મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (6)

31 Mar, 2017
12:00 AM

સલિલ દલાલ

PC: desimartini.com

મધુબાલાએ સતત કામ કરીને તેમના પિતા પાસે ફિલ્મ બનાવવા માટે પૂરતા હોય એવી સ્થિતિ કરી આપી હતી. તે પાછળ અતાઉલ્લાહ પ્રોડ્યુસર બની જાય અને તે બિઝનેસમાં એ સરખું કમાતા થઈ જાય, પછી પોતે પરણીને થાળે પડી શકે એવો ખ્યાલ પણ હોઇ શકે. કારણ ગમે તે હોય, ‘મધુબાલા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપની બની ચૂકી હતી. એટલું જ નહીં, 1955મા એ સંસ્થાએ પ્રોડ્યુસ કરેલી ‘નાતા’ ફિલ્મ આવી અને ફ્લોપ પણ થઈ ગઈ! એટલે મધુબાલા સાથે દિલીપ કુમારને લઈને તેમની નિર્માણ સંસ્થાના બેનર તળે એક પિક્ચર બનાવવાની દરખાસ્ત અબ્બાજાને તેમના ભાવિ જમાઇ સમક્ષ મૂકી. આ ‘ભાવિ જમાઇ’ લખવાનું કારણ એ પણ ખરું કે ‘55માં જ ‘ફિલ્મફેર’ના એક અંકમાં આર્ટિકલ આવ્યો હતો જેમાં દિલીપ કુમાર અને મધુબાલાનો ફોટો મૂકીને સવાલ પૂછાયો હતો, ‘’તેમના માટે લગ્નની શરણાઇઓ ક્યારે વાગશે?’ (વ્હેન વીલ વેડિંગ બેલ્સ રિંગ ફોર ધેમ?) તે જ આર્ટિકલમાં મધુબાલાએ કહ્યું હતું કે એક વાર એ પોતાના પસંદગીના પુરુષ સાથે શાદી કરશે, તે પછી પોતાને અભિનય બહુ ગમતો હોવા છતાં, તે આ લાઇન છોડી દેશે. 

આમ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને (અને કદાચ એ જોડીને પણ!) લગ્નનો જ ઇન્તેજાર હતો. ત્યાં નવી ફિલ્મ માટેની અબ્બાજાનની દરખાસ્ત આવી. પણ દિલીપ કુમારે એ પિક્ચર સાઇન કરવા ઇનકાર કર્યો અને વાત વણસી. તેની સીધી અસર ‘નયા દૌર’ પર આવી. દિલીપ કુમારે પોતાના તાજા બહાર પડેલા આત્મકથન ‘ધી સબ્સ્ટન્સ એન્ડ ધી શેડો’માં આ પ્રસંગની ચોખવટ કરતાં એ ખુલાસો કર્યો છે કે મધુબાલા સાથેનો સંબંધ તૂટવામાં તેમના પિતાજીએ ઓફર કરેલી ફિલ્મની દરખાસ્ત નહીં સ્વીકારવાથી ઊભા થયેલા ખટરાગનો જ ફાળો હતો. (દિલીપ કુમારનો હવે આવેલો ખુલાસો તો એમ કહી જાય છે કે તેમને એવો ભય હતો કે આખી જિંદગી સસરાની ફિલ્મો તેમણે કરવી પડશે.) મધુબાલા સાથે બી.આર. ચોપરાએ ‘નયા દૌર’નું દસ દિવસનું ઇનડોર શૂટિંગ સ્ટુડિયોમાં પૂરું કરી દીધું હતું. હવે બહારગામ જવાનું થતું હતું. ચોપરા સાહેબે ભોપાલ પાસે એક રોડ બનાવવાનું કામ ચાલતું હતું ત્યાં શૂટિંગ કરવાની પરવાનગી લઈ લીધી હતી. પરંતુ, અતાઉલ્લાહે પોતાની દીકરી આઉટડોર શૂટિંગ માટે ભોપાલ કે પૂણે નહીં જાય એમ સ્પષ્ટ કહી દીધું, ત્યારે વાત વણસી ગઈ.

અતાઉલ્લાહનું કહેવું હતું કે મધુબાલા મુંબઈની બહાર શૂટિંગ કરવા જતાં નથી. છતાં જેવી જગ્યાઓ નિર્માતાને જોઇએ છે એવી મુંબઈની આસપાસ છે જ. એ તો ઓફિશિયલ કારણ હતું. પરંતુ, આ મામલે ઘણા લોકોની માફક અતાઉલ્લાહને પણ શંકા હશે કે મહિનો દહાડો મુંબઈની બહાર સજોડે રહ્યા પછી પ્રેમીપંખીડાં પોતાનું ધાર્યું કરી લેશે. જો કે પિતાની એક દલીલમાં વજૂદ જરૂર હતું કે દીકરી મધુને બહારના પાણીની એલર્જી હતી. ફિલ્મ ઉદ્યોગને (અને ખાસ તો તે વખતનાં સિનેમાનાં સામયિકોને!) પણ અગાઉનો ‘નિરાલા’ ફિલ્મના શૂટિંગનો કિસ્સો યાદ હતો. ‘નિરાલા’ માટે દિગ્દર્શક પી.એલ.સંતોષીએ મુંબઈ નજીકના ઘોડબંદરમાં પાણીના ઝરામાં તેમની હીરોઇન ઘૂંટણ સુધીના પાણીમાં ઉતરે છે એવો સીન પ્લાન કર્યો હતો. પણ મધુબાલાએ પાણીમાં ઉતરવાનો ઇનકાર કરી દીધો. પોતાની સ્કિનને ફ્લોરાફાઉન્ટેઇન પાસેના એક પારસી કૂવા સિવાયનું પાણી અનુકૂળ આવતું નહોતું, એ બધા નિર્દેશકોને ખબર જ હોય છે વગેરે દલીલો ધરાઇ.  

પણ પી.એલ. સંતોષી તો ગુસ્સામાં શૂટ છોડીને જતા રહ્યા! એટલું જ નહીં, ચાર દિવસ સુધી આવ્યા જ નહીં. આ પ્રસંગનો રિપોર્ટ તે સમયના નવજવાનિયા પત્રકાર બી.કે. કરાંજિયાએ પોતાના મેગેઝિન ‘મુવી ટાઇમ્સ’માં કર્યો અને હાહાકાર થઈ ગયો. ઇન્ડસ્ટ્રીમાં ‘મધુબાલા ઉદ્દંડ (એરોગન્ટ) છે’,‘પોતાની નાની વાત પર નિર્માતાને આર્થિક નુકશાનમાં ઉતારે છે’, ‘તેનો ઇલાજ કરો’ જેવા અભિપ્રાયો આવવા માંડ્યા.  વાત વધુ વકરે એ પહેલાં અતાઉલ્લાહ સંતોષીજીની ગાડીને રસ્તામાં ઊભી રખાવીને તેમને પોતાને ઘેર લઈ આવવામાં સફળ થયા. મધુબાલાએ પણ ચાર દિવસથી અન્ન સાથે રિસામણાં લીધાં હોવાનું પિતાએ સંતોષીને કહ્યું હતું. એટલે બંનેએ એકબીજાને ‘સોરી’ કહ્યું અને સમાધાન થઈ ગયું. હવે હીરોઇન પાણીમાં ઉતરશે, પણ એક સવલત સાથે. તે ઘેરથી પાણી લઈને આવશે અને શૂટિંગ પછી તરત પોતાના સ્પેશિયલ વોટરથી પગ ધોઇ નાખશે. આમ પ્રોબ્લેમ તો ઉકલી ગયો. પણ એ બબાલના મૂળમાં કરાંજિયાનો પેલો અહેવાલ હતો એ કેમ ભૂલાય?

મધુબાલાએ પોતાના કોઇપણ શૂટિંગમાં આમંત્રણ સિવાય પત્રકારો હાજર નહીં રહી શકે એવી શરત પોતાના કોન્ટ્રાક્ટમાં ઉમેરાવી દીધી. હવે તો વાત ઓર બગડી! તે પુરુષપ્રધાન જમાનામાં સ્ત્રીઓનું અને તેમાંય અભિનેત્રીઓનું જે સ્થાન હતું તે જોતાં ‘એક હીરોઇનની આ મજાલ?’ જેવા સ્વાભાવિક પ્રત્યાઘાત આવ્યા. ફિલ્મી સામયિકોમાં મધુબાલાને ઉતારી પાડતી સ્ટોરીઓ આવવા માંડી. મધુબાલા વિશેનો જે કાંઇ ‘મસાલો’ ગોસીપ કૉલમોમાં આવ્યો હોવાનું દેખાય છે, તેની પાછળ આવી કહાણી પણ હોઇ શકે છે. પણ મધુબાલા વિશે લખતાં મોટેભાગે આ લડાઇનો ઉલ્લેખ થતો જ નથી. બાકી મુંબઈમાં ‘વૉર ઓન મધુબાલા’ એવાં પોસ્ટર પણ લાગ્યાં હોવાનું ખતીજા અકબરે પોતાના પુસ્તકમાં નોંધ્યું છે. (અત્યારે અમેરિકા કહે છે ‘વૉર ઓન ટેરર’. પણ તેના દાયકાઓ પહેલાં એવું સૂત્ર ભારતમાં છપાઇ ચૂક્યું હતું!) 

આટલી લોકપ્રિય અભિનેત્રી વિશે કશું રૂબરૂ જોવા-જાણવા કે તેના વિશે લખવા ન મળે એ પત્રકારત્વની તકલીફ કરતાં પત્રકારોને પોતાની ઓથોરિટી ચેલેન્જ થતી વધારે લાગી હશે. આખું મીડિયા મધુબાલા સામે હતું, ત્યારે એકમાત્ર બાબુરાવ પટેલ અને તેમનું ‘ફિલ્મ ઇન્ડિયા’ મેગેઝિન એ પોપ્યુલર હીરોઇન સાથે હતા. તેમણે એક આર્ટિસ્ટના એ અધિકારનું સમર્થન કરતા લેખો લખ્યા કે પોતાના કામના સમયે બહારના લોકો વિક્ષેપ ન કરે એવું દખલ વગરનું વાતાવરણ માગવાનો કલાકારનો અધિકાર હતો. વર્ષો પછી અમિતાભ બચ્ચનને જે અનુભવ થવાનો હતો તેનો એ પૂર્વજ પ્રસંગ હતો. અમિતાભ બચ્ચનની જેમ જ, તે દિવસોમાં આવનારી મધુબાલાની ફિલ્મોના વકરા ઉપર કોઇ અસર ના પડી. બલ્કે સામયિકોને વેચાણની અને જાહેરાતોની આવકમાં અસર પડવા માંડી. મધુબાલાને નનામા પત્રો મળવા માંડ્યા. કોઇએ ધમકી મોકલી કે તેના ચહેરા ઉપર એસિડ ફેંકાશે! (તમને લાગે છે કે સમાજ આટલાં વર્ષોમાં જરાય બદાલાયો હોય?) 

એટલે સરકાર પણ હરકતમાં આવી. મધુબાલાને તાત્કાલિક રિવોલ્વરનું લાયસન્સ ઇશ્યુ કરી આપ્યું. મધુબાલાએ પોતે પણ ખાનગી સિક્યુરિટીની વ્યવસ્થા કરીને સ્ટુડિયો જવા-આવવા માંડ્યું. એક વરસ સુધી આમ ચાલ્યું. મીડિયાએ પણ અકળાયેલી હીરોઇન સામે પોતાની ‘ઓલ ઇન્ડિયા એક્શન કમિટી’ બનાવી હતી. પછી હંમેશ બને છે એમ, ડાહ્યા માણસો વચ્ચે પડ્યા. બેઉ પક્ષે સમાધાન માટે તૈયારી બતાવી અને એ જ કરાંજિયાના ઘરમાં મિટીંગ ગોઠવાઇ, જેમના રિપોર્ટને પગલે આ બધી બબાલ થઈ હતી. કરાંજિયા પછી તો ‘ફિલ્મફેર’ અને ‘સ્ક્રિન’ના એડિટર તરીકે વર્ષો સુધી રહ્યા અને તેમણે પોતાનાં સ્મરણોના પુસ્તક ‘બ્લન્ડરિંગ ઇન વન્ડરલેન્ડ’માં આ બનાવ વિશે વિગતે લખ્યું છે. એ મિટીંગમાં મધુબાલાને પહેલી વાર કરાંજિયા સાહેબે રૂબરૂ જોયાં અને સફેદ સાડીમાં સાદગીથી આવેલી એ સૌંદર્યની સાક્ષાત મૂર્તિને જોતાં તેમને જે થયું તે શબ્દોમાં આમ વર્ણવ્યું છે.... ‘મધુબાલાને હું પ્રથમવાર રૂબરૂમાં જોતો હતો અને કોઇ જાતના મેક અપ વગરની સફેદ સાડીમાં આવેલી એ હીરોઇનને જોઇને હું અવાચક જ રહી ગયો! મેં મારી જિંદગીમાં આટલી રૂપાળી છોકરી જોઇ નહતી...’

કરાંજિયા પારસી હતા અને ખૂબસુરતીનું જે વિપુલ પ્રમાણ પારસી મહિલાઓમાં હોય છે તે જોતાં મધુબાલાની બ્યુટીની કલ્પના જ કરવાની રહે. ટૂંકમાં જ પોતાની વાત કહેવા ટેવાયેલા કરાંજિયાજીએ એક જ વાક્યમાં આમ પ્રશંસા કરી હતી, “તેનો એક પણ ફોટો મધુબાલાની બ્યુટીને ન્યાય નથી કરતો!’ પછી તો અતાઉલ્લાહે એક દિવસ પત્રકારોને તેમના બંગલા ‘એરેબિયન વિલા’ પર ચા-પાણી માટે બોલાવ્યા અને કરાંજિયા મધુબાલાના ખાસ નિકટના મિત્ર પત્રકાર બન્યા. તેમની દોસ્તીનો નાતો પછી તો એવો પાકો થયો કે જ્યારે આર્થિક કારણોસર કરાંજિયા પોતાનું મેગેઝિન ‘મુવી ટાઇમ્સ’ બંધ કરી દેવા તૈયાર થયા, ત્યારે મધુબાલાએ તેમને ઓફર કરી હતી કે પોતે તેમને માટે એક પિક્ચરમાં મફત કામ કરશે. તે સમયની સૌથી વધુ પૈસા લેતી હીરોઇનોમાં મધુબાલાની ગણતરી થતી હતી. તેથી એ સહાય લાખો રૂપિયામાં થતી હતી. કરાંજિયાએ તે ઓફર સ્વીકારી નહીં એ અલગ વાત હતી. પણ મધુબાલાએ, એટલે કે અતાઉલ્લાહે, જ્યારે ‘નયા દૌર’ માટે  બી.આર.ચોપરાને મુંબઈથી બહાર જવાનો ઇનકાર કર્યો, ત્યારે ફિલ્મ ઉદ્યોગમાં સૌને ‘નિરાલા’ વખતે બહારના પાણીને કારણે થયેલો વિવાદ ખબર હતો.

એટલે એ બનાવનાં થોડાંક જ વર્ષો પછી ‘નયા દૌર’નો મુદ્દો ઉપસ્થિત થયો, ત્યારે ફરી એકવાર મધુબાલા અને તેમના પિતા વિવાદમાં આવ્યાં. શૂટિંગ માટે આઉટડોરની તમામ તૈયારીઓ થઈ ગઈ હોઇ સમયસર યુનિટને ભોપાલ પહોંચાડવાનું હતું. આ બાજુ હીરોઇન તરફથી ગ્રીન સિગ્નલ મળતો નહતો. બી.આર.ચોપરા તરફથી એડવાન્સમાં રૂ. ત્રીસ હજાર ચૂકવાયેલા હતા. દસ દિવસનું ઇનડોર શૂટિંગ પણ કરેલું હતું. એવામાં હીરોઇન બદલવાનો જ વિકલ્પ રહેતો હતો. મધુબાલાને ભોપાલ નહીં મોકલવા પાછળનો અતાઉલ્લાહનો આશય પોતાની દીકરીનું સ્વાસ્થ્ય સાચવવાનો હતો કે પોતાના બિઝનેસમાં સહકાર નહીં આપનાર દિલીપ કુમાર મધુબાલાને પિતા સામે બળવો કરવા સમજાવી કાઢશે એવો ભય હતો; એવાં સંભવિત કારણોમાં પડ્યા વગર એક સાચા બિઝનેસમેનની માફક ચોપરા સાહેબે મધુબાલાની જગ્યાએ વૈજયન્તિમાલાને સાઇન કરી લીધાં. વાત વાયુવેગે ફેલાઇ અને અતાઉલ્લાહનો ગુસ્સો ઓર વધ્યો. હજી એ કળ વળે તે પહેલાં તો બી.આર.ચોપરા તરફથી વધુ એક કડક પગલું ભરાયું. 

તેમણે ‘સ્ક્રિન’ અખબારમાં બે ફુલ પેજની જાહેરાત છપાવી. તેમાં એક આખા પાના ઉપર મધુબાલાનો ફોટો હતો અને સામા પાન ઉપર વૈજયન્તિમાલાની તસવીર. ત્યાં સુધી તો હજી ઠીક હોત. પણ ‘નયા દૌર’માંથી વિદાય લેતી હીરોઇનને માત્ર પડતી નહોતી મૂકાઇ, પણ અપમાનિત કરીને કાઢવામાં આવી હોય એવું દર્શાવતા હોય એમ મધુબાલાના ફોટા ઉપર મોટો ચેકડો મારવામાં આવ્યો હતો. મધુબાલા અને અતાઉલ્લાહ બંને માટે આ તેમની વ્યાવસાયિક પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડનારું પગલું હતું. ગુસ્સો થવો સ્વાભાવિક હતો. બી.આર. સામે કેસ કરી શકાય કે કેમ એની કાનૂની સલાહ લેવાતી હતી, ત્યાં બી.આર.ચોપરાએ એક નવો ધડાકો કર્યો! (વધુ આવતા અંકે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.