મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (7)

07 Apr, 2017
12:00 AM

સલિલ દલાલ

PC: intoday.in

મધુબાલા તરફથી કાયદેસરની કેવી કાર્યવાહી થઈ શકે તે માટેની વિચારણાઓ હજી ચાલતી હતી અને તે દરમિયાન જ બી.આર.ચોપરાએ ક્રિમિનલ કેસ દાખલ કરી દઈને સૌને ચોંકાવી દીધા. મધુબાલા અને ‘બી.આર.’ના વિવાદમાં ઘણી બધી રીતે તાકાતની અસમતુલા(ઇમ્બેલેન્સ ઓફ પાવર) હતી. સૌથી મોટો તફાવત તો એ કે બી.આર. ફિલ્મ્સ એક પ્રોડક્શન હાઉસ હતું. એ પૈસા, તાકાત અને અનુભવમાં તેમની હીરોઇન કરતાં વધારે જોરાવર હોય જ. તેમને કોન્ટ્રાક્ટ વગેરે કરવાના હોવાથી ત્યાં લિગલ બાબતો માટે ઇનહાઉસ વકીલ પણ હોય જ. એડવોકેટ સાથે તેમની ઓફિસના માણસો કેસની ચર્ચા કરે અને ચોપરા સાહેબ તેમનું અન્ય કામ કરે તો પણ ચાલે. જ્યારે મધુબાલાએ તો પોતાનું કામ છોડીને વકીલો સાથે બેસવું પડે. પિતાજી પણ ખાસ ભણેલા નહોતા. સામેપક્ષે ચોપરા સાહેબ લાહોરની લૉ કોલેજમાં બાકાયદા કાનૂનનો અભ્યાસ કરી ચૂકેલા લેખક-પત્રકાર હતા. તેમણે ‘પહેલો ઘા રાણાનો’ સ્ટાઇલમાં ફોજદારી ફરિયાદ કરીને મધુબાલાની ટીમને ડિફેન્સિવ પોઝિશનમાં મૂકી દીધી.

બી.આર. ચોપરા પ્લાન પ્રમાણે ફિલ્મો પૂરી કરીને તેમના ડિસ્ટ્રીબ્યુટરોને સમયસર પ્રોડક્ટ પહોંચાડવા માટે જાણીતા હતા. મોડું કરવાનું આમ પણ પોસાય એમ નહોતું. તેમાંય ‘નયા દૌર’નો પ્રોજેક્ટ તો અન્ય સર્જકોને ખોટા પાડવાનો તેમને માટે એક પ્રેસ્ટિજ ઇશ્યુ પણ હતો. કેમ કે ‘નયા દૌર’ જે વાર્તા પરથી બનવાની હતી તેના લેખક અખ્તર મિર્ઝા (‘નુક્કડ’ સિરિયલના ડાયરેક્ટર સઈદ મિર્ઝાના પિતાજી)એ પોતાની એ સ્ટોરી અગાઉ એક કરતાં વધુ નિર્માતા-દિગ્દર્શકોને સંભળાવી હતી. એ સૌએ તે રિજેક્ટ કરી દીધેલી હતી. હકીકતમાં તો મિર્ઝા સાહેબ, સફળતા મળતાં અવિવેકી થઈ જતા એક ગાયકની વાર્તા બી.આર. ચોપરાને તે દિવસે વેચી ચૂક્યા હતા. તેના પેમેન્ટ વગેરેની વિધિ પત્યા પછી મિર્ઝાએ પોતાના હૈયાની નજીક એવી એક બીજી વાર્તા સાંભળવા ચોપરાઓને વિનંતી કરી. બી.આર. અને યશ ચોપરા બંને ભાઇઓ સંમત થયા. પણ શરૂઆત કરતા પહેલાં ઇમાનદાર મિર્ઝાજીએ એક ખુલાસો કર્યો. 

તેમણે કહ્યું કે આ વાર્તા પોતે રાજ કપૂરને વેચવા માગી હતી અને તેમણે તે ખરીદી નહોતી. તેમણે બીજી એક સ્ટોરી લીધી જેના ઉપરથી ‘આર. કે.’ના બેનર તળે ‘અબ દિલ્લી દૂર નહીં’ બની હતી. એ જ રીતે એસ. મુખરજી અને મદ્રાસના એસ.એસ. વાસને પણ તે કહાની પસંદ નહોતી કરી. અન્ય એક સર્જક મેહબૂબ ખાને તો તેને દસ્તાવેજી ફિલ્મ બને એવી સ્ટોરી કહી હતી. તેને લીધે બિચારા અખ્તર સા’બ તો એ સ્ક્રિપ્ટ લઈને સરકારી ડોક્યુમેન્ટ્રી બનાવતી સંસ્થા ‘ફિલ્મ્સ ડિવિઝન’ના વડા મિસ્ટર ભવનાની પાસે પણ જઈ આવ્યા હતા! એ બધો ઇતિહાસ કહ્યા છતાં ચોપરા બંધુઓએ મિર્ઝાને ધ્યાનથી સાંભળ્યા અને એ સ્ટોરી સેશનને અંતે ‘નયા દૌર’ના રાઇટ ખરીદી લીધા. જેવી એ વાત ઇન્ડસ્ટ્રીમાં ફેલાઇ કે એક દિવસ મેહબૂબખાને બી.આર.ને રૂબરૂ મળીને ચેતવ્યા ‘હજી કહું છું આ ડોક્યુમેન્ટ્રી ના બનાવીશ... તારા પૈસા ડૂબશે!’ 

એટલા નકારાત્મક અભિપ્રાયોને ખોટા પાડવાની ચેલેન્જવાળો એ પ્રોજેક્ટ હતો અને હીરોઇનના પિતાજીની હઠને કારણે તે અટકી જાય તો કેમ ચાલે? બંને પક્ષે અક્કડ વલણ હતું. તેથી વાટાઘાટોને સ્થાન હતું નહીં. મધુબાલા અને દિલીપ કુમારને સળંગ બે મહિના મુંબઈની બહાર રહેવા મળે એ હીરોઇનના પિતાજીને થવા દેવું નહોતું. ચોપરાએ હીરોઇનને પડતી મૂકવાની જાહેરાત જે રીતે કરી તે મધુબાલાની પ્રોફેશનલ પ્રેસ્ટિજ પર અસર કરે એવી હોઇ માનહાનિનો અને વળતરનો દાવો થાય એવો હતો. પણ એવું કાંઈ અતાઉલ્લાહ કરે તે પહેલાં તો તેમની સામે ક્રિમિનલ કેસ ગિરગામની પ્રેસિડેન્સી કોર્ટમાં દાખલ થઈ ચૂક્યો હતો. મધુબાલાના પિતાજીએ રૂ.ત્રીસ હજાર લઈને કરાર કર્યો હતો. હવે તે નાણાં સામે કરાર મુજબની સેવાઓ નહીં આપીને છેતરપીંડી કરી હોવાનો કેસ હતો, જે સાબિત થાય તો જેલની સજા પણ થઈ શકે.

એ કેસ જ્યારે ચાલવા પર આવ્યો, ત્યારે છાપાં-મેગેઝિનોને તો મઝા પડી ગઈ. જ્યારે મુદત હોય ત્યારે જાણે કે કોઇ ફિલ્મનું શૂટિંગ હોય એમ અદાલતની અંદર અને બહાર લોકોનાં ટોળાં ઉમટતાં. પત્રકારો કોર્ટની કાર્યવાહીનો તથા યુનિટના માણસોની સંભળાતી ગુસપુસનો રિપોર્ટ કરતા. મધુબાલા ‘આરોપી’ અને તેમની સામે કેસ દાખલ કરનાર ફરિયાદી ‘બી.આર. ફિલ્મ્સ’ના સી.વી.કે. શાસ્ત્રી હતા. દાવામાં જુબાની આપવા શાસ્ત્રીજીની સાથે સાથે પ્રોડક્શન હાઉસના અન્ય કર્મચારીઓ આવતા. ઉપરાંત પિક્ચરમાં ‘જુમ્મનચાચા’ બનનારા મનમોહન ક્રિશ્ના પણ અદાલતમાં હાજર થયા હતા. પરંતુ, સૌથી મોટી સનસનાટી ત્યારે થઈ જ્યારે ખુદ દિલીપ કુમારને જુબાની આપવાની થઇ. એ કેસ અંગે દિલીપ સા’બની જીવનકથા વર્ષો પહેલાં લખનાર અને એક સમયના તેમના અંગત વર્તુળોમાં ગણાતા પત્રકાર બન્ની રુબેને પોતાના અન્ય એક પુસ્તક ‘ફોલિવુડ ફ્લેશબુક’માં લખ્યા પ્રમાણે દિલીપ કુમારની જુબાની સાત દિવસ સુધી ચાલી હતી.

એ જુબાની બી.આર. ચોપરાની તરફેણમાં એટલે કે મધુબાલાની વિરુદ્ધમાં અપાતી હતી. એક તબક્કે ભરી અદાલતમાં શાહજાદા સલીમની અદામાં દિલીપ કુમારે એવું કહ્યું કે ‘હું મધુને પ્રેમ કરું છું અને તેના મૃત્યુ સુધી કરતો રહીશ.’ અખબારોને હેડલાઇન તો મળી જ, સાથે સાથે અર્થઘટન કરવાની તક પણ પ્રાપ્ત થઈ. એક દલીલ એ આવી કે દિલીપ કુમાર ‘મારા’ છેલ્લા શ્વાસ સુધી મધુને ચાહીશ એમ કહેવાને બદલે જેને પોતે પ્રેમ કરતા હોવાનો દાવો કરતા હતા તેના છેલ્લા દિવસ સુધીનો વાયદો કેમ કરતા હતા? તેમને પોતાની વિરુદ્ધમાં જુબાની આપતા જોઇ મધુબાલાના હ્રદયમાં જે કુદરતી છેદ હતો એ કેવો વધારે પહોળો થયો હશે તેનો અંદાજ એક એડવોકેટ શ્રી ચઢ્ઢાએ કાઢ્યો હશે. એ આર.ડી. ચઢ્ઢા મધુબાલા અને અતાઉલ્લાહખાનના લૉયરના જુનિયર વકીલ હતા.

નેચરલી, મધુબાલાના કેસમાં ચઢ્ઢા કોર્ટમાં રોજે રોજની કાર્યવાહીમાં હાજર રહેતા હતા. જો કેસનો ચુકાદો તેમના અસીલની ફેવરમાં ના આવે તો તેમને જેલની સજા પણ થઈ શકે, એ શક્યતા અગાઉથી સૌ જાણતા હતા. અખબારોમાં એ સંભાવનાની ચર્ચાઓ પણ થયેલી હતી. તેથી દિલીપ કુમારને પોતાની વિરુદ્ધ જુબાની આપતા જોઇને એક તબક્કે મધુબાલાએ ચઢ્ઢાને પૂછ્યું (હકીકતમાં તો જાતને પૂછ્યું હશે!) ‘શું આ એ જ માણસ છે જે મને પ્રેમ કરતો હતો? અને જેને મેં પ્રેમ કર્યો હતો?” ચઢ્ઢાએ લેખિકા સુશીલા કુમારી સમક્ષ વ્યક્ત કરેલા મત મુજબ તો, ‘મધુબાલાને જેલની સજા થઈ હોત તો પણ દિલીપ કુમારને કોઈ પશ્ચાતાપ ન થાત.’ એ જ સુશીલા કુમારીએ મધુબાલા અને દિલીપ કુમારનું પ્રેમ પ્રકરણ કેવી રીતે પૂરું થયું હતું તેનો આંખો દેખ્યો હાલ એક્ટર ઓમ પ્રકાશે કહેલો છે, તે તેમના લખેલા પુસ્તક ‘દર્દ કા સફર’માં આપ્યો છે. એ દિવસે મધુબાલાના અભિનયવાળી ફિલ્મ ‘ઢાકે કી મલમલ’ના સેટ પર ઓમપ્રકાશ હાજર હતા. (જો યાદશક્તિ ભૂલ ન કરતી હોય તો ઓમજી કદાચ તે ફિલ્મના બિનસત્તાવાર નિર્માતા હતા.) હીરોઇન મધુબાલા પોતાના મેકઅપ રૂમમાં હતાં, જ્યાં દિલીપ કુમાર પણ હાજર હતા. 

દિલીપ કુમારે ઓમપ્રકાશને ત્યાં બોલાવ્યા. વાતાવરણ ગરમ હતું. દિલીપ સા’બે ઓમજીને કહ્યું કે તે હવે મેકઅપ રૂમમાં જ રહે અને જે બની રહ્યું હતું તેના સાક્ષી બને. સુશીલા કુમારીના પુસ્તક અનુસાર, ઓમપ્રકાશે જોયું કે દિલીપ કુમાર પોતાની સાથે લગ્ન કરવા મધુબાલાને યાચના કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ‘અત્યારે જ આપણે મારે ઘેર જઈએ. મેં કાજીને તૈયાર રાખ્યા છે. શાદી આજે જ મુકમ્મલ કરી લઈએ. તે પછી તારે પિતા સાથે સંબંધ રાખવાનો નહીં.’ દિલીપ કુમાર કદાચ મીના કુમારીએ પોતાના પિતા સાથે છેડો ફાડીને કમાલ અમરોહી જોડે લગ્ન કર્યાના ઉદાહરણને દોહરાવવા માગતા હતા. આ અંગે એક વાત એવી પણ પછી બહાર આવી હતી કે દિલીપ કુમાર પોતે જે ફિલ્મ બિનસત્તાવાર રીતે પ્રોડ્યુસ કરી રહ્યા હતા; તે ‘ગંગા જમુના’નો બધો પ્રોફિટ અતાઉલ્લાહને આપી દેવાનું પણ કહ્યું હતું, જેને લીધે પરિવારને આર્થિક તકલીફ ન પડે અને લગ્ન પછી મધુબાલાએ કામ ન કરવું પડે. પરંતુ, ઓમપ્રકાશના કહેવા મુજબ, મધુબાલાએ પોતાના પિતા અથવા પ્રેમી બેમાંથી એક એવી પસંદગી કરવાની તૈયારી ન બતાવી. છેલ્લે દિલીપ કુમારે અલ્ટિમેટમની ભાષામાં કહ્યું કે એનો અર્થ એ કે મધુ લગ્ન કરવા નથી માગતી. હવે પોતે જતા રહેશે તો ફરી ક્યારેય પરત નહીં આવે!

બસ. એ મુલાકાત પછી બંને અલગ થયાં એ ઓમપ્રકાશનું વર્ઝન છે. એ પ્રસંગના ત્રણ પાત્રોમાંથી અત્યારે ઓમજી કે મધુબાલા બેમાંથી કોઇ હયાત નથી. એ સંજોગોમાં દિલીપ કુમારને અન્યાય ન થાય એટલા માટે એ પણ નોંધવું જોઇએ કે તેમની તાજેતરમાં પ્રકાશિત થયેલી આત્મકથામાં આ પ્રસંગનો ક્યાંય ઉલ્લેખ નથી. બલ્કે આખા પુસ્તકમાં ઓમજીનો ઉલ્લેખ એક જ વાર છે અને તે પણ ‘ગોપી’ ફિલ્મના સંદર્ભે. એટલે એ ઘટનાની સત્યતાને કેટલું વજન આપવું એ દરેક વાચકની વિવેકબુદ્ધિ પર છોડવાનું થાય છે. પરંતુ, એવું કોઇ બેકગ્રાઉન્ડ હોય કે ન હોય, ‘નયા દૌર’ના એ કેસમાં દિલીપ કુમારની જુબાની મધુબાલાની વિરુદ્ધની હતી એ ચોક્કસ. એક બાજુ એ કેસની મુદતો પડતી હતી અને બીજી બાજુ ‘નયા દૌર’નું શૂટિંગ ધમધોકાર ચાલતું હતું. 

પિક્ચરમાં આવતા રોડ બાંધવાના સીન્સ માટેનું આઉટડોર ભોપાલ નજીક નક્કી કર્યું. જ્યારે છેલ્લે થતી ટાંગા અને મોટર વચ્ચેની રેસ પૂણે નજીક ફિલ્માવાઇ. છેવટે ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ. પણ કેસનો નિકાલ નહતો થયો. પાંચમી ઓગસ્ટ 1957ના દિવસે ‘નયા દૌર’ મુંબઈના શ્રેષ્ઠ પૈકીના એક લિબર્ટી થિયેટરમાં રિલીઝ થઈ. એ તારીખો મેહબૂબ ખાને પોતાના ‘મધર ઇન્ડિયા’ માટે બુક કરાવેલી હતી. તેમની ફિલ્મ  કલરમાં હોઈ પ્રિન્ટો ડેવલપ કરવા લંડન લઈ જવાની થઈ. તેમનાં ખાલી પડેલાં થોડાંક અઠવાડિયાં ‘નયા દૌર’ને તેમણે આપ્યાં, એમ સમજીને કે એ ડોક્યુમેન્ટ્રી વળી કેટલુંક ચાલવાની હતી? પરંતુ, ‘નયા દૌર’ તો સુપરહીટ થઈ! તેની આસપાસના વિવાદો કરતાં વધુ તેમાંના નવતર વિષય ‘માનવ વિરુદ્ધ મશીન’ની મનોરંજક ટ્રિટમેન્ટ તથા ઓ.પી. નૈયરના ઝકાસ મ્યુઝિકને લીધે બોક્સ ઓફિસ પર તે વરસની બીજા નંબરની કમાણી કરાવનારી ફિલ્મ બની. (પહેલો નંબર ‘મધર ઇન્ડિયા’નો હતો.) આ બાજુ ગિરગામ પ્રેસિડેન્સી કોર્ટમાં ન્યાયાધીશ આર.એસ. પારેખ સમક્ષના કેસમાં જુબાનીઓ અને રજૂઆતો પૂરી થઈ હતી. ફોજદારી કેસ હતો એટલે આરોપો ઘડવા પડે. અંગ્રેજીમાં જેને ‘ચાર્જ ફ્રેમ’ કરવાના કહે છે તે તબક્કે કેસ આવી પહોંચ્યો હતો. ફિલ્મને ટિકિટબારી પર કેવો આવકાર મળે છે, એ જોવા બી.આર. ચોપરા અને તેમના સાથીદારો નિયમિત સિનેમાગૃહ પર આંટો મારતા. એક દિવસ તેમણે જોયું તો ‘નયા દૌર’નો શો જોઇને ઓડિયન્સમાંથી કોણ નીકળતું હતું? જજ પારેખ સાહેબ! (વધુ આવતા અંકે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.