મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (1)

28 Oct, 2016
12:00 AM

સલિલ દલાલ

PC: learningandcreativity.com

પહેલી એપ્રિલનો દિવસ હતો અને સવારના પહોરમાં, વડોદરાની અમારી બોર્ડિંગની બાજુની ચાની દુકાને એક મિત્રએ સમાચાર આપ્યા, 'મીના કુમારી મરી ગઈ!' બધાના મોંમાંથી ‘હેં?’ નીકળે ત્યાં તો એમ કહેનારને હાજર પૈકીના એક દોસ્તે થપ્પડ ઠોકી દીધી. 'સા... આવી રીતે એપ્રિલ ફુલ બનાવવાના?' ગાળાગાળી અને સામસામા દાવાના એ ઝગડાનું નિરાકરણ જો કે બધાં અખબારોમાં આવેલા એ અમંગળ સમાચાર સૌએ જોયા અને ફરી પાછા ‘સૉરી, યાર...’ કહીને, કાયમની જેમ, એકબીજા સાથે ભેટીને આવ્યું. પણ 1972ની એ ઘટના એક હીરોઇનની જિંદગી સાથે લોકો લાગણીથી કેવા બંધાયેલા હોય છે એની ચરમસીમા તરીકે કાયમ માટે દિલ દિમાગમાં ચોંટી ગઈ. તે વર્ષોમાં સિનેમાની લગનીએ એવો તો નશો ચઢાવ્યો હતો કે અભ્યાસનું વાંચવા કરતાં ફિલ્મી અખબારો અને સામયિકોના વિશેષ બંધાણી થઈ જવાયું હતું. તે દિવસોમાં આવતા 'ગુજરાત સમાચાર' ગ્રુપના ‘ચિત્રલોક’ અને ‘સંદેશ’ના ‘ચિત્રજ્યોત’ કરતાં ફિલ્મી સાપ્તાહિકોમાં બદરી કાચવાલાના ‘પારસ’નો ઇન્તજાર સૌથી વધુ રહેતો. કેમ કે તેમાં આવતી તેમની કૉલમ ‘ખૂન ટપકેગા તો જમ જાયેગા’ અને સાથે સાથે ‘પાકીઝા’ના સેટની ઝીણી ઝીણી વિગતોને કારણે એ વીકલીની મઝા જ કોઇ ઓર હતી. 

‘પાકીઝા’ રજૂ થયું હતું તે જ સાલ 1972માં, 20મી ફેબ્રુઆરીએ. હવે એ દિવસો એવા હતા જ્યારે પોતાને ‘સદગૃહસ્થ’ માનતાં દૈનિકો ફિલ્મો વિશેના કોઇ ન્યૂઝ અથવા માયાનગરીમાં બનતી કોઇ ઘટનાની કશી પણ ‘ચર્ચા’ ના કરે. હા, શુક્રવારે ફિલ્મોની જાહેરાતો પાનું ભરીને છાપે, પૈસા જરૂર કમાય. પણ ફિલમની દુનિયાની ખબરો મુખ્ય અખબાર માટે અસ્પૃશ્ય! અરે, દિલીપ કુમાર જેવા તે સમયના સૌથી લોકપ્રિય એક્ટર/સ્ટારનાં એટલાં ચોંકાવનારાં લગ્ન (44 વર્ષના દુલ્હા સાથે 22 વર્ષની દુલ્હન) છતાં કોઇ મોટી ન્યૂઝ આઇટમ નહીં. તેનો રેફરન્સ લઈને ચર્ચા કદાચ કોઇ મહિલા સમર્થક લેખક/લેખિકા કરે  તો પણ દિલીપ કુમાર કે સાઇરાબાનુના નામને બદલે ‘એક આધેડ ઉંમરના અભિનેતાએ હજી યુવાનીમાં ડગ માંડતી અભિનેત્રી સાથે જ્યારે લગ્ન કર્યાં...’ એમ ઉલ્લેખ થતો. (અને શિર્ષક પણ કદાચ આવું ફિસ્સું અપાતું... ‘જીવનસાથીમાં વય તફાવત અને દાંપત્ય’!)  એટલે સિનેમાની ખબરો માટે ફિલ્મ સામયિકોનો એક માત્ર સહારો, જે હેર કટિંગ સલુનમાં જ વધારે જોવા મળે. સારા ઘરમાં એ પૈકીનું કોઇ મેગેઝિન કે સાપ્તાહિક કોઇ લઈ આવે તો પણ તેને ડ્રોઇંગરૂમમાં ના મૂકાય. 

 

એવા મરજાદી વાતાવરણને લીધે ફિલ્મો અને તેના કલાકારો માટેના સમાચારોમાં ‘અંદર કી બાત’ માટે ગુજરાતી ‘પારસ’ સાપ્તાહિક શ્રેષ્ઠ રહેતું. એટલે ‘પાકીઝા’ની રજૂઆત ધામધૂમથી થઈ હોવા છતાં પહેલા શનિવારે અને રવિવારે તો સાંજે છથી નવ જેવા અમુક શૉમાં ટિકિટ આરામથી મળતી હતી. મીના કુમારીના અભિનયના ચાહકો માટે એ દ્દશ્ય ભારે આંચકા સમાન હતું. તે વખતે આવનારા ‘પિચ્ચર’ના ફોટા જોવા જવું અને પછી પહેલા દિવસે પહેલા શૉમાં થતી પડાપડી, મારામારી, બ્લેકમાં વેચાતી ટિકિટો એ બધું જોવા જવાનું કે પછી પ્રથમ શૉમાંથી નીકળતા પ્રેક્ષકોના મોંએ ‘રિવ્યૂ’ સાંભળવાનો એ બધું અમારા જેવા કોલેજિયનો માટે ભણવા જેટલું જ અગત્યનું હતું! એવા સમયે ‘પાકીઝા’ને પડેલો માર અસહ્ય દેખાતો હતો. છતાં અત્યારના જેવી બ્રેકિંગ ન્યૂઝની સવલત નહીં હોવાથી એમ થતું કે એ સ્થિતિ માત્ર વડોદરા જેવા એકાદ શહેરમાં હશે. પણ જ્યારે ફિલ્મી સાપ્તાહિકો આવ્યાં ત્યારે સમજાયું કે ધબડકો ભારતવ્યાપી હતો. તે પછીના દિવસોમાં આવેલાં ફિલ્મી સાપ્તાહિકોમાં પ્રિમિયરના ફોટાની સાથે પિક્ચર ભારે નુકશાન કરશે એમ આગાહી કરનારા લોકોની સામે સર્જક કમાલ અમરોહીનો આશાવાદ પણ હતો. કમાલ અમરોહીએ ‘થોડાં અઠવાડિયાં રાહ જુઓ પિક્ચર ધીમે ધીમે પિક અપ કરશે’ એમ કહ્યું હતું. પરંતુ, મઝા એ હતી કે કમાલ અમરોહી અને મીનાકુમારીના જગજાહેર તણાવભર્યા સંબંધોને લીધે ઘણા ચાહકોને, ખાસ કરીને મહિલા પ્રશંસકોને, તો પોતાની પ્રિય અભિનેત્રી પર ત્રાસ ગુજારનાર પતિને થતી એ યોગ્ય સજા લાગતી હતી!

મહિલા દર્શકોમાં મીનાકુમારીએ પડદા ઉપર ભજવેલાં પાત્રોથી તેમની ઇમેજ આદર્શ ભારતીય નારીની હતી. કપાળમાં મોટો ચાંદલો, વાળમાં વચ્ચેથી પાડેલી પાંથી, નાયિકા પરિણિતા હોય તો સેંથીમાં સિંદુર હોય, મોટેભાગે સાડી પહેરી હોય અને તે પણ શરીરનાં અંગો ઢંકાયેલાં રહે એવાં અડધી, પોણી કે આખી બાંયવાળાં બ્લાઉઝ સાથે! તેમના ચહેરા અને આંખોમાં કરુણા સતત છલકતી લાગે અને અવાજમાં ભારોભાર દર્દ ટપકતું હોય. મીનાકુમારી સાથેનો અમારો એક પ્રેક્ષક તરીકેનો પરિચય તો વડોદરાની એકાદી ટોકીઝમાં (મોટેભાગે તો નવરંગ ટોકીઝમાં યોજાતા જૂની ફિલ્મોના રેગ્યુલર મોર્નિંગ કે મેટિની શોમાં) ‘ચિરાગ કહાં રોશની કહાં’ જેવી કોઇ ફિલ્મથી થયો હતો. તેમની ફિલ્મો મોટેભાગે સામાજિક વાર્તાવાળી હોય અને ગાયનો કર્ણપ્રિય હોય. ક્યારેક એ ‘દિલ એક મંદિર’માં ‘રૂક જા રાત ઠહર જા રે ચંદા...’, ‘હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે...’ જેવાં પતિ-પ્રેમનાં ગીત ગાતાં હોય, તો ક્યારેક એ પોતાની જીવનકથાને કવિતામાં વર્ણવતાં હોય એમ ‘દિલ અપના ઔર પ્રીત પરાઇ’નું ગાયન ‘અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ, યે મંઝિલેં હૈં કૌન સી, ન વો સમઝ સકે ન હમ...’ ગાય,  ‘ગઝલ’માં ‘નગ્મા-ઓ-શેર કી સૌગાત કિસે પેશ કરું...’ સરખી શાયરી ગાતાં હોય અને સાધુ થવાની માન્યતાઓને ધરમૂળથી હચમચાવી નાખનારી અમારી પ્રિય કવિતા ‘સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે?’ તેમના મુખેથી ‘ચિત્રલેખા’માં સાંભળવા મળે. (યે પાપ હૈ ક્યા ઔર પૂન્ય હૈ ક્યા, રીતો પર ધર્મ કી મોહરે હૈ.... હર યુગ મેં બદલતે ધર્મોં કો કૈસે આદર્શ બનાઓગે?) લીસ્ટ લાંબુ છે. આ તો છાલક જ!

 

તેમની સામાજિક ફિલ્મ જોતાં પહેલી છાપ એ પડે કે આપણે જાણે મધ્યમવર્ગના કોઇ પરિવારના ઘરમાં એક બાજુ પર બેઠા હોઇએ. તેમાં મીનાકુમારી એટલે બધો ત્રાસ સહન કરવા છતાં એ સામે બંડ કરવાને બદલે ‘તોરા મન દર્પન કહેલાયે, ભલે બુરે કર્મોં કો દેખે ઔર દિખાયે....’ (કાજલ) જેવા સદવિચારોના શરણમાં આશરો લેતી સ્ત્રી હોય! એવા, એટલે કે મજબૂર ઔરતના, રોલ મીનાકુમારીએ એટલી મોટી સંખ્યામાં કર્યા હતા કે તે અસલી જિંદગીમાં પણ એવાં જ કહ્યાગરાં  કે ગરીબડાં હશે એમ માનવાનું મન થાય. પરંતુ, તેમની જીવનકથા જેમ જેમ જોઇશું એમ એમ સમજાશે કે મીનાકુમારી તે સમયના પુરુષપ્રધાન સમાજ સામે પડવાની એક આગવી મિસાલ હતાં. જો તેમના પતિનાં પોતે ત્રીજાં પત્ની હતાં, તો એ પોતે પણ પોતાના અન્ય પુરુષો સાથેના લગ્નેતર સંબંધોને કારણે કદી શરમાયાં હોય એવું જાણમાં નથી. તેમના એવા જાણીતા સંબંધોમાં અશોક કુમાર, પ્રદીપ કુમાર, ભારત ભૂષણ કે ધર્મેન્દ્ર જેવા સહઅભિનેતાઓ પણ હોય અને ગુલઝાર સરખા શાયર પણ. તેમના શાયરી-પ્રેમની પરાકાષ્ટા જુઓ કે પોતાની શાયરીઓ અને ડાયરીઓનો હવાલો, મીનાજીએ  તેમના વસિયતનામા દ્વારા ગુલઝારને સોંપ્યો હતો. મીનાકુમારીની જીવનકથામાં ગુલઝારનું એક આગવું મહત્ત્વ છે. ગુલઝારના જ મુદ્દે થયેલા એક મોટા ઝગડાને કારણે મીનાજીએ પોતાના પતિનું ઘર કાયમ માટે 1964મા છોડ્યું હતું. 

 

ગુલઝાર ત્યારે હજી સિનેમામાં પગ જમાવવાની કોશીશ કરતા સ્ટ્રગલર હતા. બિમલ રોય પ્રોડક્શનની ફિલ્મ ‘બેનઝીર’ના એ ચીફ આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા, જેમાં મીનાકુમારી નાયિકા હતાં. હીરો હતા શશિકપૂર જેમણે ‘ધર્મપુત્ર’ ફિલ્મથી હજી ત્રણેક વર્ષ પહેલાં જ 1961મા શરૂઆત કરી હતી. તેથી એ પ્રોજેક્ટમાં હીરોઇન મીનાકુમારી એક સિનિયર કલાકાર અને તેમના મુડને સાચવવો એ મુખ્ય સહાયકની મોટી જવાબદારી. એ મહિલા સ્ટાર જો શાયરી પણ કરી લેતાં હોય અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ કવિજીવ હોય તો? કેવું સરસ કમ્ફર્ટ લેવલ થાય? ગુલઝારે મીનાકુમારીની  ખિદમત તેમની  કવિતાઓને મઠારીને કરી હોવાની પણ ચર્ચા હતી. સામે પક્ષે મીનાજીના ચાહકો એમ માનતા હતા કે ગુલઝાર કરતાં ઉંમરમાં બે વરસ તે મોટાં હોઇ અને ‘નાઝ’ના નામે ઓલરેડી શાયરી કરનાર એ સ્ટાર એક્ટ્રેસે નવા નિશાળિયા સંપૂરણસિંગને કવિતાનો વિશેષ રંગ લગાડવામાં સહાયતા કરી હશે. કેમ કે ગુલઝાર તો ‘ગીતકાર’ તરીકે ‘મોરા ગોરા રંગ લઈ લે’ એ તેમનું પહેલું ગીત 1963ની ફિલ્મ ‘બંદિની’માં લખે તેનાય બે વરસ પહેલાં ‘બેનઝીર’નું શૂટિંગ થતું હતું. 

 

તેથી કોણે કોને મદદ કરી હશે એ ચર્ચવાને બદલે એ કમ્ફર્ટ લેવલને લીધે કવિતાના ભાવકોને જે પ્રાપ્ત થયું તે કેવું અણમોલ હતું એ જ આપણા માટે અગત્યનું છે. મીનાજીએ ‘આઇ રાઇટ, આઇ રિસાઇટ’ આલબમમાં પોતાના પુરકશિશ અવાજમાં સંગીતકાર ખય્યામ સાહેબના નિર્દેશનમાં પેશ કરેલી આ પંક્તિઓ તો જુઓ.... 

 

જબ ચાહા દિલ કો સમઝેં, હંસને કી આવાઝ સુની 

જૈસે કોઇ કહતા હો, લે ફિર તુઝ કો માત મિલી 

માતેં કૈસી ઘાતેં ક્યા, ચલતે રહના આઠ પહર

દિલ સા સાથી જબ પાયા, બેચૈની ભી સાથ મિલી! 

 

ગુલઝારને પોતાની શાયરીના વારસ મીનાકુમારીએ બનાવ્યાની વાત તેમના અવસાન પછી બહાર આવી ત્યારે આશ્ચર્ય વ્યક્ત થતું હતું. કેમ કે છેલ્લા દિવસોમાં પતિ-પત્નીનો સુમેળ થયાની વાતોનો તેનાથી છેદ ઉડતો હતો. સૌ જાણતા હતા કે પતિ કમાલ અમરોહી ખુદ એક શાયર હતા. બલ્કે મીના-કમાલની લવ સ્ટોરીનો પ્રારંભ પણ બેઉના શાયરી-પ્રેમને લીધે થયો હતો. છતાં વીલમાં પતિને એ સાહિત્ય નહતું સોંપ્યું. વળી, મીનાજીનો  કવિતા અને કવિઓ માટેનો સૉફ્ટ કોર્નર અકારણ પણ નહીં હોય. શું એ તેમને વારસામાં મળ્યો હશે? કારણ કે લાંબા સમય સુધી ઘણા લોકોને ખબર નહતી કે ધર્મે મુસ્લિમ મીનાકુમારીની માતાનાં મૂળિયાં હિન્દુ પરિવારમાં હતાં અને તે પણ સાહિત્યનું નોબલ પારિતોષિક મેળવનાર કવિવર રવીન્દ્રનાથ ટાગોરના કુટુંબમાં હતાં! (વધુ આવતા અંકે)

       

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.