મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (7)
મીના કુમારી પિતાજીનો ગુસ્સો જોઇને ખમી ગયાં અને બીજે દિવસે મેહબૂબ ખાનના સેટ પર હાજર થયાં. પણ લાગ મળતાં જ ખાન સાહેબને કહી દીધું કે પોતાની પાસે સળંગ એક મહિનાની તારીખો નહીં હોય. મેહબૂબ સાહબને એમ કે અલી બક્ષે પૈસા લીધા છે, એટલે તારીખો એડજ્સ્ટ કરશે જ ને? આમ પણ મીનાજીની ડેટ-ડાયરી અને પૈસાનો વહીવટ તેમના અબ્બાજાન જ કરતા હતા. એટલે 13મી ઓગસ્ટ સુધી ‘અમર’નું શૂટિંગ બરાબર ચાલ્યું. પરંતુ, તે સાંજે મીના કુમારીએ ચોખવટ કરી દીધી કે આવતીકાલથી પોતે એ સેટ પર નહીં પણ બોમ્બે ટોકિઝમાં કમાલ અમરોહીના ‘દાએરા’ના શૂટ પર હાજર થશે. બીજી સવારે મેહબૂબ ખાનનો ફોન આવી ગયો હોઇ બાપ-દીકરી વચ્ચે બોલાચાલી થઈ અને અલી બક્ષે સ્પષ્ટ કહી દીધું કે જો મહજબીન ‘અમર’ના શૂટિંગ પર હાજર નહીં થાય, તો ‘ઇકબાલ મેન્શન’ના દરવાજા કાયમ માટે બંધ થઈ જશે. આ એ જ મકાન હતું જે મીનાકુમારીની કમાણીથી ખરીદાયું હતું અને જ્યાં તેમનાં અમ્મીજાન ઇકબાલબાનુ માત્ર 18 જ મહિના રહ્યા પછી ફેફસાંની બીમારીમાં અવસાન પામ્યાં હતાં. તેથી મીનાજીનો એ ઘર સાથેનો ઇમોશનલ લગાવ પિતા જાણતા હતા. તેમને ખાત્રી હતી કે છોકરી એ ઘર સાથેનો નાતો તોડી નહીં શકે. પણ એમાં જ એ થાપ ખાઇ ગયા!
મીના કુમારી ‘અમર’ના સેટ પર ધરાર ના જ ગયાં. કમાલ અમરોહીના ‘દાએરા’નું શૂટિંગ કરીને સાંજે ઘેર પહોંચ્યાં ત્યારે પિતાજીએ તેમના રાબેતા મુજબના ગુસ્સૈલ ટોનમાં ‘ખબરદાર’થી શરૂ થતા પ્રવેશબંધીના આદેશનું ફરમાન કર્યું. મીનાજીએ કોઇપણ પ્રકારની માફી માગવાને બદલે એટલા જ સ્વસ્થ સ્વરે નાની બેન મીના પાસે પોતાની પંદર-વીસ સાડીઓ અને અંગત સામાન મગાવી લીધો. એટલું જ નહીં, એ પણ કહીને ગયાં કે જે ગાડીમાં પોતે જઈ રહ્યાં હતાં તે પણ બીજે દિવસે પાછી મોકલી આપશે. ત્યાંથી જ્યારે તે સાયણ કમાલ અમરોહીને ત્યાં પહોંચ્યાં, ત્યારે કમાલ હજી સ્ટુડિયોથી પાછા નહતા આવ્યા. પોતાને સાસરે સત્તાવાર પહેલી વાર આવવા છતાં ‘દુલ્હન’નું સ્વાગત કરવા એકાદ નોકર સિવાય કોઇ હાજર નહતું. એ કેવું લોખંડી મનોબળ હશે કે પોતાના પૈસે ખરીદાયેલાં ઘર, ગાડી વગેરે જેવાં એશોઆરામનાં તમામ સાધનોને ઠોકર મારીને એ પિયરમાંથી સાસરે જવા નીકળી ગયાં હશે! પેલી બાજુ ‘અમર’માં મીના કુમારીનું સ્થાન ભરવા મધુબાલાને લવાયાં અને દિલીપ કુમાર સાથેના તેમના સંબંધોને ગાઢ થવાનો વધુ સમય મળ્યો.
‘અમર’માં દિલીપ કુમાર સામે મીનાજીની જગ્યાએ મધુબાલા આવ્યાં અને અંતે ‘મુગલ-એ-આઝમ’નો ઇતિહાસ સર્જાયો, એ અલગ કહાણી છે. પણ મીના કુમારીએ જો ‘અમર’માં કામ કરે રાખ્યું હોત અને મેહબૂબ ખાનની ગુડ બુકમાં રહ્યાં હોત તો? ‘મધર ઇન્ડિયા’ની કાસ્ટિંગ વખતે મેહબૂબને નરગીસ સાથે સમાધાન કદાચ ના કરવું પડ્યું હોત. નરગીસે મેહબૂબના ‘અંદાઝ’ પછીના પિક્ચર ‘આન’માં ઇનકાર કરતાં નવી અભિનેત્રી નાદીરાને પ્રથમવાર પડદે ચમકવાનો ચાન્સ આપ્યો હતો. (નાદીરા આગળ જતાં કેવાં જાજરમાન એક્ટ્રેસ સાબિત થયાં એ વિશે તો ‘આન’ પછીની ‘શ્રી ૪૨૦’ અને ‘દિલ અપના ઔર પ્રીત પરાઇ’થી માંડીને ‘જુલી’માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ‘ફિલ્મફેર’ એવોર્ડ પ્રાપ્ત કરવા સુધીની તેમની સફર ઘણું કહી જાય છે.) પણ મેહબૂબે ‘મધર ઇન્ડિયા’ વખતે ‘આન’ની કડવાહટ ભૂલીને નરગીસને પાછાં બોલાવ્યાં હતાં એ બધાં સિનેમાની દુનિયાના ‘જો અને તો’નાં જાણીતાં પ્રકરણો છે. જો મીના કુમારી મેહબૂબનાં ‘મધર ઇન્ડિયા’ બન્યાં હોત અને મૂળ કાસ્ટિંગ અનુસાર દિલીપ કુમાર જ ‘બિરજુ’ બન્યા હોત તો? તો નરગીસ અને સુનિલ દત્તનાં લગ્ન થાત ખરાં? તો સંજય દત્તની સ્ટોરી શું હોત? જો ‘અમર’માં દિલીપ-મીનાની જોડી ટકી હોત તો ‘મુગલ-એ-આઝમ’માં ‘અનારકલી’ની ભૂમિકા માટે મીનાકુમારીની તકો કેટલી બધી ઉજ્જવળ હોત. કારણ કે કમાલ અમરોહીએ જ મુગલિયા સલ્તનતના એ કાલ્પનિક પાત્ર ‘અનારકલી’ની કથા સૌ પ્રથમ લખી હતી, જેના ઉપરથી જ ‘મુગલ-એ-આઝમ’ બન્યું હતું અને તેમની ‘અનારકલી’ તો મીનાજી જ હતાં! (યાદ છે ને હાથ પર લખ્યું હતું?....‘મેરી અનારકલી’!)
‘મગર યે હો ન સકા...’ એમ ‘કભી કભી’ના અમિતાભની જેમ કહીએ, તો ‘અબ યે આલમ થા કી...’ મીનાકુમારીએ પિક્ચર અને પિતાનું ઘર બંને છોડી દીધાં હતાં. બીજે દિવસે સવારે 15મી ઓગસ્ટ હતી. તેમણે પિતાજીને એક નાનકડો પત્ર લખીને તેમને કોર્ટ-કચેરીના લફરામાં નહીં પડવા અને બધી સ્થાવર-જંગમ મિલકત તેમની જ રહેશે એ લેખિત ખાત્રી પણ મોકલી આપી. તે દિવસ હતો તાજા સ્વતંત્ર થયેલા દેશમાં મુક્તિનો ઉત્સવ ઉજવવાનો. ત્યારે મીના કુમારીને પણ લાગ્યું હશે કે પોતે પણ સાચા અર્થમાં આઝાદ થયાં હતાં. પરંતુ, એ પણ કેવી મોટી ગેરસમજ હતી એ સમજતાં બે-ત્રણ વરસથી વધુ વાર ન લાગી. તેમને અનુભવ થવા માંડ્યા કે માત્ર જેલ બદલાઇ હતી. બાકી કેદખાનું તો અહીં પણ હતું જ. બલ્કે અહીં તો જેલર પણ કડક હતા અને તે પણ પતિ કમાલ અમરોહી નહીં, પણ તેમના મિત્ર-કમ-સેક્રેટરી બાકર અલી હતા! હવે ફિલ્મોની તારીખોનો અને પેમેન્ટનો વહીવટ બાકર પાસે હતો. પિક્ચરોની નવી દરખાસ્તો કમાલ સાહેબની ચાળણીમાં ચળાઇને મંજૂર થતી હતી, જેનો પૂરતો જશ પણ પછીનાં વર્ષોમાં કમાલ અમરોહીએ લીધો. સુરૈયા જેવી મીનાજીની બહેનપણીએ પણ તે સંદર્ભે જે કહેલું છે તે ઘણું બધું કહી જાય છે.
સુરૈયાએ પત્રકાર શીલા વેસુનાને 1997ના માર્ચ મહિનાના ‘મુવી’માં કહેલું છે કે મીના કુમારીની લગ્ન પહેલાંની ફિલ્મોમાં તેમના પિતાજીની પસંદગી દેખાય છે અને લગ્ન પછીનીમાં કમાલ અમરોહીની સ્ક્રિપ્ટની ધારદાર સમજ વર્તાય છે. જ્યાં અગાઉ ‘શ્રી ગણેશ મહિમા’ અને ‘હનુમાન પાતાલ વિજય’ જેવી ધાર્મિક અથવા ‘અલ્લાઉદ્દીન એન્ડ વન્ડરફુલ લેમ્પ’ જેવી ફેન્ટસી ફિલ્મો તેમના નામે હતી, ત્યાં હવે બિમલ રોયની ‘પરિણિતા’થી માંડીને બી.આર. ચોપરાની ‘એક હી રાસ્તા’ સરખી સોશિયલ કૃતિઓ હતી. સુરૈયાજીના આ નિરીક્ષણમાં જો કે એક હકીકતનો ફરક છે. જે વખતે પસંદગી પિતા પાસે હતી ત્યારે મીનાજી નવાં હતાં અને જે ફિલ્મ મળે તે સ્વીકારવી એ પરિવારની આર્થિક જરૂરિયાત પણ હતી. છતાં ‘બૈજુ બાવરા’ એ જ સમયમાં સાઇન કરાઇ હતી, જેની સફળતા પછી મીના કુમારી ‘સ્ટાર’ બની ચૂક્યાં હોવાથી કોઇપણ તેમની કરિયરનો વહીવટ કરતું હોત પણ, ‘એ’ ગ્રેડની ફિલ્મોની જ ઓફરો આવી હોત. કમાલ અમરોહીની નજર સારી વાર્તા-પટકથાને જોઇ જ શકતી હોવાના સુરૈયા જેવા સૌના દાવાને નકારે એવી હકીકત એ હતી કે ‘સાહિબ બીબી ઔર ગુલામ’ સરખી ક્લાસિકને સ્વીકારવાની કમાલે ના પાડી હતી!
વળી, કમાલ સાહેબ પાસે તો મોટાભાગની દરખાસ્તો બાકર અલીની પ્રાથમિક સુનાવણીમાંથી પસાર થયા પછી જ આવતી અને ત્યાં જ્ઞાનના અભાવે થતા ગોટાળાને લીધે મીનાકુમારીને ‘દેવદાસ’ની ઓફરની જાણ પણ નહતી થઈ! બાકર અલીને બિમલ રોયે કહ્યું કે પોતે ‘દેવદાસ’ બનાવી રહ્યા છે. ત્યારે બાકરનો સામો સવાલ 'સ્ટોરી ક્યા હૈ?' મીનાકુમારીને પોતે ‘પારો’નો રોલ ઓફર કરી રહ્યા છે એમ કહેતા બિમલદાને ફરીથી એ જ પ્રશ્ન પૂછાયો, 'લેકિન કહાની ક્યા હૈ, યે તો સુનાઇયે?' એક બંગાળી સર્જકને શરદબાબુની આટલી જાણીતી નોવેલથી અજાણ હીરોઇનને સાઇન કરવામાં શું રસ રહે? નિરાશ બિમલ રોયે અંતે દિલીપ કુમાર અને વૈજયંતિમાલા (ચંદ્રમુખી) સાથે બંગાળી સ્ટાર સુચિત્રા સેનને ‘પારો’ તરીકે લઈને એ નવલકથાને હિન્દી પડદે ઉતારી. મીના કુમારીને પોતાના એ લૉસની ખબર બિમલદા સાથે ‘બેનઝીર’ કરી ત્યારે પડી. બાકર અલીનું કામ પિક્ચરોની દરખાસ્તો અને પેમેન્ટ વગેરેના વહીવટની સાથે સાથે કમાલે મંજૂર કરેલી સુધારેલી શરતોનું પાલન થાય તે જોવાનું પણ હતું. લગ્ન પછી શરતોમાં બદલાવ અવ્યો હતો!
જે શરતો શાદી કરતી વખતે નક્કી કરી હતી તેનો અર્થ હતો કે મીના કુમારીએ એક્ટ્રેસ મટીને ગૃહિણી બનવાનું હતું. પરંતુ, લગ્નના આરંભે જ પત્નીનો સામાજિક અને વ્યાવસાયિક મોભો પતિ કરતાં કંઇક ગણો ઊંચો થઈ ચૂક્યો હતો. ખૂટતું હોય એમ, કમાલ અમરોહીના જે પિક્ચરને ખાતર ‘અમર’ જેવી ફિલ્મ અને પિતાનું ઘર બંને છોડ્યાં હતાં તે ‘દાએરા’ બોક્સઓફિસ પર ખરાબ રીતે પિટાઇ ગઈ હતી. મુંબઈમાં રિલીઝ થયા પછી બે જ દિવસમાં ઉતરી ગઈ હતી. (રવિવાર પણ ના જોઇ શકનાર ફિલ્મને ધંધાની ભાષામાં ‘પાની તક નહીં માંગા’ કહેવાતી હોય છે!) સામે પક્ષે મીનાજીનો સિતારો બુલંદ થતો જતો હતો. તેમને સળંગ બીજા વર્ષે ‘બેસ્ટ એક્ટ્રેસ’નો ફિલ્મફેર એવોર્ડ (ગુજરાત-મહારાષ્ટ્ર બેઉ જેમાં સમાવિષ્ટ હતાં એવા મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી) મોરારજીભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં વિશાળ જનમેદની સમક્ષ અપાયો હતો. દરમિયાન કમાલ અમરોહી અને મીનાકુમારી સાયણથી ધનપતિઓના વિસ્તાર પાલીહિલમાં ‘રેમ્બ્રેન્ડ્ટ’ નામની બિલ્ડિંગના ફ્લેટમાં શિફ્ટ થયા હતા. ત્યાં રિટાયર થવાના વચનની યાદ અપાવતા ‘ચંદન’ને એક દિવસ ‘મંજુ’એ સ્પષ્ટ ચોઇસ આપી દીધી. 'કાં તો મને ફિલ્મોમાં કામ કરવા દો, નહીંતર તલાક આપો!' આ વાત મીના કુમારીના અવસાન પછી તરતના સમય (1972)મા કમાલ અમરોહીએ પોતે જ પત્રકાર વિનોદ મેહતાને કહી હતી.
મીનાકુમારીના એ અલ્ટિમેટમ પછી વચલો રસ્તો કઢાયો. ‘મંજુ’ હજી પણ ફિલ્મોમાં કામ કરી શકશે પણ તેણે (1) સાંજે સાડા છ વાગે ઘેર પાછા આવી જવાનું (2) મેક-અપ રૂમમાં મેક-અપ આર્ટિસ્ટ સિવાય કોઇને આવવા નહીં દેવાના અને (3) શૂટિંગ માટે જતી વખતે કે પરત ઘેર આવતી વખતે પોતાની કારમાં જ આવવાનું, કોઇની પણ ગાડીમાં લિફ્ટ નહીં લેવાની. પોતાની કરિયર અને લગ્ન બંને બચે એવું એ કોમ્પ્રોમાઇઝ હતું. મીનાકુમારી મંજૂર થયાં. પણ એવી ગૂંગણામણ કરાવનારી શરતોથી દાંપત્ય ક્યાં ટકતાં હોય છે? એવા સંજોગોમાં ‘અભિમાન’માંનો જયા અને અમિતાભ બચ્ચનની કરિયરનો ટકરાવ તેમના દાંપત્યજીવનમાં જે રમખાણ સર્જે છે એ યાદ આવ્યા વિના ના રહે. એવો એક પ્રસંગ કમાલ અમરોહીના દીકરા તાજદાર અમરોહીએ નવેમ્બર 1995મા પત્રકાર મધુલિકા વર્માને કહ્યો હતો. તે અનુસાર, એક સમારંભમાં મીનાકુમારી અને કમાલ અમરોહી સજોડે ગયાં હતાં. ત્યાં મુંબઈ રાજ્યના ગવર્નર શ્રીપ્રકાસા રાવની સમક્ષ એ દંપતિની ઓળખાણ મુવી મોગલ ગણાતા સોહરાબ મોદીએ એવી રીતે આપી કે કમાલ અમરોહી રાજ્યપાલના હોદ્દાની ગરિમાને ભૂલીને ગુસ્સાથી જાહેરમાં ઝગડી પડ્યા! (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર