મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (14)
મધુબાલાના અંતિમ દિવસોમાં, છેલ્લે છેલ્લે તો તેમને કમળો થઈ ગયો હતો. પેટમાં પાણી ભરાઇ રહેવાની તકલીફ –વોટર રિટેન્શન-ને કારણે તેના નિકાલ માટે દવાઓ અને ગોળીઓ અપાતી. એક વાર પેશાબમાં લોહી આવતાં એ ખૂબ ગભરાઇ ગયાં હતાં. તેમનાં બેન મધુરે ‘સિને બ્લિટ્ઝ’ના પેટ્રિક બિશ્વાસને એક ઇન્ટરવ્યૂમાં એ વાત કર્યા પછી કહ્યું કે મધુબાલા રડતાં રડતાં બોલતાં રહેતાં હતાં, ‘મૈં જીના ચાહતી હું અલ્લાહ મૂઝે જીને દો...’ મધુર કહે, ‘તે સમયે મધુબાલાને તમે જુઓ તો તેમને કહેશો કે તમે મારી કોઇ ઓળખીતી વ્યક્તિ જેવા દેખાવ છો!’ એટલું શરીર નબળું પડી ગયું હતું. તેમના યુરિનમાં બ્લડ આવવા માંડ્યું હોવાથી મધુબાલાને ખ્યાલ આવી ગયો હતો કે તેમનો અંત નજીક હતો. મધુર કહે કે તે દિવસોમાં મધુ આપાએ કહ્યું કે ‘જબ મૂઝે કામ કી સમઝ આઇ, તો ઉપર વાલે ને કહા હૈ, અબ બસ!’’
બાળ કલાકાર ‘બેબી મુમતાઝ’ તરીકે 8-9 વરસની ઉંમરે, એટલે કે સાવ નાનપણમાં સખીઓ સાથે રમવાના દિવસોમાં, કેમેરા સામે અભિનય કરવાનું શરૂ કરીને જાતે જ એક્ટિંગના પાઠ ભણવા પડ્યા હોઇ ‘કામ કી સમઝ’ ધીમે ધીમે જ આવી હતી. તેમના દિગ્દર્શકો હોય કે સાથી કલાકારો એ સૌ પાસેથી એ શીખ્યાં જરૂર હશે; પરંતુ આપ મેળે. એવું અનુમાન લગાવી શકાય કે તેમનું અસાધારણ રૂપ અને સદા ખિલખિલાતું હાસ્ય મધુબાલા માટે પોતાની તાલીમમાં અંતરાયરૂપ બન્યું હશે. જે રીતે તેમની જોડે ફિલ્મો કરનારા પ્રેમનાથ, દિલીપ કુમાર, પ્રદીપ કુમાર, ભારત ભૂષણ, કિશોર કુમાર અને ઇવન શમ્મી કપૂર પણ પ્રણય અને/અથવા લગ્નની સંભાવના ચકાસી ચૂક્યા હતા, તે જોતાં ટ્રેઇનિંગનો મુદ્દો કદી ઉપસ્થિત પણ થયો હશે કે? રૂપના મુદ્દે તેમની સરખામણી હોલિવુડની માદક અભિનેત્રી મેરેલિન મનરો સાથે થતી.
મેરેલિન પણ 36 જ વરસની ઉંમરે અવસાન પામવાને કારણે ઇત્તફાક માત્ર સૌંદર્ય સુધી મર્યાદિત નહોતો. તેમને ચાહનારા પુરુષોની યાદી પણ ક્યાં નાની હતી? એટલી ઉંમરમાં ત્રણ લગ્ન અને અમેરિકાના પ્રમુખ જહોન એફ કેનેડી સહિતના કેટલા તેમના રૂપના દીવાના હતા. તો મધુબાલાના ચાહકોમાં પછીથી પાકિસ્તાનના ધૂંઆધાર નેતા બનેલા ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પણ હતા. જ્યારે ‘મુગલ-એ-આઝમ’ના ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...’નું શૂટિંગ ’50ના દાયકામાં ચાલતું હતું તે દિવસોમાં વકીલ ભુટ્ટો મુંબઈ હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરતા હતા અને કરાંચીથી આવ-જા કરતા હતા. ઓલરેડી બે વખત પરણી ચૂકેલા ઝુલ્ફીકારનું બાન્દ્રામાં ‘માય નેસ્ટ’ નામનું વિશાળ મેન્શન હતું. ફિલ્મના સેટ પર એ મધુબાલાના ગેસ્ટ તરીકે આવતા અને તેથી તેમની અવર-જવરની તે દિવસોના પ્રેસમાં ગંભીર નોંધ લેવાતી હતી. તે મુલાકાતો સામે વાંધા પડ્યા. એ માહિતી નથી મળતી કે સિંધના લારકાના શહેરમાં રહેતી એક ધનપતિની દીકરી એવી તેમની પ્રથમ બીવી શિરિન બેગમના કે પછી કરાચીમાં રહેતાં બીજાં પત્ની ઇરાનિયન લેડી નુસરત બાનુ (બેનઝીર ભુટ્ટોનાં મમ્મી)ના પરિવારોએ તેનો વાંધો લીધો હતો? પણ મુલાકાતો અટકી ગઈ અને ભુટ્ટો વકીલાત છોડીને પાકિસ્તાનના રાજકારણમાં ઉતર્યા પછી તો ’65ના યુદ્ધ વખતે મુંબઈમાંની ભુટ્ટો પરિવારની બધી મિલકતો સરકારે જપ્ત કરી લીધી હતી એ ઇતિહાસની જાણીતી હકીકતો છે.
ભુટ્ટો-મધુબાલાની કથા કેટલું આગળ વધી હોત એ કલ્પનાનો વિષય છે. પરંતુ, મધુબાલા માટે મેરેલિન મનરોની હયાતિમાં જ ઇન્ટરનેશનલ પ્રેસમાં એક સામયિકે શું લખ્યું હતું એ પણ જાણવા જેવું છે. અમેરિકાના ‘થિયેટર આર્ટ્સ’ મેગેઝિનના ઓગસ્ટ 1952ના અંકમાં મધુબાલાનો મોટો ફોટો મૂકીને આવું હેડિંગ કર્યું હતું, ‘ધી બીગેસ્ટ સ્ટાર ઇન ધી વર્લ્ડ – એન્ડ શી ઇઝ નોટ ઇન બેવરલી હિલ્સ’. ફિલ્મ રસિકો જાણે છે એમ, ‘બેવરલી હિલ્સ’ એ વિસ્તાર છે જ્યાં હોલિવુડના મોટા મોટા સ્ટાર્સ રહે છે. એ લેખમાં લખ્યું હતું, ‘ભારતની છેલ્લા દસ વર્ષની કથા આ રીતે આલેખી શકાય વિશ્વયુદ્ધ, સિનેમા ઉદ્યોગનો ઉછાળો, સ્વતંત્રતા પ્રાપ્તિ અને મધુબાલા... તે સૌથી વધુ ફી લેતી સ્ટાર છે... અત્યારે નવ ફિલ્મોમાં એ કામ કરી રહી છે... મધુબાલા માત્ર ઇન્ટેલિજન્ટ નથી, એ દેખાય છે પણ ઇન્ટેલિજન્ટ... એ એક નજર નાખે છે તો ભારતમાં પુરૂષો સ્ત્રીઓ કરતાં વધારે ચઢિયાતા હોય છે એ માન્યતાનો ભૂક્કો બોલી જાય છે!’
મધુબાલાનાં વખાણ એ ચાર પાનાં સુધી પથરાયેલા લેખમાં થયાં એ એક માત્ર ઇન્ટરનેશનલ પ્રશંસા નહતી. ‘લાઇફ’ જેવા દુનિયાભરના ફોટો જર્નાલિઝમના સૌથી અગ્રેસર અને સ્ટાન્ડર્ડ મેગેઝિને તેમની પરંપરામાં એકાદ બે નહીં 34 બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો કેમેરામાં કેદ કરી લીધી હતી. એ ફોટા આજે પણ મધુબાલાનાં વિવિધ સહજ રૂપોને ઉજાગર કરતા રહે છે. તો જેના ઉપરથી રાજ કપૂર અને નરગીસની ‘ચોરી ચોરી’ ફિલ્મ બની હતી તેની ઓરિજિનલ ફિલ્મ ‘ઇટ હેપન્ડ વન નાઇટ’ના વિશ્વ વિખ્યાત ડાયરેક્ટર ફ્રેન્ક કાપ્રાએ તેમની મુંબઈની મુલાકાત વખતે મધુબાલાને હોલિવુડની ફિલ્મમાં લેવાની ઓફર કરી હતી. આવી મોટી સફળતા એક એવી યુવતિની જેને કોઇ નાટકમાં પણ અભિનય કરવાનો અનુભવ નહોતો. છતાં પાત્રના મનોભાવ પડદા ઉપર વ્યક્ત કરવાનું એ જાત મહેનતે શીખ્યાં હતાં. પરંતુ, જેમ મીનાકુમારીએ ‘સાહિબ બીબી ઔર ગુલામ’ની ‘છોટી બહુ’ના પાત્રને પોતાના અસલ જીવન સાથે જોડીને શરાબને પોતાનો કાયમી સાથીદાર બનાવી દીધો હતો, એ જ કામ મધુબાલા માટે ‘અનારકલી’એ કર્યું. તેમણે પોતાની પ્રેમકથાનો નાયક ન મળવાની પીડાને અંગત જિંદગીમાંથી બહાર નીકળવા જ ન દીધી. એ પણ જાણે ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ ની શરૂઆતની પંક્તિઓ જીવતાં હતાં... ‘ઇન્સાન કિસી સે દુનિયા મેં ઇક બાર મોહબ્બત કરતા હૈ, ઇસ દર્દ કો લેકર જિતા હૈ, ઇસ દર્દ કો લેકર મરતા હૈ...!’
બીમારીના છેલ્લા દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઇએ ખબર નહોતી પૂછી. છેલ્લા જન્મદિને 14મી ફેબ્રુઆરી 1969ના દિવસે પત્રકાર રામ ઔરંગાબાદકર ફુલો લઈને ‘એરેબિયન વિલા’ પહોંચ્યા. તેમને આવકારતા પિતા અતાઉલ્લાહે કહ્યું એક સમય એવો હતો જ્યારે આ રૂમ ફૂલોના ગુલદસ્તાઓથી આ દિવસે છલકાઇ જતો હતો. માંદગી દરમિયાન મધુબાલાએ સામે ચાલીને મિત્રોને બોલાવવા માંડ્યા હતા. તેમને પ્રણય અને સૌંદર્યની દેવી (‘વિનસ ઓફ હિન્દી સિનેમા’) કહીને પોતાના મેગેઝિનમાં કાયમ નવાજનાર ‘ફિલ્મ ઇન્ડિયા’ના પત્રકાર બાબુરાવ પટેલને સંદેશો મોકલ્યો, તો એ દિલ્હી હતા. તેમણે પોતાનાં પત્ની સુશીલા રાણીને મોકલ્યાં. સુશીલાજી એ મહિલા હતાં જેમણે મધુબાલાને ઇંગ્લિશ શીખવ્યું હતું. તેમનો રિપોર્ટ હતો કે બચપણથી એક્ટિંગમાં આવવાને કારણે માંડ માંડ નામનું જ પ્રાથમિક શિક્ષણ મેળવનાર એ છોકરીએ અંગ્રેજી એટલી નિષ્ઠા અને ખંતથી શીખ્યું કે ટૂંક જ સમયમાં એ બોલતાં તો ઠીક લખતાં અને વાંચતાં પણ શીખી ગઈ હતી! સુશીલા રાણી મધુબાલાને મળવા ગયાં ત્યારે તેમને જોરથી ભેટીને કહ્યું, ‘અંકલને કહેજો કે એક બીમારને જોવાનો ટાઇમ કાઢે...'
પણ બાબુરાવ પટેલ હોય કે કિશોર કુમાર કે પછી પિતા અતાઉલ્લાહ ખાન અને ખાસ કરીને મધુબાલાની મુંબઈમાં સારવાર કરતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જાલ વકીલ સહિતના એ સૌ જાણતા હતા કે હ્રદયમાં છિદ્ર હોય એવા દર્દીનો કોઇ ઇલાજ ત્યાં સુધીમાં શોધાયો નહોતો. હા, અમેરિકામાં ડોક્ટર ક્લેરન્સ વૉલ્ટન જેવા નિષ્ણાત હાર્ટ સર્જન બાળકો પર પ્રયોગો કરી રહ્યા હતા. પહેલી સર્જરી 13 મહિનાના એક બાળક પર સફળ થઈ હતી. પરંતુ, તે પછી એ અગિયાર દિવસ જ જીવતું રહ્યું હતું. તે પછીનાં વર્ષોમાં 44 દર્દીઓ પર ઓપન હાર્ટ સર્જરી કરાઇ અને તે પૈકી 32 બચ્યા હતા. ભારતમાં તેનું આગમન થવાની હજી વાર હતી. (કાશ, એ રિસર્ચ વહેલું આરંભ થયું હોત!) આજે તો ઓપન હાર્ટ સર્જરી ભારતમાં પણ કોમન થઈ ચૂકી છે. મધુબાલાને હતી એ તકલીફ ‘વીએસડી’ (વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ) માટે હવે તો બાળકોની સર્જરી સહિતની સારવારો ઉપલબ્ધ છે. પણ તે દિવસોમાં મધુબાલાના આવી રહેલા મોતની વાસ્તવિકતા સ્વીકારવા સિવાય કોઇ છૂટકો નહોતો. મધુબાલાના કરીબીઓમાં એ જ સવાલ હતો જે ‘આનંદ’માં અમિતાભ બચ્ચનને અને સૌ પાત્રોને ‘આનંદ’ના મૃત્યુની રાહ જોતાં થતો હતો..... ‘કબ... કબ... કિસ વક્ત?’
છેવટે એ ગોઝારી ઘડી આવી 23મી ફેબ્રુઆરી 1969ના દિવસે. મધુબાલાના 37મા જન્મદિનના 9 જ દિવસ પછી. ઇન્ડસ્ટ્રીમાં ખબર ફેલાઇ અને સૌ પ્રથમ આવી પહોંચ્યાં નરગીસ. પિતા અતાઉલ્લાહ ચોધાર આંસુએ રડતા હતા. પછી તો મીનાકુમારી, આશા પારેખ, માલા સિન્હા, નિમ્મી, પ્રેમનાથ, અશોક કુમાર, સુનિલ દત્ત કે.આસિફ, પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, શશિ કપૂર, નૌશાદ વગેરે એક પછી એક સૌ આવ્યા. મધુબાલાને લંડનથી આવ્યા પછી 1960મા જ વિમાનના અવાજોથી દૂર એક ઘર અને નર્સની વ્યવસ્થા કરી આપનાર પતિ કિશોર કુમાર સહિતના બંને પરિવારોના સૌ હાજર હતા. થોડો સમય એ ચર્ચા ચાલી કે એક અખંડ સૌભાગ્યવતીની જેમ શણગારીને સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા કે દફન વિધિ કરવો? પરંતુ, તત્કાળ સ્વાભાવિક નિર્ણય લેવાયો કે જુહુ ગાર્ડન સામેના કબ્રસ્તાનમાં દફનાવવાં. જનાજાને ઉંચકનારાઓમાં સૌથી મોખરે કિશોર કુમાર હતા. દિલીપ કુમાર ‘ગોપી’ ફિલ્મના શૂટિંગમાં મદ્રાસ હતા. તેથી ફરી એકવાર ‘મુગલ-એ-આઝમ’ની પંક્તિઓ યાદ આવતી હતી... ‘ઉઠે જનાજા જો કલ હમારા, કસમ હૈ તુમ કો ન દેના કાંધા... ન હો મોહબ્બત હમારી રુસ્વા યે આંસુઓં કા પયામ લે લો... તુમ્હારી દુનિયા સે જા રહે હૈં ઉઠો હમારા સલામ લે લો’ કબ્રસ્તાનમાં હાજર સૌની આંખ ભીની હતી. 36 વરસ કોઇ મરવાની ઉંમર નહોતી. એક અતિ ખૂબસૂરત બદન માટીમાં મળી ગયું હતું. મધુબાલાને પોતાની જિંદગીના છેલ્લા દિવસોમાં દિલીપ કુમારને મળવાની ખુબ તમન્ના હતી. શું દિલીપ કુમાર પણ નાદીરાની માફક જાણી જોઇને નહીં ગયા હોય? નાદીરાજીએ કહ્યું હતું કે મધુને જે ખૂબસુરતીમાં તેમણે જોઇ હતી એ ચહેરાને પોતાની સ્મૃતિમાં એવોને એવો રાખવા પોતે અંતિમ દર્શન કરવા કે બીમારીમાં ખબર કાઢવા ગયાં નહોતાં.
દિલીપ સા’બ પણ એ અથવા અન્ય કોઇ કારણસર ના આવ્યા તે ના જ આવ્યા. દફનવિધિના બીજા દિવસે તે પ્લેનમાં મદ્રાસથી આવી પહોંચ્યા. કબર પર ફૂલ ચઢાવીને દુઆ કરી. મૃત્યુ પછીના દિવસોમાં શોકને કારણે મધુબાલાને ત્યાં જમવાનું બનતું નહોતું; ત્યારે પરંપરા અનુસાર ત્રણ દિવસ સુધી દિલીપ કુમારના બંગલેથી જમવાનું ગયું. મધુબાલાનાં બેન મધુરના કહેવા પ્રમાણે તો ‘69મા દીદીના થયેલા ઇન્તકાલ પછી ‘કિશોર ભૈયા’ 1987મા અવસાન પામ્યા ત્યાં સુધીમાં કદી મધુબાલાના કુટુંબને મળવા આવ્યા નહોતા. પરિવારે મજાર આરસપહાણની બનાવડાવી અને તેના પર કુરાનની આયાતો લખાવી. મધુબાલાની 75મી જન્મજયંતિ નિમિત્તે 2008માં ભારત સરકારે પાંચ રૂપિયાની સ્મૃતિ ટપાલ ટિકિટ બહાર પાડીને એ અદભૂત કલાધારિત્રીનું રાષ્ટ્રિય સન્માન કર્યું હતું. તેમની મજાર પર કુટુંબીજનો અને ચાહકો દર સાલ ફેબ્રુઆરીમાં પુષ્પાંજલિ કરતા.પરંતુ, અચાનક એક ખાસ કારણસર 2010મા એ બંધ થઈ ગયું.
તે સાલ મધુબાલાના જન્મના મહિના ફેબ્રુઆરીની બીજી તારીખે આમીર ખાનના પિતાજી તાહિર હુસૈનનો ઇન્તકાલ થતાં તેમનો દફનવિધિ જુહુ મુસ્લિમ કબ્રસ્તાનમાં કરવાનો થયો. તે પછી અખબારોના અહેવાલોથી ખબર પડી કે ત્યાં મધુબાલા સહિતના 21 કલાકારોની કબરો કબ્રસ્તાનના વહીવટદારોએ ખોદી કઢાવી હતી! તેમાં મધુબાલા ઉપરાંત મોહંમદ રફી, નૌશાદ, સાહિર લુધિયાનવી, જાં નિસાર અખ્તર, અલી સરદાર જાફરી, તલત મેહમૂદ અને પરવીન બાબી જેવા બધાની મજાર, તેમનાં સગાં-સંબંધીઓને કોઇ જાણ કર્યા વગર ઉખાડી નંખાઇ હતી. પરંતુ, એમ કબર ઉખાડી નાખે મધુબાલાની (કે કોઇપણ આર્ટિસ્ટની) સ્મૃતિઓ ક્યાં ભૂસાવાની હતી? મધુબાલા તો ઓરિજિનલ ‘બ્યુટી ક્વિન’ અને તેનાથી પણ વધુ તો ‘ક્વિન ઓફ હાર્ટ’ એટલે કે પ્રેક્ષકોના હૈયાની રાણી! એટલે જ તો, મધુબાલાની યાદનાં આંસુમાં પણ સૌંદર્ય અને પ્રેમની દેવી ‘વિનસ’ તેમની જ ખૂબસુરતીથી ઝળકે છે. શૂન્ય પાલનપુરીના શબ્દોમાં કહીએ તો,
‘અજાણે પણ કલાકારો અંતરછાપ પાડે છે,
પડે છે અશ્રુઓ જ્યાં જ્યાં ઊઠે છે દિલની તસવીરો...’
મધુબાલાનું અંગત જીવન તેમના (શારીરિક રીતે પણ!) તૂટેલા હ્રદયની કરુણ દાસ્તાનથી છલોછલ હતું, જે કોઇપણ સહ્રદયી વ્યક્તિને લાગણીશીલ કરી દે. પરંતુ, એ જ હકીકતને બીજી રીતે જોઇએ તો, ‘ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહીં...’ની મધુબાલાથી વધારે મોટી કઈ મિસાલ હોઇ શકે? એટલે જ તો એ કહ્યાગરી દીકરીની કબરમાં તેને ખૂબ ગમતા અત્તરની બૉટલ મૂકવાનું પોતે ભૂલી ગયાનો અફસોસ અબ્બાજાન અતાઉલ્લાહને પોતે જીવ્યા ત્યાં સુધી રહ્યો. આપણે સૌ સિનેમાપ્રેમીઓ માટે તો એ ‘વેલેન્ટાઇન ડે’ના શુભ જોગે જન્મેલી હુસ્નની પરી હતી. પરંતુ, પિતાની ખુશી માટે પોતાના સાચા પ્રેમની પણ બલિ ચઢાવી દીધી એ મધુબાલા માટે વાત્સલ્યસભર કોઇપણ પપ્પા કહેશે, એ પણ હતી એક ‘દીકરી વહાલનો દરિયો’!
આમીન.
(મધુબાલાને ‘મુગલ-એ-આઝમ’નું પેલું ગીત યાદ આવતું હશે... ‘હમેં કાશ તુમ સે મોહબ્બત ન હોતી, કહાની હમારી હકીકત ન હોતી...’)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર