મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (11)

06 Jan, 2017
12:42 AM

સલિલ દલાલ

PC: staticflickr.com

મીના કુમારી સાથેની સુપર હિટ ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’ની સફળતાને લીધે વ્યસ્તતા વધતાં, હકીકતમાં તો તેમનાથી ધર્મેન્દ્રને દૂર કરી દીધા! તે સાલ વકરાની દ્દષ્ટિએ તો એ પિક્ચર ‘નંબર વન’ થયું જ, તેણે ઇન્ડસ્ટ્રીના મોટા ધનકુબેરોને પણ તેમાં ‘લંબી રેસ કા ઘોડા’નો દમ દેખાયો. કેમ કે જે જ્યુબીલી કુમાર કહેવાતા રાજેન્દ્રકુમારની ‘આઇ મિલન કી બેલા’માં એ નેગેટિવ શેડ સાથેના સાઇડ હિરો હતા; તેમની જ ‘સૂરજ’ને બીજા નંબર પર રાખીને 1966ના વર્ષમાં ‘ફુલ ઔર પથ્થર’ ટોપ પર હતી.  જ્યારે વરસના છેલ્લા મહિનાઓમાં ચોથી નવેમ્બરે, રિલીઝ થવા છતાં ‘આયે દિન બહાર કે’ પણ કમાણીની રીતે 7મા નંબરે રહી હોઇ હવે મીનાજીની બેઠકોનો સાથી ધરમ, અસ્તબલમાંથી છૂટેલા અશ્વ સમાન હતો. તે નવોદિતની બિઝનેસની એક આકર્ષક ટ્રીકને કારણે નિત નવી ઓફરો મળવા માંડી હતી. ધરમજીએ અગાઉ કોઇ કલાકારે કદી ના રાખી હોય એવી ‘બાટા પ્રાઇસ’ની પોલીસી રાખી અને તે જબ્બર ક્લિક થઈ!

તે અનુસાર ધર્મેન્દ્રની એક ફિક્સ (છાપેલી) પ્રાઇસ રહેતી. પ્રોડ્યુસર જાણીતા હોય કે નવા, એ બ્લેક એન્ડ વ્હાઇટ બનાવે કે કલર; ધરમજીની ફી એક સરખી અને તે પણ સૌને પરવડે એવી માફકસરની જ રહેતી. નિર્માતાઓ આ નખરાં વગરના હિરોને લેવાથી ફાઇનાન્સ પ્લાનિંગ આરામથી કરી શકતા. મીનાકુમારી જોતાં રહ્યાં અને જુદી જુદી હિરોઇનો સાથે ધર્મેન્દ્રની હિટ પર હિટ ફિલ્મોની લાઇન લાગવા માંડી..... ‘દિલ ને ફિર યાદ કિયા’ (નૂતન)  ‘મમતા’ (સુચિત્રા સેન), ‘દેવર’ અને ‘અનુપમા’ (શર્મિલા ટાગોર)! તેમણે ‘બહારેં ફિર ભી આયેંગીં’માં તો ગુરૂદત્તનું સ્થાન લીધું, જેમનું અધૂરી ફિલ્મે અવસાન થયું હતું, જેમાં માલાસિન્હા અને તનુજા બબ્બે હિરોઇનો હતી. એટલે હવે ધરમજી પાસે ‘બેઠક’ કરવાનો સમય ના હોય એ સ્વાભાવિક હતું અને ‘સિટિંગ’ કરવાનું હોય તો પણ નિર્માતાઓ, દિગ્દર્શકો વગેરેનો વિકલ્પ વ્યાવસાયિક રીતે મીનાકુમારી કરતાં વધારે ફાયદાકારક હોય.

મીનાકુમારીએ જ્યારે કમાલ અમરોહીને ત્યાં પાછા નહીં ફરવાનું નક્કી કર્યું, ત્યાર પછી પહેલું કામ ‘ચિત્રલેખા’ સાઇન કરવાનું કર્યું હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે બાકર અલીએ તે ફિલ્મનો ઇનકાર કર્યો હતો. ‘ચિત્રલેખા’ એ હિન્દીના પ્રસિદ્ધ લેખક ભગવતીચરણ વર્માજીની નવલકથા ઉપરથી બનવાની હતી અને તેના નિર્દેશક કેદાર શર્મા હતા, જેમણે રાજકપૂર અને મધુબાલા જેવા સ્ટાર્સ ઇન્ડસ્ટ્રીને આપ્યા હતા. એ પિક્ચરમાં મીનાકુમારીએ મહેલની નર્તકી બનવાનું હતું અને મૌર્યવંશના સમયની વાર્તા હોઇ ‘ચિત્રલેખા’નાં વસ્ત્રો તે સમયનાં શિલ્પોમાં બતાવાયાં હોય એવાં પહેરવાનાં હતાં. કેદાર શર્માએ કોમ્પ્રોમાઇઝની રીતે મીનાકુમારીને સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાની છૂટ આપવા અમરોહી તૈયાર થાય તો પણ વાંધો નહતો. પરંતુ, બાકરને સ્લીવલેસ જેવું સામાન્ય પણ અંગપ્રદર્શન મંજૂર નહતું અને દરખાસ્ત પડી ભાંગી હતી. એટલે વળતા ઝનૂન તરીકે ‘ચિત્રલેખા’ના ઐતિહાસિક પાત્રમાં પહેરવેશની રીતે મીનાજીનો ઠસ્સો અલગ જ હતો. તેમના ઉપર ફિલ્માવાયેલું સાહિરનું લખેલું ગીત ‘સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે?’ તેમના પાત્રની વિશિષ્ટતા દર્શાવતું હતું....

‘યે ભોગ ભી એક તપસ્યા હૈ, તુમ ત્યાગ કે મારે ક્યા જાનો?

અપમાન રચયિતા કા હોગા, રચના કો અગર ઠુકરાઓગે!’ 

મીનાકુમારીને તે સમયનાં ઓછાં વસ્ત્રો પહેરાવવાને બદલે ‘સખી રી મેરા મન ઉલઝે તન ડોલે....’ એ ગીતમાં પ્રણયની ઉત્તેજક મૂર્તિઓ દર્શાવીને ઉન્માદક માહૌલ બનાવાયો હતો. પરંતુ, જે કાંઇ વસ્ત્ર પરિધાન એ ગાયનમાં હતું અથવા તે જ પિક્ચરમાં ‘છા ગયે બાદલ નીલ ગગન પર.....’ એ ગાયનમાં પ્રદીપકુમાર સાથે પોતે ગાલથી ગાલ અડકાડે એ મીનાકુમારીના સ્ટાન્ડર્ડ પ્રમાણે ‘ફુટપાથ’ પછીની બહુ મોટી છૂટ હતી. પતિથી અલગ થયા પછીનો ’64થી ’66 સુધીનો ત્રણ વર્ષનો પિરિયડ કદાચ કમાણી અને લોકપ્રિયતાની રીતે મીનાકુમારીનો શ્રેષ્ઠ સમય હતો. તે દરમિયાન ‘ચિત્રલેખા’ ઉપરાંત પ્રદીપકુમાર સાથે ‘ભીગી રાત’,  ‘સાંઝ ઔર સવેરા’ (ગુરુદત્ત), ‘ગઝલ’ (સુનિલદત્ત), ‘બેનઝીર’ (શશિ કપૂર) તથા તેમના પ્રિય ધર્મેન્દ્ર જોડે ‘મૈં ભી લડકી હૂં’, ‘પૂર્ણિમા, ‘કાજલ’ અને ‘ફુલ ઔર પથ્થર’ કરી હતી. પરંતુ, વિધિની વક્રતા એ કે જે ‘ફુલ ઔર પથ્થર’ પર પગ મૂકીને ધર્મેન્દ્ર સફળતાની સીડીઓ નિરંતર ચઢતા જ ગયા, એ જ મીનાકુમારીનું પોતાની હયાતિમાં છેલ્લું સુપરહિટ પિક્ચર સાબિત થયું! સ્વાભાવિક રીતે જ સફળ અને વ્યસ્ત હીરો પાસે એક સ્ટ્રગ્લર જેવો સમય ના જ હોય. અમુક રિપોર્ટ તો એમ પણ કહે છે કે ધર્મેન્દ્રએ શૂટિંગ દરમિયાન આવતા પોતાને સપોર્ટ કરનાર એ હીરોઇનના ફોન પણ લેવાના બંધ કરી દીધા હતા. ધર્મેન્દ્રની અવરજવર ઓછી થવા માંડી હતી. તે અગાઉ ગુલઝારે કયા સંજોગોમાં મીનાકુમારી સાથેના તેમના અંગત સંબંધો ઓછા કરી નાખ્યા તેનો કોઇ ખુલાસો ક્યાંય કર્યો દેખાતો નથી. હા, ગુલઝારે વર્ષો પહેલાં, અત્યારનાં સિનિયર સિનેપત્રકાર મીના ઐયરે ‘સિને બ્લિટ્ઝ’ માટે કરેલા એક ફિચર ‘અનફર્ગેટેબલ’માં, તેમના સંબંધો વિશે જે કાંઇ કહ્યું છે તે થોડોક ઇશારો કરી જાય છે. 

ગુલઝારે એ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “બિમલ રોયના ‘બેનઝીર’માં હું આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો અને મીનાજી મુખ્ય અભિનેત્રી હતાં. મારે તેમના ડ્રેસ અંગે કે કોઇ સીન બાબતે તેમને મળવાનું થતું. આ નાની નાની મુલાકાતો દરમિયાન અમે સારા મિત્રો બની ગયા. અમે ઘણી વાર સાંજ સાથે વિતાવી હતી. એવું કાંઇ જરૂરી નથી કે અમારા બન્ને વચ્ચે કવિતા જ કૉમન હોય. પણ હું તેમના મુડને, તેમનાં એક્સપ્રેસન્સને સમજી શકતો હતો. મિત્રો તરીકે અમે બન્ને એક બીજા પાસે માગણીના અધિકાર ધરાવતા હતા અને કંઇક અંશે માલિકીપણું (પઝેસિવનેસ) પણ બતાવતા...” ગુલઝારના કહેવા પ્રમાણે તો તેમની સમક્ષ મીનાજીએ કદી શરાબ પીધો નહતો. (“તેમણે હંમેશાં પોતાની ડિગ્નિટી જાળવી રાખી હતી...”) જો કે ગુલઝારનું સૌથી અગત્યનું નિરીક્ષણ તો એ હતું કે “જો  તે (મીનાકુમારી) ગુસ્સે થાય તો તેમની આંખમાં આંસુ છલકાઇ જાય. પણ એ મોટા અવાજે ના બોલે...”

ગુલઝારના એ દુર્લભ ઇન્ટરવ્યૂને બિટવીન ધી લાઇન્સ વાંચવાનો પ્રયત્ન કરીએ તો કદાચ એ બન્નેના ઓછા અને આછા થયેલા સંબંધોના કારણનો અંદાજ મૂકી શકાય. મીનાકુમારીની શરાબની આદત સર્વવિદિત છે. તે સંજોગોમાં, સાંજ પડે માત્ર કવિતાપઠન માટેની બેઠક રોજ ન થઈ શકે. વળી, કોઇ એક વ્યક્તિ સાથે પઝેસિવ થવા સુધીના સંબંધો તો મીનાજીએ જેમની સાથે લગ્ન કર્યાં હતાં તે કમાલ અમરોહી સાથે પણ વિકસવા નહતા દીધા. વળી, ‘પિંજરે કે પંછી’ના મહુરત વખતે થયેલી બબાલ પછી ગુલઝાર પર તેમના પોતાના જ શબ્દોમાં કહીએ તો ‘કાદવ ઉછળતો હતો’. તેથી પણ સંબંધ ઓછા થયા (કર્યા?) હોય. ગુલઝારની ઇવન ગીતકાર તરીકેની કરિયર પણ 1963મા અકસ્માતે મળેલા ‘બંદિની’ના એક ગાયન સિવાય તો ઠેઠ 1968મા શરૂ થઈ હતી. જ્યારે ધર્મેન્દ્ર સાથે ‘મઝલી દીદી’, ‘ચંદન કા પલના’ અને ‘બહારોં કી મંઝિલ’ જેવી ફિલ્મો હાથ પર હતી. એટલે પતિથી અલગ રહેવા માંડેલાં મીનાજી માટે ગુલઝારની સરખામણીએ ધર્મેન્દ્ર જેવો સાથી જ વધારે નિકટ રહી શકે. પણ ધરમજીની વ્યસ્તતા એવી વધી હતી કે દેશમાં તો આઉટડોર પર જવાનું થતું જ; રામાનંદ સાગરની ‘આંખેં’ એક સ્પાય થ્રિલર હોવાથી પરદેશ પણ જવાનું થયું અને મુંબઈમાં મીનાકુમારીએ એક ચોંકાવનારું પગલું ભર્યું.

મીનાકુમારીનો પરિચય રાહુલ નામના એક નવોદિત અભિનેતા સાથે થયો હતો, જે રાજેશ ખન્ના સાથે જ ‘ફિલ્મફેર ટેલેન્ટ કોન્ટેસ્ટ’નો ફાઇનલિસ્ટ હતો. એ સ્પર્ધા ઇન્ડસ્ટ્રીના સિનિયર એવા 12 (પછીનાં વર્ષોમાં 16) નિર્માતાઓ ‘યુનાઇટેડ પ્રોડ્યુસર્સ’ના નેજા હેઠળ ‘ફિલ્મફેર’ મેગેઝીન સાથે મળીને યોજતા અને સિલેક્ટ થયેલા એક્ટરને એ પ્રોડ્યુસરોની ફિલ્મોમાં કિફાયત દરે કામ કરવાનું રહેતું. તેથી જ ધર્મેન્દ્ર હોય કે રાજેશ ખન્ના કે તે પછીના વિનોદ મેહરા, ધીરજકુમાર અને રાજ બબ્બર સરખા અભિનેતાઓ જે સૌ તે સ્પર્ધામાંથી આવ્યા હતા; તેમને શરૂઆતમાં જ બી.આર. ચોપ્રાથી માંડીને શક્તિ સામંત જેવા પીઢ પ્રોડ્યુસર્સની ફિલ્મો મળતી. એવા એક નિર્માતા જી.પી. સિપ્પીએ ‘રાઝ’ માટે રાહુલ અને રાજેશ ખન્ના બન્નેને સૌ પ્રથમ સાઇન કર્યા; જે રીતે શક્તિ સામંતે ખન્ના ઉપરાંત યુવતિઓમાં કોન્ટેસ્ટ જીતનાર ફરીદા જલાલ અને અન્ય ફાઇનલિસ્ટ સુભાષ ઘઈને ‘આરાધના’માં લીધા હતા. રાહુલ હિન્દી ફિલ્મોના હીરોની માફક છ ફુટ ઊંચો, ગોરો ચિટ્ટો યુવાન હતો. જ્યારે જતિન (રાજેશ)ની હાઇટ ઓછી હતી. (લોકો શરૂ શરૂમાં તેને ‘ગુરખા’ના નામથી પણ ઉલ્લેખતા!) વળી, મોડા આવવાની રાજેશ ખન્નાની આદત પહેલા જ દિવસે દેખાઇ ચૂકી હતી. તે 9 વાગ્યાની શિફ્ટ માટે 11 વાગે પહોંચ્યા હતા અને ‘કાકા’ના ચહેરા ઉપર ખીલનો ઉપદ્રવ પણ નિયમિત હતો. તેથી સિપ્પીએ રાહુલને ‘હીરો’ની ભૂમિકા માટે અને રાજેશ ખન્નાને વિલન તરીકે લેવાનું એક તબક્કે પ્લાનિંગ કરી દીધું.

પરંતુ, તે દરમિયાન ખન્નાને ‘રાઝ’ પછી જે સાઇન કરવા મળી તે ફિલ્મ ‘આખરી ખત’ અને તેમાં ચેતન આનંદે (નાનકડા બાળક ‘બન્ટી’ની મુખ્ય ભૂમિકાને સહાયક થાય એવા નામ પૂરતા જ પણ) લીડ રોલમાં રાજેશની પસંદગી કરી હોવાના સમાચાર હતા. અંતે ‘આખરી ખત’ રિલીઝ થયું ત્યારે ટાઇટલમાં 15 જ મહિનાના બાળક બન્ટીનું નામ સૌ પ્રથમ હતું અને પછી ઇન્દ્રાણી મુકરજીનું. જ્યારે રાજેશ ખન્નાને ‘ઇન્ટ્રોડ્યુસિંગ’ની ટૅગલાઇન પણ નહતી અપાઇ. જો કે રાજેશ ખન્નાએ ‘રાઝ’ માટેના રીડિંગ તથા રિહર્સલમાં જ એક્ટિંગનો એવો પાવર બતાવ્યો કે તેમની હાઇટની પરવા વગર આપણા ગુજરાતી નિર્દેશક રવીન્દ્ર દવેએ સલાહ આપીને સિપ્પી પાસે એ રોલ ઉલ્ટાવી દેવડાવ્યા. પરિણામે રાજેશ ખન્નાનો ‘હીરો’ તરીકેનો બાકાયદા જન્મ થયો અને તે સમયની ‘સ્ટાર અભિનેત્રી સાધનાની કાકાની દીકરી’ એવી રીતે શરૂઆતમાં ઓળખાતી ‘બબીતા શિવદાસાની’ હીરોઇન! જ્યારે રાહુલને પણ ‘ઓલ્સો ઇન્ટ્રોડ્યુસિંગ રાહુલ’ એવી ક્રેડિટ ટાઇટલમાં જરૂર મળી. પણ ‘હીરો’નો દેખાવ અને પર્સનાલિટી ધરાવતા રાહુલને ખલનાયિકી થોડી કરવી હતી?

હતાશ રાહુલે પણ નવોદિતોને સાથ આપવા જાણીતાં એવાં મીનાકુમારીનું શરણ લીધું. મીનાજીનો પણ તે એકલવાયો સમય હતો. એ જો મહેરબાન થઈ જાય તો ધર્મેન્દ્રની જેમ પોતાની પણ લોટરી લાગી શકે. એક ફિલ્મ જે છેવટે અધુરી રહી, તેમાં મીનાજીની ભલામણથી રાહુલની પસંદગી થયાની નોંધ પણ મળે છે. પરિણામે રાહુલની અવરજવર મીનાકુમારીને ત્યાં વધી અને તેમની બેઠકોની પણ ચર્ચાઓ થવા માંડી. એક દિવસ મીનાકુમારીની ઓરમાણ બેન શમાના પતિ અલ્તાફ રાહુલના મુદ્દે ગુસ્સામાં ઝગડ્યા. એ બેનનો પરિવાર પણ મધુના કુટુંબની જેમ તેમના ઘરમાં જ રહેતો. બનેવીનો વાંધો કોઇ પુરુષ તેમની સાળી ‘મુન્ની’ સાથે વિના લગ્ને આટલી નિકટતા રાખે તેનો હતો. મારામારી સુધી પહોંચેલા એ ઝગડાના પગલે રાહુલને લઈને મીનાકુમારી તે રાત્રે નીકળી પડ્યાં. તેમણે રાહુલને સીધું પૂછી લીધું? ‘મારી સાથે લગ્ન કરીશ?’ મીનાજીનો હિસાબ સ્પષ્ટ હતો. અત્યાર સુધીના કમાલ અમરોહીથી માંડીને પ્રદીપ કુમાર હોય કે ભારત ભૂષણ અથવા છેલ્લા ધર્મેન્દ્ર એ સૌ પરિણિત પુરુષો હતા. જ્યારે આ કુંવારો જુવાનિયો હતો. વળી, રાહુલે ઇસ્લામ સ્વીકારવા સુધીની તૈયારી પણ બતાવી હતી. એટલે તે રાત્રે જ શાદી કરવા બન્ને ‘મુગલ-એ-આઝમ’ના સ્ક્રિપ્ટરાઇટર અને સંવાદ લેખક અમાન સાહેબને ત્યાં પહોંચ્યાં. ત્યાં મુસ્લિમ મીનાકુમારીએ પણ ધર્મ પરિવર્તન માટે એક વધુ મોટી હિંમતભરી તૈયારી બતાવી. (વધુ આવતા અંકે)

     

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.