મધુબાલા: તારીફ કરું ક્યા ઉસ કી... (13)

19 May, 2017
12:00 AM

સલિલ દલાલ

PC: googleusercontent.com

મધુબાલાને મળવા દિલીપ કુમાર ‘એરિબિયન વિલા’ પર આવ્યા તે વર્ષ 1966નું હતું. મજાની વાત એ છે કે ‘66માં જ તેમની શાદી સાઇરાબાનુ સાથે થઇ હતી. એ મુલાકાતની થોડીક વિગતો મધુબાલાના જીવન વિશેના પુસ્તક ‘મધુબાલા- હર લાઇફ હર ફિલ્મ્સ’નાં લેખિકા ખતીજા અકબરે આપેલી છે. દિલીપ કુમારે પણ 2014મા પ્રસિદ્ધ થયેલી પોતાની આત્મકથામાં એ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે, પણ તેમની આગવી રીતે. દિલીપ કુમારની આત્મકથાના 17 વરસ પહેલાં 1997માં પ્રગટ થયેલી અને તે સમયે મીડિયામાં ખૂબ ચર્ચાયેલી વિગતોમાં ખતીજા લખે છે કે દિલીપ કુમાર મળ્યા ત્યારે મધુબાલા બે મહિનાથી પોતાના રૂમમાંથી બહાર નીકળ્યાં નહોતાં. દિલીપ સા’બને એ પુસ્તકમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે ‘એ સમયે પણ તે એટલી જ આકર્ષક લાગી રહી હતી...’ જ્યારે દિલીપ કુમાર પોતાની આત્મકથામાં એ મુલાકાતનો ઉલ્લેખ સાઇરાજીના ઉમદા સ્વભાવના ઉદાહરણ તરીકે કરે છે.

સાઇરાબાનુ સાથે 11મી ઓક્ટોબર, 1966ના રોજ શાદી થયા પછી પતિ-પત્ની થોડોક સમય મદ્રાસ રહેવા ગયાં હતાં. ત્યાં એક દિવસ મધુબાલાનો મેસેજ આવ્યો કે તે દિલીપ સા’બને તાત્કાલિક મળવા માગે છે. તેમણે સાઇરાજીને પૂછ્યું અને એ નવી પરણેલી દુલ્હન હોવા છતાં તરત જ મંજૂરી આપી દીધી. દિલીપ કુમાર જ્યારે મળ્યા ત્યારે તેમને લગ્નના અભિનંદન આપતાં મધુબાલાએ કહ્યું કે ‘હમારે શેહજાદે કો ઉનકી શેહજાદી મિલ ગઈ… મૈં બહુત ખુશ હું...’ દિલીપ કુમાર તેમની આત્મકથામાં એ મુલાકાતની વધુ વિગતો નથી આપતા. એ સ્વાભાવિક પણ છે. તેમણે કોઇનું (એટલે કે કિશોર કુમારનું?) નામ પાડ્યા વગર કહ્યું છે કે ‘તે  (મધુબાલા) કેટલીક અંગત બાબતોથી ચિંતિત હતી. તેમાં તેને મારી સલાહની જરૂર હતી અને એ થોડી-ઘણી સંતુષ્ટ ન થઈ ત્યાં સુધી અમે ચર્ચાઓ કરી.’

એ જ મુલાકાત અંગે ખતીજા અકબરે પોતાના પુસ્તકમાં દિલીપ કુમારને એક વચન આપતા પણ ટાંક્યા છે. તે અનુસાર, એ વખતે મધુબાલાએ એક એવો સવાલ કર્યો હતો, જેનાથી એ પોતાના સ્વાસ્થ્ય માટે કેટલાં આશાવાદી હતાં, એ પણ સમજાય છે. પુસ્તકમાં દિલીપ કુમાર કહે છે, ‘તેણે જ્યારે મને એમ પૂછ્યું કે જ્યારે હું પૂરેપૂરી સાજી થઈ જઈશ, ત્યારે મારી સાથે એક ફિલ્મ કરશો ને? ત્યારે હું બહુ જ દુઃખી થયો. મેં તેને કહ્યું કે તું સાજી થઈ જ રહી છું. તું સરસ રીતે સાજી થઈ જા હું તારી સાથે એક ફિલ્મ ચોક્કસ કરીશ...’  એ બંનેની મુલાકાત વખતે મધુબાલાને શું પેલો તમાચો યાદ આવ્યો હશે, જે દિલીપ કુમારે ‘મુગલ-એ-આઝમ’ના શૂટિંગમાં સાચેસાચ જ મારી દીધો હતો? એ પ્રસંગ પણ બહુ જાણીતો જ છે કે ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ એ ગાયન પહેલાં દરબારમાંના તેના નૃત્ય માટે તૈયાર થતી અનારકલીને ગુસ્સામાં સલીમ ખખડાવે છે અને પછી એક લાફો ચોડી દે છે. એ દૃશ્ય એવા સમયે શૂટ થતું હતું જ્યારે મધુબાલાના તેમના હીરો સાથે અબોલા ચાલતા હતા. દિલીપ કુમારે પોતાના ડાયલોગને ધીમે તાપે ચઢતા મરચાંના વઘારની માફક ઊંચા સ્વર ભણી લઈ જતાં કહ્યું, ‘...અકબર કી બુઝદિલ લૌંડી, તુ સલીમ કી મેહબૂબા નહીં... તુ એક ઝુઠી કસમ થી જો મેરા ઇમાન બદલ ગઈ.... એક શર્મનાક બદનામી કા વો દાગ જો મેરે દામન પર લગા ઔર ધૂલ ગયા...’ અને પછી મારે છે અનારકલીને એક જોરદાર થપ્પડ!

મધુબાલાને દિલીપ કુમારે મારેલો એ તમાચો, ફિલ્મ જોતાં સમજાય એમ છે કે, ખરેખર તો અવળા હાથની અડબોથ હતી. એવા અભિનયમાં ટાઇમિંગની ભૂલ થઈ જાય તો સીન તો વાસ્તવિક લાગે, પણ શૂટિંગ રખડી જાય. અહીં પણ બીક એવી જ હતી. મધુબાલાના અત્યંત નાજુક ચહેરા ઉપર પેશાવરી પઠાણ એવા દિલીપ કુમારના અવળા હાથની અડબોથ પડતાં મધુબાલા નારાજ થઈ ગયાં. ખાસ કરીને એ સંજોગોમાં જ્યારે બંને વચ્ચે ઝગડો થયેલો હતો. ફિલ્મ જે મંથર ગતિએ આગળ વધતું હતું એ જોતાં જો મધુબાલા તેને વિલંબમાં પાડે તો કોઇને અચરજ તો ન થાય, પણ કોઇને પોસાય પણ નહીં.... ખાસ કરીને દિગ્દર્શકને. મૌકે કી નજાકત કો દેખતે હુએ, કે.આસિફે મધુબાલાને સમજાવતાં કહ્યું કે દિલીપ કુમાર સાથે ભલે તારે સંબંધ તૂટી ગયો છે. પણ તું એ જો કે તેની સાથે તું નથી બોલતી તેનાથી એ કેટલો અકળાયેલો છે? તારા પ્રત્યેના તેના પ્રેમની આનાથી વધારે મોટી સાબિતી કઈ હોઇ શકે છે? 

કે. આસિફની એ દલીલ અંગત સંબંધોમાં એવી તો અસરકારક છે કે ‘કભી ખુશી કભી ગમ’માં કરણ જોહરે પણ રિતિક રોશનના મુખે એવો જ સંવાદ બોલાવ્યો હતો, યાદ છે ને? જ્યારે પિતા અમિતાભ સમક્ષ એ શાહરૂખને માફ કરવાની દલીલ કરતો હોય છે, ત્યારે છેલ્લે એમ કહી દે છે કે ‘ઇશ્વરને આપકો સબ કુછ દિયા, ડૅડ.... કાશ, એક દિલ ભી દિયા હોતા...’ અને ગુસ્સામાં બચ્ચન પોતાના માનેલા પુત્ર માટે પ્રેમ નથી એ મ્હેણું ન સાંભળી શકતાં સગા દીકરાને એક થપ્પડ મારી દે છે? તે પછી આંસુ મિશ્રિત મુસ્કાન સાથે રિતિક કહે છે, ‘બહોત પ્યાર કરતે હૈં આપ ઉસ સે.... મૂઝે મેરા જવાબ મિલ ગયા.... બહોત પ્યાર કરતે હૈં આપ ઉસ સે....”  કે. આસિફની સમજાવટના એ અમર શબ્દોની કેવી અસર થઈ તેનો પુરાવો મધુબાલાની તે થપ્પડ પછીની એક્ટિંગમાં જોઇ શકાય છે. મધુબાલાએ તે ધોલ ખાધા પછી જાણે કે કશુંક નક્કી કર્યું હોય એવો અભિનય કરવામાં કેવી બારીકીઓ દેખાડી છે? જે લોકો તે અભિનેત્રીને માત્ર રૂપનો કટકો ગણતા હોય એવા સૌએ ‘પ્યાર કિયા તો ડરના ક્યા....’ એ ગાયન શરૂ થતા અગાઉના આ દૃશ્યની છેલ્લી ફ્રેમોમાં થપ્પડ ખાવા છતાં મધુબાલા અર્થપૂર્ણ છતાં બિલકુલ હળવી મુસ્કુરાહટ સાથે સીન પૂરો કરે છે, એ જોવું. તેને લીધે જ મધુબાલાના સુક્ષ્મ અભિનય (સટલ એક્ટિંગ)નો એ અમારો સૌથી પ્રિય સીન છે.      

એટલે મધુબાલાને જ્યારે દિલીપ કુમાર મળ્યા, ત્યારે બેઉને ‘મુગલ-એ-આઝમ’ની કંઇ કેટલીય યાદો તાજી થઈ હશે. પરંતુ, સાથે સાથે પોતાની એક સમયની પ્રિયતમા પોતાના પિયરમાં એકાંત ઓરડામાં મોતનો ઇન્તેજાર કરી રહી હતી તેનો પણ દિલીપ કુમારને અહેસાસ થયો હશે. દિલીપ સા’બ તે દિવસે એ ખૂબસૂરત વ્યક્તિને મળ્યા હતા જેને રૂદિયાની રાણી બનાવવા, તેની સાથેની શાદીની રીતસરની દરખાસ્ત મૂકવા, એક વાર પોતાનાં સૌથી મોટાં બેનને તેને ત્યાં મોકલ્યાં હતાં. સામે પક્ષે કન્યાના પિતા અતાઉલ્લાહ ખાને પોતાની શરતો ન મનાય તો ઇનકાર કરતાં દિલીપ કુમાર જેવા તે સમયના સૌથી લાયક મુરતિયા (મોસ્ટ એલિજિબલ બેચલર) માટે નન્નો સાંભળવાનું અપમાન પણ મોટીબેન (બડી આપા)ને સહન કરવું પડ્યું હતું. એ ભૂલાય એવા પ્રસંગો ન હતા. એ બધાથી મોટી તકલીફની વાત એ હતી કે પોતાની સાથેની દરખાસ્તને છોડીને રિબાઉન્સમાં જેની સાથે લગ્ન કર્યાં હતાં તેની સાથે પણ એ ખુશ નહોતી. બલ્કે આખો ફિલ્મ ઉદ્યોગ એ વાતે એકમત હતો કે કિશોર કુમાર સાથેનાં લગ્ન એક ‘મિસ મૅચ’નો (ગામઠી ગુજરાતીમાં કહીએ તો ‘કજોડા’નો) કિસ્સો હતો. બંને અલગ અલગ રીતે સરસ કલાકારો પણ એક દંપતિ તરીકે ‘મિસમૅચ’!

કિશોર કુમારનાં મુસ્લિમ મધુબાલા સાથેનાં લગ્ન અને તેમણે ઇસ્લામ અંગીકાર કર્યાની વાતોથી તેમની વિરુદ્ધમાં ઘણા બંગાળી કલાકારો હતા. એ શાદી પછી મ્યુઝિક ડિરેક્ટર એસ.ડી. બર્મને કિશોર કુમારને ખાસા સમય સુધી પોતાના સંગીતમાં ગવડાવવાનું બંધ કરી દીધું હતું. તે એટલે સુધી કે જે એક્ટર માટે સચિન દા તેમના અવાજનો ઘણીવાર ઉપયોગ કરતા તે દેવ આનંદ માટે પણ કિશોર કુમારને બદલે રફી સાહેબ કે અન્ય પુરૂષ ગાયકો પાસે ગાયનો ગવડાવતા. કિશોર કુમારનાં મધુબાલા સાથેનાં 1960ના લગ્ન પછી આવેલી દેવ સાહેબની આટલી ફિલ્મોમાં એસ.ડી. બર્મનનું સંગીત હોવા છતાં કિશોર કુમારનું પ્લેબેક એક પણ ગાયન માટે નહોતું..... ‘કાલા બાઝાર’, ‘મંઝિલ’, ‘બાત એક રાત કી’, ‘એક કે બાદ એક’, ‘તેરે ઘર કે સામને’, ‘બમ્બઈ કા બાબુ’! આમ પોતાની કરિયર ઊંચે જવાને બદલે, જ્યાં હતી ત્યાંથી પણ નીચે ઉતરી રહ્યાની ચિંતાને લીધે પણ કિશોર કુમાર અલગ રહેવાનું ઉચિત માનતા થયા હોય. તેમણે પત્નીને પિયરમાં મોકલી દેવાનું એક કારણ એ કહેલું છે કે તેમના પોતાના ઘર પરથી પસાર થતાં વિમાનોના અવાજથી મધુબાલા વિચલિત થઈ જતાં હોવાથી એમ કરવું પડ્યું હતું. જ્યારે મધુબાલાના નૌશાદ જેવા કરીબી હિતેચ્છુ તેમની સમક્ષ થયેલી કિશોર કુમારના વર્તનની ફરિયાદોના હવાલા આપતા હતા. 

નૌશાદને ત્યાં આવતા એક ફકીરને ખાસ મળવા ગયેલાં મધુબાલાએ પોતાના જીવનમાં શાંતિ માટે દુઆ માગવા કહ્યું હતું. નૌશાદના કહેવા મુજબ તો તેમણે મધુબાલાને કિશોર કુમારથી અલગ થઈ જવા (તલાક લેવા)નું સૂચન પણ કર્યું હતું. પરંતુ, જવાબમાં મધુબાલાએ મોઇન એહસાન જઝ્બીનો આ શેર કહ્યો હતો,

‘જબ કશ્તિ સાબિત-ઓ-સાલિમ થી, 

સાહિલ કી તમન્ના કિસ કો થી? 

અબ ઐસી શિકસ્તા કશ્તિ મેં, 

સાહિલ કી તમન્ના કૌન કરે?’ 

એ રીતે હિંમત હારી જવા પાછળ મધુબાલાની જીવનદૃષ્ટિ ખોટી સાબિત થયાનો અફસોસ પણ હતો. તેમણે એ દિવસોમાં સતત એ ફરિયાદ કરી હતી કે મને તો નાનપણથી એવું શીખવવામાં આવ્યું છે કે સારાં કર્મોનો બદલો હંમેશાં સારો જ મળે છે. તો પછી મારે શા માટે આ બધી તકલીફો વેઠવી પડે છે? તેમની એ કાયમની પ્રથા હતી કે જ્યારે પણ પોતાની ફિલ્મનું તમામ શૂટિંગ પતી જાય, ત્યારે છેલ્લા દિવસે યુનિટના નાના-મોટા સૌ માટે તેમના તરફથી મીઠાઇ વહેંચવામાં આવતી. એ જ રીતે જાહેર દાનમાં પણ તે કદી ઇનકાર ન કરે. એક દાખલો બહુ જાણીતો છે. જ્યારે દેશ આઝાદ થયો અને ભાગલાને કારણે અત્યારના બાંગ્લાદેશમાંથી, એટલે કે તે વખતના પૂર્વ પાકિસ્તાનમાંથી, ત્યાં ચાલતી કત્લેઆમથી ત્રાસીને ભાગી આવેલા, મુખ્યત્વે હિન્દુ શરણાર્થીઓ માટેના ફાળામાં રૂપિયા 50,000/-નો ફાળો આપવા મધુબાલા તે વખતના મુંબઈ રાજ્યના ગૃહ પ્રધાન મોરારજી દેસાઇની ઓફિસે ગયાં હતાં. તે વખતે શરૂઆતમાં અક્કડ લાગતા મોરારજીભાઇ એવડી મોટી રકમનો ચેક એક ફિલ્મ કલાકાર તરફથી જોઇ એટલા પ્રભાવિત થયા હતા કે દરવાજા સુધી મૂકવા આવ્યા હતા. એટલું જ નહીં, મધુબાલાને તેના થોડાક દિવસ પછી ટપાલમાં મોરારજીભાઇનો પ્રશંસા-પત્ર પણ મળ્યો હતો. એવાં સત્કાર્યો સતત કર્યાં હોય, કદી કોઇ સાથી કલાકારની ટીકા-ટીપ્પણી નહીં. એકવાર હસવાનું શરૂ કરે તો રોકાય જ નહીં એવું ખળખળ વહેતા ઝરણા જેવું વ્યક્તિત્વ આખી જિંદગી રાખનારને દેખીતા કશા વાંક-ગુના વિના વરસો સુધી મૃત્યુની રાહ જોતા એક ઘરમાં પુરાઇ રહેવાનું? તેમના અંતિમ દિવસોની સ્થિતિ વર્ણવતાં બેન શાહિદા કહે છે કે છેલ્લે છેલ્લે મધુબાલા એમ જ કહેતાં હતાં કે, ‘મુઝે મરના નહીં હૈ.... મુઝે જીના હૈ...’ (વધુ આવતા અંકે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.