મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (6)
મીનાકુમારી અને કમાલ અમરોહીનાં લગ્ન મીનાજીના પિતાથી છાનામાના કરવાનાં હતાં અને તેથી પ્લાન પણ જડબેસલાક જરૂરી હતો. ક્યાંય ચૂક ન ચાલે. તેમની ઇજા પછીની ફિઝિયોથેરપી માટે ડૉ. જુસ્સાવાલાને ત્યાં મીનાકુમારીને રેગ્યુલર જવાનું રહેતું, જેમાં તેમનાં નાની બેન મધુ સાથે જતાં. યોજના અનુસાર 14મી ફેબ્રુઆરી 1952ના દિવસે, બલ્કે રાત્રે 8 વાગે, અબ્બાજાન તેમની દીકરીઓને વોર્ડન રોડ પરની એ ક્લિનિક પર ઉતારીને ગયા અને મીના-મધુ નજીકમાં ઊભેલી બ્યુઇક કારમાં ઝડપથી ગોઠવાઇ ગયાં, જેમાં કમાલ અને તેમના મિત્ર-કમ-સેક્રેટરી બાકર અલી ઓલરેડી બેઠેલા હતા. ફટાફટ ગાડી ઉપડી અને રાહ જોતા કાઝીએ બંનેના નિકાહ કરાવી દીધા. નિકાહમાં કાળજી એ રખાઇ હતી કે સુન્ની અને શિયા બન્ને રસમો અનુસાર શાદી કરાવાય. સાક્ષી તરીકે મીના અને બાકર ઉપરાંત કાઝીના બે દીકરાઓએ સહી કરી. આમ મહજબીન અને સૈયદ અમીર હૈદર ‘કમાલ અમરોહી’ શૌહર અને બીવી બન્યાં. હવે તાત્કાલિક પરત ક્લિનિકે પહોંચવાનું હતું.
બંનેને લઈને ગાડી પોણા દસે ડૉક્ટરના દરવાજે પાછી ટચ થઈ અને દસના ટકોરે અબ્બાજાન આવ્યા. બેઉ દીકરીઓને કારમાં બેસાડાઇ, ત્યારે અલી બક્ષને ખબર નહતી કે તે પૈકીની મોટી હવે શાદીશુદા હતી! પણ એવી વાત કેટલા દિવસ છૂપાવી શકાય? ક્યાંકથી વાત લીક થઈ અને અલી બક્ષને ફાળ પડી. એક અહેવાલ એમ કહે છે કે સ્ટુડિયોથી પરત આવેલાં મીનાજીને મધુએ ભૂલથી એમ કહ્યું કે 'જીજાજી કા ફોન આયા થા!' તે વખતે વાત ટાલમટોલ કરીને ટાળી દેવાઇ હતી. છતાં ખરી પુષ્ટિ તો મીનાકુમારીએ ‘ફિલ્મફેર’ના તંત્રી એલ.પી.રાવને આપેલા ઇન્ટરવ્યૂમાં કરી. પરંતુ, તે પહેલાં લગ્ન થઈ ગયાની અસલિયતથી અજાણ એવા અલી બક્ષ પિતાસહજ ચિંતાથી દીકરીને સમજાવતા રહ્યા કે કમાલ ઓલરેડી બે વખત પરણેલા છે. તે ત્રણ બાળકોના પિતા છે વગેરે વગેરે. દરમિયાન ‘અનારકલી’નો પ્રોજેક્ટ અભરાઇએ ચઢી ગયો અને એક અન્ય નિર્માણસંસ્થા બીના રાય અને પ્રદીપકુમારને લઈને ‘અનારકલી’નું સર્જન કરવાની તૈયારી પણ કરવા માંડી હતી. હતાશ કમાલ બીજી સ્ક્રિપ્ટ પર કામ કરવા લાંબા સમય માટે હિલસ્ટેશનની એક હોટલમાં જતા રહ્યા હતા. ત્યાં એક દિવસ મીના કુમારીનો ફોન આવ્યો.
ફોન પરનો એ વાર્તાલાપ કમાલ અમરોહીને તેમના ક્રિએટિવ કામમાં ખરેખર જ ડિસ્ટર્બ કરવા જેવો લાગ્યો હશે કે બીજું કોઇ કારણ હશે એ કોઇ જાણતું નથી. પરંતુ, બંને વચ્ચે તિરાડ પડવાની એ શરૂઆત હતી. હજી વર-કન્યા વિધિવત રીતે ઘર માંડે તે અગાઉની એ ટસલને લીધે મીનાકુમારીએ સંદેશો મોકલ્યો કે હજી જો કમાલ સાહેબને એમ લાગતું હોય કે આ લગ્ન નહીં ટકે તો એ તલાક આપી શકે છે. વાત વટની હોય એમ, સામો કમાલે પોતાની નવોઢાને જ્યારે જરૂર હોય ત્યારે પોતે ‘તલાક’ આપવા તૈયાર હોવાનો પત્ર લખ્યો. વાત વણસી ચૂકી હતી. મીનાકુમારીની અકળામણનું એક કારણ કમાલે મૂકેલી ત્રણ શરતો કદાચ હતી. કમાલે લગ્ન પહેલાં મીનાકુમારીને એ વાતે સંમત કર્યાં હતાં કે, (1) લગ્ન પછી તે નવી ફિલ્મો નહીં સ્વીકારે અને એક્ટિંગ છોડીને ઘર સંભાળશે (2) જે અધૂરી ફિલ્મોમાં તે કામ કરશે તેનું શૂટિંગ એ રીતે પૂરું કરશે કે સાંજે 7 વાગે ઘેર પાછા આવી જવાય અને (3) જ્યારે એ શૂટિંગ માટે સ્ટુડિયોમાં હશે ત્યારે તેમના મેકઅપ રૂમમાં કોઇ પુરુષને આવવાની છૂટ નહીં આપે.
કમાલે તલાકની ઓફર સ્વીકારતો પત્ર લખ્યો તે વખતે મીનાકુમારીએ ‘બૈજુ બાવરા’માં કામ શરૂ કરેલું હતું. શૂટિંગ દરમિયાન ભારત ભૂષણ સમક્ષ પોતાનાં થયેલાં ગુપ્ત લગ્ન અને તેની પેલી શરતો સહિતની અંગત પીડાનો ઉલ્લેખ કર્યો હશે. ગમ્મત એ થઈ કે ભારત ભૂષણે પોતે લગ્નની ઓફર કરી! મીનાકુમારીની એ સમયની સ્થિતિ સમજવા જેવી છે. એક તરફ પિતાજીથી છૂપી રીતે કરેલાં લગ્ન બહાર ન પડી જાય તેની કાળજી રાખવાની હતી. બીજી બાજુ જેમની સાથે શાદી કરી હતી તેમણે એવી શરત મૂકી હતી કે હીરો કે નિર્દેશક પણ તેમના મેક-અપ રૂમમાં આવી ન શકે. ફિલ્મી દુનિયામાં કુંવારી અભિનેત્રી માટે આવી શરત પળાવવી આજે પણ અશક્ય હોય છે. તો ’50ના દાયકામાં તો એ કેવી અઘરી હોય? એ સંજોગોમાં, કમ સે કમ હીરો ભારત ભૂષણને વિશ્વાસમાં લીધા સિવાય છૂટકો નહતો. પણ ‘હીરો’એ તો ‘હીરોઇન’ જો અમરોહી સાથેના લગ્નમાંથી છૂટી થાય તો પોતે સ્વીકારવા તૈયાર હોવાની ઓફર કરી દીધી! વિચિત્રતા એ હતી કે ભારત ભૂષણ ખુદ પણ પરણિત પુરુષ હતા. પરંતુ હજી હિન્દુઓ એક કરતાં વધુ પત્નીઓ ન કરી શકે એવો સુધારો હિન્દુ મેરેજ એક્ટમાં કરવાની શક્યતા ચર્ચામાં જ હતી. એ કાયદો બન્યો બે-ત્રણ વરસ પછી 1955મા.
એટલે કમાલ અમરોહી સાથેનાં લગ્નની પિતાને સત્તાવાર જાણ થતા પહેલાં અને કમાલે તલાકની છૂટ આપતો પત્ર લખ્યો તે તબક્કે, ભારત ભૂષણ સાથે શાદી કરવાનો મુદ્દો પણ વિચારાયો હતો. તેમાં અબ્બાજાને ધર્મનો વાંધો કાઢ્યો હતો. જો કે એ બધામાં પોતાના ઘર-પરિવારને ચલાવવામાં આર્થિક આધાર જેવી છોકરી ગુમાવવાનો ભય કદાચ મોખરે હતો. મીના કુમારીની ચિંતા અલગ હતી. તે સાલ જુલાઇમાં ‘તમાશા’ રિલીઝ થઈ અને અશોક કુમાર તથા દેવ આનંદ હોવા છતાં ટિકિટબારી ઉપર ફ્લોપ જાહેર થઈ! મીનાજી પાસે ‘બૈજુ બાવરા’ સિવાય કોઇ એવી ફિલ્મ હાથ પર નહતી, જેનાથી ભાવિ ઉજ્જવળ દેખાતું હોય. તેમણે જો ધાર્મિક અને ફેન્ટસી પિક્ચરોની હીરોઇન બની રહેવાનું હોય, તો તે કરતાં પરણીને થાળે પડી જવું વધારે ઉચિત હતું. પરંતુ, પિતાજીના ઘરની આવક બંધ થઈ જાય તેનું શું? (છોકરીને સાસરે વળાવાય ત્યારે પિયરની ચિંતા કઈ દીકરીને નહીં રહેતી હોય?) જાણે કે એ ફિકરનો ઉકેલ મળતો હોય એમ ત્રણ મહિના પછી ઓક્ટોબરની પાંચમીએ ‘બૈજુ બાવરા’ રિલીઝ થયું અને દેશભરમાં સુપરહિટ થયું!
‘બૈજુ બાવરા’ કેવું હિટ સાબિત થયું એ સમજવા માટે પિક્ચર કેટલાં સપ્તાહ ચાલ્યું એ તે સમયની પારાશીશીમાં જોઇએ તો મુંબઈમાં 25-50 નહીં પણ 100 અઠવાડિયાં ચાલ્યું. એ પિક્ચરે એવી તો ઘેલછા યુવાનોમાં ઉભી કરી હતી કે વિનોદ ભટ્ટ જેવા આપણા સાહિત્યકારે પોતે ‘ભારત ભૂષણ’ થવા ઘેરથી મુંબઈ ભાગી ગયા હોવાનું તેમની આત્મકથામાં નોંધેલું છે. જો કે તટસ્થ રીતે જોઇએ તો, તે ફિલ્મ આટલી બધી સફળ થવામાં મીનાકુમારી કે ભારત ભૂષણ કરતાં નૌશાદની ધૂનો, શકીલ બદાયૂનિના શબ્દો તથા રફી-લતાની ગાયકી જેવાં સંગીતનાં અંગો વધારે જવાબદાર હતાં. તેનાં ગીતોમાં ‘ઓ દુનિયા કે રખવાલે સૂન દર્દ ભરે મેરે નાલે....’, ‘મન તરપત હરિદર્શન કો આજ....’, આજે પણ રફી સાહેબની સ્મૃતિમાં યોજાતા ‘એક શામ રફી કે નામ’ જેવા કાર્યક્રમોમાં પ્રેમથી ગવાતાં જ હોય છે. તો લતા મંગેશકર સાથેનું ડ્યુએટ ‘તુ ગંગા કી મૌજ, મૈં જમના કા ધારા....’ અને ‘ઝૂલે મેં પવન કે આઇ બહાર પ્યાર છલકે...’ હોય કે પછી લતાજીનાં સોલો ‘મોહે ભૂલ ગયે સાંવરિયા....’, ‘બચપન કી મોહબત કો દિલ સે ન ભૂલા દેના, જબ યાદ મેરી આ જાયે મિલને કી દુઆ કરના...’ તેમજ શમશાદ બેગમ સાથેનું ‘દૂર કોઇ ગાયે, ધૂન યે સુનાયે, તેરે બિન છલિયા રે, બાજે ના મુરલિયા રે!’ (તેમાં પણ રફી સાહેબનો મસ્ત આલાપ ‘હો જી હો...)
એક એક ગાયન લોકપ્રિય. ઉપરાંત હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ધુરંધરો ઉસ્તાદ અમીરખાં સાહેબ તથા પંડિત ડી.વી. પલુસકરજીની હરીફાઇની જુગલબંધીનાં ક્લાસિકલ ગાયકીનાં ગાયન હોવા છતાં પિક્ચર જોતાં કોઇ કંટાળ્યું નહીં. તે સાલની વકરાની દ્દષ્ટિએ બીજા નંબરની (અને નફાની રીતે નંબર વન!) સાબિત થતાં ‘બૈજુ બાવરા’ સાથે સંકળાયેલા સૌનાં નસીબ ખૂલી ગયાં. મીના કુમારી નેચરલી સુપરહિટ એક્ટ્રેસ ગણાવા મંડ્યાં. તેમના માટે વાટાઘાટો કરતા પિતાજીએ ભાવ વધારવા માંડ્યો અને છતાં નિર્માતાઓ સાઇન કરતાં ખચકાતા નહતા. તેમાંના એક હતા મેહબૂબ ખાન, જેમની ફિલ્મ ‘આન’નું કલેક્શન ‘બૈજુ બાવરા’ કરતાં વધુ હતું અને તે ‘નંબર વન’ની પોઝિશન પર હતા. તેમણે પોતાના નવા પ્રોજેક્ટ ‘અમર’ માટે દિલીપ કુમાર સામે મીનાકુમારીને લેવાની સંમતિ અલી બક્ષ પાસે મેળવી લીધી હતી. આ બાજુ તલાકની તડાફડી છતાં મીનાકુમારીની અપ્રતિમ સફળતાને પગલે કમાલ અમરોહીએ પણ સમાધાન કર્યું હતું. કેમ કે સફળતા માત્ર બોક્સ ઓફિસની જ નહતી. મીનાકુમારીએ ‘ફિલ્મફેર એવોર્ડ’ના પ્રથમ વર્ષના પુરસ્કારોમાં ‘બેસ્ટ એક્ટ્રેસ’નો ખિતાબ જીતી લીધો હતો. (તે વખતે એવોર્ડનું નામ ‘ફિલ્મફેર’ના રિવ્યૂ લખનાર અને આગલા વર્ષે જ અકાળે અવસાન પામનાર ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની રવિવારીય પૂર્તિનાં લોકપ્રિય મહિલા સમીક્ષક ક્લેર મેન્ડોન્કાના નામ પરથી ‘ક્લેર એવોર્ડ્સ’ કહેવાતા હતા.) સમાધાન અનુસાર મીનાકુમારીએ કમાલ અમરોહીને એ વાતે સંમત કર્યા કે પોતે કમાઇને બે લાખ રૂપિયા ભેગા કરી પિતા અલી બક્ષને આપીને જ પિયરનું ઘર છોડશે. કમાલને એ સમજે જ છૂટકો હતો કે હવે સ્થિતિ તદ્દન ઊલટી થઈ ચૂકી હતી.
હવેના સંજોગોમાં, લગ્ન પછી કામ બંધ કરવાના મુદ્દે બાંધછોડ કરવાની એ મંજૂરી હતી. ત્યારે કમાલ અમરોહીએ પોતે જે સ્ક્રિપ્ટ લખવામાં ડિસ્ટર્બ થવા બદલ હિલસ્ટેશનેથી ફોન પર અકળાટ વ્યક્ત કર્યો હતો, તે કથા પરથી બનનારી ફિલ્મ ‘દાએરા’માં મીનાજીને નાયિકા લીધાં હતાં. તેમનું શૂટિંગ 14મી ઓગસ્ટે શરૂ થવાનું અને બીજી બાજુ અલી બક્ષે ‘અમર’ માટે 9મી ઓગસ્ટથી સળંગ એક મહિનાની કન્ફર્મ કરેલી તારીખો નજીક આવી રહી હતી. મેહબૂબ ખાનના રાબેતા મુજબના ભવ્ય સેટ લાગેલા હતા અને દિલીપ કુમાર જેવા સુપરસ્ટારની ડેટ્સ મેળવેલી હતી. દિલીપ સા’બની પોઝિશન કેવી મજબૂત હતી જાણો છો? ‘બૈજુ બાવરા’ રિલીઝ થયાના વર્ષે કમાણી કરાવનારી ‘ટોપ ટેન’માં ત્રણ ફિલ્મો ‘આન’ (નંબર 1), ‘દાગ’ (નંબર 4) અને ‘સંગદિલ’ (નંબર 7 ઉપર) હતી. એટલું જ નહીં, ‘ફિલ્મફેર’ની બેસ્ટ એક્ટરની પ્રથમ ટ્રોફી પણ દિલીપ કુમારે જ જીતી હતી. 9મી ઓગસ્ટની આગલી રાત્રે જ્યારે અલી બક્ષે બીજા દિવસે મેહબૂબખાનના શૂટિંગ માટે સળંગ એક મહિનો જવાની વાત કરી, ત્યારે પિતા-પુત્રીમાં ભારે મોટી બોલાચાલી થઈ ગઈ. કોઇ દિવસ સામો જવાબ નહીં આપનાર છોકરી મેહબૂબ જેવા સર્જકના શૂટિંગમાં નહીં જવા માટે આજે આટલી બધી જબાન લડાવતી હતી? ગુસ્સે થયેલા અલી બક્ષે મીનાકુમારીને સટાસટ લાફા ઝીંકી દીધા! (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર