મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (4)

17 Mar, 2017
12:00 AM

સલિલ દલાલ

PC: india.com

‘મધુબાલા’ નામની એ ફિલ્મ બનાવતા હતા રતિભાઇ શેઠ અને મધુબાલાને પોતાના બાળ કલાકાર અને હીરોઇન થવાની વચ્ચેના કિશોરી તરીકેના દિવસોનો એક ઉપકાર યાદ હતો. તે દિવસોમાં મધુબાલાનાં અમ્મી પ્રેગ્નન્ટ હતાં. તેમને અચાનક કોઇ ગાયનેક કોમ્પ્લિકેશન્સ થતાં ગંભીર હાલતમાં દવાખાને લઈ જવાયાં. ડોક્ટરે ઇલાજ પેટે ત્રણ હજાર રૂપિયાની ફી કહી. ત્યારે ‘બેબી મુમતાઝ’ને સ્ટુડિયોમાંથી માસિક પગાર ત્રણસો રૂપિયા મળતો હતો. પૈસા ઉછીના લેવા સિવાય છૂટકો ન હતો. પણ કર્જદારની આવકથી દસ ગણી રકમ ઉધાર આપવા કોઇ તૈયાર નહતું. એવા સમયે બેબીએ રતિભાઇને ત્યાં ટહેલ નાખી અને સરદાર ચંદુલાલ શાહના ભત્રીજા એવા રતિભાઇએ એવડી નાની છોકરી પર ભરોસો મૂક્યો. તેને માગી રકમ આપીને માતાની જિંદગી બચાવી હતી. મધુબાલા એ એહસાન આખી જિંદગી ન ભૂલ્યાં.

એ જ રીતે તેમની જિંદગીમાં એ કોઇ ફિલ્મ પ્રિમિયરમાં ગયાં ન હતાં. પણ ‘બહુત દિન હુએ’ના પ્રિમિયરમાં અપવાદરૂપે હાજર રહ્યાં હતાં. કારણ શું હતું? 1954મા જ્યારે મદ્રાસ (ચેન્નઈ)માં ‘બહુત દિન હુએ’ના સેટ પર મધુબાલાને ઉલ્ટી થઈ અને તેમાં લોહી દેખાયું ત્યારે ‘જેમીની સ્ટુડિયો’વાળા નિર્માતા એસ એસ વાસને અદ્યતન સારવાર અને આરામની દરકાર કરી હતી. મધુબાલા એવા ઉપકાર પણ કદી ભૂલતાં નહીં. સ્ટાર બન્યા પછી તેમણે જરૂરતમંદોને તો મદદ કરી જ; પણ માતાને નવી જિંદગી બક્ષનાર રતિભાઇને વિશેષ ફેવર કરી. રતિભાઇની ફિલ્મને ‘મધુબાલા’ નામ રાખવા દીધું અને વાર્તા કે અન્ય કોઇ વિગતોમાં પડ્યા વગર શૂટિંગની તારીખો આપી દીધી. પરિણામ એ આવ્યું કે દેવ આનંદ જેવો ઇન્ડસ્ટ્રીમાં ધીમે ધીમે પગ જમાવતો હીરો હોવા છતાં એ પિક્ચર ફ્લોપ ગયું અને ટીકાઓ માત્ર મધુબાલાને સહન કરવાની આવી.

તે ફિલ્મ વિશે બાબુરાવ પટેલે પોતાના મેગેઝિન ‘ફિલ્મ ઇન્ડિયા’માં લખ્યું કે ‘આ ફિલ્મથી સાબિત થાય છે કે ઇવન મધુબાલા જેવી લોકપ્રિય અને ટેલેન્ટેડ સ્ટાર પણ ક્વોલિટી કે પોતાની પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર ગમ્મે તેવાં ચિત્રોમાં કામ કરવા ધસી જાય છે...’ પરંતુ, મધુબાલા એવી ટીકાઓ પાછળની બાબુરાવની શુભ દાનત સમજતાં હતાં. કેમ કે અગાઉ ‘લાલ દુપટ્ટા’ માટે એ જ મેગેઝિને લખ્યું હતું કે ‘મધુબાલા જ આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે...’ તો ‘સિંગાર’માં સુરૈયા જેવી ધરખમ અભિનેત્રી સામે હોવા છતાં, સરખામણી કરતાં બાબુરાવે લખ્યું હતું કે, ‘સુરૈયા સાથેના દરેક સિકવન્સમાં મધુબાલા તેને ખૂબ પાછળ રાખી દે છે. મધુબાલાના એક ચહેરામાં એટલાં ઇમોશન્સ સંઘરેલાં હોય છે જેટલાં હજાર છોકરીઓ હજાર ચહેરામાં ધરાવી શકે...!’

એટલે બાબુરાવ કે ‘ફિલ્મ ઇન્ડિયા’ કારણ વગર ટીકા ન કરે એ સમજાતું હતું. પણ પોતે માત્ર ઉપકારનો બદલો વાળવા ફિલ્મ કરી હતી એ તેમને ખબર હતી. વળી, ‘મહલ’ની અપાર સફળતાએ એક હીરોઇન તરીકે મધુબાલા પાસે અપેક્ષાઓ વધારી દીધી હતી, તેની એ નિશાની હતી. એ ટીકા તે જ અરસામાં એક ફિલ્મ શરૂ થયા પછી અટકી ગઈ હતી તેનું પણ પ્રતિબિંબ હોઇ શકે. તે ફિલ્મ ‘હાર સિંગાર’માં હીરો હતા દિલીપ કુમાર. તેના સેટ પર 26-27 વરસના સોહામણા યુસુફ ખાનને જોતાં યુવાનીમાં પગ મૂકતી મધુબાલા ના આકર્ષાય તો જ નવાઇ હતી. પરંતુ એ બંનેને આખા ચલચિત્રમાં સાથે કામ કરવાનો મોકો 1951મા રિલીઝ થયેલી ફિલ્મ ‘તરાના’માં મળ્યો. એ જ દિવસોમાં ‘બાદલ’ નામના પિક્ચરમાં મધુબાલા પ્રેમનાથ સાથે પણ કામ કરે અને અહીં જ પેલું પ્રખ્યાત ‘ગુલાબ પ્રકરણ’ થયું.

મધુબાલાની જીવનકથા લખનારા પૈકીના અમુકે તેમના ચારિત્ર્ય ઉપર છાંટા ઉડાડવા જેનો ઉપયોગ કર્યો છે, એ ઘટનાઓને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં અને ખાસ તો જજમેન્ટલ થયા વગર જોવાની આવશ્યકતા છે. મધુબાલાએ પ્રેમનાથ અને દિલીપ કુમાર બંનેને એક સરખી રીતે તેમજ એક જ સમયે પ્રેમનું નિમંત્રણ આપ્યું હતું એવી સ્ટોરી છે. તેમણે પ્રેમનાથ સાથે ‘બાદલ’, ‘સાકી’ અને ‘આરામ’ એમ ત્રણ પિક્ચરમાં કામ કર્યું હતું.  બંને હીરો સાથે પરિચયના શરૂઆતના દિવસોમાં પોતાની હેરડ્રેસરને પ્રેમનાથ પાસે એક ગુલાબનું ફૂલ આપીને મોકલી. તેની સાથે એક કાગળ પણ મોકલ્યો. તેમાં લખ્યું હતું કે જો તમે મને પ્રેમ કરતા હો તો આ ફૂલ સ્વીકારજો. આજે ‘વેલેન્ટાઇન ડે’ કે પછી ‘રોઝ ડે’ ઉજવવા એક કરતાં વધુ વ્યક્તિઓને ગુલાબ ઓફર કરી શકતા જુવાનિયાઓના આજના જમાનાથી 50-60 વરસ પહેલાંના તાજા આઝાદ થયેલા હિન્દુસ્તાનની એક નવી-સવી  પુખ્ત થયેલી બ્યુટીફુલ છોકરીની ક્રિએટિવ પહેલ હતી. (કોઇ એ વાતે દાદ તો આપો!) નેચરલી, આટલી ખૂબસુરત છોકરીનો પ્રસ્તાવ કોણ નકારી શકે? પ્રેમનાથે ગુલાબ રાખી લીધું. એ જ રીતે ‘તરાના’ના સેટ પર દિલીપ કુમારને પણ હેર ડ્રેસર મારફત ગુલાબ મોકલ્યું. દિલીપ કુમારે પણ તેનો સ્વીકાર કર્યો.

પછી એક દિવસ પ્રેમનાથ અને દિલીપ કુમાર બેઉ ભેગા થયા, ત્યારે પોત પોતાની પ્રેમિકાઓની વાત કરતાં આ ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ...’ જેવો સિનેરિયો બેઉનો કોમન થયો. બંનેએ મળીને આગળ ખણખોદ કરતાં બેઉ કિસ્સાની નાયિકા પણ એક જ મધુબાલા! પ્રેમનાથ દોસ્તીનો હક અદા કરવા દિલીપ કુમારની ફેવરમાં ખસી ગયા અને મધુબાલાનું દિલીપ કુમાર સાથેનું પ્રેમ પ્રકરણ આગળ વધ્યું. આમાં મધુબાલાએ ટુ ટાઇમિંગ કર્યું એવો એક આરોપ લગાડવામાં આવે છે. પણ આ બધી મધુબાલાના અવસાન પછી બહાર આવેલી વાતો છે. તે પ્રકરણના એક પાત્ર એવા દિલીપ કુમારની 2014મા બહાર પડેલી આત્મકથામાં મધુબાલા વિશે ખુલાસાવાર લખ્યા છતાં તે પ્રસંગનો કે ગુલાબનો કોઇ ઉલ્લેખ નથી. મધુબાલાનાં બહેન શાહીદાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યા પ્રમાણે તો મધુબાલા અને પ્રેમનાથ વચ્ચે છ માસ સુધી પ્રેમ સંબંધ રહ્યો હતા. અન્ય એક સ્થળે એમ પણ ઉલ્લેખ મળે છે કે મધુબાલા રોજ સવારે પાંચ વાગે નિયમિત દરિયા કિનારે દોડવા જતાં અને પછી પ્રેમનાથ સાથે ટેનીસ રમવાનું ચૂકતાં નહીં. શાહીદાના કહેવા પ્રમાણે  મધુબાલા અને પ્રેમનાથના લગ્નની દરખાસ્ત ધર્મના આધાર પર પડી ભાંગી હતી. તે પછી ‘આપ્પા’ દિલીપ કુમારના પ્રેમમાં પડ્યાં અને તે એક વ્યક્તિને તેમણે જી-જાનથી ચાહી હતી.

હવે મધુબાલાએ જો કદાચ એક સમયે બે હીરોને પોતાની અંગત જિંદગી માટે ચકાસ્યા હોય તો પણ તેમાં ખોટું શું હતું? મુરતિયાઓ એક કરતાં વધુ કન્યાઓને જોતા નથી? જો કે અમારું અનુમાન તો એ છે કે, શું તે એક 17-18 વરસની એવી છોકરી જેણે નાનપણથી કોઇ રમતો રમી નથી કે મજાક મસ્તી કરી નથી તેનું જુવાનીમાં પ્રવેશતાં કરેલું નિર્દોષ તોફાન ન હોઇ શકે? તેનું વલ્ગર થયા વગરનું પણ અર્થઘટન કરી શકાયને? તે દિવસોની મધુબાલા વિશે દિલીપકુમારે પોતાની 2014ની આત્મકથામાં આવું વર્ણન કર્યું છે, ‘... મેં અગાઉ કહ્યું છે તેમ, એ બહુ પ્રફુલ્લિત અને આનંદી સ્વભાવની હતી અને, ખાસ તો એ મારા શરમાળ અને ઓછાબોલા સ્વભાવમાંથી વિના પ્રયત્ને મને બહાર કાઢી શકી હતી...’ આગળ ઉપર એ જ ખુલાસામાં દિલીપ કુમારે મધુબાલાને એવી સ્ત્રી કહી છે જેના જીવંતપણા અને ચાર્મની તેમને તે સમયે જરૂર હતી. 

દિલીપ સા’બની એ કેફિયત શું દર્શાવે છે? મધુબાલા એ કેટેગરીમાં લાગે છે જે મસ્તીખોર હોય. યુવાન છોકરીઓમાં એવો મસ્તીનો સ્વભાવ આજે તો સ્વાભાવિક ગણાય છે. પણ આજથી 40-50 વરસ તો ઠીક પણ આ મિલેનિયમ અર્થાત 2000ની સાલ સુધી પણ ગેરસમજ ઊભી કરનારો હતો. (આવાં ગાયનો પણ એ જ જમાનામાં આવતાં હતાં ને? ‘વો હસ કે મિલે હમ સે, હમ પ્યાર સમઝ બૈઠે....’)  સામે પક્ષે તેમની કરિયરમાં આવેલા કેટલા હીરોએ મધુબાલાને પ્રપોઝ કર્યું હતું? ભારત ભૂષણ વિધુર થયા અને દરખાસ્ત કર્યાની કહાણી જાણીતી છે. એ જ રીતે ‘જીવન જ્યોતિ’, ‘રેલ કા ડિબ્બા’ અને ‘બોય ફ્રેન્ડ’માં તેમની સાથે કામ કરનાર શમ્મી કપૂરે ખુલ્લેઆમ કહેલું છે કે પોતે મધુબાલાને પરણવા માગતા હતા. પણ ‘મધુબાલાએ પોતાનું દિલ દિલીપ કુમારને આપી દીધું હતું.’ શમ્મીકપૂરે તે અંગે આગળ શું કહ્યું છે તે તેમના જ શબ્દોમાં સાંભળીએ, ‘મને તેના માટે ખૂબ માન હતું. ભગવાન આવા લોકો હવે નથી બનાવતા અને હું જ્યારે આમ કહું છું ત્યારે ખૂબ જ પ્રામાણિક છું. ગીતા (ગીતા બાલી તેમનાં પ્રથમ પત્ની) આ જાણતી હતી અને મારાં હાલનાં પત્ની પણ આ વાત જાણે છે. મારું જીવન એક ખુલ્લી કિતાબ છે. મને નથી લાગતું કે હું તેને ભૂલી શકું...’

કોણ ભૂલી શકે? વર્ષો પછી શમ્મી કપૂરે જ લેખિકા ખતીજા અકબરને મધુબાલા વિશે કહ્યું હતું કે, ‘તે સામે આવતાં જ મારી જીભ સીવાઇ જતી. તેની સામે હું ડાયલોગ ભૂલી જતો. તેણે જ મને ધીમે ધીમે એ સ્થિતિમાંથી બહાર કાઢ્યો. જરા પણ વિલંબ વિના હું તેના પ્રેમમાં પડી ગયો. મેં ત્યારે કહ્યું હતું અને આજે પણ કહું છું કે એટલી રૂપાળી સ્ત્રી મેં જોઇ નથી પરફેક્ટ ફેસ અને અત્યંત નાજુક સુકુમાર ત્વચા લગભગ અલૌકિક...!’ એ બ્યુટીફુલ ચહેરા ઉપરાંત શિસ્તબદ્ધતા મળી ત્યારે જ પિતા મધુબાલા પાસે તેમની હીરોઇન તરીકેની કારકિર્દીનાં પ્રથમ ચાર જ વર્ષમાં 24 ફિલ્મો કરાવી શક્યા હતા. કરિયરની શરૂઆતમાં આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા અગાઉના અને લાખો કમાતા અત્યારના એમ બધા કલાકારો એવું કરતા જ હોય છે. કામની એટલી વ્યસ્તતા વચ્ચે થોડી સ્વભાવગત મજાક-મસ્તી કરતી 18-20 વરસની છોકરીને તેના અવસાન પછી ‘પુરુષભૂખી’ ચિતરનારા લેખકો પણ હતા. ત્યારે તેની હયાતિમાં પિતા કડકાઇ રાખે તેમાં નવાઇ ખરી કે? ખાસ કરીને જ્યારે અતાઉલ્લાહ ખાનની નજર સામે બે જીવતા-જાગતા દાખલા હાજર હતા. (વધુ આવતા અંકે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.