને નવાં શિખરો ચઢતા હતા. ‘નયા દૌર’નું શૂટિંગ શરૂ થયું અને એક દિવસ મધુબાલાના પિતાજીએ દિલીપ કુમાર સમક્ષ સાથે મળીને કામ કરવાની એક એવી દરખાસ્ત મૂકી જેનાથી એ હેપી લવસ્ટોરીમાં અણધાર્યો અને કમનસીબ ટર્ન આવ્યો! (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર