મધુબાલા: તારીફ કરું ક્યા ઉસકી... (2)

03 Mar, 2017
12:00 AM

સલિલ દલાલ

PC: mrandmrs55.com

મધુબાલાને એટલે કે રૂપાળી બેબી મુમતાઝને જોઇને એક નજુમી (ફકીર જ્યોતિષી)એ આગાહી કરી કે આ છોકરી આગળ જતાં યશ, કીર્તિ અને ધન કમાશે... પરંતુ, તેનું આયુષ્ય લાંબું નહીં હોય! ઘરમાં સૌ આંચકો ખાઇ ગયાં. પરિવારમાં નિયમિત થતાં બાળમરણની પરંપરામાંથી ઉગરેલી આ પરી જેવી છોકરી કેટલું જીવશે તેની ચિંતા ભારે હતી. પણ એ પ્રસિદ્ધિ અને નાણાં કમાવાની છે એ વાત પિતાને મનમાં બેસી ગઈ. એટલું જ નહીં, તેને માટે કયો રસ્તો અપનાવવો એ પણ બાળકી મુમતાઝે દેખાડવા માંડ્યું હતું. તે દિવસોમાં રેડિયો ઉપર ગાયન વાગે અને બેબી ડોલવા માંડે. આ વાત મધુબાલાનાં બહેન મધુર ભૂષણે ‘સિને બ્લિટ્ઝ’ના પેટ્રિક બિશ્વાસને તે સામયિકની સિરીઝ ‘અનફર્ગેટેબલ’માં કહી હતી. આ મધુરે એક જમાનામાં રેડિયો, જાહેરાતો અને ફિલ્મોમાં પોતાના ભારેખમ અવાજથી એનાઉન્સર તરીકે આગવું નામ કાઢનાર ‘બ્રીજ’ સાથે લગ્ન કર્યાં હતાં. ‘બ્રીજ’નું મૂળ નામ તો બ્રીજભૂષણ અને મધુબાલાના પિતા અતાઉલ્લાહખાન બનાવવાના હતા એ ફિલ્મ ‘પઠાણ’ના એક સંગીતકાર તરીકે પસંદ થયા હતા.

‘પઠાણ’ ફિલ્મ તો બની નહીં; પણ તેના સર્જન દરમિયાન મધુર અને બ્રીજનો સંબંધ ગાઢ થયો અને આગળ જતાં જીવનસાથી બન્યાં હતાં. એ મધુરના કહેવા પ્રમાણે, તેમના પિતાએ દીકરી મુમતાઝને એક્ટ્રેસ બનાવવા પોતાની મરજી ઠોકી બેસાડી હતી એ વાત સાચી નહોતી. પિતા અતાઉલ્લાહે તો પુત્રીની ઇચ્છાને જ પ્રોત્સાહન આપ્યું હતું; એમ કહેતાં મધુરે કહ્યું હતું કે ગાયનો વાગે અને નાચવા માંડતી બેબી મુમતાઝને પહેલેથી જ એક્ટ્રેસ બનવું હતું. આવા ખુલાસા સામાન્ય રીતે પોતાના સદગત માતા-પિતા માટે થવા સ્વાભાવિક છે અને તેની સચ્ચાઇને ચકાસવાનું કોઇ સાધન ઉપલબ્ધ હોતું નથી. એટલે મધુબાલા પોતાની ઇચ્છાથી બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં આવ્યાં કે ઘરના આર્થિક સંજોગોમાં પુત્ર વિનાના પરિવારમાં પુત્રી પાસે કામ કરાવવાના પિતાના નિર્ણયને તાબે થઈને કેમેરા સામે પ્રસ્તુત થયાં એ વિવાદ કરતાં આપણા માટે વધારે અગત્યની વાત એ છે કે સાત-આઠ વરસની ઉંમરે ‘બસંત’ પિક્ચરમાં ‘બેબી મુમતાઝ’ની સ્ક્રિન પર એન્ટ્રી થઈ ચૂકી હતી. એટલું જ નહીં, પહેલી જ ફિલ્મમાં ગીત પણ ગાયું, ‘મેરે છોટે સે મન મેં છોટી સી દુનિયા રે...’!

એ ગાયન આજે તો ‘યુ ટ્યુબ’ પર જોવાની સવલત છે અને તેમાં કોઇ રીતે એ એક બાળ કલાકાર પહેલી વખત કેમેરા સામે આવ્યાનો આભાસ પણ થતો નથી. એક જન્મજાત અભિનેત્રીની માફક બેબી મુમતાઝ એ ગીતને જે રીતે ભજવી બતાવે છે; એ જોતાં હિન્દીમાં ‘હોનહાર બીરવન કે હોતે ચિકને પાત’ અથવા તો ગુજરાતીમાં ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ જેવા વાક્યપ્રયોગો યાદ આવી જાય. ‘બેબી મુમતાઝ’ની એ પ્રથમ ફિલ્મ ‘બસંત’ સુપરહીટ થઈ અને સાથે સાથે એ ચાઇલ્ડ આર્ટિસ્ટ પણ! તે દિવસોમાં કલાકારોને સ્ટુડિયો માસિક પગારથી નોકરી રાખતા. એટલે સફળ આર્ટિસ્ટને ઝડપવા હરીફ કંપનીઓ ટાંપીને જ બેઠી હોય. ‘બેબી મુમતાઝ’ માટે પણ માર્કેટ ખૂલ્યું હતું અને અબ્બાજાને તેનો લાભ લીધો. અતાઉલ્લાહ ખાને વધારે પગારથી દીકરીની નોકરી અન્ય જાણીતી નિર્માણ સંસ્થા ‘રણજીત મુવીટોન’ સાથે નક્કી કરી. ત્યાં બનેલી ફિલ્મ ‘મુમતાઝ મહલ’ના દિગ્દર્શક કેદાર શર્માની પારખુ નજરે બાળકી મધુબાલામાં ઝડપથી શીખવાની અને નિષ્ઠાપૂર્વક કામ કરવાની કાબેલિયત જોઇ લીધી, જે ભવિષ્યમાં જુદો રંગ લાવવાની હતી. એ કેદાર શર્માને હિન્દી સિનેમાના કોલંબસ પણ કહે છે.

કેદાર શર્માએ રાજ કપૂર, મધુબાલા અને ગીતા બાલી જેવા ત્રણ ત્રણ સરસ કલાકારો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શોધી આપ્યા હતા. રાજ કપૂર યુવાનીમાં પગ મૂકતા હતા, ત્યારે તેમના પિતા પૃથ્વીરાજ કપૂરે ‘પારકી મા જ કાન વિંધે’ એ ન્યાયે દીકરાને ડાયરેક્શન શીખવા આ જ કેદાર શર્મા પાસે મૂક્યા હતા. રાજકપૂરે આસિસ્ટન્ટ તરીકે પડદા પાછળ રહીને ક્લેપ આપવા સહિતનાં કામ કરવાનાં હોવા છતાં તે વારે ઘડીએ કેમેરાના લેન્સમાં જોઇને પોતાના વાળ ઓળ્યા કરે અને હીરો હોય એમ જુદા જુદા પોઝ આપ્યા કરે. કેદાર શર્માના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘વિષકન્યા’ના એક સીનમાં રાજકપૂરથી લોચો વાગ્યો અને અકળાઇ ઉઠેલા શર્માજીએ પૃથ્વીરાજ જેવા તે સમયના સફળ કલાકારના આ પુત્રને તમાચો ચોડી દીધો હતો! (મઝાની વાત એ હતી કે પોતાના દીકરાને આખા યુનિટ સામે થપ્પડ મારનાર કેદાર શર્માને પાપાજીએ ઠપકો આપવાને બદલે શાબાશી આપી હતી.)  એવા કડક ટાસ્ક માસ્ટર કેદાર શર્માએ ‘મુમતાઝ મહલ’ પછીની ‘ધન્ના ભગત’માં પણ ‘બેબી મુમતાઝ’ને રિપિટ કરી. પરંતુ, તે પહેલાં ‘મુમતાઝ મહલ’ના દિવસોમાં એક ભયંકર અકસ્માતમાં અતાઉલ્લાહનો આખો પરિવાર બાલ બાલ બચી ગયો હતો. ઇતિહાસમાં ‘1944ના બોમ્બે વિસ્ફોટ’ તરીકે જાણીતા એ ધડાકા પછી અંગ્રેજોએ દેશ છોડવાનું ગંભીર રીતે વિચારવા માંડ્યું હતું, એટલી જાણીતી એ ઘટના હતી.

એ વિસ્ફોટ 14મી એપ્રિલ 1944ના રોજ થયો, ત્યારે મુંબઈના પરા વિસ્તારના હજાર ઉપરાંત લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં મધુબાલાનો પરિવાર પણ આવી જાત. પરંતુ, ભલું થજો સિનેમાના માધ્યમનું કે તે દિવસે ખાન પરિવાર એક પિક્ચર જોવા થિયેટરમાં હતો અને તેથી બચી ગયો. જે શીપમાં વિસ્ફોટ થયા તેમાં ટનબંધ સોનું હતું અને અમારા પૂજ્ય પિતાશ્રી એ ધડાકાની વાત કરતાં કાયમ કહેતા કે વજનદાર સોનાની પાટો ઉછળીને વાગવાથી પણ ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતાં! તેને લીધે તે દિવસોમાં કંઇ કેટલાયની અગાશીઓમાં સુવર્ણ વર્ષા થઈ હતી અને એ સૌ રાતોરાત માલદાર થઈ ગયા હતા. અંગ્રેજોએ તેને અકસ્માત કહ્યો હતો. પરંતુ, આઝાદીના લડવૈયાઓ તેને નૌકાદળના વિપ્લવ તરીકે પણ ઓળખે છે. એ સ્ટીમરમાં સોનાની સાથે એટલો બધો દારૂગોળો પણ હતો કે જ્યારે આગ લાગી અને એક પછી એક ધડાકા થયા, ત્યારે તેના અવાજ લગભગ સો કિલોમીટર સુધી સંભળાયા હતા. એટલું જ નહીં, તેનાથી ઉત્તર ભારતના સિમલા સુધીના કેટલાય વિસ્તારોમાં ધરતીકંપ થયો હોય એમ ધરતી ધ્રુજી હતી. એ બ્લાસ્ટથી નાશ પામેલાં હજારો ઘરોમાં અતાઉલ્લાહની મલાડમાં આવેલી નાનકડી ખોલી પણ હતી. તેમનો આખો પરિવાર રસ્તા ઉપર આવી ગયો હતો.

છતાં ‘જાન બચી તો લાખો પાયે’ની જેમ ખાન કુટુંબ એક મિત્રને ઘેર સાત મહિના સુધી રહ્યું. પછીના વર્ષે આવેલા ‘ધન્ના ભગત’ પિક્ચર સુધીમાં ‘બેબી’ બાર વરસની થઈ ગઈ હતી અને પરિવારને તેની કમાણીથી જ રહેવાની નવી જગ્યા મળી હતી. તેનો કરાર ‘રણજીત મુવીટોન’ સાથે હોઇ ’46માં ‘ફુલવારી’ અને ‘રજપુતાની’માં પણ ‘બેબી મુમતાઝ’ની ભૂમિકા હતી. પરંતુ, નાનપણથી તંદુરસ્ત મુમતાઝ એ ઉંમરે પણ આકર્ષક લાગતી હોઇ કેદાર શર્માએ તેને હીરોઇન બનાવવાના ઇરાદા સાથે અતાઉલ્લાહને દરખાસ્ત કરી કે પોતે ‘બેબી’ને લોન્ચ કરવા તૈયાર છે. હવે વાંધો એ હતો કે સગીર ઉંમરની મુમતાઝ માટે વાલી તરીકે પિતાએ તેની નોકરીનો કરાર કરેલો હતો. આ બાજુ કેદાર શર્મા પણ લોકો માટે દિગ્દર્શન કરવા કરતાં પોતાની નિર્માણ સંસ્થા ખોલીને પિક્ચર બનાવવા માગતા હતા. પરંતુ, દરેક નવા નિર્માતાની માફક શર્માજીને પણ નાણાં તો ઊભાં કરવાનાં જ હતાં. તેમણે પોતાના આસિસ્ટન્ટ રાજ કપૂરને હીરો અને ‘બેબી મુમતાઝ’ને હીરોઇન લઈને ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કર્યું. કેદાર શર્માની એક સફળ ડાયરેક્ટર તરીકેની પ્રસિદ્ધિ જોતાં અતાઉલ્લાહે પેલી કંપની સાથેના કરારમાંથી નીકળી જવા એક અસાધારણ પગલું ભર્યું.

અતાઉલ્લાહ ખાને તેમની પત્નીને તલાક આપ્યા અને બેબી મુમતાઝનો હવાલો હક્કે મેહરની અવેજમાં તેની અમ્મી આઇશા બેગમ પાસે રખાવ્યો. આ ઘટસ્ફોટ 1978ના મે મહિનાના ‘સુપર’ મેગેઝીનમાં ખુદ કેદાર શર્માએ પત્રકાર સુષમા પાસે કર્યો હતો. હવે મુમતાઝના કરાર માટે પોતે જવાબદાર નથી એમ કહેતા અતાઉલ્લાહ સામે નિર્માણ સંસ્થાએ કોર્ટમાં કેસ પણ કર્યો. પરંતુ, પેલી બાજુ મુમતાઝ સામે રાજ કપૂરને હીરો લઈને બનનારી ‘નીલ કમલ’ ફિલ્મની વાતો ચર્ચાવા લાગી હતી. તેમાં પૃથ્વીરાજ કપૂરના દીકરા સામે ‘મુમતાઝ’ છે એમ કહેતાં લાખ રૂપિયા ધીરનાર સરદાર ચંદુલાલ શાહ મળી ગયા. પણ થોડા વખત પછી સરદાર સાહેબને ખબર પડી કે હીરોઇન ‘કિસ્મત’ જેવી રેકોર્ડ બ્રેક કરનારી ફિલ્મની નાયિકા ‘મુમતાઝ શાન્તિ’ નહીં, પણ તેર વરસની ‘બેબી મુમતાઝ’ હતી! શર્માજીએ યુધિષ્ઠિરની અદામાં ‘નરોવા કુંજરોવા’ કહ્યું હોઇ દેખીતી રીતે વાંકમાં નહોતા. પણ નાણાંનો પ્રવાહ અટકી ગયો. કેદારજીએ ‘સુપર’ના એ જ ઇન્ટરવ્યૂમાં જણાવ્યા પ્રમાણે, એટલી નાની ઉંમર હોઇ મુમતાઝની ફિગર પણ એક સ્ત્રી જેવી નહતી થઈ.

એટલે કેદાર શર્માના કહેવા પ્રમાણે રબરના એક બોલને બે ભાગમાં કાપીને હીરોઇનની ચોલીનું પેડિંગ કરવામાં આવ્યું હતું. અત્યારે આવા પ્રશ્નો નડતા નથી, કારણ કે હવે તો જોઇએ એ સાઇઝની અને ફીગરની પેડેડ બ્રા હીરોઇનોને મળી શકે છે. પણ રણજીત મુવીટોન સાથેની કાનૂની લડાઇમાં બે-એક વરસનો ગાળો વીતી ગયો અને ત્યાં સુધીમાં મુમતાઝને વધારાના કશા ટેકાની જરૂર ન પડે એવો શારીરિક વિકાસ થઈ ચૂક્યો હતો. જો ‘નીલકમલ’ આજે જુઓ તો રાજ કપૂર તો પૂર્ણવિકસિત હીરો જરૂર લાગે. પણ મધુબાલા મોટી ઉંમરની બાળ કલાકારથી વધુ ના લાગે. પિક્ચરના ટાઇટલમાં નામ ‘મુમતાઝ’ જ હતું. તો પછી ‘મધુબાલા’ નામ ક્યારે અને કોણે પાડ્યું? (વધુ આવતા અંકે)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.