મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી… (1)

24 Feb, 2017
12:00 AM

સલિલ દલાલ

PC: askmen.com

મધુબાલાનું નામ પડતાં જ ઐશ્વર્યા રાયને થાય છે એવા અન્યાયની શરૂઆત થઈ જાય. જેમ ‘બચ્ચન બહુ’એ એવો જાહેર અફસોસ એક કરતાં વધુ વખત વ્યક્ત કર્યો છે કે મોટાભાગના લોકો તેમના રૂપનાં વખાણ કરીને અટકી જતા હોય છે અને તેમના અભિનયની અથવા પડદા પાછળના પરિશ્રમની નોંધ બહુ ઓછી લેવાતી હોય છે; એવું જ કાંઇક મધુબાલાના કિસ્સામાં પણ થતું... હજી થાય છે. જ્યારે પણ તેમની જિકર આવે ત્યારે મધુબાલાના અપ્રતિમ સૌંદર્ય પર સમરકંદ-બુખારા ઓવારી જવાય. નો ડાઉટ, એ વિશ્વ પ્રસિદ્ધ ‘લાઇફ’ મેગેઝિનના ફોટો-ફિચરમાં સ્થાન પામવાનું બહુમાન મેળવનાર હિન્દી ફિલ્મ-જગતનાં પ્રથમ અભિનેત્રી હતાં. મધુબાલાને તેમના જમાનામાં ‘મિસ વર્લ્ડ’ કે ‘મિસ યુનિવર્સ’માં જવાની તક મળી હોત તો એ પોતાની નેચરલ બ્યુટીથી એવું ટાઇટલ જીતી શક્યાં હોત, એમ આસાનીથી કહી શકાય. 1969મા માત્ર છત્રીસ જ વર્ષની ઉંમરે અવસાન પામનાર એ રૂપસુંદરીની ગણના આજે પણ ‘ઑલ ટાઇમ ઇન્ડિયન બ્યુટી’માં થાય છે અને ભર યુવાનીમાં ગુજરી જવાને કારણે તેમને ‘ઇન્ડિયન મેરેલિન મનરો’ પણ કહેવાય છે. વળી, દુનિયા આખીમાં પ્રેમીઓના પ્રિય ‘વેલેન્ટાઇન્સ ડે’ 14મી ફેબ્રુઆરીએ તેમનો જન્મ થયો હોઇ મધુબાલાને ‘વિનસફ હિન્દી સિનેમા’ કહેવાય છે, એ પણ ખરું. પરંતુ, એ બધી પ્રશંસામાં મધુબાલાને એક અભિનેત્રી તરીકે અને એક વ્યક્તિ તરીકે કદાચ યોગ્ય ન્યાય નથી કરાતો.

મધુબાલાને મોટાભાગના સિનેમાપ્રેમીઓ ‘મુગલ-એ-આઝમ’ની ‘અનારકલી’ તરીકે ઓળખતા હોય છે અને અમારો આડકતરો પ્રથમ પરિચય પણ એ ભવ્ય કૃતિથી જ થયો હતો. તે સાલ અમને ‘અર્બન પ્રમોશન’ મળ્યું હતું. અમારા સાવ નાનકડા પરા જેવા ગામમાં ત્રણ ધોરણથી આગળ ભણવાનું નહોતું. તેથી અગાઉના વર્ષે જ ચોથું ધોરણ બોરસદ મોસાળમાં રહીને ત્યાંની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવાનું થતાં ટોકીઝ અને ફિલ્મોનો ઉપલક પરિચય થયો હતો. ત્યાંની નટરાજ ટોકીઝમાં રોજ સાંજે થાળીવાજા પર વાગતાં ગાયનો એક ગજબનું આકર્ષણ હતાં. રોજ એકનાં એક ગીત એ જ ક્રમમાં વાગે અને તો ય તેનો અભાવ ન થાય; બલ્કે રોજ તેનો ઇન્તજાર રહે! ત્યાંથી પાંચમા ધોરણમાં, બોરસદની સરખામણીએ ઘણા મોટા શહેર, વડોદરામાં અમારી જ્ઞાતિની ‘લોહાણા બોર્ડિંગમાં રહીને ભણવાનું થતાં બઢતી થયાનો ભાવ થવાનું અને સીટી લાઇફથી અંજાવાનું સ્વાભાવિક હતું. બોર્ડિંગમાં સિનિયરોના મુખે ‘મુગલ-એ-આઝમ’ની રજૂઆત પહેલાંની ચર્ચાઓ સાંભળીને ઉત્સુકતા આખા છાત્રાલયમાં હતી. પિક્ચર રિલીઝ થવાની આગલી સાંજે દૈનિક ક્રમ અનુસાર બોર્ડિંગના વિદ્યાર્થીઓ માણેકરાવ અખાડામાં જઈને પાછા ફરતા હતા, ત્યારે સિનિયરોની સાથે અમે પણ શારદા ટોકીઝ પર ગયા હતા અને ત્યાંનું દ્દશ્ય જોઇ આશ્ચર્યથી આંખો પહોળી થઈ ગઈ હતી.

શારદામાં ‘મુગલ-એ-આઝમ’ રજૂ થવાની આગલી સાંજે જવાનો મૂળ આશય આમ તો ત્યાંની તૈયારીઓ જોવાનો હતો. પબ્લિસિટી માટે જરી ભરેલાં રંગીન વિશાળ બોર્ડ, કલાકારોના કટ-આઉટ તથા ‘પિચ્ચર’ના આવેલા લેટેસ્ટ ફોટા જોવા જવાનો એ આદર્શ સમય ગણાય. કેમ કે એકવાર અખાડામાંથી પરત છાત્રાલયમાં આવ્યા પછી જમવાનું, પ્રાર્થના અને સમયસર સૂઇ જવાનું એ નિત્યક્રમ શિસ્તબદ્ધ રીતે ભારે કડકાઇથી પાળવાનો થતો. ટોકીઝ પર પહોંચીને અમે બધાએ જોયું કે તે ગુરૂવારે ચાલતા પિક્ચરના છેલ્લા શૉ માટેની ટિકિટબારી ખુલવાને પણ હજી કલાકેકની વાર હતી અને ટિકિટબારીની બાજુમાં લોકો આખી રાત સૂવાની તૈયારી સાથે ધાબળા અને ઓશીકાં લઈને ‘મુગલ-એ-આઝમ’ની ટિકિટ માટે લાઇનમાં બેસી ગયા હતા! સિનેમાના એ ક્રેઝનો એ સીન ક્યારેય દિલ-દિમાગમાંથી ખસ્યો નથી. એ પિક્ચરની હીરોઇન મધુબાલા! ભવ્ય શીશમહેલના શાહી દરબારમાં ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ મોટા પડદા ઉપર ગાતી ‘અનારકલી’ અન્ય સિનેપ્રેમીઓની માફક જ આજે પણ અમારી સ્મૃતિમાં અકબંધ છે. હજીય ‘યુ ટ્યુબ’ પર એ ગાયન જોતાં પાછા શારદા ટોકીઝમાં બેસી ગયા હોઇએ એમ સમગ્ર થિયેટરને ચારે બાજુથી ગજવતા પ્રેક્ષકોની તાળીઓ, સીટીઓ અને ચીસો સંભળાવા લાગે છે. તેને મનોવૈજ્ઞાનિકો ‘હેલુસિનેશન’ અથવા ‘ભ્રમણા’ કહેશે. પણ અમારા માટે એ ગાયન સિનેમા-પ્રેમની તંદુરસ્તીનો બાલચમચો પીવા સમાન છે. તે વખતે બ્લેક એન્ડ વ્હાઇટ ‘મુગલ-એ-આઝમ’માં ગણતરીની રીલ રંગીન હતી અને 2004મા ટેકનોલોજીની કૃપાથી આખી ફિલ્મ કલરમાં બનાવીને રજૂ થઇ ત્યારે, લગભગ 50 વરસ પછી, પણ ફરીથી તાળીઓ, સીટીઓ અને ચીસો સંભળાઇ જ હતી. સિનેમાનો જાદુ પાંચમા ધોરણના કુમળા માનસ પર જે આસાનીથી છવાયો, તેમાં ‘મુગલ-એ-આઝમ’નો અને વિશેષ તો આગલી સાંજે આખી રાત સૂવાની તૈયારી સાથે આવેલા પ્રેક્ષકોના આશ્ચર્યજનક દ્દશ્યએ હાઇબ્રીડ બીયારણનું કામ કર્યું હતું. એ પિક્ચર વિશે જો કે બોર્ડિંગમાં બે ભાગ પડી ગયા હતા અને તેથી મુસ્લિમ મધુબાલાને કે દિલીપકુમારને જોવાનો નજરિયો આજની દૃષ્ટિએ તંદુરસ્ત નહતો.

દેશ આખા માટે મુસ્લિમ અને હિન્દુ કલાકારોને બિનસાંપ્રદાયિક રીતે જોવાના શરૂઆતના એ દિવસો હતા. એ સમય હજી ‘રામભરોસે હિન્દુ હોટલ’ અને ‘ઓનેસ્ટ ઇસ્લામી રેસ્ટોરન્ટ’નાં બોર્ડનો હતો. ભાગલા પડ્યાના સમયે કરાંચીથી જીવ બચાવીને આવેલા અને નિરાશ્રિત તરીકે મુંબઈમાં સેટલ થયેલા એક કુટુંબના વિદ્યાર્થીની જુબાને સાંભળેલી પાકિસ્તાનમાં થયેલા હિંસાચારની કરુણ કહાણીઓએ વિદ્યાર્થીઓમાં એક ગ્રુપ કોઇપણ મુસ્લિમ કલાકારને સારા માનવા તૈયાર નહીં. તેથી તે સાલ અમારા વડોદરા આગમન અગાઉ શારદા ટોકીઝમાં જ રજુ થયેલી રાજકપૂરની ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ સારી કે ‘મુગલ-એ-આઝમ’? એ ચર્ચામાં ધર્મનું મહત્ત્વ રાખવાની પ્રાથમિક તાલીમ પણ એ કુમળી વયે ત્યાં જ મળી. પરંતુ, જેમ જેમ સમજ વિકસી તેમ તેમ કળાની ટેલેન્ટ અને ધર્મને અલગ કરતાં શીખાયું; ત્યારે દિલીપકુમારની મુસ્લિમ નાયિકા મધુબાલા વધારે ગમે કે રાજ કપૂરની હિન્દુ હીરોઇન પદ્મિની એવા ભેદભાવ પણ દૂધના દાંતની જેમ સ્વાભાવિક ક્રમમાં ખરી પડ્યા. દિલીપકુમાર આજીવન ગમતા કલાકાર રહ્યા અને ‘મુગલ-એ-આઝમ’ સિનેમાના આકર્ષણનો મૂળભૂત પાયો રહ્યો. પરંતુ, સમજણના એ પ્રારંભિક દિવસોમાં મધુબાલા માટે કોઇ બહુ સારી વાતો સાંભળવા નહોતી મળતી.

તે દિવસોમાં બોર્ડિંગમાંના એક ગ્રુપના મતે તો, મધુબાલા એટલે હિન્દુ કિશોર કુમારને ધર્મ પરિવર્તન કરાવવા ‘કરીમ અબ્દુલ’ નામ ધારણ કરાવીને નિકાહ પઢાવનાર મુસ્લિમ હીરોઇન! એ લગ્ન વિશે પણ સમય જતાં ઘણા ખુલાસા થયા અને મધુબાલાના જીવનમાં તેમના પિતાજી અતાઉલ્લાહ ખાનનું મહત્ત્વ અથવા તો તેમના આધિપત્ય અંગે ઘણું જાણવા મળ્યું. અતાઉલ્લાહ અફઘાની પઠાણ હતા જે અત્યારે પાકિસ્તાનના પ્રદેશ ‘કે પી કે’ (KPK)ના રહેવાસી હતા અને પશ્તો ભાષા બોલતા. ‘કે પી કે’ અર્થાત ‘ખૈબર પખ્તુન ખ્વા’ આજનું નામ છે, જેનું અંગ્રેજોએ પાડેલું નામ ‘એન ડબલ્યુ એફ પી’ (NWFP) ‘નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ’ હતું અને ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાન ત્યાંની એ લડાયક કોમને ગાંધી ચિંધ્યા માર્ગે આઝાદીની ચળવળ માટે દોરવણી આપતા હતા. તેમણે પોતાના ‘લડવૈયાઓ’(?)ને ‘ખુદાઇ ખિદમતગાર’ તરીકે ઓળખાવતા સંગઠનની સ્થાપના 1929મા કરી દીધી હતી. મુસ્લિમ લીગ દ્વારા કરાતી, અલગ પાકિસ્તાન બનાવવા માટે, દેશના ભાગલા કરવાની દરખાસ્તના એ વિરોધી હતા. તેમને ભારત સાથે રહેવું હતું. એ વિસ્તારમાં તે સમયનું પણ વાતાવરણ તંગ તો હતું જ. અતાઉલ્લાહ પેશાવરમાં ‘ઇમ્પિરિયલ ટોબેકો કંપની’માં કામ કરતા હતા, જેની ‘કેપ્સટન’ સિગરેટ અને મોટી સાઇઝની સિગાર બહુ જાણીતી હતી. એ નોકરી છૂટી ગઈ, જેનાં એક કરતાં વધુ કારણો સંશોધનમાં મળી આવે છે.

અતાઉલ્લાહની નોકરી જવાના કારણમાં તેમની સૌથી નાની દીકરી શાહિદાના હવાલાથી એમ કહેવાયું છે કે એ ગરમ મિજાજ પઠાણને બ્રિટીશ ઓફિસર સાથે ઝગડો થતાં તાત્કાલિક પોતાની 15 વર્ષ જૂની એ જોબને લાત મારીને નીકળી ગયા હતા. જ્યારે અન્ય એક રિપોર્ટમાં કહેવાયું છે કે આઝાદીના તે જંગમાં ખાન અબ્દુલ ગફાર ખાનના પક્ષે હોઇ તેમની ખરાબ રીતે હકાલપટ્ટી કરવામાં આવી હતી. અંગ્રેજો અને ભાગલાવાદી તત્ત્વોનું વર્ચસ્વ એવું હતું કે તેમને પેશાવરમાં અન્ય કોઇ નોકરી મળે પણ નહીં. એટલે અતાઉલ્લાહ દિલ્હી આવી ગયા. તેમની પત્ની આઇશા બેગમને 11 સંતાનો થયાં હતાં અને તેમાંની પાંચમું બાળક એટલે મધુબાલા. તેમનાં ભાઇ-બહેનો પૈકીનાં પાંચ એટલે કે ત્રણ બહેનો અને બે ભાઇ નાનપણમાં જ મૃત્યુ પામ્યા હોઇ તમામ ૬ હયાત બાળકો દીકરીઓ જ હતી. તે દિવસોમાં ‘બાળ મરણ’ - ઇન્ફન્ટ મોર્ટાલિટી –  સામાન્ય વાત હતી અને મુસ્લિમ હોય કે હિન્દુ, સંતાન પ્રાપ્તિ માટે એક કરતાં વધુ લગ્ન સ્વાભાવિક હતાં. આજે આશ્ચર્ય લાગે એવી બાળકોની સંખ્યા એ દિવસોમાં એક ગર્વનું કારણ હતી. સ્ત્રીને મોટેભાગે પ્રજોત્પત્તિના સાધન તરીકે અને ઉત્પન્ન થયેલાં બાળકોના ઉછેર માટે જવાબદાર ગણતો એ સમય હતો. એવા દિવસોમાં દિલ્હીમાં 14મી ફેબ્રુઆરી 1933ના રોજ બાળકીનો જન્મ થયો અને બેબીનું નામ પડાયું મુમતાઝ, જે મોટી થતાં તેનું સિનેમા માટેનું નામ પડ્યું હતું ‘મધુબાલા’! જન્મથી જ અત્યંત ખૂબસુરત એવી એ બાળકીને જોઇને સૌ કોઇ ખુશ ખુશાલ હતા. પણ ભાવિ ભાખનારા નજુમીએ એક એવી આગાહી કરી કે મા-બાપ હચમચી ગયાં. (વધુ આવતા અંકે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.