મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (12)
મધુબાલા અને કિશોરકુમારના દામ્પત્ય જીવનમાં મતભેદ હતા, તેની ગવાહી સંગીતકાર નૌશાદે પૂરેલી છે. તેમણે ‘શો ટાઇમ’ મેગેઝિનમાં કહ્યું હતું કે પોતાની સમક્ષ મધુબાલાએ શારીરિક ત્રાસ અપાયાની વાત કરી હતી. એ જ રીતે મધુબાલાનાં બેન મધુરે પણ કહ્યું છે કે લંડનથી આવ્યા પછી બે જ મહિનામાં કિશોર કુમાર પત્નીને તેને પિયર એટલે કે ‘એરેબિયન વિલા’ બંગલામાં મૂકી આવ્યા હતા. કિશોર’દાનો મજાકિયો સ્વભાવ સંવનનના પ્રારંભિક કાળમાં કદાચ ગમતો હતો અને પછીથી ‘જે પોષતું તે મારતું’ એ કુદરતી ક્રમ બન્યો હોય એમ એ જ હળવો સ્વભાવ અભાવનું કારણ બન્યો હોય. કિશોર’દા તે સમયે પોતાની કરિયરના સંઘર્ષમાં હતા અને બીમાર મધુબાલા માટે સમય ફાળવી શકે એમ નહોતા તેથી એમ કર્યું હશે? તેમના લગ્નના શરૂઆતના દિવસોમાં તો કિશોર કુમાર અને મધુબાલા બંનેને સમજુ સાથીદારની જરૂર હતી. મધુબાલા માટે કરિયરની રીતે એક મોટો આઘાત એ પણ હતો કે જે ભૂમિકામાં રીતસર પોતાની જાનની બાજી લગાવી દીધી હતી, એ ‘અનારકલી’ના રોલ માટે તે સાલનો ‘બેસ્ટ એક્ટ્રેસ’નો ‘ફિલ્મફેર’ એવોર્ડ ના મળ્યો!
‘અનારકલી’ તરીકેનો મધુબાલાનો અભિનય આજે પણ અજોડ છે અને છતાં તે સાલ એ એવોર્ડ અપાયો કોને અપાયો હતો, જાણો છો? બીના રાયને તેમના ‘ઘૂંઘટ’ ફિલ્મમાંના રોલ માટે. તે સાલ જાણે કે ‘મુગલ-એ-આઝમ’ની અપ્રતિમ સફળતાને નજર અંદાજ કરવાનું નક્કી થયેલું હોય એમ ‘બેસ્ટ એક્ટર’નો પુરસ્કાર પણ એ ફિલ્મને ના મળ્યો. અલબત્ત વિજેતા તો દિલીપ કુમાર જ હતા... પણ તેમની અન્ય ફિલ્મ ‘કોહિનૂર’ માટે! તો ‘અકબર’ની શહેનશાહી શાનોશૌકતને પડદા પર પોતાની ચાલ અને સંવાદોની અદાયગીથી દબદબાભેર પ્રસ્તુત કરનાર પૃથ્વીરાજ કપૂરને ‘સહાયક અભિનેતા’ તરીકે એવોર્ડ તો ઠીક નોમિનેશન પણ ન મળ્યું. (અત્યારના જેવો સમજદાર સમય હોત તો તેમને ‘બેસ્ટ એક્ટર’ જ જાહેર કરત, કારણ વાર્તા તો અકબરના ‘પોઇન્ટ ઓફ વ્યૂ’થી કહેવાઇ છે ને?) એ કેટેગરીમાં ‘ઘૂંઘટ’ માટે કોમેડિયન આગા પણ હતા, પરંતુ, ‘આલમપનાહ ઝિલ્લેઇલાહી જલાલુદ્દીન મોહમ્મદ અકબર’ ક્યાંય નહોતા. તે ભૂમિકા અદા કરવા માટે ઔલાદની મન્નત માગવા જતા બાદશાહ તરીકે ઉઘાડા પગે બળબળતા બપોરે રેતીમાં પૃથ્વીરાજ કપૂર ચાલ્યા હતા. એ સીન આજે પણ યુ ટ્યુબ’ પર જુઓ તો પાપાજીનો પડછાયો તદ્દન નાનો જોઇ શકાય છે. એ સીનમાં પોતાના એ મહાન એક્ટરને સાથ આપવા ડાયરેક્ટર કે. આસિફ પણ એ ધીખતી રેતીમાં કેમેરામેનની પાછળ જ ‘નંગે પૈર’ ચાલ્યા હતા. એટલું જ નહીં, પૃથ્વીરાજજી જેવા જ ફોલ્લા પોતાના પગે પણ પડવા દીધા હતા! આ બધી વાતો તે વખતે આખું વરસ ચર્ચાઇ જ હતી.
તેમ છતાં વરસના અંતે પુરસ્કારોનો નિર્ણય લેવાયો ત્યારે પૃથ્વીરાજ કપૂર તો ઠીક પોતાના આ ઐતિહાસિક પ્રોજેક્ટને એટલી ખૂબસૂરતીથી પૂર્ણ કરવા દસ વરસ મહેનત કરનાર ખુદ કે. આસિફ પણ ‘બેસ્ટ ડાયરેક્ટર’ ના ઠર્યા. શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ નૌશાદને ન મળ્યો. ગીતકાર તરીકે શકીલ બદાયૂનિ પસંદ થયા, ‘ચૌદહવીં કા ચાંદ’ના ટાઇટલ ગીત માટે. એ વાત ખરી કે કોઇ હસીનાના રૂપ માટે શકીલ સા’બે પ્રયોજેલી એ કલ્પના અજોડ હતી. (પૂનમનો નહીં પણ સુદ ચૌદસના ચંદ્ર જેવો ચહેરો!) પણ ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ જેવી યુગપ્રવર્તક રચનાની સાથે તેમના બીજા કોઇ ગાયનને સરખાવી પણ ન શકાય. સહાયક અભિનેત્રી તરીકે ‘મહારાણી જોધાબાઇ’નો ઠસ્સો પડદા ઉપર પૂરી જાહોજલાલી સાથે પ્રસ્તુત કરનાર દુર્ગા ખોટે પુરસ્કારને લાયક ત્રણ ઉમેદવારોમાં પણ નહોતાં. એવું પણ નહોતું કે માત્ર નંદા અને કુમકુમ જેવી યુવા અભિનેત્રીઓ જ એ કેટેગરીમાં હતી. ત્યાં લલિતા પવારનું પણ નામ હતું. પરંતુ, દુર્ગાજી નહોતાં. હા, સંવાદો માટે એ ફિલ્મ જરૂર પસંદ થઈ હતી, પણ વિવાદ વગર નહીં. ‘મુગલ-એ-આઝમ’ના ડાયલોગ ચાર લેખકોની મહેનતનું પરિણામ હતા. હવે ટ્રોફી એક જ હતી. તેથી આસિફને કહેવામાં આવ્યું કે તે ફિલ્મના સંવાદો લખનારા કમાલ અમરોહી, વજાહત મિર્ઝા, એહસાન રિઝવી અને અમાન સાહેબ (અમાનુલ્લાહ ખાન, એટલે કે ઝિન્નત અમાનના પિતાજી) પૈકીના જેનું પ્રદાન સૌથી વધુ હોય તેનું નામ કહે. તેમને ટ્રોફી આપીશું. આ એ સમયની વાત છે, જ્યારે વિજેતાઓની યાદી અગાઉ પ્રસિદ્ધ થતી અને સમારંભ પછીથી યોજાતો. એવોર્ડ ફંક્શનમાં જ વિનરની ઘોષણા કરવાની ‘ઓસ્કાર’ પ્રથા હજી શરૂ થઈ નહતી. નેચરલી, કે. આસિફે પોતાના કોઇ લેખકનું નામ ન દીધું. તેમની દલીલ હતી કે પુરસ્કાર આપવો હોય તો તમામ રાઇટર્સને આપવા ચાર ટ્રોફી બનાવો. આસિફે તો પોતાને ‘બેસ્ટ પિક્ચર’ માટે મળેલો એવોર્ડ પણ સ્વીકારવાની ના પાડી હતી... પૂરા લોજિક સાથે.
તેમનું કહેવું હતું કે જો મધુબાલા ‘અનારકલી’ તરીકે એવોર્ડને લાયક ન હોય, દિલીપ કુમાર, પૃથ્વીરાજ કપૂર, દુર્ગા ખોટે તેમના અભિનય માટે પુરસ્કૃત ન થતા હોય, ફિલ્મનું ગીત-સંગીત શ્રેષ્ઠ ન હોય કે ડાયરેક્શન પણ સર્વોચ્ચ ન હોય તો મારી ફિલ્મ ‘બેસ્ટ’ કેવી રીતે કહેવાય? ગમ્મતની વાત એ હતી કે તે સાલ ‘બેસ્ટ આર્ટ ડિરેક્ટર’ની ટ્રોફી ‘ચૌદહવીં કા ચાંદ’ને અપાઇ, જેના સેટ માટેનો સામાન આસિફે ભલમનસાઇથી સાથી સર્જક ગુરૂ દત્તને ‘મુગલ-એ-આઝમ’ના સેટમાંથી કાઢી આપ્યો હતો! તેમણે કાઢી આપેલા પીલર અને ફર્નિચર જેવા થોડાક સામાન મુસ્લિમ સોશ્યલ ફિલ્મના ઓથેન્ટિક સેટ ગણાયા અને આખા મોગલ કાળને આટલી ભવ્યતાથી પેશ કરનાર આર્ટ ડિરેક્ટર (સૈયદ સા’બ) ગણતરીમાં પણ ન લેવાયા! શું કે. આસિફની ફિલ્મ અપ્રતિમ બિઝનેસ કરતી હતી એ તેનો ગુનો હતો? ફિલ્મ રસિકો જાણે છે એમ, ‘મુગલ-એ-આઝમ’ના કલેક્શનનો રેકોર્ડ સળંગ પંદર વરસ સુધી કોઇ પિક્ચર તોડી શક્યું નહોતું. ઠેઠ 1975મા ‘શોલે’ આવ્યું ત્યારે નવો વિક્રમ બન્યો હતો. ‘શોલે’ને પણ એક માત્ર ‘બેસ્ટ એડિટીંગ’ સિવાય ક્યાં કોઇ એવોર્ડ મળ્યા હતા? (આ તો એવી વાત હતી જાણે કે પ્રિય અશ્વિની ભટ્ટ્ને કે પ્રિય હરકિસન મહેતાને સાહિત્યનો કોઇ એવોર્ડ માત્ર એટલા માટે નહીં આપવાનો કે એ અત્યંત લોકપ્રિય નવલકથાઓ લખતા હતા!)
મધુબાલાને ‘અનારકલી’નો રોલ કરવા બદલ ફિલ્મફેર એવોર્ડ નહીં મળવા કરતાં તેમને વધારે ખટકે એવી વાત એ હતી કે તે સાલ ‘ઘૂંઘટ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી ઠરનાર બીના રાય અગાઉ ‘અનારકલી’ ફિલ્મમાં એ જ ટાઇટલ રોલ કરી ચૂક્યાં હતાં. તેમણે પડદા ઉપર ગાયેલું ગીત ‘યે ઝિંદગી ઉસી કી હૈ, જો કિસી કા હો ગયા...’ પણ અમર છે જ. પરંતુ, મદ્રાસની કૌટુંબિક વાર્તાવાળી એક સામાજિક ફિલ્મ ‘ઘૂંઘટ’ માટે અગાઉ ‘અનારકલી’ બનનાર અભિનેત્રી અંતિમ ત્રણમાં પહોંચ્યા પછી પોતાને હરાવીને વિજેતા થાય એ ડિસ્ટર્બ કરનારી હકીકત હતી. એવા સમયે પતિનો સાથ સહકાર ભરપૂર જોઇએ. સામે પક્ષે હકીકત એ પણ હતી કે કિશોર કુમાર સાથેના લગ્ન સમયે મધુબાલા પોતાની કરિયરના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હતાં; જ્યારે સરખામણીએ કિશોર કુમાર હજી પણ, એટલે કે ‘60- ‘61ના વર્ષોમાં અભિનેતા તરીકે એક સંઘર્ષશીલ કલાકાર જ હતા. તેમની એ સ્ટ્રગલમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં કિશોર’દાએ કદાચ ઘર આંગણે એવું ધ્યાન ન આપ્યું હોય એમ બની શકે. મધુબાલાની માંદગીમાં કિશોર કુમાર ધ્યાન આપી ન શકે એમ થતી રજુઆતની સાથે સાથે જ એ પણ હકીકત છે કે 1954મા આવેલા ‘શરાબી’ના સવાલિયા ગાયન ‘તુમ હો હસીં કહાં કે?’માં દેવ આનંદને ‘હમ ચાંદ આસમાં કે...’ એમ જવાબ આપતાં મધુબાલાને જુઓ, તો ક્યાંય એક પથારીવશ બીમારીમાંથી શૂટિંગ માટે આવેલી અભિનેત્રીની છાંટ પણ ન દેખાય. એનો એક અર્થ એવો પણ થઈ શકે કે મધુબાલાની તબિયત લગ્ન પછીનાં શરૂઆતનાં વર્ષોમાં એટલી ખરાબ નહોતી.
તો શું મધુબાલા અને કિશોર કુમારના દામ્પત્યજીવનના એ મતભેદો અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીના બેમિસાલ પિક્ચર ‘અભિમાન’માં બતાવાય છે એવા હશે? એક અત્યંત સફળ અને લોકપ્રિય પત્નીના સ્ટ્રગલ કરતા અભિનેતા તરીકે કિશોર કુમારનો પુરુષ અહમ્ (મેલ ઇગો) ઘવાતો હશે? આજે કિશોર’દા કે મધુબાલાજી કોઇ હયાત નથી અને તેથી બેમાંથી આપણા કોઇપણ પ્રિય પાત્રને અન્યાય ન થાય એ રીતે, જજમેન્ટલ થયા વિના જોવા ઉપલબ્ધ લેખિત સાહિત્ય અને ફિલ્મોને આધારે માત્ર શક્યતા જ વિચારી શકાતી હોય છે. તેથી મધુબાલાનું શારીરિક આરોગ્ય સાચા અર્થમાં ક્યારે બગડ્યું તેનો કોઇ સમયગાળો ઉપલબ્ધ નથી. છતાં રેકોર્ડ પરથી એટલું તો નિઃસંકોચ કહી શકાય એમ છે કે ઠેઠ 1966મા પણ તેમનું આરોગ્ય સુધરતાં મધુબાલા રાજ કપૂર સાથેની પોતાની ફિલ્મ ‘ચાલાક’ પૂરી કરવા એ સ્ટુડિયોમાં પહોંચી ગયાં હતાં. થોડાક શૂટિંગ પછી ત્યાંની લાઇટ્સ પોતે સહન ન કરી શક્યાં અને ફિલ્મ અધુરી રહી એ અલગ વાત છે. બીમારી વધતાં શરીર ફિક્કું પડી ગયું હતું. તેથી પિતાજી કોઇને મળવા દેતા નહોતા. અમુક સમય પછી તો હાલત એવી થઈ કે પથારીવશ થઈ ગયેલાં મધુબાલાને એકલા પોતાના બેડરૂમમાં પડી રહેવાનું હતું. બહારનું કોઇ આવે જાય નહીં. પોતાના એ રૂમમાંથી આઇના કઢાવી નાખ્યા હતા. (વર્ષો પહેલાં મોટેભાગે ‘પારસ’ સાપ્તાહિકમાં એવું વાંચ્યાનું યાદ છે કે મધુબાલાએ અરીસો તોડી નાખ્યો હતો. જો કે એ વાતની કોઇ પુષ્ટિ પ્રાપ્ત નથી થતી. એ કદાચ પરિસ્થિતિની પરાકાષ્ટા દર્શાવવા લખાયું હોઇ શકે છે.)
મન થાય ત્યારે 16mmના પ્રોજેક્ટર પર પોતાને ‘મુગલ-એ-આઝમ’ની અનારકલી તરીકે જુએ. તેમની બેન શાહીદાના કહેવા મુજબ,’પ્યાર કિયા તો ડરના ક્યા...’ મધુબાલાએ પાંચસો વખત જોયું હશે. (અમે ગણતા નથી એટલો જ ફરક છે!) તે દિવસોમાં તેમને મળવા આવનાર ખાસ વ્યક્તિઓમાં પત્રકાર ગુલશન યુઇંગ પણ હતાં. એ મહિલા પત્રકારે નોંધ્યું છે કે મધુબાલાનું શરીર નબળું પડી ગયું હતું. પરંતુ, તેમની આંખોમાં એ જ ચમક અને મસ્તી હતી. એવા એ દિવસોમાં મધુબાલાએ ઇચ્છાએ વ્યક્ત કરી કે પોતે દિલીપ કુમારને મળવા માગે છે. તેમને ખબર આપો. ઘરમાં ઇન્તજારી હતી કે અનારકલીને મળવા સલીમ આવશે? ત્યાં એક દિવસ સંદેશો આવ્યો કે દિલીપ કુમાર મળવા આવશે. (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર