મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (4)

18 Nov, 2016
12:00 AM

સલિલ દલાલ

PC: dna.com

‘બેબી મીના’ને ‘જેલર’મા લેવાના આશયથી તેમને ઘેર આવેલા કમાલ અમરોહી જોઇ શકે તે માટે  પિતા અલીબક્ષે બહાર રમતી દીકરીને બોલાવી. બેબીએ એન્ટ્રી કરી ત્યારે વાળ વિખરાયેલા હતા, પીઠ પાછળ અડધું ખાધેલું કેળું સંતાડેલું હતું અને મોઢા પર કેળું ખાધાની નિશાનીઓ ચોંટેલી હતી! ‘બૉબી’માં ડિમ્પલ કાપડિયા રીશી કપૂર સામે પહેલી વખત આમને સામને થાય છે ત્યારે અજાણતાં લોટવાળો હાથ વાળમાં ફેરવે છે એમસ્તો.(સૌ જાણે છે એમ, તે સીન અસલ જિંદગીમાં રાજકપૂર અને નરગીસની પ્રથમ મુલાકાતનું નાટ્ય રૂપાંતર હતું.) ‘બેબી’ના એ ઓઘરાળા ચહેરાની આરપારનું સૌંદર્ય કમાલ અમરોહીને દેખાયું હશે તો પણ કોઇ કારણસર ‘જેલર’ માટે બેબી મીનાનું સિલેક્શન ન થયું. પણ બાલ કલાકાર તરીકે અલીબક્ષની ત્રણેય દીકરીઓને નાના-મોટા રોલ મળ્યા કરતા હતા. જો કે મોટીબેન ખુરશીદ અને નાની મધુની સરખામણીએ ‘બેબી મીના’ને રૂપિયા સારા મળતા અને ફિલ્મોનો પ્રવાહ પણ લગભગ દર સાલ નિયમિત હતો.

જેમ કે ‘લેધર ફેસ’ પછીના વર્ષે ‘એક હી ભૂલ’, તેના પછીની સાલ આવી ત્રણ ફિલ્મો ‘બહેન’, ‘કસૌટી’ અને ‘નઈ રોશની’. ’42મા ‘ગરીબ’ તો ’43મા ‘પ્રતિજ્ઞા’ અને ’44મા ‘લાલ હવેલી’ આવી ત્યારે એક મુશ્કેલી થઈ, જે બધા ચાઇલ્ડ આર્ટિસ્ટને અનુભવવી પડતી હોય છે. મીના બાર વર્ષની થઈ હોઇ હવે બાળક પણ નહોતી લાગતી અને યુવતિ પણ નહીં. ઉંમરનો આ સમય કોઇપણ બાળકલાકાર માટે ઘેર બેસવા જેવો હોય છે. પણ એક હિન્દી ફિલ્મના ડાયલોગમાં કહેવાયું છે એમ, ‘ગરીબ કી બેટિયાં જલદી બડી હો જાતીં હૈં!’ એટલે એક વરસ પછી ચૌદ વરસની ઉંમરે પિતાજીએ પોતાની સોનાનાં ઇંડાં મૂકતી મરઘીને પાછી કામે લગાડી. એ જ પરંપરામાં આજના ટોપ સ્ટાર રણબીર કપૂરનાં મમ્મી નીતુ સિંગ પણ 14-15 વરસની ઉંમરે હીરોઇન થઈ જ ગયાં હતાંને? તેમની ‘દો કલિયાં’, ‘વારીસ’ અને ‘ઘર ઘર કી કહાની’ બાળ કલાકાર તરીકે સુપરહીટ થઈ અને બે જ વરસ પછી એ રણધીર કપૂરનાં નાયિકા તરીકે ‘રીક્ષાવાલા’માં આવ્યાં હતાં. તે વખતે અમે કોલેજમાં ભણતા અને એ પિક્ચર જોવા જવાનું એક કારણ એ  આશ્ચર્ય પણ ખરું કે આટલી જલદી કોઇ છોકરી વળી એવી તે કેવી મોટી થઈ ગઈ હશે કે હીરોઇન થઈ જાય? પણ ખરી મઝા તો ‘ધરમવીર’ આવ્યું, ત્યારે થઈ. તેમાં નીતુના હીરો હતા જીતેન્દ્ર, જેમની સાથે હજી પાંચેક વરસ પહેલાં જ ‘વારીસ’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું! આમ જુઓ તો એ પણ મીનાકુમારીના અશોકકુમાર સાથેના ઇતિહાસનું પુનરાવર્તન જ હતું. 

મીનાકુમારી જ્યારે બાળ કલાકાર હતાં, ત્યારે અશોક કુમાર મજાકમાં કહેતા કે ‘જલદી જલદી બડી હો જાઓ, તો આપ હીરોઇન બનોગી. ફિર હમારે સાથ કામ કરોગી ના?’ છેવટે એ ગમ્મત કેવી સાચી પડી એ કોણ નથી જાણતું? મીનાકુમારીનાં અશોક કુમાર સાથેનાં ચિત્રોનું લિસ્ટ જુઓ તો સમજાય કે એ બંનેના સંયુક્ત અભિનયવાળી કેવી કેવી કૃતિઓ આપણને ભાવકોને મળી છે? ‘પરિણિતા’, ‘બંદિશ’, ‘શતરંજ’, ‘એક હી રાસ્તા’, ‘સવેરા’, ‘આરતી’, ‘ચિત્રલેખા’, ‘બેનઝીર’, ‘ભીગી રાત’, ‘બહુ બેગમ’ અને  ‘જવાબ’! જો કે સાથે સાથે એ પણ નોંધવું રહ્યું કે મીનાકુમારીની શરૂઆત અશોક કુમાર સરખા તે સમયના સુપર સ્ટાર સાથે નહતી થઈ. તેમના પ્રથમ હીરો હતા આગા, જેમણે વધારે નામ કોમેડિયન તરીકે કાઢ્યું હતું! એ પહેલા પિક્ચર ‘બચ્ચોં કા ખેલ’ કરતાં તે પછી આવેલાં બે ચિત્રો ‘પિયા ઘર આજા’ અને ‘બિછડે બાલમ’ને સંગીતના એક વિશિષ્ટ કારણસર અલગ કેટેગરીમાં મૂકી શકાય.

એ બેઉ ફિલ્મોમાં મીનાજીએ તેમનાં ગાયનો પોતાના અવાજમાં ગાયાં હતાં! એટલે મીનાકુમારીને એક્ટ્રેસ અને કવિયત્રી ‘નાઝ’ તરીકે ઓળખવા ઉપરાંત એક ગાયિકાની ક્રેડિટ પણ આપવી પડે. આ એ સમય હતો, જ્યારે હજી લતા મંગેશકરને પણ સાચા અર્થમાં બ્રેક મળવાનો બાકી હતો. એ જમાનો હતો નૂરજહાં અને અશોક કુમાર જેવા લોકપ્રિય સિંગિંગ સ્ટાર્સનો. અશોક કુમાર સામે મીનાકુમારી નાયિકા તરીકે આવ્યાં તે અગાઉ તો સી ગ્રેડનાં કહી શકાય એવાં પિક્ચરો સાત વરસ સુધી કરવાં પડ્યાં હતાં. પરંતુ, મીનાકુમારી કદી ભૂલ્યાં નહતાં કે તેમને શરૂઆતનો ચાન્સ હોમી વાડિયાના ‘બસંત પિક્ચર્સ’ અને ‘વાડિયા મુવીટોન’માં મળ્યો હતો. તેમને હીરોઇન તરીકે લેવા કેદાર શર્માને પણ વિનંતિ કરાઇ હતી, જેમને કોઇ રસ નહતો પડ્યો. એક કારણ કદાચ એ પણ હોઇ શકે કે તેમણે ઇન્ટ્રોડ્યુસ કરેલી હીરોઇન મધુબાલાની હરીફ બને એવી નાયિકાને તક આપવામાં વધારે રસ ન પણ હોય. જ્યારે હોમી વાડિયાને તો જોતામાં જ લાગ્યું કે છોકરીમાં સ્ક્રિન પ્રેઝન્સ છે અને સફળ અભિનેત્રી બની શકશે. તેમણે પોતાના બેનર ‘બસંત’ના નેજા હેઠળ ધાર્મિક ફિલ્મ ‘વીર ઘટોત્કચ’માં તક આપી, જેના ડિરેક્ટર કોણ હતા, જાણો છો?

‘વીર ઘટોત્કચ’ના દિગ્દર્શક હતા મહેશ ભટ્ટના પિતાશ્રી નાનાભાઇ ભટ્ટ. (બીજી રીતે કહીએ તો આજની ચુલબુલી હીરોઇન આલિયા ભટ્ટના દાદા!) અહીં હોમી વાડિયાને ત્યાં નિયમિત કામ મળતું રહ્યું. તેમની ‘શ્રી ગણેશ મહિમા’, ‘હનુમાન વિજય પાતાલ’ અને ‘લક્ષ્મી નારાયણ’ જેવી ધાર્મિક ફિલ્મો, ‘મદહોશ’ અને ‘મગરૂર’ જેવી સોશિયલ અને ‘અલ્લાઉદ્દીન એન્ડ વન્ડરફુલ લેમ્પ’ જેવી ફેન્ટસી સહિતની ફિલ્મો નિયમિત આવતી હતી. વાડિયા પારસી અને નાનાભાઇ તેમજ ‘સનમ’ના ડાયરેક્ટર નંદલાલ જસવંતલાલ એ બધાને ગણતરીમાં લઈએ તો મીનાકુમારીની પ્રારંભિક કરિયરમાં ગુજરાતીઓનો સિંહફાળો હતો. તેમને હોમી વાડિયાએ પ્રથમ પિક્ચરના ચાર હજાર રૂપિયા આપ્યા હતા અને છેલ્લું ‘અલ્લાઉદ્દીન.....’ આવતા સુધીમાં એ રકમ અધધધ રૂ.10,000 થઈ હતી! હવે ચાલીમાંથી નીકળવાનો સમય થઈ ગયો હતો.

દાદરની ખોલીમાંથી અલીબક્ષ બાંદરા સરખા ધનિકોના વિસ્તારમાં શીફ્ટ થયા. બલ્કે ત્યાં ‘જીવન મેન્શન’ નામનો નાનકડો બંગલો ખરીદી લીધો, જેમાં ગાર્ડન પણ હતો. કાર (પ્લેમાઉથ) તો તે અગાઉ ખરીદેલી જ હતી. (મીનાકુમારી કહી શકે ‘જય જય ગરવી ગુજરાત’!) ગુજરાતીઓ સાથેનું મીનાકુમારીનું લેણું તેમની પ્રથમ સુપરહીટ ‘બૈજુ બાવરા’ સુધી પહોંચે છે. તેમને જે વિજય ભટ્ટે ‘લેધર ફેસ’માં બાળ કલાકાર તરીકે તક આપી હતી તેમણે જ ‘બૈજુ બાવરા’ જેવી સુપરહીટ કૃતિ આપીને મીનાજીને સીધાં ‘એ’ ગ્રેડમાં મૂકી દીધાં. પરંતુ, ‘બૈજુ બાવરા’ મળ્યું તે અગાઉ મીનાકુમારીએ ‘અનારકલી’ સાઇન કર્યું હતું, જેના દિગ્દર્શક કમાલ અમરોહી હતા. જો કે કમાલ સાહેબની પહેલી પસંદ તેમની અગાઉની સુપરહિટ ફિલ્મ ‘મહલ’ની હીરોઇન મધુબાલા હતી. તેમને ‘મહલ’ વખતે પણ મીનાકુમારીને લેવાની દરખાસ્ત કરાઇ હતી. તે વખતે ધાર્મિક ફિલ્મોમાં કામ કરનાર એ અભિનેત્રીને તેમણે નકારી કાઢી હતી. પરંતુ, મીનાકુમારીએ તો ‘અનારકલી’ ઓફર થઈ તે અગાઉના સમયથી એક અંગત કારણસર કમાલ અમરોહીને પોતાના  ‘સપનોં કા રાજકુમાર’ તરીકે સ્થાપિત કરી દીધા હતા.

મીનાકુમારીનો ઉર્દૂ શાયરી પ્રત્યેનો પ્રેમ પછી તો જગજાહેર થયો હતો. પણ પહેલીવાર તેમણે  એક મેગેઝિનમાં કમાલ અમરોહીનો ફોટો જોયો, ત્યારે સાથે આવેલા વર્ણનમાં કમાલને ઉર્દૂ શબ્દોના જાદુગર કહ્યા હતા. હકીકત એ હતી પણ ખરી કે કમાલ સા’બની કલમ કમાલનું લખતી હતી. તેમની કલમનો પરચો ‘મુગલે-એ-આઝમ’ના અઝીમોશ્શાન સંવાદોના ચાર પૈકીના એક લેખક તરીકે પછી મળ્યો જ છે. વળી, ‘મહલ’ પછી  સોંઘવારીના તે જમાનામાં એક ફિલ્મના એક લાખ રૂપિયા લેતા હોવાનું પણ ઇન્ડસ્ટ્રીમાં સૌ જાણતા હતા. એવા સર્જકે પોતાની નવી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘અનારકલી’ માટે ‘મહલ’ની તેમની હીરોઇન મધુબાલાને પડતી મૂકીને રાતોરાત મીનાકુમારીને લેવાનું નક્કી કર્યું  તેનું એક કારણ મધુબાલાના પિતાજી અને કમાલ અમરોહીના બગડેલા સંબંધો વિશે ફિલ્મી વર્તુળોમાં ચર્ચાતો એક પ્રસંગ હતો.

‘અનારકલી’ની સ્ક્રિપ્ટ કમાલ અમરોહીએ ફાઇનલ કરી દીધી હતી અને કાસ્ટિંગનું પ્લાનિંગ કરતા હતા. ત્યારે એક દિવસ સેન્ટ્રલ સ્ટુડિયોમાં મધુબાલાના પિતાજી અતાઉલ્લાહખાન સાથે તેમને ઝગડો થયો હતો. એ પ્રસંગનાં સાક્ષી એવાં તે સમયનાં સિંગિંગ સુપરસ્ટાર સુરૈયાએ 1997મા ‘મુવી’ મેગેઝિનમાં પત્રકાર શીલા વસુનાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘મધુબાલા કમાલ અમરોહી સાથે પરણવા બહુ આતુર હતી...’ એ મેગેઝિને મીનાકુમારીની સ્મૃતિમાં લગભગ 20 પાનાં ભરીને તેમની સાથે સંકળાયેલા કલાકારો-કસબીઓ સાથેની વિગતવાર મુલાકાતો પ્રસિદ્ધ કરી હતી. તેમાં મીનાકુમારીનાં મોટાંબેન ખુરશીદ આપા, અભિનેત્રી નાદિરા, કમાલ અમરોહીના દીકરા તાજદાર, એક્ટર પ્રદીપ કુમાર અને મીનાજીના બનેવી મેહમૂદ ઉપરાંત બે પાનાં લાંબો સુરૈયાનો પણ ઇન્ટરવ્યૂ છે.

તે મુલાકાતમાં સુરૈયાજીના કહેવા પ્રમાણે, ‘મહલ’ના સર્જન દરમિયાન મધુબાલા ફિલ્મના લેખક-દિગ્દર્શકના પ્રેમમાં પડ્યાં હતાં અને તેથી કમાલ અમરોહી પોતાની દીકરી સાથે પરણે એમ અતાઉલ્લાહ કહેતા હતા. તે માટે તેમણે, જરૂર પડે તો,  કમાલ સાહેબનાં પ્રથમ પત્ની મેહમૂદી બેગમ, દીકરા તાજદાર અને શાનદાર તથા દીકરી રૂખસારના ભરણપોષણ માટે પૈસાની પણ ઓફર કરી અને વાત બગડી. બંને હાથાપાઇ પર આવી ગયા. એ ધમાલમાં કમાલ અમરોહીનાં ચશ્માં પણ તૂટી ગયાં! એટલે ‘અનારકલી’ની મુખ્ય ભૂમિકામાંથી મધુબાલાની તો બાદબાકી થઈ જ ગઈ. પરંતુ, તાત્કાલિક રિપ્લેસમેન્ટ એક્ટ્રેસ ક્યાંથી લાવવી? એવામાં કમાલ અમરોહીને પોતાના ‘મહલ’ પિક્ચરના હીરો અશોક કુમાર યાદ આવ્યા.

અશોક કુમારે થોડા વખત પહેલાં પોતાની પ્રોડક્શન કંપની બોમ્બે ટોકીઝના નેજા હેઠળ બની રહેલી ‘તમાશા’ ફિલ્મના થયેલા શૂટિંગના હિસ્સા આગ્રહ કરીને કમાલ અમરોહીને બતાવ્યા હતા. એ યાદ કરીને કમાલે રાતોરાત પોતાના મિત્ર-સેક્રેટરી બાકર અલીને મીનાકુમારીને ત્યાં મોકલ્યા. બીજે દિવસે ‘અનારકલી’ના નિર્માતા મખનલાલજી સાથેની મુલાકાતમાં પૈસાની વાત શરૂ થઈ. પ્રોડ્યુસરે ‘ધાર્મિક ફિલ્મોની એ અજાણી અભિનેત્રી’ માટે ત્રણ હજાર રૂપિયા ઓફર કર્યા. મીનાકુમારીના પિતાજી તો હક્કાબક્કા રહી ગયા. કેમ કે હોમી વાડિયાએ ‘અલ્લાઉદ્દીન....’ માટે દસ હજાર આપ્યા જ હતા! હા-ના કરતાં 15 હજાર પર વાત ફાઇનલ થઈ. જો કે છેવટે ‘અનારકલી’ આર્થિક કારણોસર પૂરું ના થયું એ અલગ વાત છે, પણ તેની સ્ક્રિપ્ટ માટે જરૂરી રિસર્ચ કરવા કમાલ આગ્રા ગયા અને આ બાજુ મીનાકુમારી ટાઇફોઇડની માંદગીમાં પટકાયાં હતાં. (વધુ આવતા અંકે)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.