મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (8)
‘આ મીના કુમારી છે અને આ છે તેમના પતિ કમાલ અમરોહી...’ એમ જ્યારે સોહરાબ મોદીએ એ દંપતિની ગવર્નર સાહેબને ઓળખાણ કરાવી, ત્યારે કમાલ અમરોહી અકળાઇ ઉઠયા. તેમણે પોતાનો ઇન્ટ્રો જાતે જ કરાવ્યો એમ કહીને કે ‘હું કમાલ અમરોહી છું અને આ છે મારી પત્ની મીના કુમારી.’ એટલું જ નહીં, બાજુમાં ઉભેલા મેહબૂબ ખાનને કહ્યું, ‘શું આ સોહરાબ મોદી કાયમ પોતાની ઓળખાણ એક્ટ્રેસ મેહતાબ બાનુના પતિ તરીકે આપે છે?’ વાત વણસતી જોઇને રાજ્યપાલે અમરોહીને પોતાની બાજુ બોલાવીને કહ્યું, ‘અરે આપકો કૌન નહીં જાનતા, કમાલ સાહબ...’ અને વાત ત્યાં તો ઠંડી પડી ગઈ. પણ તાજદાર અમરોહીના કહેવા પ્રમાણે, તે રાત્રે તેમના ‘અબ્બાજાન’ અને ‘છોટી અમ્મી’ વચ્ચે ખૂબ બોલાચાલી થઈ હતી. કદાચ અહમના એવા ટકરાવનું જ પરિણામ હતું કે મીના કુમારીએ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા જવાનો મોકો હાથથી જવા દેવો પડ્યો હતો.
બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ માટે ભારતીય એન્ટ્રી તરીકે મીના કુમારીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ત્રીજો ફિલ્મફેર એવોર્ડ અપાવનારી અમર કૃતિ ‘સાહિબ બીબી ઔર ગુલામ’ પસંદ થઈ હતી. પરદેશની ધરતી જોવાની પ્રથમ તક હતી અને સરકારે એક ડેલીગેટ તરીકે મીનાજીને બે ટિકિટ આપી હતી. પરંતુ, કમાલ અમરોહીએ ઇનકાર કર્યો. તેમણે પોતાને બદલે બાકરને સાથે મોકલવાની વાત કરી અને દરખાસ્ત પડી ભાંગી. આમ પણ ‘સાહિબ બીબી ઔર ગુલામ’ કમાલ સાહેબની ચોઇસ નહતી. તેના સર્જક ગુરૂ દત્તે જ્યારે તેની ઓફર કમાલ અને બાકરને કરી ત્યારે તેમણે તે નકારી દીધી હતી. અહીં એક વાતની સ્પષ્ટતા જરૂરી છે. લગ્ન પછી મીના કુમારીએ ‘મહલ પિક્ચર્સ’ નામની કમાલ અમરોહીની સંસ્થા સાથેના કોન્ટ્રાક્ટ પર વિશ્વાસપૂર્વક સહી કરી આપી હતી. તેથી તેમના કરાર, તારીખો તથા પૈસાનો મોટાભાગનો વહેવાર પ્રથમ તબક્કે કમાલ અને બાકર મારફત થતો. ગુરૂ દત્તની એ ફિલ્મ બિમલ મિત્રાની બંગાળી નોવેલ પર આધારિત હતી. ‘સાહિબ બીબી ઔર ગુલામ’ જોનાર સૌ જાણે છે એમ, પિક્ચર પૂરું થાય છે, ત્યારે નવલકથાનાં છેલ્લાં પાનાં બંધ થતાં પણ દેખાડાય છે. કમાલ અમરોહીને એ વાર્તા ઉર્દૂમાં આપવામાં આવી. તે વાંચીને તે સ્વીકારવાનો ઇનકાર એ કારણે કર્યો કે શરાબ પીતી ‘છોટી બહુ’ના પાત્રાલેખનથી મીના કુમારીની એક ગુણિયલ ગૃહિણી તરીકેની ઇમેજને બટ્ટો લાગે એમ છે. એટલું જ નહીં, ફી પણ ભારે માગી.
કમાલ અમરોહીએ, એક અહેવાલ પ્રમાણે, છ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી અને ગુરૂ દત્ત વધુમાં વધુ બે લાખ આપવા તૈયાર હતા. ‘ગુરૂ’નું બજેટ એ ભાવ નહીં જિરવી શકે એ જાણતા કમાલે વાત આગળ ન વધે તે માટે જ એવો ત્રણ ગણો ભાવ કહ્યો હશે. ગુરૂ દત્તે શરૂઆતમાં નરગીસ અને અન્ય અભિનેત્રીઓનો સંપર્ક કર્યો હતો અને એ તમામે પણ તેમાંના નેગેટિવ શેડને લીધે ઇન્કાર કર્યો હોઇ મીના કુમારી તરફથી નકારાય એ સ્વાભાવિક લાગ્યું. એટલે તેમણે ફોટોગ્રાફર જિતેન્દ્ર આર્યની ખુબસુરત પત્ની છાયા આર્યને ત્રીસ હજાર રૂપિયામાં સાઇન કર્યાં. તેમને લંડનથી બોલાવાયાં અને મુંબઈમાં ગુરૂના ખર્ચે ભાડાના ફ્લેટમાં રાખવામાં આવ્યાં. છતાં ગુરૂ દત્તને ‘છોટી બહુ’ તરીકે મીના કુમારી જ વધુ યોગ્ય લાગતાં હતાં. તેથી તેમણે કલકત્તા પાસેના ઉપનગરમાં આવેલી એક વિશાળ હવેલીમાં શૂટિંગ શરૂ કર્યું અને ‘છોટી બહુ’ના સિન્સ બાકી રાખીને આખી ફિલ્મ પૂરી કરી. મુંબઈ આવીને ગુરૂ દત્તે કોઇક રીતે મીના કુમારીનો સંપર્ક કર્યો અને બિમલ મિત્રાની બંગાળી વાર્તા ઉર્દૂમાં વાંચવા માટે મોકલી. તેમાંના ‘છોટી બહુ’ના કિરદારના પ્રેમમાં મીનાજી પડી ગયાં. એવી સરસ ફિલ્મ કેમ નકારાઇ એ મુદ્દે મિયાં-બીવીમાં ઝગડો પણ થયો. તેનો એક પુરાવો કમાલ અમરોહીએ મીનાજીના અવસાન પછીનાં વર્ષોમાં મીનલ બાઘેલ નામની પત્રકારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પણ મળે છે. કમાલે કહ્યું હતું કે ‘સાહિબ બીબી ઔર ગુલામ’ સાઇન કર્યું ત્યારથી અમારા વચ્ચે તણાવ વધી ગયો હતો. પણ ગુરૂ દત્તને તો લોટરી લાગી ગઈ!
મીના કુમારીએ અકળાટમાં ગુરૂ દત્તની ધારણા અને માગણી કરતાં પણ વધુ એવા ૪૫ દિવસ ફાળવી આપ્યા અને તે પણ એક સાથે. સળંગ દોઢ મહિનો મીના કુમારી ‘સાહિબ બીવી...’ માટે કામ કરવા તૈયાર હતાં. પણ એક વાંધો પડે એવો હતો. કેમ કે ડેટ્સના પ્રશ્ને કમાલ સાથે ઝગડો થયા છતાં લગ્નની શરતોનું પાલન પોતે નથી કર્યું એવો ઇલ્જામ પોતાના માથે આવવા દેવો નહતો. તેથી રોજ સાંજે ઘેર આવી જવાની શરતનું પાલન કરવું હોય તો એ કલકત્તા કે અન્ય શહેરમાં એટલો લાંબો સમય મુંબઈની બહાર રહી ન શકે. ગુરૂદત પણ ક્યાં જાય એવા હતા? તેમને ‘કાગઝ કે ફુલ’ના બોક્સ ઓફિસ પરના ધબડકા પછી ‘ચૌદહવીં કા ચાંદ’માં મળેલી ધૂમ સફળતાને લીધે પૈસાની ખેંચ રહી નહતી. તેમના એવા મિજાજનો પરચો અગાઉ સૌને મળી જ ગયો હતો. આ જ પિક્ચર ‘સાહિબ બીબી...’ના હીરો તરીકે શશિ કપૂરને પસંદ કર્યા હતા અને પહેલા દિવસે જ એ ત્રણ કલાક લેટ આવતાં ગુરૂએ પોતે મેક અપ ચઢાવી દીધો હતો. તેમણે મીના કુમારીની તારીખો મળી હોઇ મુંબઈના સ્ટુડિયોમાં અદ્દલ પેલી બંગાળી હવેલી જેવા સેટ ઉભા કરાવ્યા! શૂટિંગ ધમધોકાર ચાલ્યું અને મીના કુમારીએ અભિનય પણ દિલ દઈને કર્યો. પરિણામ એ કે પિક્ચર ટિકિટબારી ઉપર તો સફળ થયું જ, વિવેચકો પણ ઓવારી ગયા. ‘ફિલ્મફેર’ના એવોર્ડ્સ ઉપરાંત રાષ્ટ્રીય પુરસ્કારોમાં ‘શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ’ તરીકે રાષ્ટ્રપતિનો સિલ્વર મેડલ મળ્યો. બર્લિનમાં ‘બેસ્ટ ફિલ્મ’ની કેટેગરીમાં અંતિમ પાંચમાં નોમિનેટ થયું. પણ આજે ગમ્મત લાગે એવી ઘટના ઓસ્કર એવોર્ડમાં થઈ.
ઓસ્કર એવોર્ડની ‘બેસ્ટ ફોરિન લેંગ્વેજ ફિલ્મ’ કેટેગરી માટે ઇન્ડિયાની ઓફિશ્યલ એન્ટ્રી તરીકે ‘સાહિબ બીબી...’ મોકલાઇ અને એકેડેમી તરફથી ગુરૂ દત્તને પત્ર મળ્યો કે પિક્ચરની નાયિકાને (એક હાઉસ વાઇફને) શરાબ પીતી બતાવાઇ છે જે તેમના (અમેરિકાના) કલ્ચરને અનુકૂળ ન હોવાથી તેમની એન્ટ્રી સ્વીકારવામાં આવતી નથી! એ દિવસોમાં, પચાસ વરસ પહેલાં જો ઇન્ટરનેશનલ લેવલે આવા મરજાદી વાંધા આવી શકતા હોય તો પછી ભારતવર્ષની તો વાત જ ક્યાં કરવી? અહીં એક આખું ગાયન રદ કરી દેવું પડ્યું. ના, દારૂ પીતી ગૃહિણીનાં દ્દશ્યો સામે વાંધો નહતો. વળી, એ સેન્સરનું પણ ઓબ્જેક્શન નહતું. ચાહકો જ સામે પડતા લાગતા હતા. ‘સાહિબ બીબી...’માં એક ગાયન હતું, “સાહિલ કી તરફ કશ્તી લે ચલ...” અને તે ગીતમાં મીના કુમારી એટલે કે મોટા જમીનદાર ઘરાનાની પુત્રવધુ ‘ભૂતનાથ’ નામના સહ્રદયી નોકર (ગુરૂ દત્ત)ના ખોળામાં માથું મૂકે છે. એ દ્દશ્ય પહેલા જ શોમાં પ્રેક્ષકોને ગળે ના ઉતર્યું અને ચાલુ શો દરમિયાન ‘છોટી બહુ’ને ગાળો પડવા માંડી.
એટલે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ઓડિયન્સનો પ્રતિભાવ જાણવા માગતા ગુરૂ દત્તને તેમના મિત્રો અને થિયેટરના સંચાલકો તરફથી એકી અવાજે એ ગાયન ધંધામાં રૂકાવટ બનશે એવો ભય દર્શાવાયો. તાત્કાલિક તેને સ્થાને ટાંગામાં એક સીન શૂટ કરાયો જેમાં મીના કુમારી અને ગુરૂ દત્તનો સંવાદ મૂકાયો. બે જ દિવસમાં ગાયન કેન્સલ કરીને તેને સ્થાને પેલું દ્દશ્ય ઉમેરાયું. કટ થયેલા એ ગાયન ‘સાહિલ કી તરફ કશ્તી લે ચલ...’ની ધૂનનો ઉપયોગ હેમંત કુમારે ત્રણેક વરસ પછી ‘અનુપમા’માં કર્યો. એ ધૂન એટલે કૈફી આઝમીની અમર રચનાઓ પૈકીની એક... ‘યા દિલ કી સૂનો દુનિયાવાલોં યા મુઝકો અભી ચૂપ રહને દો, મૈં ગમ કો ખુશી કૈસે કહ દું જો કહતે હૈં ઉનકો કહને દો...’! હેમંત કુમારના સંગીતમાં શકીલ બદાયૂનિના શબ્દો અને ગુરૂ દત્તનાં પત્ની ગીતાદત્તના સ્વરમાં મળ્યાં આ બધાં એવરગ્રીન ગાયનો, “ભંવરા બડા નાદાન...”, “પિયા ઐસો જિયા મૈં સમાય ગયો”, “કોઇ દૂર સે આવાઝ દે ચલે આઓ...” અને પોતાના પતિની ઇચ્છા મુજબ શરાબી બન્યા છતાં તેમને છોડીને જઈ રહેલા પતિ ‘છોટેબાબુ’ (રહેમાન)ને રોકવા ગવાતું સૌથી પોપ્યુલર ગીત “ન જાઓ સૈંયાં છુડાકે બૈયાં, કસમ તુમ્હારી મૈં રો પડુંગી”!
‘સાહિબ બીબી ઔર ગુલામ’માંની શરાબી બની ચૂકેલી ‘છોટી બહુ’ની વાસ્તવિક લાગે એવી એક્ટિંગ હજી એક કોયડો જ છે. હજુ સુધી કેટલાય લોકો એ સમજી નથી શક્યા કે મીના કુમારીએ અસલી જિંદગીમાં થયેલા અનુભવોને પડદા ઉપર ઉતાર્યા હતા કે સ્ક્રિન પરના એ પાત્રને આખી જિંદગી જીવંત કરે રાખ્યું હતું? તે દિવસોમાં પ્રચાર તો એવો કરાતો હતો કે મીના કુમારીએ જીવનમાં કદી શરાબ પીધો નહતો અને છતાં એટલી સરસ એક્ટિંગ કરી હતી. પરંતુ, ખુદ કમાલ અમરોહીના કહ્યા મુજબ તો મીનાજી દવા તરીકે દારૂ પીતાં જ હતાં. મીના કુમારીને કમાલ સાહેબ સાથેના સંવનનના દિવસોમાં ફોન પર વાતચીત કરવા મોડી રાત, બલ્કે વહેલી સવાર સુધી, જાગવાની ટેવ પડી ગઈ હતી. ‘એક વાર નિશાચર તો જીવનભર નિશાચર’ એવો અનુભવ અનેક ક્રિએટિવ વ્યક્તિઓને થતો આવ્યો છે. અમુક લેખકો-કવિઓ-સર્જકો ‘રાત રહે જયાહરે પાછલી ખટ ઘડી....’ ત્યાહરે જ સૂવા ભેગા થતા હોય છે. પરંતુ, એ બધા બપોરના બાર-બે વાગતા પહેલાં જાગતા નથી હોતા. જ્યારે મીનાજીના કિસ્સામાં તો ૧૯૬૨-૬૩નાં એ ધૂમ સફળતાનાં વર્ષોમાં પંદર-સોળ ફિલ્મો તો હાથ પર રહેતી. તેથી તેમને સવાર પડે કામ પર પહોંચે જ છૂટકો હતો. તેમના ફેમિલી ડોક્ટર સઇદે ઊંઘવાની ગોળી આપવાની શરૂ કરી. પણ થોડાક જ દિવસમાં એ પણ નાકામ! હવે એક ગોળીએ નિંદર ક્યાં આવતી હતી? મીના કુમારીએ જાતે ડોઝ વધારવા માંડ્યા. એટલે એક જર્મન કેમેરામેન જોસેફે કમાલ અમરોહીની હાજરીમાં ઉપાય સૂચવ્યો કે રાત્રે ડિનર પહેલાં બ્રાન્ડીનો એક નાનો પેગ પીવાથી ભૂખ પણ ઉઘડશે અને ઊંઘ પણ આવી જશે.
મીનાજીએ શરૂઆત કરી. ધીમે ધીમે બ્રાન્ડીને બદલે એ વ્હીસ્કીનાં બંદી ક્યારે બની ગયાં એ કોઇને ન સમજાયું. કદાચ શરીરની આવશ્યકતા ઉપરાંત ગૃહકલેશની માનસિક પીડાથી છુટકારો મેળવવાનો એક ઇલાજ પણ શરાબમાં દેખાતો હતો. કેમ કે તેમના કાને તારીખો અંગેની નિર્માતાઓની ફરિયાદો ધીમે ધીમે આવવા માંડી હતી. તેમની કરિયરનું એક અવિસ્મરણીય પિક્ચર એટલે ‘દિલ એક મંદિર’. તેમાં રાજેન્દ્રકુમાર અને રાજકુમાર સરખા બબ્બે જાણીતા કલાકારો અને વાર્તા મીના કુમારીની ઇર્દગિર્દ ફરતી હતી. તેમને પોતાના પતિ ‘રામ’ની પત્ની ‘સીતા’ બનવાનું હતું અને જૂના પ્રેમી ‘ડો. ધર્મેશ’ની સતત હાજરી વચ્ચે અગ્નિપરીક્ષા આપવા જેવા અભિનયની ઉજ્વળ તકો હતી. દિગ્દર્શક શ્રીધરે આખું પિક્ચર સળંગ શૂટિંગ કરીને મહિના-દોઢ મહિનામાં પૂરું કરવાનું પ્લાનિંગ કર્યું હતું. તેની બધી તૈયારીઓ કોઇમ્બતૂરમાં થઈ ચૂકી હતી. એવા સરસ એ પ્રોજ્ક્ટ માટે પણ તારીખો આપવામાં બાકર અલી અખાડા કરતા હતા. બાકરથી મીના કુમારી થાક્યાં હતાં. તેમણે બાકરનો એક એવો ઇલાજ કર્યો, જેનાથી જોઇતી તારીખો તરત મળી ગઈ! (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર