મીનાકુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (9)
મીના કુમારીએ ‘દિલ એક મંદિર’ની તારીખો માટે બાકરને પચીસ હજાર રૂપિયા અલગથી અપાવ્યા અને ડેટ્સ મળી ગઈ. આ વાત આપણા ગુજરાતી પત્રકાર અને મુંબઈની ફિલ્મી દુનિયામાં કલાકારો સાથે અંગત પરિચય ધરાવનાર તારકનાથ ગાંધીએ મીનાજીના અવસાનના વીસ વરસ કરતાં વધુ સમય બાદ લખાયેલા તેમની જીવનકથાના પુસ્તકના લેખકને કહી હતી. એ જ રીતે ‘ભીગી રાત’ના પ્રોડ્યુસરને પડેલી તકલીફનો કિસ્સો પણ તે દિવસોમાં ખુબ ચર્ચાયો હતો. એ પિક્ચર શરૂઆતમાં બ્લેક એન્ડ વ્હાઇટમાં બનવાનું હતું. પણ ત્યારે નવા આવેલા ઇસ્ટમેન કલરમાં ફિલ્મો બનવાની શરૂ થઈ હોઇ તેની નવીનતાને લીધે પણ વકરામાં સારો ફરક પડતો હતો. અગાઉ ગેવાકલર અને ટેક્નિકલર પિક્ચરો આવી ગયાં હોવા છતાં ઇસ્ટમેન કલરની વાત જુદી હતી. તેનો પુરાવો શમ્મી કપૂરની ‘જંગલી’ અને પ્રદીપકુમારની ‘તાજમહાલ’ની સફળતામાં સૌએ જોયો હતો. તેથી આઠેક મહિનાના શૂટિંગ પછી ‘ભીગી રાત’ને પણ ‘રંગીન’ બનાવવાનું નક્કી કરાયું. ત્યારે મીના કુમારીની તારીખો માટે ફરી કશ્મકશ શરૂ થઈ. મીનાજીનો ચાર્જ ત્રણ-સાડા ત્રણ લાખ રૂપિયા હતો અને સામે એક વરસનો સમય અપાયો હતો. હવે નવેસરથી શૂટિંગ કરવાનું હોય તો બાકર સાહેબની માગ હતી કે ‘કલર’નો અને નવી ડેટ્સનો ભાવ નવેસરથી આપવો પડશે! તેનો વચલો રસ્તો કમાલ અમરોહીની દરમિયાનગીરીથી કઢાયો. પણ આવા પ્રસંગોથી મીના કુમારીની મજબૂરી ઇન્ડસ્ટ્રીમાં વધુને વધુ ચર્ચાતી રહી. કેમ કે ‘ભીગી રાત’ના નિર્માતા કાલીદાસના ભાઈ પ્રદીપ કુમાર જ પિક્ચરના હીરો હતા, જેમની સાથેના પણ મીના કુમારીના સંબંધો કોઇથી અજાણ્યા નહતા.
મીનાજી સાથેના રિલેશન્સ વિશે ખુદ પ્રદીપ કુમારે પણ એક કરતાં વધુ વખત કબૂલાત કરેલી છે. એ દિવસો હતા મીના કુમારીની અપ્રતિમ લોકપ્રિયતા અને સફળતાના જ્યારે તેમની ‘આરતી’, ‘મૈં ચૂપ રહુંગી’, ‘પ્યાર કા સાગર’, ‘ભાભી કી ચુડિયાં’ અને ‘દિલ એક મંદિર’ જેવી સતત હિટ થતી ફિલ્મો આવતી હતી. એવા દિવસોમાં બિમલ રોયની ‘બેનઝીર’ના સેટ પર મીના કુમારી સાથે ગુલઝારનો પરિચય થયો. ગુલઝાર સંઘર્ષના દિવસોમાં, હવે તો સૌ જાણે છે એમ, ‘વિચારે મોટર્સ’માં કામ કરતા હતા. ત્યારે ત્યાં પોતાની ગાડીનું કામ કરાવવા આવતા કાલીદાસે પોતાનું નામ દઈને પહેલીવાર કામ માગવા બિમલ રોયના બંગાલી કેમ્પમાં તેમને પોતે મોકલ્યા હતા અને મીનાજી જોડે ગુલઝારનો પહેલો ઇન્ટ્રો પણ પોતે કરાવ્યો હતો એવો દાવો પણ કાલીદાસે કરેલો છે. ગુલઝારે એ વાતનો ઇનકાર કે તેની પુષ્ટિ કશું કર્યું ન હોઇ તેને અધ્યાહાર જ રાખીએ. મૂળ વાત એ કે ગુલઝાર અને મીના કુમારી બંનેની કાવ્યપ્રીતિ તે બેઉને એક પેજ પર લાવી હતી. પરંતુ, ગુલઝાર સાથેની મીના કુમારીની બેઠકોને કોઇ કાવ્ય ગોષ્ઠીનું સત્ર (એમ હોય તો પણ!) માને એ શક્યતા નહતી. કેમ કે ત્યાં સુધીમાં મીના કુમારીનું નામ ભારત ભૂષણ, પ્રદીપ કુમાર, અશોક કુમાર, રાજ કુમાર સહિતના તેમના હીરો સાથે સંકળાઇ ચૂક્યું હતું. તેમાં લેટેસ્ટ નામ ધર્મેન્દ્રનું જોડાયેલું હતું.
ધર્મેન્દ્ર ‘ફિલ્મફેર’ની પ્રારંભિક ટેલેન્ટ કોન્ટેસ્ટમાં વિજેતા થવાથી જેવી પણ ફિલ્મો મળે તેના નિર્માતાઓ જે કાંઇ ચૂકવે એવા ઓછા મહેનતાણાના સહારે મુંબઈમાં રહેતા હતા. તે દિવસોમાં ધર્મેન્દ્ર એક્ટિંગ કરતાં પોતાના શારીરિક સૌષ્ઠવને લીધે વધારે ફિલ્મો મેળવતા. એવામાં, 1962-63ના અરસામાં, મીના કુમારી સાથે ‘પૂર્ણિમા’ અને ‘મૈં ભી લડકી હૂં’ માટે તે પસંદ થયા. તે સમયનો મીના કુમારીનો રુતબો એવો જબરજસ્ત હતો કે ધર્મેન્દ્ર જેવા તેમના પ્રમાણમાં સાવ ઓછા જાણીતા અભિનેતા સાથે એ કામ કરવા તૈયાર થયાં એ જ મોટી વાત હતી. 1963નો ફિલ્મફેર એવોર્ડ જવાહરલાલ નહેરુનાં બહેન અને ગવર્નર એવાં વિજયાલક્ષ્મી પંડિતના હસ્તે 13મી જૂને અપાયો હતો. એ જ વિજયાલક્ષ્મી પંડિત અગાઉ એકવાર મીના કુમારી અને ધર્મેન્દ્રને આશ્ચર્યજ્નક સંજોગોમાં મળ્યાં હતાં. તેઓ ઉત્તરપ્રદેશના પ્રવાસ દરમિયાન બરેલીના સરકીટ હાઉસમાં પહોંચ્યાં, ત્યારે તેમના અચરજ વચ્ચે ત્યાંની લૉનમાં મીના-ધરમ બેઠેલાં હતાં!
મીનાકુમારી તે વખતે ‘ભીગી રાત’ના શૂટિંગ માટે નૈનિતાલમાં હતાં અને ધર્મેન્દ્ર તેમને મળવા બે દિવસ માટે ત્યાં હાજર હોઇ બંને ફરવા નીકળ્યાં હતાં. વિજયાલક્ષ્મી પંડિતે બેઉને પોતાના રૂમમાં બોલાવ્યાં. વાતો કરી અને મીના કુમારીના હાથમાંની કવિતાની નોટબુકમાં શ્રીમતી પંડિતે લખ્યું, ‘વીથ ઓલ બેસ્ટ વિશિસ એન્ડ બ્લેસિંગ્સ - ફોર ધી ફ્યુચર ઓફ મીના એન્ડ ધરમ’. આ વાત મીનાકુમારીએ જ જાહેર કરી હતી. નેચરલી, તેમના અંતરંગ સંબંધો ધીમે ધીમે ચર્ચાના ચગડોળે ચઢવા માંડ્યા હતા. તેને પગલે કમાલ અમરોહી સાથે મીનાજીને બોલાચાલી પણ થતી. એવા એક ઝગડા દરમિયાન મીના કુમારીએ સ્પષ્ટ શબ્દોમાં ‘તલાક’ની માગણી કરી હતી. કમાલ જાણતા હતા કે વાત વણસી રહી છે. કેમ કે મીના કુમારીએ ઘરમાં રહીને પણ ધર્મેન્દ્ર અને ગુલઝાર જેવા પુરુષ મિત્રો સાથે વારંવાર ફોન પર વાત કરીને પોતાનો ઇરાદો જાહેર કરી જ દીધો હતો. કમાલે એ પણ જોયું જ હતું કે ગુલઝારે પોતાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ચૌરસ રાતેં’ 1963મા પબ્લિશ કરાવ્યો, ત્યારે તે મીનાકુમારીને અર્પણ કર્યો હતો (ડેડીકેટેડ ટુ મીનાજી)!
એટલું જ નહીં, મીનાજીએ પોતાનો આવશ્યક સરસામાન ધીમે ધીમે તેમનાં ખાસ બેનપણી ચરિત્ર અભિનેત્રી અચલા સચદેવને (‘વક્ત’માં બલરાજ સહાની જેમને જોઇને ‘અય મેરી જોહરાંજબીં...’ ગાય છે તેમને) ત્યાં મૂકવા માંડ્યો હતો. કમાલ અમરોહીએ છૂટાછેડા આપવાની વાતને સ્વીકારી લેવાને બદલે વિનંતિભરી સમજાવટથી કામ લીધું અને ઘણાના મતે તેનું કારણ આર્થિક હતું. કારણ કે 1958મા શરૂ કરેલી તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘પાકીઝા’ પર ત્યાં સુધીમાં 40થી 45 લાખ રૂપિયા લાગી ચૂક્યા હોઇ અન્ય પુરુષો સાથેના સંબંધોથી પોતે અકળાતા હોવા છતાં ‘સ્ટાર મીનાકુમારી’ નારાજ ન થાય એ આર્થિક રીતે જરૂરી હતું. એ તકરારના અઠવાડિયા પછી પાંચમી માર્ચ 1964ના દિવસે 11 વાગે યોજાયેલા ‘પિંજરે કે પંછી’ ફિલ્મના મહૂર્ત નિમિત્તે મીના કુમારી સવારે ફિલ્મીસ્તાન સ્ટુડિયો જવા નીકળ્યાં તે અગાઉ પણ કમાલ સાહેબ સાથે ઝગડો થયેલો હતો. એ સ્ટુડિયો પહોંચ્યાં, ત્યારે ગુલઝાર ત્યાં હાજર હતા.
ગુલઝારને તેમણે પોતાની સાથે ઉપર આવવા કહ્યું. પણ તેમની યહુદી હેર ડ્રેસર બર્થા કે જેને મીનાજી લાડથી ‘યહુદન’ કહેતાં તેણે માહિતી આપી કે કોઇને પણ તમારા મેકઅપરૂમમાં નહીં જવા દેવાના એવી સૂચના બાકર સા’બે આપેલી છે. તે સૂચનાની કશી અસર ન હોય એમ ગુલઝારને પોતાની સાથે જ આવવા કહ્યું. ઉપર બાકર હાજર હતા. ત્યાં ગુલઝારને અંદર જવા દેવા કે નહીં એ વાતે ઝગડો વધ્યો અને મીના કુમારીએ બૂમાબૂમ કરીને તે દિવસે જે કહ્યું તે સૌએ સાંભળ્યું, ‘ક્યું નહીં આને દેતે? મેરે મેકઅપ રૂમ મેં ક્યા હોતા હૈ? ક્યા મૈં રંડી હું? અગર હું તો હું....’ બાકરે પિત્તો ગુમાવીને મીના કુમારીને એક થપ્પડ મારી દીધી! હવે મીના કુમારી તે સમયનાં સૌથી લોકપ્રિય સ્ટાર અને તેમને આ રીતે તમાચો પડે પછી શું હાલત થાય? ગુસ્સો અને આંસુ બંને ભેગાં થયાં. જોયુંને પોતે કેવી કેદમાં છે? એ કહાણી કહેતાં કહેતાં ત્યાં હાજર ઇન્ડસ્ટ્રીના બધા લોકોની હાજરીમાં મીનાજીએ બાકરને ખુલ્લેઆમ કહી દીધું ‘કમાલ સાહેબને કહી દેજે હવે હું ઘેર પાછી નહીં આવું…!’ સમાચાર ફેલાતાં એ જ સ્ટુડિયોમાં હાજર એવાં નરગીસજી પણ દોડી આવ્યાં.
નરગીસને સૌ ‘બેબીજી’ કહેતા અને એક રીતે જુઓ તો એક સમયની બંને હરીફો. નરગીસ જ્યારે ‘મધર ઇન્ડિયા’ માટે નોમિનેટ થયાં તે સાલ મીના કુમારી પણ ‘શારદા’ની ભૂમિકા બદલ ‘બેસ્ટ એક્ટ્રેસ’ના ફિલ્મફેર એવોર્ડ માટે ઉમેદવાર હતાં. બેઉની પ્રકૃતિનો ફરક બતાવવા સિનિયર પત્રકાર બન્ની રુબેને તે વખતનો એક કિસ્સો તેમની 1993મા પબ્લિશ થયેલી સિરીઝ ‘બોલિવુડ ફ્લેશબેક’માં ટાંક્યો છે. તે સાલની બંને નોમિનેટેડ હિરોઇનોને ફિલ્મફેરના સેન્ટર-સ્પ્રેડમાં (વચ્ચેના બેઉ પાનાં પર) સાથે ઊભી રાખીને એક ફોટોગ્રાફ મૂકવો એમ તંત્રીએ નક્કી કર્યું અને એ પ્રોજેક્ટની જવાબદારી ત્યારે એ મેગેઝિનમાં કામ કરતા બન્ની રુબેનને સોંપવામાં આવી. તેમના કહેવા પ્રમાણે મીના કુમારી તૈયાર હતાં. ‘બેબીજી અગર માન જાયે તો આપ જહાં કહેંગે મૈં ફોટો કે લિયે આ જાઉંગી.’ બન્નીજીએ લખ્યું છે કે નરગીસ સંમત ન થયાં. એ જ રીતે બે હીરોઇનોવાળી એક ફિલ્મની દરખાસ્ત કરવાનું બન્ની રુબેનના એક મિત્ર નિર્માતાએ કામ સોંપ્યું હતું. ત્યારે પણ મીનાજીએ વાર્તા સાંભળ્યા વગર કોરો ચેક આપી દીધો હતો કે ‘બેબીજી’ને જે રોલ પસંદ પડે એ તે લે અને અન્ય રોલ હું લઈશ. નરગીસની સંમતિ ન મળતાં એ પ્રોજેક્ટ શરૂ જ ના થયો. નરગીસને બે નાયિકાના પિક્ચરમાં ક્રેડિટ વહેંચાઇ જવાની ભીતિ હશે અથવા એવી સ્પર્ધાને મીડિયા બિનજરૂરી ચગાવશે તો એક સારી બેનપણીને ગુમાવવાનો વારો આવશે એમ માનતાં હશે એ તો કોણ જાણે. પણ ઝગડાના દિવસે નરગીસે તાત્કાલિક દોડી આવીને મીના કુમારીને સલાહ અને માર્ગદર્શન બેઉ આપ્યાં.
નરગીસે પોતાના રાજકીય સંપર્કો કામે લગાડ્યા. તેમણે મુંબઈના અગ્રણી કોંગ્રેસી અને બેરિસ્ટર એવા રજની પટેલનો સંપર્ક કર્યો. એટલા માટે કે હવેની લડાઇ લિગલ થવાની હતી અને મીનાજીને પોતાની સુરક્ષાની પણ બીક હતી. રજની પટેલે પોતાના આસિસ્ટન્ટ એવા વકીલ કિશોર શર્માને કામે લગાડ્યા. શર્માજીએ પ્રથમ તો પોલીસમાં નાની લેખિત ફરિયાદ અપાવી કે મીના કુમારીને જાનનું જોખમ હતું. પણ સવાલ એ હતો કે ઘર છોડીને હિરોઇન રહેશે ક્યાં? કિશોર શર્માએ મીના કુમારીને પડદાવાળી ગાડીમાં બેસાડ્યાં અને કમાલ સાહબ કે બાકર અલીના લોકોની નજરથી બચાવવા કાર મુંબઈના રસ્તાઓ પર તે દિવસે ઇધર-ઉધર ફરતી રહી. મીનાજીના મિત્રોનો સંપર્ક કરાતો હતો. પરંતુ, કોઇ તૈયાર થતા નહતા. પતિ-પત્નીના ઝગડામાં કોણ વચ્ચે પડે અને તે પણ આવા હાઇપ્રોફાઇલ કેસમાં? મીના કુમારીનાં બેન મધુ જે મેહમૂદ સાથે પરણ્યાં હતાં તેમને ત્યાં સંપર્ક કર્યો. મેહમૂદ સંમત થયા. તેમણે સૂચવ્યું કે મધરાતના અરસામાં આવો તો ઘરમાં રહેતા ડઝનબંધ લોકો સૂઇ ગયા હોય અને કમાલ પણ તપાસ કરવા આવવાના હોય તો ત્યાં સુધીમાં આવી જાય. અડધી રાત ગયે મીનાકુમારીને પોતાનાં બેન-બનેવીને ત્યાં લાવવામાં આવ્યાં. તેમને મેહમૂદે ઉપરનો એક રૂમ અલગથી ફાળવી તૈયાર કરાવી રાખ્યો હતો. મોડી રાત્રે કમાલ અમરોહી મેહમૂદને ત્યાં આવી પહોંચ્યા. જોયું તો દરવાજે પોલીસ બેઠેલી હતી. (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર