મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (3)
‘મુમતાઝ’ને ‘મધુબાલા’ બનાવનારાં પણ દેવિકા રાની જ હતાં, જેમણે ‘યુસુફખાન’ને ‘દિલીપ કુમાર’ નામ આપ્યું હતું. દેવિકા રાણી એટલે ‘બોમ્બે ટોકીઝ’નાં તે સમયનાં સર્વેસર્વા અને તેમનું ‘સૂચન’ એ મોટેભાગે ‘હુકમ’ જ હોય. તેમણે દિલીપકુમારને ‘જ્વાર ભાટા’થી ચાન્સ આપવાનું નક્કી કર્યું હતું અને તે જ ફિલ્મમાં હીરોઇન તરીકે મધુબાલાને પણ તક આપવાની હતી. જે નવા નામ સાથે પોતે નાયિકાને લૉન્ચ કરવાનાં હતાં તેનું મીઠું મધ જેવું નામકરણ કર્યા છતાં કોઇ કારણસર ‘જ્વાર ભાટા’માં તેને લેવા અંગે સમજૂતી ન સધાઇ. નહીં તો દિલીપકુમાર તેમની કરિયરના પ્રથમ પિક્ચરથી જ મધુબાલા સાથે પરિચયમાં આવ્યા હોત. પણ મધુબાલાને બદલે દિલીપ કુમાર સામે હીરોઇન કોણ બન્યું, જાણો છો? રુમા ગુહા ઠાકુરતા! આ રુમા એટલે પછીનાં વર્ષોમાં શ્રીમતી કિશોર કુમાર બનનાર અભિનેત્રી અને ગાયક અમિત કુમારનાં મમ્મી! જ્યારે મધુબાલાએ યુવાનીનું કાઠું કાઢવા માંડતાં તેમના માટે ‘નીલ કમલ’ પછી ઓફરો આવવા માંડી હતી અને અતાઉલ્લાહે તે પૈકીની તેમને ઠીક લાગતી એ સ્વીકારવા પણ માંડી હતી. પરંતુ, તેનાથી સ્વાભાવિક રીતે જ ‘કોલંબસ’ નારાજ થયા!
‘કોલંબસ’ એટલે કે કેદાર શર્માને હતું કે પોતે શોધેલી એ ખુબસૂરત અભિનેત્રી (અને તેના પિતા) પોતાને પૂછ્યા વિના બીજી ફિલ્મો સાઇન નહીં કરે. આમ માનવા પાછળનું એક કારણ એ પણ હતું કે શર્માજી પોતે મધુબાલાના ચાહક થઈ ચૂક્યા હતા. જો કે મધુબાલાનું રૂપ જ એવું હતું કે એવું તો તેમની જિંદગીમાં આવેલા લગભગ તમામ પુરૂષોને થતું. તેમની અત્યંત ગોરી ત્વચા વિશે એમ કહેવાતું કે તેમનો હાથ જોરથી પકડાય તો પણ તે જગ્યા ભુરા રંગની થઈ જતી. એક તરફ ઢળતું તેમનું સ્મિત ભલભલાને ઘાયલ કરી દે એવું હતું. તેમની જેમ જ સ્મિત કરીને કરોડોનાં દિલ જીતી લેનાર માધુરી દીક્ષિત એ કહી ચૂક્યાં છે કે એ સ્ટાઇલ મધુબાલા પ્રેરિત હતી. પણ માત્ર બ્યુટી જ નહીં, મધુબાલાના પ્રોફેશનલિઝમના પણ ઐતિહાસિક કિસ્સા છે. ‘મુગલ-એ-આઝમ’માં કે. આસિફે લોખંડની સાચી સાંકળો પહેરાવીને ‘મોહબત કી ઝુટી કહાની પે રોયે....’ આખું ગીત શૂટ કરાવડાવ્યું ત્યારે પોતે હ્રદયની બીમારીથી પીડાતાં હોવા છતાં કશી ફરિયાદ વગર એ સાંકળો ઉંચકીને ગાયન ગાયુ, એ તો જાણીતી ઘટના છે. પણ અન્ય એક કિસ્સો પણ એ અભિનેત્રીને મૂલવતી વખતે યાદ રાખવા જેવો છે, જે અમિતાભ બચ્ચનના સમયપાલનના પૂર્વજ જેવો છે.
અમિતાભ જ્યારે નવા નવા આવ્યા ત્યારે તે વખતના સુપરસ્ટર રાજેશ ખન્ના હોય કે પછી ઉભરતા વિલન શત્રુઘ્ન સિન્હા, સેટ પર કલાકો મોડા આવવું એ ‘સ્ટાર’ બની ગયાની નિશાની હતી. માંડવે આવતા વરરાજા કે પછી સાસરે પહોંચતા જમાઇરાજાની અદામાં સૌને રાહ જોવડાવવાથી જ પોતાની મહત્તા સાબિત થાય એવી રૂઢિગત માન્યતા તે સમયે હતી. બચ્ચન સાહેબના આગમન પછી તેમની દાખલારૂપ નિયમિતતાને લીધે એ સિનેરિયો બદલાયો અને પ્રાણ જેવા ધરખમ અભિનેતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ‘અમિતાભની ગાડી રોજ એક જ સમયે સ્ટુડિયો જવા નીકળે છે. એ એટલો રેગ્યુલર હોય છે કે હું મારું ઘડિયાળ મેળવી શકું.’ પ્રાણ સાહેબના એ નિવેદન પછી ખન્ના સાહેબે પોતાનો અભિગમ વ્યક્ત કરવા કહ્યું હતું કે, ‘હું આર્ટિસ્ટ છું... કાંઈ નાઇન ટુ ફાઇવની નોકરી કરતો કલાર્ક નથી...’ પછી શું થયું એ આપણે સૌ જાણીએ છીએ. પણ અમિતજીના આગમન પહેલાં મધુબાલા એક એવાં સ્ટાર હતાં કે જેમની નિયમિતતા અને સમયપાલન દાખલારૂપ હતાં.
સવારે નવા ટકોરે મધુબાલા સ્ટુડિયોમાં હાજર હોય જ. શરૂઆતમાં તો તેમને મુંબઈની લોકલ ટ્રેનમાં આવવું પડતું, ત્યારે પણ ગમે એટલી ભીડમાં પણ એ સમયસર પહોંચી જાય. એકવાર અતિભારે વરસાદ પડ્યો. રસ્તા પર સંખ્યાબંધ ઝાડ તૂટીને પડ્યાં હતાં. ચારે તરફ જળબંબાકાર. વાહન વ્યવહાર ખોરવાઇ ગયેલો. એવામાં ઘૂંટણ સમાં પાણી ડહોળતાં ડહોળતાં મધુબાલા સવારે નવના ટકોરે સ્ટુડિયો પહોંચ્યાં! સ્વાભાવિક રીતે જ ત્યાં ચોકીદાર સિવાય કોઇ નહતું. એ દિવસથી નિયમિતતા માટે આખા ફિલ્મ ઉદ્યોગમાં, અમિતજીની નિયમિતતા અગાઉ, એ કિસ્સાનો દાખલો અપાતો રહ્યો હતો. એટલે મધુબાલાના રૂપની સાથે સાથે આવા પ્રોફેશનલિઝમની પણ પ્રશંસા ના થવી જોઇએ? મધુબાલા એવું નિયમપાલન કરી શક્યાં હોય તો તે પાછળ જવાબદાર હતું તેમનું શિસ્તબદ્ધ જીવન. ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યા છતાં કદી કોઇ પાર્ટીમાં કે પ્રિમિયરમાં જવાનું નહીં. પછી શરાબ કે સિગરેટનો તો સવાલ હતો જ નહીં; બલ્કે બહારનું તો એ પાણી પણ ના પીએ. તેમના બદનની નાજુકાઇ એવી હતી કે એક ખાસ પારસી કૂવાનું જ પાણી જોઇએ. પીવા જ નહીં, નહાવા પણ એ જ પાણી જોઇએ. એટલે બહારનું કશું ખાવાનો તો પ્રશ્ન જ નહોતો. એ કોઇને ઘેર જાય નહીં અને કોઇને તેમને ત્યાં આવવાની છૂટ નહીં.... પ્રેસને પણ નહીં!
મધુબાલાએ કોઇ પત્રકારને ખાસ ઇન્ટરવ્યૂ આપ્યા નહોતા. એટલે તેમની જિંદગીના તાણાવાણા મેળવવા સૌને મધુબાલાના પરિવારજનો અને સહકલાકારોએ, મહદ અંશે તેમના મૃત્યુ પછી, આપેલી માહિતી ઉપર જ આધાર રાખવો પડ્યો છે. એકાંતમાં રહેતી હોય એવી તે સ્ટારને નજરે જોવી એ ચાહકો માટે તો દુર્લભ લહાવો હતો જ; પણ સહ કલાકારો પણ ધન્યતા અનુભવતા. તેથી ‘નીલ કમલ’ પછી કેદાર શર્માને અધિકાર જમાવવાની ઇચ્છા થઈ હોય તો એ સ્વાભાવિક જ હતું. કેદાર શર્મા તાજા વિધુર થયા હતા. પરંતુ, તે પોતાના કરતાં વીસ-બાવીસ વર્ષ મોટા હોઇ મધુબાલાએ તેમને ‘ગુરૂ’થી વિશેષ નહોતા માન્યા. કેદાર શર્માને પૂછ્યા વિના અતાઉલ્લાહે ફિલ્મો સ્વીકારવા માંડી હતી અને બે જ વરસમાં અડધો ડઝન તો રજૂ પણ થઈ ગઈ! તેમાં રાજ કપૂર જોડે ‘ચિતોડ વિજય’, ‘દિલ કી રાની’ અને ‘અમર પ્રેમ’ એમ ત્રણ ફિલ્મો હતી. તે ઉપરાંત પણ ‘ખૂબસૂરત દુનિયા’, ‘મેરે ભગવાન’, ‘પરાઇ આગ’, ‘લાલ દુપટ્ટા’ નામનાં પિક્ચરો આવ્યાં. તે પછીના વર્ષે 1949માં મધુબાલાની 9 ફિલ્મો આવી, જે પૈકીની ‘મહલ’ સુપર હીટ થતાં સનસનાટી થઈ ગઈ.
‘મહલ’ની રજૂઆતના વરસમાં મધુબાલાની ‘અપરાધી’, ‘દૌલત’, ‘ઇમ્તિહાન’,‘નેકી ઔર બદી’ ‘પારસ’, ‘સિંગાર’, ‘સિપહિયા’ આવી હતી. તે ઉપરાંતની ‘દુલારી’ પણ હતી, જેનું પેલું ગીત ‘રફી કી યાદ, રફી કે બાદ’ જેવા કાર્યક્રમોમાં આજે પણ ગવાય છે. ‘સુહાની રાત ઢલ ચૂકી, ન જાને તુમ કબ આઓગે..’ પરંતુ, ‘49નું વર્ષ ‘મહલ’ને લીધે વિશેષ યાદ કરવાનું છે. ‘મહલ’ એ જ ‘બોમ્બે ટોકીઝ’નું પ્રોડક્શન હતું, જે સંસ્થાએ ‘જ્વાર ભાટા’ની ઓફર કરી હતી અને જ્યાંથી ‘મધુબાલા’ નામ મળ્યું હતું. તેના લેખક-દિગ્દર્શક હતા કમાલ અમરોહી. તેમણે ‘મહલ’થી હિન્દી સિનેમાના પડદે કદાચ પહેલી વાર ‘આત્મા’નો પ્રવેશ કરાવ્યો! કેમ કે પિક્ચરની સ્ટોરી એક જન્મમાં અતૃપ્ત રહેલા પ્રેમને લીધે ભટકતી આત્માની હતી. જન્મોજનમના પ્રેમની ફિલ્મો પછી તો વૈજયન્તીમાલાની ‘મધુમતી’થી નૂતનની ‘મિલન’, હેમા માલિનીની ‘કુદરત’ અને વિદ્યા બાલનની ‘ભૂલ ભૂલૈયા’ સુધી બનતી રહી છે. પરંતુ, ‘મહલ’ એ પ્રકારની પ્રથમ ફિલ્મ હોવાથી તેની નવીનતાએ પ્રેક્ષકોને ખુબ આકર્ષ્યા હતા. તેનો સમાવેશ તે વર્ષની સૌથી વધુ વકરો કરનારી ટોપ થ્રીમાં થયો. એ જબ્બર સફળતાએ માત્ર મધુબાલા કે કમાલ અમરોહીના જ નહીં પણ લતા મંગેશકરના પણ ભાગ્યના દરવાજા ખોલી નાખ્યા.
લતાજીએ ગાયેલું ગીત ‘આયેગા આયેગા આનેવાલા...’ એ તેમની કરિયરનું સાચા અર્થમાં પહેલું સુપર હીટ ગાયન! સંગીતકાર ખેમચંદ પ્રકાશની તર્જ પર ગવાતા એ ગીતમાં લતા મંગેશકર તે સમયનાં સૌથી લોકપ્રિય ગાયિકા નૂરજહાંની છાપમાંથી બહાર આવ્યાં હોવાનું મોટાભાગના સંગીત વિશ્લેષકો માને છે. આ ગાયનની રેકોર્ડ પહેલી વખત બહાર પડી હતી ત્યારે તેના ઉપર મધુબાલા જે પાત્ર ભજવે છે તે ‘કામિની’નું નામ હતું... ગાયિકા લતા મંગેશકરનું નામ નહોતું! એ ગીત પહેલી વાર રેડિયો ઉપરથી વાગ્યું ત્યારે સંખ્યાબંધ ફોન આવ્યા હતા કે ‘આ ગાયિકા કોણ છે?’ ઢગલાબંધ ફોનથી થાક્યા પછી આકાશવાણીમાંથી ફોન કરીને રેકોર્ડ કંપનીમાં પૂછવામાં આવ્યું અને લતા મંગેશકરનું નામ વિશેષ રૂપમાં જાહેર કરવામાં આવ્યું. ત્યાર પછી લતાજીએ પોતાની કારકિર્દીમાં પાછા વળીને જોવું નહોતું પડ્યું અને મધુબાલાની તો જાણે લોટરી લાગી ગઈ. તે સાલની બિઝનેસની રીતે પહેલા બે નંબર ઉપર નરગીસની ફિલ્મો ‘બરસાત’ અને ‘અંદાઝ’ની લગોલગ મધુબાલાની ‘મહલ’ હતી. એક સોળ જ વરસની છોકરી માટે ટોપ સ્ટારની સ્પર્ધામાં આટલા ઉપર પહોંચવું એ સ્વપ્ન સમાન હતું.
પણ જે હાલત કેદાર શર્માના કિસ્સામાં થઈ એ જ કમાલ અમરોહીના કેસમાં થતી હતી. ફરક એટલો હતો કે કમાલ પરણિત અને બચરવાળ હતા અને છતાં મધુબાલા સાથે પરણવા તૈયાર હતા. તેમણે ‘મહલ’માં તક આપીને જે અહેસાન કર્યું હતું તે અતાઉલ્લાહ ભૂલ્યા નહતા. કારણ કે ‘મહલ’માં શરૂઆતથી નક્કી થયેલી હીરોઇન સુરૈયા હતી. પણ સૌંદર્યની સાક્ષાત દેવીને જોયા પછી કમાલ સાહેબે ‘મધુ’ની પસંદગી કરી હતી. તેમણે શાદી માટે અતાઉલ્લાહ ખાનને દરખાસ્ત કરી હોવાના પણ ઉલ્લેખ મળે છે. પરંતુ, એ જ્યાં સુધી પોતાની પ્રથમ પત્નીને તલાક ન આપે ત્યાં સુધી એ શક્ય નહીં બને એવી ચોખવટ કન્યાના પિતા તરફથી કરાઇ. એટલું જ નહીં, ચડભડ આગળ વધતાં તેમની પહેલી શાદીમાંથી બહાર આવવા જરૂર પડ્યે પૈસાની મદદ કરવાની તૈયારી પણ મધુબાલાના પક્ષે બતાવાઇ હતી. તેને પગલે સ્ટુડિયોમાં કમાલ અમરોહી સાથે અતાઉલ્લાહનો એક બીજાના કોલર પકડવા સુધીનો જાહેરમાં થયેલો ઝગડો બહુ જાણીતો છે. તે પછી કમાલનો રસ્તો અલગ થયો. મધુબાલા હવે ઉપલા ગ્રેડમાં હોઇ મોતીલાલ જેવા જે તે સમયના ટોપ એક્ટર સાથે ‘હંસતે આંસુ’ કરી. મઝાની વાત એ હતી કે તે ફિલ્મ ખુદ મધુબાલાને જોઇ શકતાં નહતાં! કારણ કે સેન્સરે કોઇ કારણસર ‘એ’ સર્ટિફિકેટ આપ્યું હતું અને મધુબાલાની ઉંમર 17 જ વર્ષની હતી. તેમની અપાર લોકપ્રિયતાનો લાભ લેવા તે સાલ દેવ આનંદ સાથે આવેલી એક ફિલ્મનું તો નામ જ ‘મધુબાલા’ હતું! એ રીતે પિક્ચરના ટાઇટલ તરીકે પોતાનું નામ વાપરવા દેવાની છૂટ આપતા પહેલાં કોઇપણ કલાકાર નિર્માતા પાસે તગડી ફી વસુલી શકતા હોય છે. પણ આ ફિલ્મના પ્રોડ્યુસરનો એક ઉપકાર મધુબાલા ભૂલ્યાં નહતાં, જ્યારે..... (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર