મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (10)

28 Apr, 2017
12:00 AM

સલિલ દલાલ

PC: bollywoodbubble.com

મધુબાલાને ‘ચલતી કા નામ ગાડી’ના સેટ પર કિશોર કુમારમાં પોતાના જીવનસાથી દેખાયા હતા. કિશોર કુમારનાં પ્રથમ લગ્ન જેમની સાથે થયાં હતાં તે રૂમાદેવી સાથેના અલગાવ માટે ઘણા મધુબાલાને જવાબદાર ઠેરવતા હોય છે. પરંતુ, હકીકત તો એ હતી કે મધુબાલા તો કિશોરદાના પ્રથમ લગ્ન ટકી રહે તે માટે પ્રયાસ કરતાં હતાં. કિશોર કુમારે પોતે ‘માધુરી’ના વિનોદ તિવારીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘વહ હમારે દર્દ કો કિસી ઔર કે મુકાબલે ઇસ લિયે ભી જ્યાદા સમઝ સકતી થી, કિ ઉન દિનોં દિલીપ કુમાર કે સાથ ઉસકા સંબંધ તૂટ ચૂકા થા ઔર કુછ ઝગડા ચલ રહા થા. રૂમા સે મિલકર ઉસને હમારા મેલ કરાને કી કોશીશ કી. મગર ના રૂમા સે મેરી બાત બન સકી ના દિલીપ કુમાર કે સાથ ઉસકે ઝગડે સુલઝે. તબ કિન્હી નાજુક ક્ષણોં મેં હમને એક હોને કા ફૈસલા કર લિયા...’

કિશોર કુમાર સાથેના લગ્નની ઘટના તો 1960ની અને ‘ચલતી કા નામ ગાડી’ આવ્યું તેના બે વર્ષ પહેલાં 1958મા. એ પિક્ચરની પડદા પાછળની વાર્તા તો એવી કહેવાય છે કે તેનું નિર્માણ કિશોર કુમારે ખોટ ખાવા કર્યું હતું. એ નુકશાનીના પૈસા પોતાને ઇન્કમટેક્ષમાં રાહત અપાવશે એ ગણતરીએ કોમેડી ફિલ્મ બનાવી, જે પ્રકાર મોટેભાગે ફ્લોપ થતો. જો તમે ‘ચલતી કા નામ ગાડી’ જોઇ હોય તો તેના ટાઇટલમાં જે રીતે કાર્ટૂનની દોડાદોડથી કલાકારો અને કસબીઓનાં નામ પ્રસ્તુત થાય છે, તેનાથી જ કોમેડીનો માહૌલ બંધાવો શરૂ થઈ જાય છે. જ્યારે કોમ્પ્યુટર્સનું નામ-નિશાન નહોતું; એવા સમયે પચાસના દાયકામાં રેખાચિત્રોની મદદથી કરેલો એ પ્રયોગ પણ એક નોવેલ્ટી આઇટમ હતો. ફિલ્મમાં ત્રણેય કુમાર ભાઇઓની રમુજી એક્ટિંગની સાથે સાથે મધુબાલાના અભિનય તથા રૂપનું ગ્લેમર અને એસ.ડી. બર્મનનું સંગીત મળીને એવી ફોર્મ્યુલા બની કે ટિકિટબારી પર અપેક્ષાથી ઉંધું થયું! 

‘ચલતી કા નામ ગાડી’ ચાલ્યું અને એવું અણધાર્યું ચાલ્યું કે તે વરસની કમાણી કરાવનારી ટોપ ટેનમાં પ્રથમ નંબરે આવેલી દિલીપ કુમારની ‘મધુમતી’ની પાછળ જ બીજા નંબરે આવી પહોંચી. ત્રીજું સ્થાન ફરી એકવાર દિલીપ સા’બની ‘યહુદી’નું હતું. ટૂંકમાં, નંબર ગેમમાં મધુબાલા અને કિશોરકુમારની જોડી દિલીપ કુમારની લગોલગ હતી. ‘ચલતી કા નામ ગાડી’નાં ગીતો આજે પણ એવરગ્રીન છે. તેના લોકપ્રિય ગાયન ‘ઇક લડકી ભીગી ભાગી સી...’માં મધુબાલા કશાય પ્રયત્ન વગર, સાવ સ્વાભાવિક રીતે, વરસાદના પાણીમાં ભીંજાઇને વગર મેકઅપે નીતરતા રૂપમાં આકર્ષક દેખાઇ બતાવે છે. મોટર ગેરેજ જેવા નિરસ બેકગ્રાઉન્ડમાં પણ જો એ હીરોઇન પોતાની કુદરતી ખૂબસૂરતીથી ખીલી શકતી હોય, તો પછી અન્ય એક ગાયન ‘દે દો મેરે પાંચ રૂપૈયા બારા આના...’ તો ડ્રીમ સિક્વન્સનું ગીત હતું! વળી તેમાં મધુબાલા માટે કિશોર કુમાર ‘રૂપ કા તુમ હો ખજાના...’ એમ ગાતા હોઇ નાયિકાને ગ્લેમરસ બતાવવાની સરસ તક હતી અને તેનો સરસ ઉપયોગ કરાયો હતો. (બાય ધી વે, મધુબાલાની સિરીઝનું ટાઇટલ ‘રૂપ કા તુમ હો ખજાના...’ રાખવાનું પણ એક તબક્કે વિચાર્યું હતું!)

તો અન્ય એક ગીત ‘’હાલ કૈસા હૈ જનાબ કા...? ક્યા ખયાલ હૈ આપકા...?’ પણ કિશોર કુમાર સાથેની મધુબાલાની કેમેસ્ટ્રી કેવી જામી રહી હતી, તેની નિશાની હતી. જો આજે એ ગાયન ‘યુ ટ્યુબ’ પર જોઇએ તો સમજાય કે તેના આઉટડોર શૂટિંગ માટે –ભલેને મુંબઈથી નજીકના પણ - કોઇક રમણીય સ્થળે બંને ગયાં હશે. તેના મજરૂહ સુલતાનપુરીએ લખેલા શબ્દો પડદા પર હળવાફૂલ લાગી શકે. પરંતુ, જો તેને ભજવનારી જોડી પ્રેમમાં પડુંપડું થઈ રહી હોય તો એક વધારાનો ધક્કો મારી શકે એવા અર્થપૂર્ણ અલ્ફાઝ જરૂર હતા. દાખલા તરીકે આ અંતરો... ‘પગલી, પગલી કભી તૂને સોચા રસ્તે મેં ગયે મિલ ક્યૂં?’ એમ પૂછતા કિશોર કુમાર અને સામો મધુબાલાનો જવાબ.... ‘પગલે, પગલે તેરી બાતોં બાતોં મેં ધડકતા હૈ દિલ ક્યૂં?’ જો એ સમયની મધુબાલા અને કિશોર કુમારની અંગત જિંદગીમાં આવેલા તોફાનનો વિચાર કરી શકીએ તો કલ્પના કરવી સરળ થશે. 

એ તો જાણીતી હકીકત છે કે બંને મુખ્ય કલાકારોના પોતપોતાના તે સમયના પ્રણય-સાથીઓ જોડેના સંબંધો તૂટી ચૂક્યા હતા. મધુબાલા સાથેના પોતાના પ્રેમપ્રકરણનો અંત અતાઉલ્લાહ ખાનની જીદને લીધે આવ્યો હતો, એમ દિલીપ કુમારે હવે તો કહ્યું છે. વળી, તે સાચું હોવાની શક્યતા એટલા માટે વધારે છે કે  કિશોર કુમાર સાથેની વધતી નિકટતા સામે પિતાએ વાંધો લીધાનું ક્યાંય નોંધાયું નથી. બલ્કે કિશોર દાએ લગ્નની દરખાસ્ત મૂકી ત્યારે ‘ખાન સાહેબે’ સામેથી મધુબાલાની બીમારી અને તે માટે લંડન લઈ ગયા પછી શાદીની રસમ પૂરી કરવા સલાહ આપી હોવાના એકથી વધુ ઉલ્લેખો મળે છે. અતાઉલ્લાહને પોતાની દીકરી માટે, દિલીપ સા’બ પોતાના આત્મકથનના પુસ્તકમાં કહે છે એવા, પતિ અને પોતાના પ્રોડક્શન માટે હીરો એવા ‘ટુ ઇન વન’ની શોધ કદાચ કિશોર કુમારમાં પૂરી થતી લાગી હશે. કારણ કે તેમના ઘરના બેનર ‘મધુબાલા ફિલ્મ્સ પ્રાઇવેટ લીમીટેડ’ના પિક્ચર ‘મેહલોં કે ખ્વાબ’ના હીરો તરીકે કિશોર કુમારને પસંદ કર્યા હતા. બાકી મધુબાલાને લગ્નની દરખાસ્ત તો પ્રદીપ કુમાર અને ભારત ભૂષણે પણ કરી જ હતીને?

પ્રદીપ કુમાર સાથે મધુબાલાએ તે દિવસોમાં ‘પોલીસ’ ફિલ્મમાં કામ કર્યું હતું, જે હીરોના પોતાના બેનર ‘દીપ એન્ડ પ્રદીપ પ્રોડક્શન’ દ્વારા નિર્માણ પામી હતી અને જેના દિગ્દર્શક પ્રદીપ કુમારના ભાઇ કાલીદાસ હતા. પ્રદીપ કુમાર સાથેની તેમની ફિલ્મોનાં કેટલાંક ગાયનો આજે પણ સાંભળવાં ગમે એવાં સુરીલાં છે. એ બન્નેની જોડીનું ‘રાજહઠ’નું સંગીત પચાસના દાયકાનાં શંકર-જયકિશનનાં યાદગાર આલ્બમોમાં ગણાય છે. તેનાં ગીતોમાં ‘યે વાદા કરો ચાંદ કે સામને, ભુલા તો ન દોગે મેરે પ્યાર કો...’ (મુકેશ-લતા) અને ‘આયે બહાર બન કે લુભા કર ચલે ગયે...’ (રફી સાહેબ) આજે પણ મધ મીઠાં લાગે છે. તો ‘શીરીં ફરહાદ’ના એક ગાયનની શાયર તન્વીર નકવીએ લખેલી આ પ્રમુખ પંક્તિ ભૂતકાળને વાગોળવા ઘણીવાર કામ લગાડાતી હોય છે, ‘ગુઝરા હુઆ જમાના આતા નહીં દુબારા... હાફીઝ ખુદા હમારા...!’ તેમાંનો આ એક અંતરો તો શીરીં અને ફરહાદ જેવા અમર પ્રેમીઓને જ નહીં વર્તમાન સહિતના કોઇપણ સમયના છૂટા પડતા લવર્સને પોતાની વ્યથા-કથા જેવો લાગી શકે છે.... 

ખુશીયાં થી ચાર દિન કી, આંસુ હૈં ઉમ્ર ભર કે, 

તન્હાઇયોં મેં અક્સર રોએંગે યાદ કર કે 

વો વક્ત જો કિ હમને ઇક સાથ હૈ ગુજારા 

હાફીઝ ખુદા હમારા....

તો મધુબાલાને લગ્નની ઓફર કરનાર બંને હીરો પ્રદીપ કુમાર અને ભારત ભૂષણ સાથેની ફિલ્મ ‘ગેટવે ઓફ ઇન્ડિયા’માં રફી સા’બ અને આશાજીનું યુગલ ગાન ‘દો ઘડી વો જો સાથ આ બૈઠે, હમ જમાને સે દૂર આ બૈઠે...’ સંગીતકાર મદન મોહન અને ગીતકાર રાજેન્દ્ર ક્રિશ્નની જોડીનાં અવિસ્મરણીય ડ્યુએટ્સમાં સમાવિષ્ટ હોય છે. ભારત ભૂષણની સીધી સાદી પર્સનાલિટી સાથે તેમને ભાગે કેટલાંક સરસ સરસ ગાયનો આવ્યાં છે, તેની અલગ યાદી થઈ શકે. પરંતુ, મધુબાલા સાથેની બે ફિલ્મોનો ઉલ્લેખ ખાસ જરૂરી છે. એક તો ‘ફાગુન’ જેનું ગીત ‘ઇક પરદેસી મેરા દિલ લે ગયા, જાતે જાતે મીઠા મીઠા ગમ દે ગયા...’ તેની સપેરાના બીનની ટ્યુન માટે એક જમાનામાં અત્યંત લોકપ્રિય થયું હતું. ‘ફાગુન’ અગાઉ ‘નાગિન’માં આપણા કલ્યાણજીભાઇએ ‘મન ડોલે, મેરા તન ડોલે...’માં બીન બજાવીને જબ્બર સનસનાટી કરી હતી. તે પછી એવું જ લોકપ્રિય થયેલું ‘ફાગુન’નું આ ગીત. ગામડાંમાં કે શહેરની શેરીઓમાં સાપ અને નાગના ખેલ બતાવતા મદારીઓની સૌથી ફેવરીટ બે ધૂનો ‘નાગિન’ અને ‘ફાગુન’. મધુબાલા અને ભારત ભૂષણની બીજી યાદગાર ફિલ્મ ‘બરસાત કી રાત’.

‘બરસાત કી રાત’માં સૌ જાણે છે એમ, રોશન દાદા અને પરમ પ્રિય સાહિર લુધિયાનવી બંને ફુલ ફોર્મમાં હતા અને ‘ના તો કારવાં કી તલાશ હૈ, ન તો હમસફર કી તલાશ હૈ...’ એ કવ્વાલીની સ્પર્ધાએ તો અમરત્વ પ્રાપ્ત કરેલું જ છે. પણ તે ઉપરાંત ટાઇટલ ગીત ‘જિંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત...’ છે, જે હીરો-હીરોઇન બેઉ ગાય છે. તે ઉપરાંત મધુબાલાનાં વખાણ શાયર ભારત ભૂષણ કરે છે તે બેમિસાલ કૃતિ ‘મૈંને શાયદ તુમ્હેં પહલે ભી કહીં દેખા હૈ...’ આ શબ્દો તો જુઓ, પ્રશંસાની કેવી ઊંચાઇઓ સાહિર સર્જે છે, 

અજનબી સી હો મગર ગૈર નહીં લગતી હો,

વહમ સે ભી હો જો નાજુક વો યકીં લગતી હો, 

હાય યે ફુલ સા ચેહરા યે ઘનેરી ઝુલ્ફેં

મેરે શેરોં સે ભી તુમ મુઝકો હસીં લગતી હો!

એવો કોઇ શાયર હોય ખરો કે જેને કોઇ સ્ત્રીનું રૂપ પોતાની ગઝલના શેરો કરતાં પણ હસીન લાગે? એ ફિલ્મી ‘શાયર’ ભારત ભૂષણે મધુબાલાના ઇનકાર પછી ‘બરસાત કી રાત’માં જ કામ કરનાર એક અન્ય અભિનેત્રી રતન સાથે લગ્ન કરીને પોતાની પ્રથમ પત્નીના દેહાંત પછીનું ગૃહજીવન થાળે પાડ્યું હતું. આમ, મધુબાલા માટે શાદીની દરખાસ્ત કરનાર પ્રદીપ કુમાર, ભારત ભૂષણ અને કિશોર કુમાર એ ત્રણમાંથી એક પણ ઉમેદવાર તેમના મજહબના નહોતા. તેમ છતાં તેમની પ્રપોઝલ્સ અબ્બાજાન સુધી પહોંચી શકી હતી; એ ‘નયા દૌર’ના કોર્ટ કેસ પછી મધુબાલાના પરિવારમાં દિલીપ કુમારના દરજ્જા (સ્ટેટસ)ની નિશાની હતી. દિલીપ કુમારને ‘બતાવી દેવા’ની કોઇ ક્ષણે કિશોર કુમાર જેવા ધારણા કરી ન શકાય એવા (અનપ્રિડિક્ટિબલ) વ્યક્તિ સાથેનું લગ્ન મંજૂર થયું હશે એમ માનવાનું મન થાય છે. વધારામાં અબ્બાજાનને ગમે તે પ્રમાણે કિશોર દાએ ધર્મ પરિવર્તન કરવાની પણ તૈયારી બતાવી હતી.

મધુબાલાનાં કિશોર કુમાર સાથેનાં લગ્ન અને ‘મુગલ-એ-આઝમ’ની રજૂઆત એ બન્ને 1960ની ઘટનાઓ. મોગલ ઇતિહાસના એ કહેવાતા પ્રેમપ્રકરણના પોતાના ભવ્ય સર્જનના પ્રિમિયર માટે કે. આસિફે કરેલી અભૂતપૂર્વ તૈયારીઓ સિનેમાની દુનિયામાં ચર્ચાનો વિષય બની હતી; આજે પણ છે જ. આફ્ટર ઓલ, કેટલી ફિલ્મોની પ્રિન્ટ તે અગાઉ (કે ઇવન તે પછી પણ!) શણગારેલા હાથી પર મૂકીને થિયેટર પર લાવવામાં આવી હતી? મરાઠા મંદિર સિનેમાગૃહ વિશાળકાય કટ આઉટ્સ અને રોશનીથી સજાવવામાં આવ્યું હતું. પ્રિમિયર શોમાં રાજ કપૂર, દેવ આનંદ, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, ગુરૂ દત્ત, બિમલ રોય, નૌશાદ, જયકિશન, લતા મંગેશકર, મીના કુમારી, વહીદા રહેમાન, નંદા, નૂતન, માલા સિન્હા, શ્યામા, નાદીરા એમ લગભગ ઇન્ડસ્ટ્રીના કેટલાય ધુરંધર સેલિબ્રીટી હાજર હતા. પરંતુ, આશ્ચર્યની વાત એ હતી કે ‘અનારકલી’ અને ‘સલીમ’ બંને ગેરહાજર હતાં. કારણ, મધુબાલા ઉપરાંત દિલીપ કુમારનો એક બહુ મોટો ઝગડો કે.આસિફ સાથે થયો હતો. આસિફે દિલીપ સા’બના પોતાના પરિવારના ભાઇઓ-બહેનોના સંબંધોમાં પણ એક બહુ મોટો ધરતીકંપ લાવી દીધો હતો! (વધુ આવતા અંકે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.