મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (5)

25 Nov, 2016
11:33 AM

સલિલ દલાલ

PC: India Today

મીનાકુમારી ત્રણ અઠવાડિયાંની બીમારીમાંથી ઉઠ્યા પછી શરીરે લેવાઇ ગયાં હોઇ તેમને હવાફેર કરવાની સલાહ મળી હતી. તેથી મીનાજી પિતા અલી બક્ષ અને નાની બેન મધુ સાથે મહાબળેશ્વરના કુદરતી વાતાવરણમાં, ડોક્ટરની સલાહ મુજબની મુદત સુધી રહ્યાં અને શારીરિક તંદુરસ્તી પાછી મેળવીને પરત મુંબઈ આવી રહ્યાં હતાં; ત્યારે જ એક દુર્ઘટનાનો ભોગ બન્યાં. તેમની પ્લેમાઉથ ગાડીને એક્સિડન્ટ થયો! તેમાં અલી બક્ષનો પરિવાર ઘવાયો હતો. પરંતુ, મીનાકુમારીની ઇજા તેમની કરિયરને જોખમમાં મૂકે એવી ભારે હતી. તેમનો ડાબો હાથ એટલી ખરાબ રીતે ઘવાયો હતો કે છેલ્લી બે આંગળીઓને થોડીક કાપવાની જરૂર પડી હતી. એ સમાચાર તો મુંબઈમાં આગની જેમ પ્રસર્યા. અફવાઓ આંગળીની સર્જરીને હાથનું જોખમ બતાવતી હતી અને ફિલ્મ ઉદ્યોગમાંથી રાબેતા મુજબનાં ‘પડતા ઉપર પાટુ’ પ્રકારનાં રિએક્શન આવવા માંડ્યાં. મીનાકુમારીને લઈને બની રહેલી ‘મીનાર’માં તેમની જગ્યાએ બીના રાયને લેવામાં આવ્યાં. તો બિમલ રોયની ફિલ્મ ‘મા’માંથી મીનાજીને પડતાં મૂકીને શ્યામાને લેવામાં આવ્યાં. ‘મા’ની કરૂણતા એ હતી કે તે અશોક કુમારની પ્રોડક્શન કંપની ‘બોમ્બે ટોકીઝ’નું પિક્ચર હતું. અશોક કુમારે જ મીનાકુમારીને ‘અનારકલી’માં લેવા માટે કમાલ અમરોહીને ભલામણ કરી હતી અને તે પણ મુસીબતના સમયમાં સાથ નહતા આપી રહ્યા!

એટલે મીનાજીને સૌથી મોટી ચિંતા એ હતી કે કમાલ અમરોહી પોતે શું કરશે? તેમને પુનાની સાસુન હોસ્પિટલના બિછાને લાગતું હતું કે હજી 13મી માર્ચે જ ‘અનારકલી’ના કોન્ટ્રાક્ટ પર સહી કરીને પોતાના ‘ડ્રીમ મેન’ સાથે કામ કરવાની મળેલી તક બે જ મહિના પછી 21મી મે 1951એ નડેલા અકસ્માતને કારણે જતી રહેશે કે શું? કયા દિગ્દર્શક જેના રૂપ આગળ આખી મુગલિયા સલ્તનતના રાજપાટને ઠુકરાવવા પ્રિન્સ સલીમ ના ખચકાય એવી ‘અનારકલી’ તરીકે એક હાથે આંગળીઓની ખોડવાળી હીરોઇનને લેવા હજી તૈયાર હશે? અકસ્માતના સમાચાર, આગ્રાથી દિલ્હીની સેસિલ હોટેલમાં પહોંચેલા, કમાલ અમરોહીને મળ્યા અને તેમણે એક એવો નિર્ણય કર્યો, જેની મીનાકુમારીના જીવન અને કરિયર ઉપર ભારે અસર પડવાની હતી. મીનાજી પોતે સાઇન કરેલી ફિલ્મો એક પછી એક છૂટતી જવાથી ચિંતામાં હતાં, એવા એ દિવસોમાં 24મી મેના દિવસે  પુનાની સાસુન હોસ્પિટલના તેમના રૂમના દરવાજે ટકોરા પડ્યા. નર્સે બારણું ખોલ્યું અને સામે હતા કમાલ અમરોહી! તે અંદર આવ્યા અને પછીની ક્ષણોનું વર્ણન મીનાકુમારીએ પોતાની ડાયરીમાં આવું કર્યું છે:

'એક એકાંતભરી સાંજે જ્યારે હું બિસ્તરમાં પડી પડી મારું ભાવિ કેવું હશે તેની ચિંતા કરતી હતી, ત્યારે મારા વિચારો સાવ ઉદાસીના અને મારાં સંવેદનો સૌથી નિમ્ન સ્તરે હતાં. એ મારી તબિયતના ખબર પૂછતા હતા અને હું એટલી તો ખુશ હતી કે કોઇ જવાબ નહતી આપી શકતી. શું બોલાતું હતું તેનાથી બિલકુલ અલિપ્ત એવી હું, મારા પોતાના સ્વર્ગમાં મહાલતી હતી. બસ તેમને જોઇ રહેવાથી હું સંતુષ્ટ હતી, માત્ર એટલું જાણવાથી કે એ અહીં હાજર છે, જેના માટે મારું હૈયું ધબકતું હતું તે મારી સામે હતા...' દેખીતી રીતે જ એ એક મુલાકાત પૂરતી નહતી. બીજા શનિવારે કમાલ અમરોહી હાજર હતા. રાબેતા મુજબની દુઆ-સલામ પછી આ વખતે મીનાજીએ પૂછી કાઢ્યું, 'શું હું હજી પણ ‘અનારકલી’ કરું છું' કમાલ અમરોહીએ તેમની હીરોઇનના સાજા હાથ પર પેનથી લખ્યું ‘અનારકલી’. એટલું જ નહીં, હજી મીનાકુમારીના ચહેરા પરના ખુશાલીના ભાવ વિખરાય તે પહેલાં તેની આગળ ઉમેર્યું ‘મેરી’!

‘મેરી અનારકલી’ એ શબ્દોમાં જે અપનાપનની લાગણી દેખાતી હતી તે એક દિગ્દર્શક અભિનેત્રીને વચન આપતા હોય તે કરતાં આગળનો અંગતપણાનો એક ભાવ હતો. મીનાકુમારી જેવાં શાયર મિજાજ સંવેદનશીલ 19-20 વરસની છોકરીને ઓળઘોળ કરવા માટે અને પ્રણયનો સંકેત આપવા ‘મેરી’ શબ્દ બહુ પૂરતો હતો. (પછીનાં વર્ષોમાં પોતાની એક શાયરીમાં મીનાજીએ લખ્યું હતું, 'બડી બેચારી હૈ મીના કુમારી, જિસકો લગી હૈ દિલ કી બીમારી!') જો કે સરવાળે એ શબ્દનો અર્થ ‘સિર્ફ મેરી’ એવો થયો. પોતે સખી મટીને મિલ્કત બન્યાં અને પેલો નિર્દોષ લાગતો શબ્દ પોતાના ઉપરના ‘માલિકી હક’નો લિગલ સ્ટેમ્પ થયો, એમ જ્યારે મીનાજીએ કહ્યું હશે ત્યારે લગ્નજીવનના અનુભવોએ હ્રદયમાં કેવો ચિરાડો પાડ્યો હશે? પણ એ બધી તો ભવિષ્યની વાતો હતી. બાકી તે સમયે તો કોઇપણ પ્રેમી યુગલની માફક બન્ને એક બીજા માટે તરસતાં હતાં. મીનાકુમારીને પોતાની હીરોઇન તરીકેની કરિયરમાં ખોડવાળી આંગળીઓ અવરોધ સાબિત થશે એવી બીક હતી. ત્યારે કમાલ સાહેબે સાડી કે દુપટ્ટાના છેડામાં ડાબા હાથને છુપાવવાની ટ્રીક શીખવાડીને નિરાશાના એ દિવસોમાં આશાનો સંચાર કર્યો હોઇ આભારની લાગણી પણ હતી. એ ઓછું હોય એમ ચાર મહિના સુધી ચાલેલા એ તબીબી આરામના દિવસોમાં લગભગ દર શનિવારે કમાલ સાહેબ સાયણથી પુના આવી જતા. એ દિવસોમાં એકવાર, બહેન મધુના કહેવા પ્રમાણે અને ખુદ કમાલ અમરોહીએ પુષ્ટિ કર્યા મુજબ, મીનાકુમારીને પથારીમાંથી બેઠાં કરીને, તેમનું માથું પકડીને કમાલ સાહેબે મોસંબીનો જ્યુસ પીવડાવ્યો તે ઘડીએ જ બંનેના પક્ષે ‘ઘંટી બજ ગઈ!’

પછીની મુલાકાતોમાં તો બન્નેએ એકબીજાને વહાલનાં નામ પણ આપ્યાં. મીનાકુમારીએ અંગત વાતચીતમાં જાણી લીધું હતું કે કમાલ સાહેબને તેમનાં અમ્મીજાન નાનપણમાં ‘ચંદન’ કહેતાં હતાં. તેથી કમાલ બન્યા ‘ચંદન’ અને મીનાજીનું નામકરણ થયું ‘મંજુ’. (શું રાઇટર કમાલ અમરોહીએ ‘મજનુ’નો સ્પેલિંગ સહેજ આઘો પાછો કરીને પોતાની ‘લયલા’ માટેનું એ નામ વિચાર્યું હશે?) ‘મંજુ-ચંદન’ બેઉનો શાયરી માટેનો લગાવ એ કોમન ફેક્ટર. એટલે ‘ઉનકે આને સે આ જાતી હૈ જો ચેહરે પે રૌનક...’ એ ચચા ગાલીબની લાઇનને વાસ્તવિક કરાતી હોય એમ સાચ્ચે જ ‘બીમાર કા હાલ અચ્છા’ થવા લાગ્યા હતા. મુંબઈ પહોંચ્યા પછી ટેલિફોનથી દો દિલોં કી મહેફિલ જમાવવાનાં વણકહ્યાં વચન પણ અપાઇ ગયાં. બોમ્બેમાં ટેલિફોન રોજ રાત્રે બેઉ મરીઝ-એ-મોહબ્બતની એવી મદદ કરતો કે પિતા અલી બક્ષ સમયસર વહેલા નિંદર ભેગા થઈ જાય અને મીનાજી ફોનનું લાંબું એક્સ્ટેન્શન દોરડું પોતાના બેડરૂમમાં લઈ જાય. ગોદડામાં ફોન લઈને મોડી રાત, બલ્કે ક્યારેક તો વહેલી સવાર, સુધી વાતો ચાલે. યાદ છે ને ફોન પર ‘વક્ત’ પિક્ચરમાં સુનિલદત્ત અને સાધનાનું પેલું ગાયન? “મૈને દેખા હૈ કિ ફુલોં સે લદી શાખોં મેં, તુમ લચકતી હુઈ મેરે કરીબ આઈ હો.....” એ ગીતની સિચ્યુએશન મુજબ જ પ્રેમાલાપ ચાલતા હતા અને એક ઝાટકો આવ્યો.

મીનાકુમારીની દેવ આનંદ અને અશોક કુમાર સાથેની ‘તમાશા’ ફિલ્મ રજૂ થતાં જ ફ્લોપ જાહેર થઈ ગઈ. બીમારીમાંથી ઉઠ્યા પછી સાઇન કરેલી બે ફિલ્મો ‘બૈજુ બાવરા’ અને ‘ફુટપાથ’ના સર્જકો અને પિતા અલી બક્ષ ચિંતામાં પડે એ સ્વાભાવિક હતું. કારણ કે અન્ય મહત્વપૂર્ણ કૃતિ ‘અનારકલી’માં પૈસા રોકનારા મખનલાલજીને શેરબજારમાં મોટું નુકસાન થઈ રહ્યું હતું. તેમનો પ્રોજેક્ટ ડગુમગુ હતો. (અલ્ટિમેટલી, એ પિક્ચર ના જ બન્યું. કદાચ ‘સલીમ-અનારકલી’ની મોહબ્બતની દાસ્તાનના પડદા ઉપરના સંવાદો ‘ચંદન અને મંજુ’ને તેમની અસલ જિંદગીની લવસ્ટોરી ખીલવામાં મદદ કરવા જ કમાલ અમરોહી પાસે વિધાતાએ લખાવ્યા હશે. એ પૈકીના કેટલાક સંવાદો પછી કમાલ અમરોહીની કલમથી ‘મુગલ-એ-આઝમ’માં આવ્યા.) એ સંજોગોમાં, સવાલો થવા માંડ્યા.... શું ‘ફુટપાથ’માં આ નવોદિત અભિનેત્રી દિલીપ કુમાર સામે ચાલી શકશે? ઇવન ‘બૈજુ બાવરા’ના સર્જક ‘પ્રકાશ પિક્ચર્સ’ની પણ ઓરિજિનલ યોજના તો દિલીપ કુમાર અને નરગીસને લેવાની હતી. અલી બક્ષ પોતાની દીકરી માટે સમાધાન કરવા તૈયાર હતા. ફિલ્મમાં આકર્ષણ વધારવા ‘ફુટપાથ’માં કોઇ રેફરન્સ વગરનું એક સ્નાન દૃશ્ય મૂકવા દેવા સંમત થયા.

‘ફુટપાથ’માં વાર્તા શહેરી ગરીબોની હતી અને તેથી સ્વાભાવિક જ બાથરૂમ હોય નહીં. એટલે જાહેર નળ નીચે નહાતી નાયિકાનો સીન મૂકવાનો પ્લાન થયો. અંતે તો, ‘આંગળું આપો તો પહોંચું પકડી લેવાય’ એમ, એકાદ શોટને બદલે આખું ગાયન ‘કૈસા જાદુ ડાલા રે...’  સ્નાન કરતાં મીનાજી સાથેનું પિક્ચરાઇઝ થયું. એ મીનાકુમારીની કરિયરની દુર્લભ ઘટના કહી શકાય. ખુલ્લો બરડો દેખાડીને જાહેર નળ નીચે નહાતે નહાતે ગાયન ગાવાનું! બાકી તો તેમને સ્લિવલેસ બ્લાઉઝ પહેરવાનું હોય તો પણ ઉપર નાયલોનનું કવર તો હોય જ. તેનું કારણ પ્રથમ પિતાની અને પછી પતિની કડક નજર. છતાં પિતાજીએ ‘બૈજુ બાવરા’ માટે પણ એક જ્યોતિષીની સલાહ વિરુધ્ધની છૂટ આપી. અલી બક્ષને એક નજુમીએ કહ્યું હતું કે તમારી મહજબીનને પાણીની ઘાત છે. તેનાથી દૂર રાખજો. છતાંય ‘બૈજુ બાવરા’માં પોતાની દીકરી હલેસાંવાળી હોડી એકલા હાથે ચલાવે તે માટે અલી બક્ષે મંજૂરી આપી.

એટલે ‘તુ ગંગા કી મૌજ મૈં જમુના કા ધારા હો રહેગા મિલન....’ એ ગાયનના આઉટડોર શૂટિંગના દિવસે રાયગઢ જિલ્લાના એક કુદરતી સ્થળ ખાતે રાબેતા મુજબ પિતા પણ સાથે હતા. પરંતુ,તે પાણીમાં ઉતરેલી પુત્રીને જોવા નહતા માગતા. ઊંધા ફરીને વિજય ભટ્ટ ‘કટ’ બોલે તેની એ રાહ જોતા હતા. ભટ્ટ સાહેબે લાઉડ સ્પીકર પર ‘કટ’નો આદેશ કર્યો. પણ આ શું? તેમણે, સમગ્ર યુનિટે અને અલી બક્ષે પણ જોયું કે મીના કુમારી તો મસ્તીથી હલેસાં મારે જ જતાં હતાં. જીવનમાં કદાચ પ્રથમ વખત જ નૌકાવિહાર કરતાં મીનાજીના પોતાના હાથમાં હલેસું આવ્યું હતું. તે મોજથી આગળ વધે જ ગયાં અને આખિર વહી હુઆ જિસકા ડર થા! જો કે ઊંધી પડી ગયેલી નાવડીને લીધે પાણીમાં ડૂબી જતી હીરોઇનને બચાવી લેવાઇ અને અલીએ હાશકારો અનુભવ્યો. પણ એ ક્યાં જાણતા હતા કે એ ‘હાશ’ કેટલી અલ્પજીવી સાબિત થવાની હતી? કેમ કે મીનાજીએ તો પોતાના જીવનની નૌકાનો કન્ટ્રોલ પોતાના હાથમાં ઓલરેડી લઈ લીધો હતો. તેમણે કમાલ અમરોહીએ કરેલી શાદીની ઓફરનો સ્વીકાર કરી લીધો હતો. એટલું જ નહીં અબ્બાજાનની રજામંદી સિવાય, કોઇ પિક્ચરની સ્ક્રિપ્ટમાં કામ લાગી શકે એવી નાટકીય રીતે, ગુપચુપ લગ્ન પણ કરી લીધાં હતાં! (વધુ આવતા અંકે)             

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.