મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (2)

04 Nov, 2016
12:00 AM

સલિલ દલાલ

PC: deccanchronicle.com

મીનાકુમારીનું ટાગોર  કુટુંબ સાથેનું કનેક્શન બહુ દૂરનું નથી, બલકે ખૂદ રવીન્દ્રબાબુના ભાઇ સાથે છે. ટાગોર પરિવારના રવીન્દ્રનાથના નાના ભાઇ સુકુમાર ઠાકુરની દીકરી હેમ સુંદરી ઠાકુર હતી, જેનું તે સમયના રિવાજ પ્રમાણે નાનપણમાં જ લગ્ન થઈ ગયું હતું. એવા બાળલગ્નના કિસ્સામાં છોકરીને ઉંમરલાયક થાય ત્યારે આણું કરીને સાસરે વળાવાતી. પણ એવી બાળાઓ મોટી થાય તે પહેલાં જો તેના ‘પતિ’ બાળકનું શીતળા, કોલેરા, પ્લેગ કે ટીબી જેવી ત્યારની સાવ સામાન્ય પણ જીવલેણ બીમારીમાં મૃત્યુ થઈ જાય તો પછી એ બાળવિધવાએ આખી જિંદગી એકલતામાં જ જીવન ગાળવું પડે. આજે કદાચ એ બધું અજુગતું લાગે. પણ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની બદતર હાલતના આપણા કાળા ઇતિહાસની કેટલીય શરમજનક હકીકતો પૈકીની એક એ પણ છે. એ તો રાજા રામમોહન રાય અને કવિ નર્મદ જેવા સમાજ સુધારકોએ વિધવા પુનર્લગ્નની ઝુંબેશ કરી અને ખુદ ગાંધીજીએ દેશની આઝાદી જેટલું જ મહત્ત્વ વિધવાઓને ફરીથી લગ્ન કરવાની સ્વતંત્રતાની તરફેણમાં કામ કર્યું ત્યારે સ્થિતિ સુધરી. બાકી અંગ્રેજોએ કાયદા કર્યા છતાં મોટાભાગનો સમાજ તો (બાળ)વિધવાઓએ તેમનાં કર્મોની સજા ભોગવવાની રહે એવી સામાજિક માન્યતાઓમાં જકડાયેલો હતો. 

વળી, એવા ધાર્મિક ખુલાસાઓ પણ ત્યારે પ્રવર્તમાન હતા કે વિધવા થયા પછી સ્ત્રીઓએ તેમનું જીવન સંસારને નહીં પણ પ્રભુને સમર્પિત કરવું, જેથી એવી મહિલાઓ આધ્યાત્મિક ઊંચાઇઓ પ્રાપ્ત કરીને પોતાનાં કર્મોથી છુટકારો મેળવે! બાળલગ્નની વિધવાઓની વ્યથા-કથા કેનેડિયન ફિલ્મ મેકર દીપા મહેતાની ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ ‘વોટર’માં પણ દેખાડાઇ હતી. એટલે જ્યારે  હેમ સુંદરીના ‘પતિ’નો દેહાંત થઈ ગયો, ત્યારે  તેને પણ આજીવન વિધવા તરીકે જીવન ગાળવાનું હતું. હેમાએ ટાગોર પરિવારની પરંપરા અનુસાર નૃત્ય અને નાટક જેવી સ્ટેજની પ્રવૃત્તિઓમાં મન લગાડવા માંડ્યું હતું. ત્યાં યુવાનીમાં કોઇપણ યુવતિને થાય એવાં આકર્ષણો તેમને પણ થવા માંડ્યાં. તેમણે એક ખ્રિસ્તી યુવાન રેવ બીલ સાથે લગ્ન કર્યાં અને પરિણામે કુટુંબમાંથી બેદખલ કરી દેવાયાં હતાં. અન્ય એક જગ્યાએ આ વાતનો ઉલ્લેખ એમ પણ આવે છે કે હેમ સુંદરી ટાગોર પરિવારનાં પુત્રવધુ હતાં અને જેમની સાથે લગ્ન થયાં હતાં એ ટાગોર નબીરાનું મૃત્યુ થયા પછી એ વિધવાને મિલકતના હકમાંથી દૂર કરી દેવાયાં હતાં. ટૂંકમાં, હેમ સુંદરી ટાગોર કુટુંબનાં પુત્રી હતાં કે પુત્રવધુ તે કરતાં મીનાકુમારીની કથામાં અગત્યનું એ છે કે હેમ સુંદરી કલકત્તામાંનું સર્વસ્વ ત્યાગીને જિંદગી પોતાની રીતે જીવવા માટે કલકત્તાથી લખનૌ જતાં રહ્યાં.

લખનૌમાં હેમ સુંદરીનો પરિચય પ્યારેલાલ શાકીર મેરઠી નામના પત્રકાર સાથે થાય છે. એ એક ઉર્દૂ અખબાર માટે  ઇન્ટરવ્યૂ કરે છે કલકત્તામાં સ્ટેજ પર કામ કરી ચૂકેલી હેમ સુંદરીનો અને પરિચય પ્રેમમાં પરિણમે છે. બંને લગ્ન કરે છે. તેમનાં છ સંતાનો થયાં, બે દીકરા અને ચાર દીકરીઓ. એ પૈકીની એક પુત્રી પ્રભાવતીને તેનાં મમ્મીએ અભિનયમાં ઉતારી. પ્રભાવતીએ અભિનેત્રી તરીકે નામ રાખ્યું ‘કામિની’ (પ્રેમથી સૌ કહેતા ‘કામ્ની’). તે સમયની સિસ્ટમ પ્રમાણે કલાકારો એક થિયેટર કંપનીમાં  નોકરીથી જોડાયેલા રહેતા અને નાટકો કરવા વિવિધ શહેરોમાં સૌ ફરતા. કામિનીએ એક ડાન્સર અને અભિનેત્રી તરીકે નામ કાઢ્યું અને વધુ સારી તક મળે તે માટે મુંબઈની રાહ પકડી. પરંતુ, નાચ-ગાનાના એ વ્યવસાયને સમાજ નીચી નજરે જોતો. એકવાર કોઇ ડ્રામાની દુનિયામાં દાખલ થાય પછી તે સ્ત્રી કે ઇવન પુરુષ માટે સારા, ખાનદાન, પરિવારમાં લગ્ન કરવાનું શક્ય ન બને. એ સૌને ‘ભાંડ-ભવાયા’ કહીને ઉતારી પડાતા. એટલે બહુધા લગ્નો કલાકારો અને કસબીઓમાં અંદરો-અંદર જ થઈ જતાં. (આજે પણ સ્ટાર લગ્નો ક્યાં નથી થતાં? ફરક પડ્યો છે તો માત્ર સુધરેલાં આર્થિક ધોરણોનો અને તેને કારણે મળતા સામાજિક માન-સન્માનનો!) 

મુંબઈમાં ‘ક્રિષ્ના થિયેટર’ નામની નાટક કંપનીમાં પ્રભાવતીનો પરિચય હાર્મોનિયમ બજાવતા ઇલાહી બક્ષ સાથે થયો જેમને સંગીતની તેમની આવડતને કારણે સૌ ‘માસ્ટર અલી બક્ષ’ કહેતા. અલી અને પ્રભાવતી સમય જતાં પરણ્યાં. અલી બક્ષ માટે એ બીજી શાદી હતી. અગાઉના લગ્નથી સંતાનો પણ હતાં. એ બધાં મુંબઈમાં નહીં પણ દૂર વતનમાં હતાં. પ્રભાવતીએ લગ્ન માટે ધર્મ પરિવર્તન કર્યું અને નવું નામ ઇકબાલબાનુ થયું. પણ એ દિવસો મનોરંજનના ક્ષેત્રમાં બદલાવના હતા. અલી બક્ષ અને ઇકબાલ બાનુ માટે કામ ઓછું થતું જતું હતું. નાટકોની જગ્યા ફિલ્મો લઈ રહી હતી. સાયલન્ટ ફિલ્મોમાં સીન મુજબ ડાયલોગ પડદા પાછળ બોલવા અને ખાસ તો સંગીતના ટૂકડા વગાડવા સાજીંદાઓને બેસવાનું થતું. તેમાં પણ નાટકોની માફક જ તબલાં અને હાર્મોનિયમ તો અનિવાર્ય રહેતાં. પરંતુ, 1931મા પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ આવી અને અલી બક્ષ જેવા સૌને માટે મુશ્કેલીઓ ઉભી થવા માંડી. 

હવે ગાયન હોય કે પછી સંવાદો બધું સિનેમાની સાથે જ આવવા માંડ્યું હતું.  અલી બક્ષ અને ઇકબાલ બાનુ તે દિવસોમાં દાદરની મીઠાવાલા ચાલીમાં રહે. ઇકબાલ પ્રેગ્નન્ટ થયાં અને તેમને માટે તો કામ બંધ જ થઈ ગયું હતું. અલી બક્ષ પણ ‘ઇદ કા ચાંદ’ જેવાં ચિત્રોમાં નાના-મોટા રોલ કરી લેતા. પરંતુ, આર્થિક તસોતસના એ દિવસોમાં વધતા કુટુંબ માટે એક દીકરો હોવો જરૂરી હતો, જે આજે નહીં તો કાલે માબાપની હાથ-લાકડી થાય. ઇકબાલનું પહેલું સંતાન એક છોકરી ખુરશીદ હતી જ. (જો કે એ વાત પણ રેકોર્ડ પર લાવવી જરૂરી છે કે ખુરશીદ તેમના અગાઉના લગ્નથી થયેલી બેટી હતી એવી પણ એક વાયકા છે.) એવા સમયમાં પહેલી ઓગસ્ટ 1933ના રોજ (ક્યાંક એ વર્ષ 1932 પણ છે) પરેલમાં ડૉ. ગદરેના દવાખાનામાં ફરી એક પુત્રીનો જ્ન્મ થયો, જે આગળ જતાં ‘ટ્રેજેડી ક્વીન’ મીનાકુમારી બન્યાં! 

મીનાકુમારીએ પોતાની મોટાભાગની ફિલ્મોમાં દુખિયારી સ્ત્રીની ભૂમિકાઓ કરી હતી અને કમનસીબી તેમનાં પાત્રોએ સતત અનુભવવાની રહેતી. તેમના અભિનયમાં જે વાસ્તવિકતા લાગતી તેનું જ પરિણામ હતું કે 1963ના ફિલ્મફેર એવોર્ડ્સમાં, તે પુરસ્કારોના ત્યાં સુધીના, ઇતિહાસમાં એક વિક્રમસર્જક ઘટના બની હતી. તે સાલ ‘બેસ્ટ એક્ટ્રેસ’ના વિભાગમાં જે ત્રણ નોમિનેશન થયાં તે ત્રણેય મીનાકુમારીનાં હતાં! મતલબ કે ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ની ટ્રોફી તો મીનાજીની જ હતી. સવાલ એ હતો કે કયા પિક્ચર માટે તેમને એ પુરસ્કાર મળશે? 

તેમાં એક બાજુ ગુરૂદત્તની અમર કૃતિ ‘સાહિબ બીબી ઔર ગુલામ’ હતી, જેમાં પતિને ખુશ કરવા એક સંસ્કારી ઊચ્ચ બંગાળી ખાનદાનની ‘વહુ’ તેમના પરિવારોમાં સ્ત્રીઓ માટે જેનો નિષેધ હોય એ શરાબ પીવા સુધી નીચી ઉતરી જાય છે. તો ઉમેદવારીના બીજા ચિત્ર ‘આરતી’નું તો નામ જ તેમના પાત્રના નામ ‘ડૉક્ટર આરતી ગુપ્તા’ પરથી રખાયું હતું. ‘આરતી’માં રોશન દાદાનાં ગાયનો? અહાહા..... ‘દિલ જો ન કહ સકા, વોહી રાઝ-એ-દિલ કહને કી રાત આઈ...’, ‘આપને યાદ દિલાયા તો મુઝે યાદ આયા, કિ મેરે દિલ પે પડા થા કોઇ ગમ કા સાયા....’, ‘કભી તો મિલેગી, કહીં તો મિલેગી, બહારોં કી મંઝિલ રાહી....’, ‘અબ ક્યા મિસાલ દૂં, મૈં તુમ્હારે શબાબ કી, ઇન્સાન બન ગઈ હૈ કિરન માહતાબ કી...’ (અબ ક્યા ઔર મિસાલ દૂ?)

તે વરસની ત્રીજી ફિલ્મ હતી ‘મૈં ચૂપ રહુંગી’ અને તેમાં પણ ‘તુમ્હી હો માતા પિતા તુમ્હી હો...’ જેવું ભજન હતું જે સ્કૂલોમાં પ્રાર્થના તરીકે વગાડાતું. છેવટે ફિલ્મફેર પુરસ્કાર ‘સાહિબ બીબી ઔર ગુલામ’ માટે મળ્યો હતો. જ્યારે ‘આરતી’ના તેમના રોલ માટે તે સમયના બીજા સન્માનજનક એવોર્ડ ‘બેંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ એસોસિએશન’ દ્વારા તેમને ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો પુરસ્કાર અપાયો હતો. એવોર્ડની જ વાત ચાલે છે તો એ પણ ઉલ્લેખ આવશ્યક છે કે મીનાકુમારીએ  ફિલ્મફેર એવોર્ડ શરૂ થયા ત્યારે પણ શરૂઆતનાં બે વર્ષની ટ્રોફીઓ ‘બૈજુ બાવરા’ અને ‘પરિણિતા’ માટે જીતીને ‘બૅક ટુ બૅક’ એવોર્ડ જીતી શકાય છે એ શક્યતાનો પણ આરંભ કરી બતાવ્યો હતો. તેમની જીતેલી એ ટ્રોફીઓ વર્ષો પછી કમાલ અમરોહીના સ્ટુડિયોના કોસ્ચ્યુમ રૂમના એક ડ્રોઅરમાં ધૂળ ખાતી પડી હતી એમ ગીતકાર-લેખક જાવેદ અખ્તરે કહેલું છે. 

જાવેદ તે દિવસોમાં કમાલ અમરોહી સાથે મહિને પચાસ રૂપિયાના પગારથી કામ કરતા હતા. તેમને સ્ટુડિયોમાં જ્યાં ગાદલાં, ડ્રેસ અને અન્ય ફરાસખાનાનો સામાન પડી રહેતો હતો ત્યાં સૂવાની જગ્યા આપી હતી. જાવેદ સાહેબ કહે છે કે એ ટ્રોફીઓને પોતે સાફસુફ કરી હતી અને પછી એ પૈકીની એકને પોતાના હાથમાં લઈને એ પોતે ભવિષ્યમાં ફિલ્મફેર એવોર્ડ જીતશે તો કેવી રીતે ટ્રોફી પકડશે તેની સ્પીચ સહિતની પ્રેક્ટિસ આયના સામે ઊભા રહીને કરતા! એ બધા પુરસ્કારો જીતી શકે એવો અભિનય મીનાકુમારી એટલી તન્મયતાથી કરી શકતાં તેના મૂળમાં કદાચ તેમના જીવનના કેટલાક બનાવોના પડછાયા પણ હશે એમ માનવાનું મન થાય. એવી એક ઘટના તેમના જીવનની શરૂઆતમાં જ બની હતી. 

જ્યારે મીનાકુમારીનો જન્મ થયો ત્યારે પિતા માસ્ટર અલી બક્ષની દીકરા માટેની આશા પર પાણી ફરી વળ્યું હતું. તે દિવસોની સામાજિક હાલત આજે ‘સેવ ગર્લ ચાઇલ્ડ’ની ઝુંબેશના સમયમાં કદાચ ઓછી સમજાય. પણ પુત્રીઓને બોજારૂપ ગણવાના એ દિવસો હતા. તેને લીધે જ તો ‘દીકરી સાપનો ભારો’ જેવો વાક્યપ્રયોગ લોકવાણીમાં સહજ બન્યો હતો. તે સમયમાં પુત્રની આશામાંને આશામાં માતાને વારંવાર પ્રેગ્નન્ટ થવું પડતું. નવજાત બાળકીઓને જન્મતાંવેંત દૂધમાં ડૂબાડીને તેમની હત્યા કરી દેવાની પ્રક્રિયાને ‘દૂધ પીતી કરવા’ જેવું નિર્દોષ લાગે એવું નામ અપાતું! કદાચ એવો જ કોઇ વિચાર અલી બક્ષના મનમાં આવ્યો. પણ એટલા બધા નિર્દયી બનવાને બદલે થોડો હળવો ઉપાય નક્કી કર્યો. અકળાઇ ઉઠેલા અલીએ ગુસ્સામાં તે નવજાત બાળકી (મીનાકુમારી)ને ઉઠાવી અને દાદરમાં ‘રૂપતારા સ્ટુડિયો’ની સામે આવેલા એક મુસ્લિમ અનાથાશ્રમ (યતીમખાના)ની બહાર મૂકી દીધી અને પોતાને માટે બદનસીબી લાગતી એ દીકરીને રડતી મૂકીને ઘર તરફ ચાલતી પકડી. (વધુ આવતા અંકે)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.