મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (17)
મીનાકુમારીએ જતાં જતાં તલાટીથી માંડીને વકીલો સુધીના સૌનું કામ આસાન કરી આપ્યું હતું. તેમણે પોતાના નામે કોઇ મિલકત રાખી જ નહોતી! તેમની વારસાઇની એન્ટ્રી જો ગામના ચોરે પાડવાની હોય તો એ પેઢીનામામાં કઈ વ્યક્તિઓ આવે એ નક્કી કરવાની જરૂર તેમના અવસાન સમયે પણ લગભગ નહોતી પડી. છતાંય તે સાવ નિર્ધન પણ ન હતાં. બલ્કે ‘એક તુ હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ...’ એમ પંકજ ઉધાસની માફક ગાવાનું મન થાય એવી તેમની કવિતાઓ એટલે કે ઉર્દૂ શેર-ઓ-શાયરી ધરાવતી ડાયરીઓ હતી જ. તેમણે એ તમામ ગુલઝારને સોંપવાનું પોતાના વસિયતનામામાં લખ્યું હતું, એ તો સૌ જાણે જ છે. પણ એ અંગત ડાયરીઓ મેળવવા કમાલ અમરોહીએ કદી ક્લેઇમ કર્યાની કોઇ નોંધ મળતી નથી! બાકી એ પોતે પણ ‘પાકીઝા’ના ગીત “મૌસમ હૈ આશિકાના...’ ગીતમાં ‘આ જાઓ મૈં બના દું, પલકોં કા શામિયાના....’ જેવા અત્યંત નાજુક શબ્દોના શાયર હતા જ ને?
એ ડાયરીમાંની કવિતાઓ અને ખુદ મીનાજીના અવાજમાં ઉપલબ્ધ ‘આઇ રાઇટ આઇ રિસાઇટ’ (I Write I Recite)માંની સંવેદનાઓ એવું ચિરંતન મૂલ્ય ધરાવનારી છે મિલકત છે કે તે વહીવંચો રાખનાર કોઇ રેકોર્ડ કીપરની મોહતાજ નથી. મીનાકુમારીની રચનાઓ ઉર્દૂ સાહિત્યના ખજાનાનું સોનું છે જેના પર કદી કાટ લાગે નહીં. જ્યારે એ એમ લખે કે ‘આગાઝ તો હોતા હૈ, અંજામ નહીં હોતા, જબ મેરી કહાનીમેં, વો નામ નહીં હોતા’ ત્યારે કોઇપણ કવિતાપ્રેમી એ સમજી શકે કે એ માત્ર એક સશક્ત અભિનેત્રી કે સહ્રદયી કરુણામયી મહિલા જ નહીં, એક સંવેદનશીલ કવિયત્રી પણ હતાં. તેમના એ ક્રિએટિવ પાસા વિશે પણ વાત ન કરીએ અને તેમની એ સર્જનાત્મક પ્રતિભાને અંજલિ આપવાનું ચૂકીએ તો મીનાજીને અન્યાય થાય. આ પંક્તિઓ જુઓ અને ન્યાય કરજો કે આ ટેલેન્ટ કઈ કક્ષાની હતી....
પ્યાર સોચા થા, પ્યાર ઢૂંઢા થા, ઠંડી ઠંડી-સી હસરતેં ઢૂંઢી સોંધી-સોંધી-સી, રુહ કી મિટ્ટી, તપતે, નોકીલે, નંગે રાસ્તોં પર નંગે પૈરોં ને દૌડકર, થમકર ધૂપ મેં સેકીં છાંવ કી ચોટેં છાંવ મેં દેખે ધૂપ કે છાલે અપને અંદર મહક રહા થા પ્યાર ખુદ સે બાહર તલાશ કરતે થે
એક સિધ્ધહસ્ત શાયરની માફક, પ્રેમ પોતાનામાં હતો અને બહાર (બીજાઓમાં) શોધતા રહ્યાની, પંચલાઇનના સર્જનનું વાતાવરણ તે કેવી રીતે ઉભું કરે છે? એ શીતળ છાયામાં પડેલા ઘાને તાપમાં શેકવાની કલ્પના કરે છે! અન્ય એક ગઝલમાં તે લખે છે,
‘ઝર્રે ઝર્રે પે જડે હોંગે કુંવારે સજદે,
એક એક બુત કો ખુદા ઉસ ને બનાયા હોગા,
મિલ ગયા હોગા અગર કોઇ સુનહરી પત્થર,
અપના ટૂટા હુઆ દિલ યાદ તો આયા હોગા’
આ કવિતાના સંદર્ભે તે એક નવો ઇન્ટરેસ્ટિંગ શબ્દસમૂહ પ્રયોજે છે.... ‘કુંવારે સજદે’ અર્થાત ‘કુંવારી પ્રાર્થનાઓ’! જો તેમના જીવનને અનુભૂતિના ઊંડાણથી જોઇએ તો તેમનાં કાવ્યોમાં આત્મકથાનક ઝલકતું દેખાય. જેમ કે એક રચનાના આ શેર....
‘પૂછતે હો તો સુનો કૈસે બસર હોતી હૈ,
રાત ખૈરાત કી, સદકે કી સહર હોતી હૈ....
જૈસે જાગી હુઇ આંખોં મેં ચુભેં કાંચ કે ખ્વાબ,
રાત ઇસ તરહ દીવાનોં કી બસર હોતી હૈ....
ગમ હી દુશ્મન હૈ મેરા ગમ હી કો દિલ ઢૂંઢતા હૈ,
એક લમ્હે કી જુદાઇ ભી અગર હોતી હૈ...!’
ગમ એટલે કે માનસિક પીડા મીનાજીને સિનેમાના સ્ક્રિન અને અસલી જિંદગીમાં સતત મળતા રહ્યા અને ધીમે ધીમે જાણે કે તેના પ્રેમમાં એ પડી ગયાં હોય એવી એક રચનાના આ થોડાક શેર....
અજબ ગમ મિલા, ગૂંગી આવાઝ મેં બોલતે બોલતે,
સુર્ખ મૈદાન મેં દૌડતે દૌડતે, ગર્મ તલુવે લિયે હાંફતે હાંફતે,
થક ગયા હૈ તો ક્યા અજબ ગમ મિલા....
જિસકે ચેહરે પર કોઇ જાદુ નહીં,
જો ન માસુમ હૈ ન મઝલુમ હૈ,
અજબ ગમ મિલા....!”
અંગત તકલીફને પણ એ ‘અજબ-ગજબ’ સમજી શકે એવી થયેલી કવિતાની મેચ્યોરિટી અને ‘ગુંગી આવાઝ’ જેવા વિરોધાભાસી પ્રયોગો જોતાં બેમાંથી એક શંકા દ્દઢ થાય. તેમની ડાયરીઓ જેમને વારસાઇમાં મળી એ ગુલઝાર એવી શબ્દગીરી કરવા ટેવાયેલા છે અને બન્નેના શાયરી-પ્રેમની વાત અજાણી નથી. ત્યારે યાદ આવે છે ગુલઝાર સાહેબની લખેલી જગજીતસિંગની ગાયેલી એક ગઝલ જેના અંતરામાં આવે છે આ શબ્દો ‘રાત ભર બોલતે રહે સન્નાટે...’ અથવા ‘મૌસમ’ ફિલ્મના ‘દિલ ઢૂંઢતા હૈ ફિર વોહી... ‘માં આવતી આ પંક્તિ “વાદી મેં ગૂંજતી ખામોશિયાં સુનેં...’’ બેમાંથી કઈ શક્યતા સાચી હશે? શું ગુલઝારને આવી કલ્પનાઓની ટેવ મીનાકુમારીની શાયરીના પરિચયમાં આવ્યા પછી પડી હશે? કે પછી મીનાકુમારીની અધકચરી કવિતાઓને ગુલઝારે પોતાની રીતે મઠારી આપી હશે? મીનાકુમારીની ડાયરી પરથી બહાર પડેલી ‘મીનાકુમારી કી શાયરી’માં એવા ગુલઝારીશ ટચ ઠેર ઠેર જોવા મળે છે (અથવા બીજી રીતે કહીએ તો, ગુલઝારની કૃતિઓમાં ‘મીના કારીગરી’ની છાંટ સર્વત્ર જોઇ શકાય છે!)
અફકોર્સ, મીનાકુમારીની શાયરીમાં ‘તુમ્હેં ચાહા હમ ને દિલ સમઝ કર, ધોખા ખા ગયે મંઝિલ સમઝ કર...’ જેવી સામાન્ય જોડકણા કાવ્યો પણ છે. છતાં મહદ અંશે તેમની રચનાઓમાં ઊચ્ચ વિચાર અને પોલીશ્ડ કવિતાનો સરસ સંગમ જોવા મળે. એક કૃતિમાં પોતાની આત્મવ્યથાને તે આમ અભિવ્યક્ત કરે છે....
અલ્લાહ કરે કિ કોઇ ભી મેરી તરહ ન હો,
અલ્લાહ કરે કિ રુહ કી કોઇ સતહ ન હો,
ટૂટે હુએ હાથોં સે કોઇ ભીખ ન માંગે,
જો ફર્ઝ થા વો કર્ઝ હૈ, પર ઇસ તરહ ન હો
અહીં આત્માનું ધરાતલ ન હોય એવી કલ્પના હોય કે નીચે આપેલી રચનામાં દેખાતા વિરોધાભાસી શબ્દો અને ભાવ જોતાં અમારા જેવાને ગુલઝાર અનાયાસ જ યાદ આવી જાય. દરેક પંક્તિએ શબ્દોનું અદભૂત નકશીકામ અને છેલ્લે આવતો જબ્બર પાર્ટિંગ શૉટ! એન્જૉય... યે નૂર કૈસા હૈ, રાખ કા સા રંગ પહને
બર્ફ઼ કી લાશ હૈ લાવા કા સા બદન પહને,
ગુંગી ચાહત હૈ રૂસ્વાઈ કા કફન પહને
હર એક કતરા હૈ મૈલે આંસુ કા,
યે કૈસા શોર હૈ જો બે-આવાઝ ફૈલા હૈ,
રૂપહલી છાંઓં મેં બદનામીયોં કા ડેરા હૈ.....
હર ઇક મોડ પર દો હી નામ મિલે હૈં,
મૌત કહ લો – જો મોહબ્બત કહ ન પાઓ!
તેમની પ્રખ્યાત રચના “ચાંદ તન્હા હૈ, આસમાં તન્હા, દિલ મિલા હૈ કહાં કહાં તન્હા”માં તે લખે છે, “ઝિંદગી ક્યા ઇસી કો કહતે હૈં, જિસ્મ તન્હા હૈ, ઔર જાન તન્હા..... હમસફર કોઇ ગર મિલે ભી કહીં દોનોં ચલતે રહે તન્હા તન્હા...” શું આધ્યાત્મિક ઊંચાઇ છે! શરીર અને આત્માને અલગ દર્શાવાયા અને હમસફર હોવા છતાં અલગ અલગ ચાલતાં કેટલાં દંપતિ અને પ્રેમીયુગલો હશે જ ને? તેમની અભિવ્યક્તિનો આગવો મિજાજ અન્ય એક કાવ્યમાં કેવો નીખરે છે. આપણે હિન્દીમાં ઝગડનારાઓને ‘ધજ્જીયાં ઉડા દુંગા’ એમ બોલતા સાંભળીએ છીએ. પણ તેનો શાયરી કે કવિતામાં ઉપયોગ કેટલી વાર સાંભળ્યો હશે? મુલ્હાયજા હો.... ટૂકડે ટૂકડે દિન બીતા ધજ્જી ધજ્જી રાત મિલી
જિસકા જિતના આંચલ થા, ઉતની હી સૌગાત મિલી
જબ ચાહા દિલ કો સમઝેં, હંસને કી આવાઝ સુની,
જૈસે કોઇ કહતા હો લે ફિર તુઝકો માત મિલી
માતેં કૈસી ઘાતેં ક્યા, ચલતે રહના આઠ પહર
દિલ સા સાથી જબ પાયા, બેચૈની ભી સાથ મિલી
- અને અંતે મૃત્યુની નજીક પહોંચેલી વ્યક્તિની પુકાર સાંભળો.... યે રાત યે તન્હાઇ યે દિલ કે ધડકને કી આવાઝ યે સન્નાટા
યે ડુબતે તારોં કી ખામોશ ગઝલખ્વાની
યે વક્ત કી પલકોં પર સોતી હુઇ વિરાની,
જઝ્બાતે મુહબ્બત કી યે આખરી અંગડાઇ
બજતી હુઇ હર જાનિબ યે મૌત કી શહનાઇ
સબ તુમકો બુલાતે હૈં પલ ભર કો તુમ આ જાઓ
બંદ હોતી મેરી આંખોં મેં મુહબ્બત કા એક ખ્વાબ સજા દો
આ હતી મીનાકુમારીના શાયરાના અંદાજની એક બહુ નાનકડી ઝલક. બાકી તેમનાં ગાયનો, સંવાદની અદાયગી અને હ્રદયસ્પર્શી અભિનય વડે મીનાજી તેમની દરેક યાદગાર ફિલ્મની ફ્રેમમાં આજે પણ જીવંત જ છે. તેમના જીવનને જોયા પછી આપણને પણ ગાવાનું મન થાય..... ‘અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ’!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર