મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (16)
મીના કુમારીને લઈને બપોરે એમ્બ્યુલન્સ એલિઝાબેથ નર્સિંગ હોમ પહોંચી ત્યારે ત્યાં બીજા માળે તેમના માટે બુક કરાવેલો રૂમ નંબર 26 તૈયાર હતો. એક તરફ દર્દીને દાખલ કરવાની પ્રાથમિક પ્રક્રિયા ચાલતી હતી અને બીજી બાજુ ખુરશીદ આપાએ દવાખાનાના ટેલિફોનથી કમાલ અમરોહીને ખબર આપ્યા. પેશન્ટ જે હાલતમાં હતાં તેની ગંભીરતા જાણતા અને તેમના આવવાની રાહ જોતા ડોક્ટરોએ મીનાજીની ટ્રીટમેન્ટ તરત શરૂ કરી દીધી. તેમના પેટમાંથી લીટરબંધ પાણી ખેંચી કાઢવામાં આવ્યું. પરિણામે સાંજ સુધીમાં પેટ અને હાથ-પગના સોજામાં હળવાશ આવી. તેમની તબિયતના સમાચાર મળ્યા તે વખતે બપોરે કમાલ અમરોહીએ સાંજે સ્ટુડિયોથી પરત ઘેર જતાં પોતે હોસ્પિટલ આવશે એમ જ્યારે કહ્યું હશે, ત્યારે તેમને કેસ કેટલો સિરિયસ થઈ ચૂક્યો હતો તેનો કદાચ અંદાજ નહીં હોય. પણ જ્યારે આવી ગયા તે પછી અંત સુધી સળંગ હોસ્પિટલમાં જ રહ્યા.
મીના કુમારીની તબિયતમાં થયેલો સુધારો અને કમાલ સાહેબની હાજરીને લીધે ‘ચંદન’ અને ‘મંજુ’ને પોતાની પ્રથમ રોમેન્ટિક મુલાકાત પણ વર્ષો પહેલાં પુનાના દવાખાનામાં થઈ હોવાની યાદ તાજી થઈ હશે. પણ મોટાભાગના સિરિયસ કેસોમાં બને છે એમ, એ સુધારો ઘોર અંધારી રાતમાં ચમકતી વિજળીનો ચમકારો જ હતો! 29મીએ ફરી ઉથલો માર્યો અને અડધો ડઝનથી વધુ દાક્તરો સારવારમાં લાગ્યા. ઇન્ડસ્ટ્રીમાં વાયુવેગે વાત ફેલાઇ અને દવાખાનામાં પરિવારજનો ઉપરાંતના વીઆઇપી લોકોનો પણ ધસારો થવા માંડ્યો. 30મીએ ડોક્ટરોની ટીમ વતી શાહ સાહેબે કહી દીધું કે દર્દીને દવાની સાથે સાથે દુવાની પણ જરૂર છે. હોસ્પિટલોમાં પણ દૈવી ચમત્કાર ક્યાં નથી બનતા? ડોક્ટરોએ લંડનમાં મીના કુમારીની ટ્રીટમેન્ટ કરનાર મહિલા દાક્તર શેરલોકનો સંપર્ક કર્યો. તેમણે નવી શોધાયેલી એક દવાનો ચાન્સ લેવાનું કહ્યું, જે લંડનમાં મળતી હતી; પણ હજી ભારતમાં આવી નહતી. મુંબઈ લાવે કોણ?
ત્યારે હોસ્પિટલમાં હાજર ઓ.પી. રાલ્હને પોતાના લંડનમાં રહેતા એક મિત્રને તે મેડિસિન કોઇની સાથે પ્લેનમાં તાત્કાલિક મોકલવા વિનંતિ કરી. દર્દીની હાલત દર કલાકે વણસી રહી હતી. હિન્દી ફિલ્મોની હીરોઇનનું ખુબસૂરત બદન લટકતી વિવિધ ટ્યુબ્સ અને ઇંજેક્શનોની સોયથી છેદાઇ રહ્યું હતું. એક તબક્કે પેટમાંથી પાણીને બદલે લોહી આવ્યું અને ડોક્ટરોએ સૂચવ્યું કે હવે તે શરીરને વધારે ત્રાસ આપવાને બદલે, જો પરિવારના સૌ સંમત થાય તો, સારવાર બંધ કરીએ. તેનાથી મીના કુમારી શાંતિથી દેહ છોડી શકશે. પણ સંમતિ ન થઈ શકી. કમાલના કહેવા પ્રમાણે, પોતે મંજૂર હતા. પણ બહેનો છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરવા દેવાના મતની હતી. બેઉ પરિવારો વચ્ચેના મતભેદો સપાટી પર આવવાની એ શરૂઆત જ હતી. તેમના જીવનનો અંત ક્યારે અને કેવી રીતે લાવવો તેની સંમતિ થાય કે નહીં એ અલગ મુદ્દો હતો. પણ હકીકત એ હતી કે મૃત્યુને લાંબો સમય રોકી શકાય એમ નહતું.
એટલે ગુલઝાર, સાઇરાબાનુ, કમ્મો, બેગમ પારા વગેરે સૌ 31મીએ સવારથી હાજર હતા. અંતિમ ઘડીએ મુસ્લિમો માટે મોંમાં મૂકવાનું પવિત્ર પાણી ‘આબ-એ-ઝમઝમ’ અપાયું. 31મી માર્ચના બપોરે ત્રણને પચીસ મિનિટે હિન્દી ફિલ્મોમાં વગર ગ્લીસરીને આંસુ પાડીને પોતાના નેચરલ કરુણ અભિનયથી કરોડો ચાહકોને રડાવનાર મીનાકુમારીએ માત્ર 39 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા! તેમને માટે લંડનથી રવાના કરાયેલી દવા, ફિલ્મોમાં ઘણી વાર બને છે એમ, અવસાનના કલાકો પછી આવી. પણ ત્યાં સુધીમાં તો તેમના મૃતદેહને ક્યાં દફન કરવો તેનો વિવાદ (ઝગડો?) પણ થઈ ચૂક્યો હતો! ડોક્ટરનું કહેવું હતું કે જે પ્રકારે ડેડબોડી બગડી રહી છે, તેનો જેટલો બને એટલો વહેલો નિકાલ કરવો જોઇએ. ત્યારે દવાખાનામાં હાજર મીના કુમારીની બહેનો અને કમાલ અમરોહી વચ્ચેના મતભેદો ફરીથી સપાટી પર આવ્યા.
મીનાકુમારીને તેમનાં માતા-પિતાની કબરની બાજુમાં બાન્દ્રાના સુન્ની કબ્રસ્તાનમાં લઈ જવા ખુરશીદ અને અન્ય બહેનો આગ્રહ રાખી રહી હતી. જ્યારે કમાલ અમરોહીને પોતાના વતન અમરોહામાં આવેલા તેમના પારિવારિક શિયા કબ્રસ્તાનમાં મીનાજીને લઈ જવાં હતાં. બહેનો મીના કુમારીએ તેમની પાસે છેલ્લા દિવસોમાં એવી ઇચ્છા વ્યક્ત કર્યાનું કહ્યું કે ‘અમ્મી’ અને ‘અબ્બાજાન’ની બાજુમાં પોતાને દફનાવાય. જ્યારે કમાલ અમરોહીએ પોતાને અમરોહાના સૈયદોના શિયા કબ્રસ્તાનમાં દફન કરવા વર્ષો પહેલાં ‘ફોરહેન્સ’ ટુથપેસ્ટ દ્વારા સ્પોન્સર એવા એક રેડિયો પ્રોગ્રામમાં મીના કુમારીએ ઇચ્છા વ્યક્ત કર્યાનો હવાલો આપ્યો. એક તરફ નિર્જીવ મીના કુમારી પોતાની અંતિમ નિદ્રામાં સૂતાં છે અને બીજી બાજુ ચાલતા આ ગૂંચવાડા! ‘કબ્રસ્તાન કયું એ પછી નક્કી થશે. પહેલાં મીનાજીને તેમને ઘેર ‘લેન્ડમાર્ક’ બિલ્ડિંગ તો લઈ લો....’ કોઇએ કહ્યું. સૌ તૈયાર થયા ત્યાં એલિઝાબેથ નર્સિંગ હોમના ડોક્ટરે કહ્યું, ‘બીલ કોણ ભરે છે? પૈસા નહીં ભરાય ત્યાં સુધી ડેડબોડી નહીં મળે...’
હાજર પૈકીનું કોઇ આગળ ન આવ્યું! પોતાની જિંદગીમાં કમાયેલા કરોડો રૂપિયા લોકો પર ન્યોચ્છાવર કરી દેનાર વ્યક્તિના મૃતદેહની આ કિંમત? બીલ કેટલું હતું? સાડા ત્રણ હજાર રૂપિયા! છેવટે ફેમિલી ડોક્ટર શાહ આગળ આવ્યા. તે દિવસોના અગ્રણી સમાચાર સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’ના અહેવાલ અનુસાર શાહ સાહેબે ઘેર ફોન કરીને પત્ની પાસે એ રકમ મંગાવીને ભરી, ત્યારે મીનાકુમારીનો નશ્વર દેહ હોસ્પિટલમાંથી ઉઠાવાઇ શકાયો. જો કે કમાલ અમરોહીના કહેવા પ્રમાણે, મોટેભાગે તો જે ડોક્ટર નર્સિંગ હોમમાં પેશન્ટ લાવે તેની જવાબદારી હોય અને પછી તે પોતાનો ચાર્જ ચઢાવીને બીલ દર્દીના કુટુંબીજનોને મોકલે એવી પદ્ધતિ પણ હોય છે. એમ માનવામાં આવ્યું હોય તો પણ, સામે એ ય હકીકત હતી કે મૃત્યુના દિવસો પછી પણ કોઇ સગાએ કે ‘વહાલા’એ ડોક્ટરને ફાઇનલ બીલ કેટલું એવું પૂછ્યું નહતું. જો કે કમાલ સાહેબનો ખુલાસો એવો હતો કે પોતાની પત્નીને ગુમાવ્યા પછીના દિવસોમાં પોતે મુંબઈમાં નહતા.
એ જે હોય તે ખરું. વાસ્તવિકતા એ હતી કે મીનાકુમારી હવે રહ્યાં નહતાં. તેમના નિવાસસ્થાનની નીચે સામાન્ય લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં અને ઉપર તેમને શ્રદ્ધાંજલિ આપવા ફિલ્મ ઉદ્યોગના સૌ આવી પહોંચ્યા હતા. મીનાજીના સાથી કલાકારો અને સખીઓ-મિત્રો સૌ હાજર હતાં.... વહીદા રહેમાન, નાદીરા, નિમ્મી, બેગમ પારા, કમ્મો, સાઇરાબાનુ, અચલા સચદેવ, કામિની કૌશલ, હેલન, નંદા, રાખી, લીના ચંદાવરકર, જયા ભાદુરી, રાધા સલુજા, ઝાહીદા, ફરીદા જલાલ, સીમા, સિતારા દેવી, સઈદાખાન, નસીમ બાનુ, પ્રદીપ કુમાર, અશોક કુમાર, ગુલઝાર, સાવનકુમાર, રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર, ભારત ભૂષણ, કરણ દીવાન, શશિ કપૂર, અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા, વિનોદ ખન્ના, સંજીવ કુમાર, વિનોદ મેહરા, અનિલ ધવન, રણધીર કપૂર, કન્હૈયાલાલ, સુજીત કુમાર, નવિન નિશ્ચલ બી.આર. ચોપરા, દેવેન્દ્ર ગોયલ, શક્તિ સામંતા, યશ ચોપરા, ઋષિકેશ મુકરજી, ઓ.પી.રાલ્હન, વિજય આનંદ, પ્રેમજી, રામાનંદ સાગર, નૌશાદ, મોહમ્મદ રફી, તલત મેહમૂદ, ઉષા ખન્ના, મજરૂહ સુલતાનપુરી, રાજેન્દ્ર ક્રિશ્ન, હસરત જયપુરી......
કબ્રસ્તાન અંગે છેવટે નક્કી એમ થયું કે હજુ મીનાજી કાયદેસર કમાલ અમરોહીનાં પત્ની હોઇ તેમના માઇકા (પિયર)માં નહીં પણ સસુરાલમાં દફન કરવાં. તે અનુસાર મઝગાંવના રેહમતાબાદ શિયા કબ્રસ્તાનમાં દફનાવવાં. મીના કુમારીની અર્થીને તેમના બનેવી અલ્તાફ, પતિ કમાલ અમરોહી, તેમની સુપર હીટ ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’ના દિગ્દર્શક ઓ.પી.રાલ્હન અને હીરો રાજેન્દ્રકુમારે ઉઠાવી. અગિયારમા માળેથી એ ચારેય જણ મીના કુમારીના મૃતદેહને ‘લેન્ડમાર્ક’ બિલ્ડિંગ નીચે રાહ જોતી એમ્બ્યુલન્સમાં લઈ આવ્યા. કબ્રસ્તાનમાં દિલીપ કુમાર અને ધર્મેન્દ્ર પણ આવી પહોંચ્યા. હજારોની મેદની એકત્ર હતી. પડાપડી થતાં પોલીસ ઉપરાંત દિલીપ સાહેબે પણ વિનંતિ કરીને પબ્લિકને કાબૂમાં રાખી. સૌએ મુઠી ભરી ભરીને માટી નાખી અને રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દફનવિધિ પૂરી થઈ. પણ પછીના દિવસોમાં ચમત્કાર થયો...... મીના કુમારી જીવતાં થયાં! તેમના અવસાનના બીજા દિવસે, પહેલી એપ્રિલે, અખબારોમાં આવેલા સમાચારને ‘એપ્રિલફૂલ’ સમજતા સૌને જ્યારે સમજાયું કે એ ન્યૂઝ ખરેખર સાચા હતા, ત્યારે ‘પાકીઝા’માં નાચતાં-ગાતાં-રડતાં-રડાવતાં જીવંત મીના કુમારીને જોવા લોકોએ થિયેટરો પર પહોંચીને પોતાની ચહેતી અદાકારાને જાણે કે જીવતી કરી દીધી.
‘પાકીઝા’ જે ફ્લોપ જાહેર થઈ ચૂક્યું હતું એ રાતોરાત હીટ જ નહીં સુપર હીટ સાબિત થઈ રહ્યું હતું. બેજોડ ફિલ્મ કૉલમિસ્ટ દેવિયાની ચૌબલે મીના કુમારીનાં સંસ્મરણો 7મી ઓગસ્ટ 1988ના ‘ધી સન્ડે ઓબ્ઝર્વર’માં લખ્યાં, તેમાં ફિલ્મ ઉદ્યોગની એક વરવી વાસ્તવિકતા બતાવી હતી. દેવીના જણાવ્યા અનુસાર, ડિસ્ટ્રીબ્યુટર્સની ઓફિસો તે જમાનામાં જ્યાં હતી તે નાઝ બિલ્ડિંગમાં પેંડા વહેંચાતા હતા.... કારણ કે મીના કુમારીનું અવસાન થયું હતું અને હવે ‘પાકીઝા’ની ટિકિટબારી છલકાતી હતી! નાદીરાજીએ સરસ કહ્યું હતું, ‘લોકોને માટે ‘પાકીઝા’ એ મીનાકુમારીની મજાર (કબર) છે.... લોકો તેને શ્રધ્ધાંજલિ આપવા કબ્રસ્તાનમાં શું કામ જાય? એ સૌ થિયેટર્સમાં જાય છે…’ ચાહકોનો ધસારો એવો તો જબરદસ્ત રહ્યો કે 1972ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં પ્રથમ નંબરે રહેલી ‘સીતા ઔર ગીતા’ના સવા ત્રણ કરોડની લગભગ સમાંતર એવા ત્રણ કરોડના વકરા સાથે ‘પાકીઝા’ બીજા નંબરે રહી હતી. ’72ની સાલના એ ત્રણ કરોડ એટલે આજના કેટલા કરોડ થાય? એ સફળતાએ કમાલ અમરોહી માટે લોટરી લાગ્યા જેવું કામ કર્યું. એ આર્થિક રીતે પાછા તરતા થઈ ગયા, સ્ટુડિયો અને બીજી મિલકતો ઉપર કોઇ દેવું નહતું રહ્યું. કમાલ ઋણમુક્ત હતા હવે. એ કેવી ઉમદા નારી કે હયાતિમાં પતિને વર્ષો સુધી કરોડોની કમાણી કરી આપી એ જ સ્ત્રીએ મર્યા પછી પણ તેમને ન્યાલ કરી દીધા અને છતાં કોણ જાણે કેવા કેવા આક્ષેપો તેમના ઉપર મૃત્યુ બાદ પણ લાગતા રહ્યા! જીવન આખું તેમની માતૃત્વની ઝંખના અતૃપ્ત જ રહી. કમાલ અમરોહી સાથેના લગ્ન જીવન દરમિયાન બે વાર પ્રેગ્નન્ટ રહ્યાની, કન્ફર્મ થયા વિનાની સ્ટોરી, ગોસીપ જરૂર છે. બંને વખતે એબોર્શન કરાવવા પાછળ કરિયરનું દબાણ હતું કે કેમ તેની ખાસ વિગતો ઉપલબ્ધ નથી. પણ તેમનો નજદીકી સમાજ તેમના જેવી સ્ત્રીને ખાનગીમાં અપશુકનિયાળ ‘વાંઝણી’ (બાંઝ) તરીકે ઓળખી શકે એવો એ સમય હતો. એ આડકતરા સામાજિક ઉપાલંભની પીડાએ હ્રદય પર કરેલા ઘા અને અશ્રુઓથી ભીંજવેલાં ઓશીકાંનો હિસાબ કોઇ વહીખાતામાં હશે ખરો?
તેમને શરાબી અને ‘સેક્સ મેનિયાક’ કે ‘મેન ઇટર’ ચિતરતા લેખો અને પુસ્તક લખાતાં રહ્યાં છે. એક સ્ત્રીને મૂલવવાનાં શું એ જ ધોરણો બાકી રહી ગયાં છે? બાકી વિચાર તો કરો તેમની હિંમતનો? તેમણે પોતાની પસંદગીના પુરુષ સાથે અને તે પણ એક પરિણિત વ્યક્તિ જોડે પરણવા મા-બાપનું ઘર પહેરેલે લૂગડે છોડી દીધું હતું.... બાળપણથી માંડીને હીરોઇન (કુમારિકા) થયા સુધીની પોતાની તમામ કમાણીમાંથી કશુંય લીધા વગર! એટલું જ નહીં, જેમની સાથે નિકાહ કર્યા એ પતિ સાથે ન ફાવ્યું ત્યારે ફરી એકવાર પોતાની જ ટેલેન્ટના લાખો રૂપિયાની પરવા કર્યા વગર એ ઘર છોડી જાય, એ શું ઓછી હિંમતનું કામ હતું? પડદા ઉપર પતિના ચરણોમાં સ્વર્ગ જોતી ભારતીય નારીનાં પાત્રો સતત ભજવ્યા છતાં આ બંડ ક્યાંથી આવતું હશે, તે માનસનું વિવેચન ક્યાંય થયું? આજનું બધી રીતે મુક્ત વાતાવરણ જોતાં તેમની જીવનશૈલીમાં કશું અજુગતું ન લાગે. પણ મહિલાઓ માટે દમ ઘૂંટનારા ‘50, અને ‘60ના દાયકાઓમાં એ કેટલું બળવાખોર માનસ હતું તેની કેટલાએ નોંધ લીધી હશે?
તેમનો હાથ પકડીને સિનેમા જગતમાં છવાયેલા ધર્મેન્દ્ર સરખા હીરો હોય કે દિગ્દર્શક બનેલા ગુલઝાર જેવા સર્જકની હારમાળામાં હદ તો એ કે પોતાના પુરૂષ મિત્ર સાવનકુમારને ફિલ્મ પૂરી કરવા પોતાની કમાણીનો બંગલો તત્કાળ વેચીને એ પૈસા આપી દે! સંવેદનાઓથી છલકતું એ માનસ કેટલું બધું ઉમદા? પોતાની લાગણીઓની અભિવ્યક્તિ એ ડાયરી અને શાયરી દ્વારા કરતાં અને એ અમૂલ્ય મિલકત તેમણે ગુલઝાર સાહેબના કાબિલ હાથમાં સોંપવાનું વસિયતનામામાં લખ્યું હતું. અગાઉ હયાતિમાં મીના કુમારીએ પોતાની શાયરી સંગીતકાર ખય્યામ સાહેબના નિર્દેશનમાં ‘આઇ રાઇટ, આઇ રિસાઇટ’ એ લોંગપ્લે રેકર્ડમાં ગાઇને બયાં કરી હતી. (મીનાજીએ પોતાની ડાયરીમાં ટપકાવેલી કવિતાઓ માટે એક આખો જુદો લેખ જોઇએ!) તેમના નિધન પછી ગુલઝારે ‘મીના કુમારી કી શાયરી’ પુસ્તક પ્રસિદ્ધ કરીને એ વારસો સરસ રીતે સાચવી બતાવ્યો છે. એટલે સશક્ત અભિનેત્રી અને તેથી પણ વધુ તો એક લાગણીશીલ વ્યક્તિ એવાં મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપવા ગુલઝારે કહેલા સચોટ શબ્દો જ યાદ કરીએ....
મીનાજી ચલી ગઈ, કહતી થી....
રાહ દેખા કરેગા સદિયો તક, છોડ જાયેંગે યે જહાં તન્હા
ઔર જાતે હુએ સચમુચ સારે જહાં કો તન્હા કર ગઈ.
એક દૌર કા દૌર અપને સાથ લેકર ચલી ગઈ. લગતા હૈ દુઆ મેં થી. દુઆ ખત્મ હુઇ, આમીન કહા, ઉઠી, ઔર ચલી ગઈ. જબ તક જિન્દા થી, સરાપા (નખશિખ) દિલ કી તરહ જિન્દા રહી. દર્દ ચુનતી રહી, બટોરતી રહી ઔર દિલ મેં સમોતી રહી. સમંદર કી તરહ ગહરા થા દિલ. વહ છલક ગયા, મર ગયા ઔર બંદ હો ગયા. લગતા હૈ કિ દર્દ લાવારિસ હો ગયે, યતીમ હો ગયે....!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર