મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (14)

27 Jan, 2017
12:00 AM

સલિલ દલાલ

PC: thebigindianpicture.com

મીના કુમારી મદીરાપાન પર કોઇ કન્ટ્રોલ રાખી ના શક્યાં અને 1969મા વળી પાછી જૂની દિનચર્યા શરૂ થઈ. લીવરની તકલીફે ઉથલો મારતાં પીડા પાછી થવા માંડી અને વક્રતા જુઓ, જે અભિનેત્રીએ આખી જિંદગી દર્દ અને પીડાને રૂપેરી પડદે અભિવ્યક્ત કરવાની કુશળતા દેખાડી હતી, તેને સાચેસાચ શારીરિક પીડા ભોગવવાની આવી ત્યારે એ સહન ન કરી શકી. મીના કુમારીના વ્યસનની ટીકા કરતા પહેલાં આ સ્થિતિનો પણ વિચાર કરવો જોઇએ; કે પીડાને ભૂલવી એ પણ શરાબ પીવાનું એક કારણ (બહાનું) હતું અને એ શરાબ જ પીડાનું કારણ હતો! ‘મારણ અને કારણ’ એક થાય ત્યારે કેવી પીડાકારી દશા થાય? એ દર્દથી છૂટવા તેમણે અશોક કુમાર પાસે હોમિયોપેથિક સારવાર પણ લેવા માંડી હતી. દવા બદલાઇ પણ પરેજી તો તેમાં પણ હતી જ. બલકે વધારે હતી અને તે પણ એવી કે જેના ભંગમાં મીના કુમારી ઝડપથી પકડાઇ જાય!

હોમિયોપેથીમાં, સૌ જાણે છે એમ, કોફી કે અત્તર જેવાં સુગંધિત દ્રવ્યોની મનાઇ હોય છે. જ્યારે મીના કુમારી માટે તો શરાબ ઉપરાંત પાન અને જર્દા (તમાકુ)નો પણ શોખ (વ્યસન?) હતો. ચાર-છ મહિનાની એ સારવારમાં ફરક તો પડ્યો, પણ પથ્ય પાળવાનું અઘરું હતું. થોડીક તબિયત સુધરે અને સ્વનિયંત્રણનો પથ લપસણો થઈ જાય. અશોક કુમારના કહેવા પ્રમાણે તો તેમણે સૌથી ઊંચા પાવર (પોટેન્સિ)ની પણ દવા આપી હતી. પરંતુ, દર્દી જીવવા જ ન માગે તો ડોક્ટર હોય કે વૈદ કોઇ શું કરી શકે? સ્વાભાવિક રીતે જ હવે રોલ પણ ‘દીદી’ (‘જવાબ’) કે ‘ભાભી’ અને ‘વિધવા’(‘દુશ્મન’) જેવા મળતા હતા. હીરોઇન તરીકેની એક જ ફિલ્મ બાકી હતી, ‘પાકીઝા’.

‘પાકીઝા’ની શરૂઆત તો જ્યારે મીનાકુમારી અને કમાલ અમરોહીના હનીમુનના દિવસો કહી શકાય એવા હતા ત્યારે, 1958મા, થઈ હતી. તે દિવસોમાં કમાલ સાહેબ ‘મુગલ-એ-આઝમ’ના સીન્સ અને સંવાદ લખતા સૌથી મોંઘા લેખક હતા, જ્યારે મીનાજી પણ ‘બૈજુ બાવરા’ અને ‘પરિણિતા’ જેવી બબ્બે ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકેલાં અભિનેત્રી હતાં. એ સમયે પતિ-પત્ની બંને હજી લગભગ એક લેવલ પર હતાં. કમાલ અમરોહીને પોતાની કલ્પનાની કથા ‘અનારકલી’ પરથી કે.આસિફે ભવ્ય સર્જન કર્યું તેનો ખુટકો એવો હતો કે એવી જ અઝિમોશ્શાન કૃતિ સર્જવાના સપનાં સાથે ‘પાકીઝા’નું પ્લાનિંગ કર્યું હતું. ફિલ્મના મ્યુઝિક માટે એ એવા આગ્રહી હતા કે મુસ્લિમ સોશિયલ માટેની પસંદગીની જોડી ગણાતા વ્યસ્ત સંગીતકાર નૌશાદ અને ગીતકાર શકીલ બદાયૂનિની જોડીને બદલે પોતાને પૂરતો સમય આપી શકે એવા ગુલામ મહોમ્મદ અને ત્રણ શાયરોને પસંદ કર્યા. પણ કિસ્મતનો ખેલ કેવો કે 14 વરસ પછી પિક્ચર બનીને તૈયાર થયું ત્યાં સુધીમાં ગુલામ મહંમદ જન્નતનશીન થઈ ગયા અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તથા ટાઇટલ સ્કોર નૌશાદ પાસે જ કરાવવાની જરૂર પડી અને સલામ એ ખાનદાન નૌશાદજીને કે એક સમયના પોતાના આસિસ્ટન્ટ ગુલામ મહંમદના સંગીત સાથે એકરસ થઈ જાય એટલું સરસ પાર્શ્વસંગીત ફ્રીમાં કરી આપ્યું!

જાની વાત એ હતી કે ઓછા કામને લીધે નિર્માતાને સંતોષ થાય એવો સમય આપી શકનારા સંગીતકાર ગુલામ મહોમ્મદ સાથે બેસીને કમાલ અમરોહીએ ‘પાકીઝા’નું શૂટિંગ શરૂ થાય તે પહેલાં તેનાં તમામ ગાયનોનું રેકોર્ડિંગ કરાવી લીધું હતું. એ સંગીત અને ગીતોની કમાલ એવી છે કે આજે પણ ‘ઇન્હીં લોગોંને લે લિના દુપટ્ટા મેરા....’ હોય કે ‘ચલતે ચલતે યુંહી કોઇ મિલ ગયા થા, સરે રાહ ચલતે ચલતે....’ સાંભળતાં એક અલગ જ દુનિયામાં પહોંચી જવાય. એટલાં સરસ ગાયનો થયાં હોઇ નવા કોન્ટ્રાક્ટ મેળવવા ગુલામ મહોમ્મદ ફિલ્મ સર્જકોને પોતાની એ રચનાઓ ટેપ પર સંભળાવતા અને છતાં કોઇને એ પસંદ ન હતાં આવ્યાં. પરિણામે એ મ્યુઝિક ડિરેક્ટરનું અવસાન મુફલિસી અને આર્થિક પીડાની સ્થિતિમાં થઈ ગયું હતું! ગુલામ મહોમ્મદ સાહેબની એ કર્ણપ્રિય રચનાઓ પૈકીની કોઠા પર ગવાય છે, તેને માટેનો સેટ અમરોહીએ તે જમાનામાં વીસ લાખ રૂપિયાના ખર્ચે ભો કરાવ્યો હતો. તેમાં ચારે તરફ નર્તકીઓના કોઠાઓ હોય અને સૌંદર્ય તથા સંગીતના કદરદાનો ત્યાં આવતા હોય એ સ્થળનું નામ કમાલ અમરોહીએ ‘બાઝાર-એ-હુસ્ન’ અર્થાત ‘રૂપનું બજાર’ પાડ્યું હતું. ‘પાકીઝા’ પણ ‘શોલે’ જેવી યાદગાર ફિલ્મ છે અને તેથી તેના 14 વરસના સર્જનકાળ દરમિયાનની આવી તો કેટલીય વાતો ચર્ચાતી આવી છે. જેમ કે ફિલ્મ શરૂ થઈ ત્યારે રાજકુમારવાળો રોલ અશોક કુમાર કરવાના હતા. પિક્ચર બનવામાં વધારે સમય લાગતો ગયો, તેમ દાદામોનીને ઉંમરના હિસાબે ભાઇ અને પિતાજી જેવા પીઢ ચરિત્ર અભિનેતાની ભૂમિકાઓ મળવા માંડી હતી. તેથી ‘સલીમ’ના તેમના રોલ માટે એક તબક્કે ધર્મેન્દ્ર પણ વિચારણામાં લેવાયા હતા.

ધર્મેન્દ્ર સાથે તો થોડુંક શૂટિંગ પણ કરાયું હતું. પરંતુ, મીના કુમારી સાથેના સંબંધોની ગંભીરતા જગજાહેર થતાં ધરમજીને વિદાય કરાયા. જોકે કમાલ અમરોહીના દીકરા તાજદારના કહેવા પ્રમાણે તો, એ શૂટ થયેલા સિન્સમાંના મીના કુમારી જોડે ધર્મેન્દ્રના કેટલાક લોંગ શોટ્સ એ રાજકુમાર અને મીના કુમારીના હોય એમ દર્શાવવા ‘પાકીઝા’માં રખાયા હતા! (કમાલ અમરોહીએ મીનાજીના અવસાન પછી ‘પાકીઝા’ની અઢળક કમાણીમાંથી ’80ના દાયકામાં ‘રઝિયા સુલતાન’ બનાવી હતી અને તે ન ચાલી ત્યારે એક મજાક થતી હતી. લોકો કહેતા કે કમાલ સાહેબે ‘રઝિયા...’ કમાણી કરવા ક્યાં બનાવી હતી? તેમણે  તે પિક્ચરમાં ધર્મેન્દ્રને બ્લેક ગુલામના પાત્રમાં લીધા અને આખા પિક્ચરમાં ચહેરા પર કાળો રંગ લગાડાવીને પોતાની પત્ની સાથે સંબંધ રાખનારનું મોં દુનિયાભરમાં કાળું કરીને બદલો લેવા ‘રઝિયા સુલતાન’ બનાવી હતી!) ધર્મેન્દ્ર ઉપરાંત સુનિલ દત્ત અને ગુરુ દત્તના ભાઇ આત્મારામ પણ ‘પાકીઝા’ માટે વિચારણામાં લેવાયા હતા. એક તબક્કે તો કમાલ અમરોહી પોતે કેમેરા સામે આવી જાય એવી પણ શક્યતા હતી.

કમાલ અમરોહીએ એક સિનમાં અશોક કુમારને બદલે પોતે અભિનય કર્યો હોવાની માહિતી પણ તાજદારે પત્રકાર રોશ્મિલા મુકરજીને આપી હતી. એ દૃશ્યમાં મીના કુમારી કોઠો છોડીને અશોક કુમાર સાથે બગીમાં જાય છે, ત્યારે હીરોઇનનું માથું જે વ્યક્તિના ખોળામાં આરામ કરતું દેખાડાયું છે અને તે પુરુષની માત્ર પીઠ એક દૃશ્યમાં બતાવાઇ છે એ કમાલ સાહેબ હતા. ‘પાકીઝા’નું શૂટિંગ શરૂઆતમાં થયું, ત્યારે યુવાનીના એ દિવસોમાં મીના કુમારીની લોકપ્રિયતા કેવી હતી તે તેના આઉટડોર દરમિયાન સૌને- ખાસ કરીને કમાલ અમરોહીને- સમજાઈ હતી. મધ્ય પ્રદેશમાં શૂટિંગ હતું. એક સાંજે પેટ્રોલ ખલાસ થઈ જતાં શિવપુરી નામના વિસ્તારમાં એ સૌ અટકી પડ્યા. તેથી વાહનોમાં જ સૌને રાત પસાર કરવા કમાલ સાહેબે સૂચના આપી ત્યારે તેમને ખબર નહતી કે એ તે સમયમાં જેમના હિંસક હુમલાથી જનતા ત્રાસેલી હતી એવા ડાકુઓનો એરિયા હતો. એટલે અડધી રાતે ડાકુઓએ વાહનોને ઘેરી લીધાં. પણ જ્યારે એ ટોળકીના મુખિયાને ખબર પડી કે એ ફિલ્મ યુનિટ હતું અને તેમાં હીરોઇન તેની પ્રિય મીના કુમારી પણ સામેલ છે, ત્યારે લૂંટવાને બદલે સૌની ભરપુર આગતા-સ્વાગતા કરી. સવાર પડતાં સૌએ આભાર માન્યો, ત્યારે એ ડકૈતે એક વિચિત્ર માગણી કરી.

એ ખૂંખાર ડાકુ અમરતલાલે મીના કુમારી પાસે ઓટોગ્રાફ માગ્યા... પોતાની સ્ટાઇલમાં. તેણે એક છરી મીનાજીના હાથમાં મૂકી અને કહ્યું કે તે ખૂબસૂરત હીરોઇન પોતાના હસ્તાક્ષર એ ચપ્પાથી અમરતલાલના હાથે કોતરી આપે. મીના કુમારીએ પોતાની ટૂંકી સહી કરી અને લોહી નીંગળતા હાથે પેલો ડાકુ આભાર માનતો રહ્યો! કદાચ કમાલ અમરોહીને તે ઘડીએ જ લાગ્યું હશે કે ‘પાકીઝા’ માટે મીનાકુમારી કેટલાં અણમોલ હતાં. તેમની સાથેના ઝગડાના દિવસોમાં મીનાજીની જગ્યાએ ગીતા બાલીને લેવાનો પણ એક તબક્કે વિચાર કરાયો હતો, જેમણે શમ્મી કપૂર સાથે લગ્ન કરીને ક્ષેત્ર સંન્યાસ લીધો હતો. તેમના પુનરાગમનની એ ભવ્ય કૃતિ થશે એવું પ્લાનિંગ પણ હતું. પરંતુ, ત્યારે તેમને કદાચ ડાકુને હસ્તાક્ષરવાળી ઘટના યાદ આવી હશે. બાકી કલાકારો બદલવામાં કમાલ ક્યાં ખચકાતા હતા? તેમણે કોઠાની સંચાલિકા તરીકે નાદીરાજીને લીધાં હતાં અને કોઇ વાતે બંને વચ્ચે ટસલ થતાં વીણાને મીના કુમારી સાથે લીધાં હતાં. નાદીરાને કારણે મીના કુમારીની શરાબની આદત વધતી હતી એવો ભય પણ કમાલને હતો.

તેમની આદત બગાડનાર કોણ હતું? એ કરતાં પાછલાં વર્ષોમાં મોટો સવાલ એ હતો કે તેને લીધે એક ખૂબસૂરત અભિનેત્રી હવે પોતાનું ઓરિજિનલ નૂર ગુમાવી રહી હતી. તેમનું હીરોઇન તરીકેનું એકમાત્ર અધુરું પિક્ચર ‘પાકીઝા’ હતું. હવે મીનાકુમારી ‘વાર્યા ન માને તો હાર્યા માને’ એ સ્થિતિએ હતાં. તેમના કથળતા આરોગ્યના એ દિવસોમાં કમાલ અમરોહીએ પોતે શૂટ કરેલું અધુરું પિક્ચર નરગીસ અને સુનિલ દત્તને બતાવ્યું. એટલા ભાગની ભવ્યતાથી ઇમ્પ્રેસ થયેલા દત્ત દંપતિએ મીના કુમારીને મનાવવાનું બીડું ઝડપ્યું. બંનેએ ‘પાકીઝા’ પૂરી કરવાની દરખાસ્ત કરી અને છેવટે મીના કુમારીએ સંમતિ આપી, એવી સત્તાવાર સ્ટોરી છે. છતાં તે દિવસોની કરિયરની સ્થિતિ જુઓ તો ‘પાકીઝા’ પૂર્ણ કરવાની ગરજ કદાચ મીનાજીની પણ એટલી જ હતી. એટલે 16મી માર્ચ 1969ના દિવસે મીનાજીએ કમાલ અમરોહીના સેટ પર પુનરાગમન કર્યું! કમાલ સાહેબે ફુલોનો ગુલદસ્તો આપીને ‘પાકીઝા’ની ‘સાહિબજાન’નું સ્વાગત કર્યું. એટલું જ નહીં, એ ‘કમ બેક’ની એક ડોક્યુમેન્ટ્રી બનાવી જે તે સમયના હિસાબે ઘણી મોટી વાત હતી. તેમણે એ પ્રસંગને મહાપ્રસંગ બનાવ્યો. એ કદાચ ફિલ્મ પર પૈસા ધીરનારાઓને આકર્ષવાની ટ્રીક પણ હતી. પરંતુ, ફાયનાન્સરો પોતાની મુડી બચાવવા શરતો મૂકવા માંડ્યા હતા.

તે પૈકીની એક દરખાસ્ત એવી પણ આવી હતી કે મ્યુઝિક ગુલામ મહોમ્મદનું રદ કરીને શંકર-જયકિશનનું લો તો જરૂરી બધાં નાણાં ઉપલબ્ધ કરાવાશે. કમાલે ઇનકાર કર્યો. છેવટે એ સર્જકને ખૂબ કસ્યા પછી ડાયમન્ડ મર્ચન્ટ ધીરુભાઇ શાહે જરૂરી ધીરાણ કર્યું અને શૂટિંગ ચાલ્યું. તેમાં નાજુક તબિયતે મીના કુમારી ડાન્સ કરી શકે એમ નહતાં. તેથી તેમની જગ્યાએ પદ્મા ખન્નાએ નૃત્ય કર્યાં, એ તો હવે સિનેમા ઉદ્યોગની બહુ જાણીતી ઘટના ગણાય છે. ખાસ કરીને છેલ્લા ગીત આજ હમ અપની મોહબત કા અસર દેખેંગે...’માં પદ્માજી સવિશેષ દેખાય છે. એ ગાયનનું શૂટિંગ ત્રીસ દિવસ સુધી ચાલ્યું હતું. નાચતા નાચતા કોઠામાં લોહી લુહાણ પગલાં પડે છે તે પણ પદ્મા ખન્નાનાં અને જ્યારે પણ નૃત્યમાં થિરકતા પગ દેખાડાય છે તે પણ પદ્માજીના. એટલે જે ‘પાંવ’ જોઇને મચલિત થયેલા રાજકુમારનો ખરજમાં બોલાયેલો પેલો અમર ડાયલોગ સર્જાયો તે આપ કે પાંવ દેખે બહુત હસીન હૈં....વાળા પગ પણ છેલ્લા રીલ સુધીમાં મીનાકુમારીના નહતા રહ્યા!

એવું જ ‘ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો...’માં પણ કરાયું. એ ગીતનું પિક્ચરાઇઝેશન અથવા વધારે સારી રીતે કહેવું હોય તો કુદરતી દૃશ્યોનું એડિટીંગ એ કમાલ અમરોહીની આવડત કરતાં વધારે તો હિન્દી સિનેમાના પ્રેક્ષકોનો તેમની પ્રિય અભિનેત્રી પ્રત્યેનો અખૂટ પ્રેમ હતો. કારણ કે એ ડ્યુએટ હોવા છતાં મીના કુમારીનો એક પણ ક્લોઝઅપ નહતો અને પિક્ચર જોતી વખતે મીનાજીની કથળેલી તબિયત યાદ કરીને મોટાભાગના ચાહકો જાતે જ મન મનાવી લેતા. પરંતુ, ‘પાકીઝા’ના નિર્માણ દરમિયાન નાદુરસ્ત સેહત સાથે પણ મીના કુમારીનો માયાળુ સ્વભાવ બિલકુલ તંદુરસ્ત હતો. તેમના મૃત્યુ પછી આવેલી છેલ્લી ફિલ્મ ‘ગોમતી કે કિનારે’ના સર્જક સાવન કુમારે એક દિવસ પોતાની નાણાંકીય મુશ્કેલીઓનું વર્ણન કર્યું. મીનાજીએ એક્ટ્રેસ મુમતાઝને ફોન લગાવડાવ્યો અને તેમણે એક એવું કામ કર્યું જે તેમના જીવનભરના દયાભાવની પરાકાષ્ટા હતી! (વધુ આવતા અંકે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.