મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (15)
મીના કુમારીની રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ ગણાયેલી ‘ગોમતી કે કિનારે’ના સર્જક સાવનકુમારને ઘણા તેમના જીવનના છેલ્લા પ્રેમી તરીકે પણ ઓળખાવે છે. તેમનું બતૌર દિગ્દર્શક એ પ્રથમ પિક્ચર અને અમિતાભ બચ્ચન તથા તેમના પ્રેમીઓ માટે પણ તે એક ‘યાદગાર’ કૃતિ. તે દિવસોમાં અમિતજી એક સ્ટ્રગ્લર હતા અને શરૂઆતની ફિલ્મોની નિષ્ફળતાને પગલે એ અપશુકનિયાળ પણ ગણાતા. ‘ગોમતી કે કિનારે’ માટે સાવનકુમારે બજેટમાં ફીટ થાય એવા એ નવોદિત અમિતાભ બચ્ચનનું નામ સૂચવ્યું. પણ ફિલ્મની હીરોઇન મુમતાઝે ઇનકાર કરી દીધો! તેમણે ફિરોઝખાનના ભાઇ સમીર માટે આગ્રહ રાખ્યો. છેવટે હિન્દી ફિલ્મોના હીરો તરીકે બોલવામાં અટપટા એવા નામવાળા બચ્ચન બાબુને બદલે એહમદ ખાનમાંથી ‘સમીર’ જેવું સરળ નામ રાખનાર હીરો પસંદ કર્યા. પણ સાવનકુમારની મુશ્કેલીઓનો અંત ક્યાં હતો
સાવનકુમાર અગાઉ પ્રોડ્યુસર તરીકે ‘નૌનિહાલ’ બનાવીને આર્થિક આંચકો અનુભવી ચૂક્યા હતા. તેથી બજારમાંથી આ નવા પ્રોજેક્ટ માટે નાણાંનો પ્રવાહ એવો સહજ નહતો. વળી જેમના નામ પર આ પિક્ચરને પૈસા મળતા હતા તે મીના કુમારીની તબિયતની પણ રોજ નવી નવી વાતો બજારમાં આવતી હતી. એટલે પૈસાના અભાવે શૂટિંગ અટકી ગયું. સાવનકુમારની એ ફિલ્મ અને ‘પાકીઝા’ એ મીના કુમારીની બાકી રહેલી ફિલ્મો હતી. તેમણે ગુલઝારની ‘મેરે અપને’માંનું પોતાનું કામ પૂર્ણ કરી દીધું હતું, જેમાં તેમના સિવાય કોઇ જાણીતું નામ નહતું અને પૈસા તેમના નામ પર જ ઉભા થયા હતા. તેમનો રોલ ‘નાનીમા’નો હતો. તેમાં સફેદ પૂણી જેવા વાળ સાથેની વૃદ્ધાનો મેક-અપ કર્યા પછી ગમ્મતમાં કહેતાં કે ‘કલ કો અગર મેરા ઇન્તકાલ હો જાય તો બુઢ્ઢી હોકર મૈં કૈસી દિખુંગી યે સોચના નહીં પડેગા!’ કોઇ તૈયાર થાય આમ કરવા? એક બાજુ ‘પાકીઝા’નું શૂટિંગ ચાલે, જ્યાં પોતે બધી ઝાકમઝોળના કેન્દ્ર સમી ગ્લેમરસ હિરોઇન ‘સાહેબજાન’ અને બીજી બાજુ ગાંવની દેહાતી ગરીબ વિધવા બુઢિયા ‘આનંદી મા’! પણ એ રોલ કરીને તેમણે પોતાના એક સમયના ‘ખાસ મિત્ર’ ગુલઝારને તેમનો હાથ પકડીને ડાયરેક્ટર તરીકે માર્કેટમાં લાવી દીધા હતા. (‘મેરે અપને’ના કલાકારો વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિન્હા, ડેની, અસરાની એ બધા જ નવા સવા હતા!) પોતાની નજીક આવેલા કોઇનું કોઇ પ્રકારનું અહેસાન તેમના પર એ રાખતાં નહતાં. એ જ રીતે ‘પાકીઝા’નું કામ શરૂ કરાવીને પોતાના એ પતિને પણ આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢવાની શરૂઆત કરી દીધી હતી, જેમણે પોતાનાથી અલગ થયા પછી ‘પાકીઝા’માં કામ કરતી એક છોકરી સાથે એક ઓર શાદી કરી લીધી હતી! તો પછી સાવનને કેમ નહીં?
સાવનજીએ જ્યારે પોતાના આર્થિક પ્રશ્નોની રજૂઆત કરી ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલા રૂપિયાના અભાવે ફિલ્મ અટકી પડી છે? તેમણે આંકડો પણ પાડ્યો. હવે જુઓ કરૂણામૂર્તિ મીના કુમારીએ શું કર્યું? તેમણે તરત ‘ગોમતી કે કિનારે’ની હીરોઇન મુમતાઝને ફોન લગાવ્યો. તેને પૂછ્યું ‘મુમુ બિટિયા, તારે પોતાનું ઘર જોઇએ છે ને?’ મુમતાઝે એકાદ શૂટિંગ દરમિયાન વાત વાતમાં પોતે મુંબઈમાં ઘર ખરીદવા માગે છે એમ કહ્યું હતું તે યાદ કરીને મીનાજીએ પૂછ્યું હતું. તેમણે તાત્કાલિક ફોન ઉપર જ મુમતાઝને લગભગ બે લાખ રૂપિયામાં પોતાનો એ બંગલો વેચી દીધો! આ એ જ બંગલો હતો જે તેમને ‘અભિલાષા’માં કામ કરવાની ફી સામે પ્રોડ્યુસરે આપ્યો હતો. તેના વેચાણમાંથી આવેલા પૈસા સાવનકુમારને ‘ગોમતી કે કિનારે’ ફિલ્મ પૂરી કરવા આપી દીધા! કઈ ફુરસદમાં અલ્લામિયાંએ, ભગવાને અને ગૉડે મળીને આ સન્નારીનું હૈયું ઘડ્યું હશે, જેમાં આટલી બધી દયા છલકતી હતી? એ શરાબ પીતાં હતાં કે પુરૂષો સાથે સંબંધ રાખતાં હતાં એવા ભારતીય સમાજની દૃષ્ટિએ કહેવાતા તેમના ગુનાઓની ચર્ચા કરતા લોકોએ કદી આ દરિયાદિલી યાદ કરી ખરી?
તેમની સહાયથી બનેલી ‘ગોમતી કે કિનારે’ તો ‘મીના કુમારીની અંતિમ ફિલ્મ’ તરીકે પબ્લિસિટી કરાયા છતાં ચાલી નહીં; પણ સાવનકુમાર સિનેમા જગતમાં સ્થાપિત થઈ ગયા અને પછીનાં વર્ષોમાં ‘સૌતન’થી માંડીને ‘સાજન બિના સુહાગન’ સુધીની હીટ ફિલ્મો બનાવી. ‘ગોમતી કે કિનારે’ને તેના સર્જનના છેલ્લા તબક્કામાં એવી મદદ કરી, પણ ‘પાકીઝા’ માટે તો તેમણે 1958મા ફિલ્મ શરૂ થઈ ત્યારથી માત્ર એક સોનાનો સિક્કો જ લેવાનું કમાલ સાહેબને કહ્યું હતું! ‘પાકીઝા’નું શૂટિંગ નવેમ્બર 1971મા પૂર્ણ કરી દીધું અને ‘દુશ્મન’માંનું પોતાનું કામ પણ પૂરું કરી દીધું. તેમણે કોઇ પ્રોડ્યુસરનું કામ રખડાવ્યું નહીં. બાકી તેમની માંદગીની ગંભીરતા જોતાં એ ટાળી પણ શક્યાં હોત. ખાસ કરીને એવા સંજોગોમાં જ્યારે ‘દુશ્મન’ માટે તો તેમનો દસ હજાર રૂપિયાનો છેલ્લો હપ્તો બાકી હતો! પૈસા ન મળે ત્યાં સુધી ડેટ ન મળે અને તારીખ મળી હોય તો જ્યાં સુધી સેક્રેટરી પેમેન્ટ મળ્યાની જાણ ન કરે ત્યાં સુધી કલાકારો ઘેરથી સ્ટુડિયો આવવા નીકળે નહીં એવી ઇન્ડસ્ટ્રીમાં; મીનાજીએ પિક્ચર પૂરું થયા પછી તો ઠીક, ‘દુશ્મન’ બોક્સ ઓફિસ પર હીટ થયા પછી પણ બાકી નાણાંની ઉઘરાણી નહતી કરી. હા, ‘પાકીઝા’ માટેની પોતાની સોનાની ગીનીની ઉઘરાણી તેમણે જરૂર કરી હતી અને તે પણ પ્રિમિયરની રાતે.
‘પાકીઝા’ જ્યારે ચોથી ફેબ્રુઆરી 1972ના રોજ રિલીઝ થયું, ત્યારે મરાઠા મંદિર થિયેટર ફરીથી એકવાર સજીધજીને તૈયાર હતું. આ એ જ સિનેમાગૃહ હતું જ્યાં 12 વરસ પહેલાં ‘મુગલ-એ-આઝમ’ની ધામધૂમથી રજૂઆત થઈ હતી. ‘પાકીઝા’ના પ્રિમિયરની રાતે આખી ઇન્ડસ્ટ્રી હાજર હતી અને મીના કુમારીએ પોતાની ઉઘરાણી કરી. મીનાજીએ ચારે બાજુ ફ્લેશ કરતા કેમેરા અને પત્રકારોની હાજરીમાં કમાલ અમરોહીને પૂછ્યું, ‘ચંદન, મેરી ગીની અભી મુઝે મિલિ નહીં...’ એ પ્રસંગના સાક્ષી એવા નિર્માતા-દિગ્દર્શક ઓ.પી.રાલ્હનના કહેવા પ્રમાણે કમાલ સાહેબે મુસ્કુરાઇને વાતને કોઇ મહત્વ નહતું આપ્યું. શું મીના કુમારીએ જાહેરમાં, દેશ આખાના પ્રેસની હાજરીમાં, પોતાનો હાથ ચુમવાની તક તેમને નહીં, પણ સ્ટાઇલિસ્ટ એક્ટર અને ‘પાકીઝા’ના હીરો રાજકુમારને આપી, તેનો અણગમો અમરોહીના દિમાગમાં હશે? કમાલ અમરોહીએ મહા-પ્રચાર પ્લાન કર્યો હોઇ મુંબઈના દરિયામાં ‘પાકીઝા’ની બોટ તરતી મૂકી ત્યારે તે ઘટના ‘ટોક ઓફ ધી ટાઉન’ બની હતી અને એ ઓવર પબ્લિસિટી કદાચ નડી. પ્રિમિયરના બીજા દિવસે છાપાંના રિવ્યુમાં ‘ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર’ જેવા અભિપ્રાય આવ્યા, જેના મૂળમાં પ્રચારથી ઉભી થયેલી અપેક્ષાઓ વધારે હતી. વળી, મીના કુમારીની કથળેલી તબિયતના બધા સમાચારો પછી પ્રિમિયરની રાતે બધાને પ્રેમથી મળતી હીરોઇનને જોઇને કેટલાકને તેમની બીમારીના ન્યૂઝ પણ પેલા મહા-પ્રચારનો હિસ્સો લાગ્યા હોય તો નવાઇ નહતી. જ્યારે હકીકત એ હતી કે મીનાજી ખુશખુશાલ ચહેરે હાજર રહ્યાં એ તેમનો અંતિમ અભિનય હતો!
પ્રિમિયરની રાત્રે પણ તેમના શરીરમાં લીવરની સતત મંદ પડી રહેલી કામગીરી પોતાની અસર દેખાડતી જ હતી. પરંતુ, તે પછીના દિવસોમાં હાથ, પગ અને પેટ બધું ફુલવા માંડ્યું હતું. સ્થિતિ ધીમી પણ મક્કમ ગતિએ બગડી રહી હતી. હાથ અને પગ હલાવવા મુશ્કેલ થતા હતા. પીડાથી ચીસ પડાઇ જતી હતી. તેમના કાયમના ડોક્ટર શાહને એક તબક્કે લાગ્યું કે પેશન્ટને વારે ઘડીએ શ્વાસ ચઢવાથી ગભરામણ થઈ જાય છે. તેથી અગમચેતી તરીકે ઓક્સિજનનો બાટલો મીના કુમારીના બેડની બાજુમાં મૂકાવી રાખ્યો. જો એમ ન કર્યું હોત તો ૨૫મી માર્ચની રાત્રે જ મીના કુમારીનો કેસ કદાચ ફાઇલ થઈ જાત! કેમ કે તે રાત્રે સ્થિતિ ભારે ગંભીર થઈ ગઈ હતી. ઓક્સિજનનો બાટલો મોડી રાત્રે ચાલુ કરાયો અને મોતના દરવાજે ટકોરા મારીને મીનાજી પરત આવ્યાં હોઇ શાહ સાહેબે બીજા ડોક્ટરને પણ સામેલ કર્યા. એ ડોક્ટર મોદીના પરામર્શમાં નિર્ણય લેવાયો કે પેશન્ટને કોઇ સારી મેડિકલ ફેસિલિટીવાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો પેટમાં ભરાયેલું પાણી ખેંચી કાઢવાનો પ્રોસેસ કરીને રાહત કરાવી શકાય. એટલે ડોક્ટર મોદીએ બાન્દ્રાની એલિઝાબેથ નર્સિંગ હોમમાં ખસેડવા ત્યાં સ્પેશ્યલ રૂમનું બુકિંગ કરાવ્યું. દવાખાને જવાની તૈયારી કરતાં મોટીબેન ખુરશીદને મીનાજીએ પૂછ્યું, ‘આપા, ઘરમેં કિતને પૈસે હૈં?’
‘મુન્ની, સો રૂપિયે!’ ખુરશીદે કહ્યું. જિંદગીભર પોતે કમાયેલા લાખ્ખો રૂપિયા બાપથી માંડીને પતિ અને લોહીની સગાઇવાળાં સગાં કે સાવ અજાણ્યાઓ ઉપર ન્યોચ્છાવર કરનાર એ સાચા અર્થમાં હીરોઇન સ્ત્રીના દિલ પર શું ગૂજરી હશે તેની આપણે કોઇ કલ્પના પણ કરી શકીએ એમ છીએ? એલિઝાબેથ નર્સિંગ હોમમાં રૂમનો ચાર્જ જ રોજના ૬૫ રૂપિયા હતો! (આ કેવડી મોટી રકમ હતી તેનો અંદાજ આપવા માટે એક જ દાખલો પૂરતો થશે..... ‘પાકીઝા’ની મરાઠા મંદિર જેવા સૌથી મોંઘા થિયેટરની બાલ્કનીની ટિકિટ ટેક્ષ સહિત ૩ રૂપિયા અને ૭૫ પૈસા હતી! કરી લો સમીકરણ આજના બાલ્કનીના રેટ સાથે.) દવા સાથે રોજના 100 રૂપિયા આરામથી થઈ જાય. શું મીના કુમારીએ બીમારીમાં ચિડિયા થઈ જતા પેશન્ટની માફક પોતાની દીદીને પૈસાની અવ્યવસ્થા બદલ ગુસ્સામાં કશું એલફેલ કહ્યું? ના. તેમણે ‘દુશ્મન’ના નિર્માતા પ્રેમજીને ફોન લગાવડાવ્યો અને પોતાના બાકી રહેલા પૈસાની માગણી કરી. થોડીક જ વારમાં પ્રેમજીનો માણસ એક કવરમાં દસ હજાર રૂપિયા લઈને હાજર થઈ ગયો.
મીનાજીએ અડધા રૂપિયા પોતાના ડોક્ટરને આપ્યા અને બાકીના પાંચ હજાર ખુરશીદ આપાને! પોતાની બીમારીની ગંભીરતા સમજી ગયેલાં મીના કુમારીએ 28મી માર્ચના દિવસે ‘લેન્ડમાર્ક’ બિલ્ડિંગના પોતાના ફ્લેટમાંથી નીકળતાં પોતાના ઘરને અને પાડોશના સૌને એ રીતે ‘ખુદા હાફિઝ’ કહ્યા, જાણે કે પોતે હવે જીવતાં પરત ન આવવાનાં હોય. લિફ્ટમેનથી માંડીને બિલ્ડિંગના વોચમેન ગુરખા સુધીના સૌની ભીની આંખે વિદાય લેતાં મીનાજી બહાર આવ્યાં, ત્યાં સુધીમાં સમાચાર ફેલાઇ ચૂક્યા હોઇ ચાહકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. એમ્બ્યુલન્સમાં મીના કુમારી ગોઠવાયાં અને જોયું તો પાછળ ઉભેલા ટોળામાં તેમની બિલ્ડિંગની સાફ સફાઇ કરનારી હરિજન બેન હાથમાં સાવરણા સાથે આંસુ ભરેલી આંખે હાથ જોડીને તેમને ‘જય જય’ કરતી હતી. મીના કુમારીએ એમ્બ્યુલન્સ ઉભી રખાવી. તે બેનને નજીક બોલાવ્યાં. પછી થોડી નોટો અને પરચૂરણવાળું પોતાનું આખું પર્સ જ તે બેનને આપી દીધું! (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર