મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી.... (9)
મધુબાલાને અમર કરી દેનારું ગાયન ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ શરૂ થાય તે પહેલાં આવતા સાખી જેવા શબ્દો અત્યારે તો આવા છે, “ઇન્સાન કિસી સે દુનિયા મેં ઇક બાર મોહબત કરતા હૈ, ઇસ દર્દ કો લેકર જીતા હૈ, ઇસ દર્દ કો લેકર મરતા હૈ....” પણ શરૂઆતમાં શકીલ બદયૂનિની કલમથી નીકળેલા અલ્ફાઝ આમ હતા, “હમ આજ તુમ્હારી મહફિલ મેં ઇસ દિલ કો જલા કર દેખેંગે, દુનિયા કા તમાશા દેખ ચૂકે અબ અપના તમાશા દેખેંગે.....” આમ તો યોગ્ય લાગતા આ શબ્દો કે.આસિફની આકરી કસોટીમાંથી પાર ન ઉતર્યા અને શકીલ સાહેબ પાસે નવી પંક્તિઓ લખાવી, જે મજબૂત રીતે ચોંટી ગઈ. એ જ રીતે એ ગાયનનો છેલ્લો અંતરો લખવામાં અડધી રાત વિતાવવી પડી, ત્યારે આસિફ સાહેબે પોતાના શાયરનો કેડો મૂક્યો હતો. સૌ જાણે છે એમ, એ ગીત બાદશાહ સામે બગાવતનું હતું અને તે પણ ભર્યા દરબારમાં. રાજાનો અનાદર જે કારણે કરવાનો હતો એ સંવેદના પ્રેમની હતી અને તે છીછરા શબ્દોથી વ્યક્ત કરવાની નહોતી. ‘અનારકલી’ (મધુબાલા)એ પોતાના ઇશ્કની પવિત્રતા સ્થાપિત કરવાની હતી. શકીલની આનાથી મોટી કસોટી કદાચ નહીં થઈ હોય.
છેવટે કલાકોની જહેમત પછી શકીલ બદાયૂનિ એ શબ્દો લઈ આવ્યા, જેનાથી એ ગાયનની ઊંચાઇ જાણે કે હિમાલયને સ્પર્શી ગઈ. યાદ હોય તો, છેલ્લા અંતરામાં મધુબાલા નમાઝ પઢવાની અદામાં ઘૂંટણ પર બેસીને બે હાથ દુઆ માટે ઊંચા કરી ગાય છે, ‘‘પર્દા નહીં જબ કોઇ ખુદા સે, બંદોં સે પર્દા કરના ક્યા?’....’ ત્યારે ગુસ્સામાં લાલ ચોળ થયેલા અકબર (પૃથ્વીરાજ કપૂર) આંખો ઝુકાવી દે છે. રાજાથી સંતાવાની કે ડરવાની પોતાને જરૂર નથી એમ કહેવા એ ભગવાનને વચ્ચે લાવે છે અને એ હતો શકીલ સાહેબનો માસ્ટર સ્ટ્રોક! કેમ કે ફિલ્મની શરૂઆતમાં અકબર સંતાનની ખોટ પૂરી કરવા શેખ સલીમુદ્દીન ચિશ્તીના ધાર્મિક સ્થાનક પર જઈને અલ્લાહને “શહેનશાહોં કે શહેનશાહ’ કહીને સંબોધે છે. તેથી અહીં સમીકરણ જડબેસલાક બેસી જાય છે. ‘તમે રાજા ખરા, પણ તમારે પણ જેને શહેનશાહ કહેવા પડે છે એ ખુદાથી કશું સંતાડી નથી શકાતું, તો પછી તમે પણ આખરે તો તેની બંદગી કરનારા, તેની પાસે માગનારા બંદા જ છો ને?’ બાદશાહ પણ આંખો નીચી કરીને જાણે કે કહેતા હોય ‘યુ હેવ એ પોઇન્ટ, બેબી!’
મધુબાલાના ચહેરા પરના હાવભાવ કે એ ગીત પછી કરાતી ધરપકડ અને રાજદરબારમાંથી વિદાય લેતી વખતનો અભિનય કશું ભૂલી શકાય એવું નથી. અમારે મન એક માત્ર ‘મુગલ-એ-આઝમ’ અને તેમાં પણ આ ગાયન ‘પ્યાર કિયા તો ડરના ક્યા....’ મધુબાલા પર સમરકંદ બુખારા જ નહીં તમે કહો તે ઓવારી જવા માટે પૂરતું છે! ‘મુગલ-એ-આઝમ’ની અન્ય વાતો આગળ ઉપર કરીશું. મધુબાલાએ તે દિવસોમાં, 1957-58ના સમયમાં, હીરો સાથેના અણબનાવને લીધે એ પિક્ચરના શૂટિંગમાં કામ પૂરતી વાત રાખીને બીજી ફિલ્મો પર ધ્યાન આપવા માંડ્યું. મધુબાલાને ક્રેડિટ આપવી પડે એ વાતે કે ‘નયા દૌર’ના કેસમાં જે કાંઇ બન્યું હતું અને તે પછી દિલીપ કુમાર સાથે જે સંજોગોમાં સંબંધ તૂટ્યો હતો, તેની કડવાશ તેમણે ક્યારેય કોઇ ઇન્ટરવ્યૂમાં વ્યક્ત કરી નહોતી. અરે, ત્યાર પછી પણ નહીં, જ્યારે પોતે સામે ચાલીને પત્રકાર બન્ની રૂબેન મારફત મોકલેલા સંદેશાનો દિલીપ સા’બે નિરાશાજનક પ્રત્યુત્તર આપ્યો હતો.
બન્ની રૂબેને પોતાના પુસ્તકમાં મધુબાલા સાથેની પોતાની એ મિટીંગનો વિગતે અહેવાલ આપેલો છે. એ વાત ‘નયા દૌર’નો કેસ પત્યા પછીના દિવસોની છે. ત્યારે ‘ફિલ્મફેર’માં ‘આઇ વીલ નેવર ફર્ગેટ’ શિર્ષક હેઠળ પોતાના જીવનની અવિસ્મરણીય ઘટનાઓ ખુદ સ્ટાર્સના શબ્દોમાં આલેખાતી. જે પ્રકારની પબ્લિસિટી મધુબાલા સામેના એ મુકદ્દમાને મળી હતી, તે જોતાં મેગેઝીનના તંત્રી એલ.પી. રાવ અને સહાયક ગુલશન યુઇંગ (જે મહિલા આગળ જતાં ‘ફિલ્મફેર’ના હરીફ બનેલા સિને-સામયિક ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’નાં એડિટર બન્યાં હતાં તે) બન્નેએ મળીને તેમના પત્રકાર બન્ની રૂબેનને મધુબાલાનો ઇન્ટરવ્યૂ લેવાનું કામ સોંપ્યું. આમ કરવા પાછળનું એક કારણ એ પણ ખરું કે દિલીપ કુમારના કરીબી દોસ્તારોમાં બન્નીનો સમાવેશ થતો હતો. બન્નીએ પછીનાં વર્ષોમાં તો દિલીપ કુમારની જીવનકથા પણ લખી અને તે પબ્લિશ થઈ ત્યારે તેને ‘સૌથી સત્તાવાર જીવનકથા’ (મોસ્ટ ઓથોરિટેટિવ બાયોગ્રાફી ઓફ દિલીપ કુમાર) તરીકે પ્રચારિત કરાઇ હતી.
એટલે મધુબાલાનો ઇન્ટરવ્યૂ કરવા બન્ની શ્રેષ્ઠ વ્યક્તિ હતા. તેમણે ફોન કર્યો અને મધુબાલાએ મુલાકાતની મંજૂરી તો આપી; પણ કોઇ સ્ટુડિયોમાં નહીં, પોતાને ઘેર આવવાનું કહ્યું. હવે આ પણ નવાઇભરી વાત હતી. મધુબાલાના બંગલા ‘એરેબિયન વિલા’માં કોઇ પત્રકાર જઈ શકતા નહોતા. થોડાં વરસ પહેલાં મીડિયા સાથે અણબનાવ થયો, તે પછી મહિનાઓ બાદ સમાધાન થયું; ત્યારે બધા જર્નાલિસ્ટોને એક સાથે બાંદ્રાના એ નિવાસસ્થાને આમંત્ર્યા હતા, તે માફ. બાકી જ્યાં વિશાળકાય કૂતરાઓ કાયમ ચોકી પહેરો કરતા, એ ‘વિલા’માં કોઇ અનધિકૃત વ્યક્તિની એન્ટ્રી નામુમકિન હતી. જો પ્રોડ્યુસર કે દિગ્દર્શક જેવા કોઇને સમય અપાયો હોય તો કૂતરાઓને બાજુ પર લઈ જવાયા પછી જ અંદર અવાય. તેને બદલે એક પત્રકાર હોવા છતાં બન્નીને પોતાને ઘેર બોલાવ્યા હતા. એટલું જ નહીં, જ્યારે એ બંગલામાં પહોંચ્યા ત્યારે તેમને સામાન્ય રીતે મહેમાનોને બેસાડાતા એ નીચેના દીવાનખાનામાં ના બેસાડાયા. બન્નીને સીધા ઉપર મધુબાલાના રૂમમાં લઈ જવાયા. થોડી વાર પછી મધુબાલાની એન્ટ્રી થઈ અને વળી એક આશ્ચર્યજનક ઘટના ઘટી.
મધુબાલાએ બારણું બંધ કર્યું અને અંદરથી સ્ટૉપર મારી દીધી! તેમણે ખુલાસો કર્યો કે જ્યારે આ ઇન્ટર્વ્યૂની દરખાસ્ત ‘ફિલ્મફેર’ તરફથી આવી ત્યારે એક હીરોઇનનો ઇન્ટરવ્યૂ કરવા મહિલા જર્નાલિસ્ટ ગુલશન યુઇંગને મોકલવાની વાત હતી. પરંતુ, મધુબાલાએ પોતે બન્નીના નામ માટે આગ્રહ રાખ્યો હતો, કારણ કે એ દિલીપ કુમારના મિત્ર હતા. થોડી મિનિટોનો ઇન્ટરવ્યૂ થશે એમ ગણીને ગયેલા બન્નીને બે કલાક સુધી શ્રોતા બનવાનું થયું. એ લખે છે કે “મધુબાલાએ વાત કરવાની શરૂ કરી ત્યારથી તેમને જાણે કે ‘યુસુફ ખાન’ સિવાય બીજી કોઇ વાત જ કરવાની નહોતી. તેમના સંબંધોની નાનામાં નાની વિગતો આપવા માંડી. કેવી રીતે એ રિલેશનશીપમાં દરાર પડી અને બન્નેને અલગ થવું પડ્યું તેના પોતાને થયેલા અપાર દુઃખનો ભાર તેમણે હળવો કરવા માંડ્યો અને મારા ખભા પર માથું મૂકીને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યાં....”
બન્ની લખે છે કે મધુબાલાની ઇચ્છા હતી કે હું દિલીપ કુમારને એ વાતે સમજાવું કે તેમની મધુને તેમણે કેટલી ખરાબ રીતે ટ્રીટ કરી હતી અને તે (મધુ) હજી પણ પોતાના યુસુફને ચાહતી હતી. પત્રકારને તો ‘ફિલ્મફેર’ માટે સરસ (‘ટેરિફિક’) લેખ મળી ગયો હતો. પરંતુ, ઓફિસમાં સબ્મિટ કરેલા એ સ્ફોટક આર્ટિકલની જગ્યાએ, જ્યારે મેગેઝીનની પ્રિન્ટ કોપી બહાર આવી ત્યારે, સ્વ-નિયંત્રણના એ દિવસોમાં ખાસી કાપકુપવાળો ઇન્ટરવ્યૂ છપાયો હતો. તે લેખનો અંત, આખી મુલાકાતના સારાંશ જેવા, મધુબાલાના આ વાક્યથી આવ્યો હતો, “અને છેવટે હું કદી નહીં ભૂલું......... મારા સૌથી પ્રિય (માય ડિયરેસ્ટ વન) જે દુશ્મન બની ગયા.” એ મુલાકાત પછી બન્ની રૂબેન, વાદે કે મુતાબિક, મધુબાલાનો સંદેશો લઈને દિલીપ કુમારને મળ્યા પણ હતા. બન્નીએ જ્યારે એમ કહ્યું કે “મધુબાલાના દિલમાં હજી તેમના માટે પ્રેમની જ્યોત (ટોર્ચ) ઝળહળી રહી છે. તમે એક વાર તેની સાથે.....” ત્યારે દિલીપ કુમારે તેમની વાત આગળ સાંભળવાને બદલે અકળાઇને કહ્યું, “વ્હોટ બ્લડી ટોર્ચ!” બન્ની લખે છે કે ત્યાર પછી તેમણે કદી મધુબાલાનું નામ દિલીપ કુમાર સમક્ષ નહોતું લીધું.
એ આખા પ્રસંગની અને વિશેષ અગત્યના એવા મધુબાલાના બયાનની સત્યતા માટે બન્ની સિવાયના કોઇ પર આધાર રખાય એવો નથી. આજે બન્ની પણ હયાત નથી. ત્રીજા પાત્ર એવા દિલીપ કુમારે જાતે લખાવેલા આત્મકથનમાં તેમણે પોતે પત્રકાર સાથેની આવી કોઇ વાતનો ઉલ્લેખ નથી કર્યો. બલ્કે મધુબાલા વિશેના પ્રકરણ (13)માં ‘ઓથોરેટિટેવ’ શબ્દને અવતરણ ચિન્હોમાં મૂકીને બન્ની રૂબેન પ્રત્યે આડકતરી રીતે પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે. ટૂંકમાં, મધુબાલાના જીવનમાં દિલીપ કુમારના પ્રકરણનો અંત જે સંજોગોમાં આવ્યો તેનાથી નિરાશાની ગર્તામાં ડૂબી જવાનું અને શરાબ કે અન્ય સહેલા રસ્તાઓ અપનાવવાનું શક્ય હતું તે જ દિવસોમાં તેમણે જે ફિલ્મોમાં અભિનય આપ્યો હતો તે એકદમ મનોરંજક હતી. તેમણે છોડેલી ‘નયા દૌર’ જે સાલ આવી તેના પછીના જ વર્ષે આવેલી ‘હાવડા બ્રીજ’ અને ‘ચલતી કા નામ ગાડી’માં મધુબાલાને જુઓ તો ક્યાંય પેલા પ્રણયભંગનો અણસાર પણ તેમની મૌજમાં ન દેખાય.
‘હાવડા બ્રીજ’માં મધુબાલાને નાઇટ ક્લબ સિંગર તરીકે “આઇયે મેહરબાં, બૈઠિયે જાને જાં....” ગાતાં આજે પણ ‘યુ ટ્યુબ’ પર જોઇ શકાય છે. તેમની આંખોની મસ્તી અને અલ્લડ હંસી એક જુદી જ ઇમેજ ઉભી કરે છે. (‘હાવડા બ્રીજ’નું એક ગાયન તેના અનોખા રેકોર્ડ માટે પણ યાદગાર છે. તેના એક યુગલ ગીત ‘‘દિલ મેરા લૂટ લિયા....”ને સ્ક્રિન પર જે કપલ રજૂ કરે છે એ કોમેડિયન મેહમૂદ અને મીનુ મુમતાઝ અસલી જિંદગીમાં સગ્ગાં ભાઇ બહેન હતાં, જે તે દિવસોમાં હજી સ્ટ્રગલ કરતાં હતાં!) ‘હાવડા બ્રીજ’નું દિગ્દર્શન શક્તિ સામંતાનું હતું. તે પહેલાં શક્તિ દા ચાર ફિલ્મો બનાવી ચૂક્યા હતા. એટલું જ નહીં, પોતાની કરિયરમાં પછીનાં વર્ષોમાં ‘એન ઇવનિંગ ઇન પેરિસ’, ‘કશ્મીર કી કલી’, ‘કટી પતંગ’, ‘આરાધના’, ‘અમર પ્રેમ’, ‘અનુરાગ’, ‘બરસાત કી એક રાત’, ‘ગ્રેટ ગેમ્બલર’, ‘મેહબૂબા’ વગેરે જેવી સંખ્યાબંધ સફળ ફિલ્મો બનાવી હતી એ તો સૌ જાણે જ છે. પરંતુ, તેમને સાચા અર્થમાં પહેલી હીટ ફિલ્મ મળી ‘હાવડા બ્રીજ’માં અને મધુબાલાને અંજલિ આપતી વખતે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે ટિકિટબારી પરની એ પ્રથમ સફળતામાં પોતાની હીરોઇનના બેમિસાલ ગ્લેમરનો કેવો મોટો ફાળો હતો. શક્તિ સામંતે તે પછી મધુબાલાને દેવ આનંદ સાથે લઈને ‘જાલી નોટ’ પણ બનાવી હતી. ‘હાવડા બ્રીજ’ની સાથે જ જેમાં પોતે કામ કરતાં હતાં તે કિશોર કુમારની ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’નું મધુબાલાના જીવનમાં આગવું સ્થાન હતું. (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર