મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (10)

30 Dec, 2016
12:00 AM

સલિલ દલાલ

PC: openthemagazine.com

પોલીસને જોઇને કમાલ સમજી ગયા કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. ત્યાં અંધેરીના ‘પેરેડાઇઝ’ બંગલામાં મેહમૂદના બે પાળેલા કૂતરા પણ હતા. કમાલે શાંતિથી સાઢુભાઇ મેહમૂદ સાથે વાત કરી કે પોતાની બીવી સાથે એ મળવા દે. મેહમૂદે અને મધુએ ઇનકાર કર્યો. એટલે તેમણે કહ્યું કે ‘હું જાતે એકવાર પૂછી લઉં અને જો તે મને ના કહેશે તો હું એક મિનિટ પણ રોકાયા વગર જતો રહીશ.’ આની પાછળ પણ એક કારણ હતું. તે દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં અને મીડિયામાં કમાલ અમરોહી પ્રત્યે સહાનુભૂતિ રાખનારા ઘણાના મતે મીના કુમારીએ પતિનો ત્રાસ સહન કર્યા કરવાને બદલે તલાક લઈને પોતાની જિંદગીની કમાન પોતાના હાથમાં લઈ લેવી જોઇએ; એવી સતત સલાહ બેન મધુથી માંડીને બિમલ રોયના નજદીકી વર્તુળના કેટલાક આપતા હોવાનો શક કમાલ સાહેબને હતો. તેથી મધ્યસ્થીને બાજુ પર રાખીને પત્ની સાથે સીધી વાત કરવાની તેમની વાતનો વિરોધ ના થયો. પરંતુ, આજે મીના કુમારી ત્રાસમુક્ત થવા મક્કમ હતાં.

મીનાજી ઉપર માનસિક અને આર્થિક ઉપરાંત શારીરિક ત્રાસ થતો હોવાની વાતનો જો કે અમરોહી કેમ્પ તરફથી ઇનકાર જ થયો છે. પરંતુ, બાકર જેવા સેક્રેટરી કહેવાતા વ્યક્તિએ જે હિંમતથી અને હકથી, ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓની હાજરી હોય એવા ફંક્શનની ચિંતા વગર, મીનાજીને થપ્પડ મારી; તે મારઝૂડનો ગંભીર ઇતિહાસ નથી સૂચવતો? જાહેરમાં આ સ્થિતિ હોય તો ઘરની ચાર દીવાલો વચ્ચે તો શું થતું હશે? એ સવાલ કોઇને પણ થઈ શકે એવો હતો. જો તે દિવસે ગુલઝારના પ્રશ્ને બાકરના તમાચા અંગે મીના કુમારીએ બૂમાબૂમ કરીને સૌની સામે પોતાનો રોષ વ્યક્ત ન કર્યો હોત તો? કદાચ એ ઘટના પણ મેકઅપ રૂમમાં જ ધરબાઇ જાતને? એટલે જ અત્યારના સમયમાં મહિલા સંસ્થાઓ અને કાયદા દ્વારા, વાજબી રીતે જ, આવા દુરાચાર (એબ્યુઝ)ને એકલ-દોકલ બનાવ ગણવાને બદલે એવી પરંપરાઓના ઇતિહાસની પરાકાષ્ટા સમજવામાં આવતી હોય છે. પરંતુ, આજથી પચાસ વર્ષ પહેલાંના, 1964ના, સમયની વાત અલગ હતી. મોટાભાગની પત્નીઓ પણ પતિ દ્વારા પોતાને માર પડે તેમાં કશું ખોટું જોતી નહતી. મીનાજીનું બંડ એ રીતે પણ ત્યારે તો બહુ ચોંકાવનારું હતું અને કમાલ અમરોહીએ તેમના રૂમના દરવાજા બહાર ઊભા રહીને વિનંતીઓ કરી ત્યારનો મીના કુમારીનો પ્રતિભાવ પણ તેમની (મીનાજીની) સહનશક્તિનો અંત દર્શાવે એવો હતો.

મીના કુમારીએ વારંવારની વિનવણીઓ છતાં કમાલ અમરોહી માટે બારણું ના જ ખોલ્યું. કમાલે એમ પણ કહ્યું કે ‘જે બન્યું છે એ તારા અને બાકર વચ્ચે બન્યું છે. હવેથી એ તારા મામલામાં સામેલ નહીં થાય. બાકર આપણે ઘેર પણ નહીં આવે.’ પણ મીનાજી નામક્કર જ ગયાં. છેવટે અમરોહીએ એક અંતિમવાદી ધમકી પણ ઉચ્ચારી દીધી, ‘જો આજે તું મારી સાથે ઘેર પાછી નહીં આવે તો હું કદી પણ તને બોલાવવા નહીં આવું.’ તેમ છતાં મીના કુમારીએ દ્વાર ન જ ખોલ્યું. છેલ્લાં પ્રયત્ન તરીકે પેરેડાઇઝ બંગલાના સૌથી ઉપરના ભાગમાં આવેલા એ સ્વતંત્ર રૂમમાં મેહમૂદના ટેલિફોનનું એક્સ્ટેન્શન હતું તેના ઉપર રીંગ વગાડાઇ. મીનાજીએ તે ફોન પણ ન ઉઠાવ્યો અને છેવટે કમાલને ખાલી હાથે પરત જવું પડ્યું. બીજા દિવસથી સિને ઉદ્યોગમાં તો ‘જિતને મુંહ ઉતની બાતેં’ શરૂ થઈ ગઈ. ફિલ્મોમાં તો લાખો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટનો પ્રશ્ન હોય. ગૂંચવાડા લિગલ થાય એવા હતા. કેમ કે નિર્માતાઓના કરાર ‘મહલ પિક્ચર્સ’ સાથે હોય અને તેથી મીના કુમારી પાસે તારીખોની કોઇ સીધી ઉઘરાણી કરી ન શકે. જ્યારે અમરોહીની એ સંસ્થાએ દર ત્રણ વર્ષે પોતાની અભિનેત્રી સાથે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો હોય તે કર્યો હશે કે નહીં એ પણ કોઇ નહતું જાણતું. તેથી જે પ્રોજેક્ટ્સ ફ્લોર પર હતા તે બધા પ્રોજેક્ટસનું શું થશે? એ ચિંતાનો વિષય હતો. પરંતુ, તેનો ઉકેલ ચાર જ દિવસમાં મીના કુમારીએ એક પ્રેસ સ્ટેટમેન્ટથી કરી દીધો.

મીના કુમારી તરફથી નવમી માર્ચ 1964ના દિવસે તેમના વકીલ કિશોર શર્માએ એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે એક જાહેર નિવેદન પ્રેસમાં ઇશ્યુ કર્યું, ‘મીના કુમારીની પારિવારિક જિંદગી લાંબા સમયથી દુ:ખી હતી. તેમને માનસિક તણાવ હતો. હવે તેમણે નક્કી કર્યું છે કે તેઓ પોતાના પતિ પાસે પરત જવાનાં નથી. તેમ છતાં, તે પોતાની ફિલ્મો માટે પ્રતિબદ્ધ છે અને તે તમામને પૂર્ણ કરશે. તેમના ‘પારિવારિક વિવાદ’ને કારણે કોઇએ ચિંતા કરવાની જરૂર નથી.’ તે વખતે મીના કુમારી પાસે જે પણ ફિલ્મો હાથ પર હતી, તેનાં બાકી પેમેન્ટ તથા તારીખોનો વહીવટ હવે કિશોર શર્મા કરવાના હતા. મીનાજીએ કમાલ અમરોહીથી અલગ થતાં અગાઉ લગભગ 40થી 50 ફિલ્મો કરી હતી. તેમનો રેટ ઓછામાં ઓછા એક લાખ અને વધુમાં વધુ સાડાત્રણ લાખ વચ્ચેનો બે લાખ ગણીએ તો પણ મોટાભાગના લોકોનો અંદાજ ત્યારે એવો હતો કે મીના કુમારીએ કમસે કમ બે કરોડ રૂપિયા ‘મહલ પિક્ચર્સ’ને કમાવી આપ્યા હશે. તેથી કમાલ અમરોહીનો એકરોમાં પથરાયેલો સ્ટુડિયો પણ એ કમાણીમાંથી બનાવાયો હશે એવું માનનારા જાણકારોના મતે, તે જમાનામાં લાખો રૂપિયાની કિંમતની પ્રોપર્ટી ખરીદવાની કોઇ આર્થિક ઔકાત અમરોહીની નહતી. 

કમાલ સાહેબે ‘મહલ’ સિવાય માત્ર ‘મુગલ-એ-આઝમ’ના ચાર પૈકીના એક સંવાદ લેખક તરીકે કામ કર્યું હતું. તેથી બીજી નાની-મોટી ફિલ્મોના ડાયલોગ કે સ્ક્રિપ્ટ લખવાથી કે પછી અમરોહાની તેમની જાયદાદની પણ એવી મોટી આવક ન હોઇ શકે. બલકે લાખો ખર્ચા કરેલા હતા. ખાસ કરીને મીના કુમારી અલગ થયાં ત્યાં સુધીમાં 40 લાખ રૂપિયાનો ખર્ચો તો કમાલે ‘પાકીઝા’ના નિર્માણ પાછળ કર્યો હતો. તેમાં બજારમાંથી ઉછીની લીધેલી રકમોનો પણ સમાવેશ હતો. ‘મહલ પિક્ચર્સ’ અને સ્ટુડિયોની માલિકીમાં મીના કુમારીનું નામ હતું કે કેમ તેની કોઇ સ્પષ્ટતા ઉપલબ્ધ નથી. પરંતુ, સામસામા કાનૂની દાવાઓ થયા ત્યારે ‘મહલ પિક્ચર્સ’ તેમાં પ્રમુખ હતું. ફિલ્મોનું અને કાનૂની બંને કામકાજ વધતાં હતાં. મેહમૂદના બંગલામાં મીના કુમારીને આગવો રૂમ ઉપરના ભાગમાં અપાયો હોવા છતાં પ્રાઇવસી નહતી. કેમ કે ઉદાર દિલ મેહમૂદના એ ‘પેરેડાઇઝ’માં સગાં-સંબંધીઓનો ભારે આવરો-જાવરો રહેતો. મેહમૂદના એ જ ઘરમાં પછી તો અમિતાભ બચ્ચનને પણ તેમના સંઘર્ષના દિવસોમાં ભાઇ અનવર અલીના દોસ્ત તરીકે આશ્રય મળ્યો જ હતો ને? તે બંગલામાં પચીસ-ત્રીસ જણ રહેતા હોવાથી મુલાકાતીઓનું અને ફોનનું સ્ક્રિનિંગ થતું જ હોય. એટલે પાંચ જ મહિનાના ટૂંકા વસવાટ પછી મીનાજીએ જુહુના ‘જાનકી કુટિર’માં એક ઘર લઈ લીધું. પણ ગમ્મત એ થઈ કે બેન મધુ પણ મેહમૂદથી અલગ થઈને તેમની સાથે રહેવા આવી ગઈ. એટલું જ નહીં, આગળ જતાં તે એડવોકેટ કિશોર શર્મા સાથે પરણી ગઈ!

કિશોર શર્મા અને મધુને મળેલા અલાયદા રૂમ ઉપરાંત ‘જાનકી કુટિર’ના એ ઘરમાં મીનાજીનાં પિયરિયાં સગાં-વહાલાં પણ રહેતાં. ઘર ‘પેરેડાઇઝ’ની માફક જ ભર્યું ભર્યું રહેતું. પરંતુ, હવે અવર-જવર અને શરાબ ઉપર કોઇ નિયંત્રણ નહતું. ધર્મેન્દ્રની આવન-જાવન અને ‘બેઠકો’ વધી હતી. ધર્મેન્દ્ર સાથેની ફિલ્મોમાં ‘કાજલ’ પણ હતી, જેમાં મીનાજીના હીરો તો રાજકુમાર હતા, જ્યારે ધરમજીનાં નાયિકા પદ્મિનિ હતાં. ‘કાજલ’માં મીના કુમારીએ ગાયેલાં ગાયનો પૈકીનું ‘મેરે ભૈયા, મેરે ચંદા, મેરે અનમોલ રતન, તેરે બદલે મૈં જમાને કી કોઇ ચીજ ન લું’ દર રક્ષાબંધને અચૂક વાગે અને ટીવી પર મીનાજીનો સૌમ્ય અને હસતો ચહેરો જોઇ મનને જબરી શાતા મળે. તેમનું ગાયેલું અન્ય ગીત ‘તોરા  મન દર્પન કહેલાયે....’ સાહિરનાં શ્રેષ્ઠ્તમ પ્રાર્થના-ગીતોમાં સમાવિષ્ટ છે. આ પંક્તિઓ તો જુઓ?.... ‘સુખ કી કલિયાં દુઃખ કે કાંટે, મન સબ કા આધાર, મન સે કોઇ બાત છૂપે ના, મન કે નૈન હજાર, જગ સે ચાહે ભાગ લે પ્રાણી, મન સે ભાગ ન પાયે...’ આપણે ત્યાં કહેવાતું હોય છે કે ‘સુખ અને દુઃખ તો ભૈ, મનનું કારણ છે’ તેની આ કાવ્યાત્મક અભિવ્યક્તિ છે. ‘કાજલ’માં સહનશીલ મુખ્ય પાત્ર ‘માધવી’ તરીકેનો અભિનય મીના કુમારીને ‘ફિલ્મફેર’ એવોર્ડ અપાવી ગયો હતો. મીના કુમારીની એક્ટિંગ કરિયરનો ગ્રાફ સમજવા માટે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે તે સાલ થયેલા 13મા એવોર્ડ ફંક્શનમાં એ ચોથી ટ્રોફી તેમના નામે થઈ હતી. એટલે કે ત્યાં સુધીના સમયના ત્રીજા ભાગ દરમિયાન એ જ ‘બેસ્ટ એક્ટ્રેસ’ ઠર્યાં હતાં!

એવા સમયે મીનાજીએ ધર્મેન્દ્રનો હાથ પકડ્યો હતો, જે હજી સોલો હીરો તરીકેના એક સુપરહિટ પિક્ચરની તલાશમાં હતા. એવું એક ચિત્ર ‘ફુલ ઔર પથ્થર’ ઓ.પી. રાલ્હન બનાવી રહ્યા હતા. ‘ઓ.પી.’ની ઇચ્છા સુનિલ દત્તને લેવાની હતી, જેમનો હાથ મીના કુમારીએ ‘એક હી રાસ્તા’માં પકડ્યો હતો. પણ મીનાજીએ ધર્મેન્દ્રને આગળ કર્યા અને હિન્દી સિનેમાને એક ‘હી મેન’ તેના અસલી સ્વરૂપે મળ્યો. ત્યાં સુધીમાં પુરુષ કલાકારો કદી ખુલ્લા બદને પડદા ઉપર નહતા દેખાતા. હા, ‘ટારઝન’ કે ‘ઝિમ્બો’ જેવાં પાત્રોમાં અથવા કુસ્તી ધરાવતાં ચિત્રોમાં પહેલવાનો જરૂર એ રીતે આવતા. પરંતુ, એ તો સ્ટંટ પિક્ચરોમાં જ. મેઇન સ્ટ્રીમ સિનેમાના હીરો તો બને ત્યાં સુધી શર્ટનું ટોપ બટન પણ ના ખુલવા દે. શમ્મી કપૂર જેવા બિન્દાસ ઉપલાં બે બટન ખુલ્લાં રાખે તો પણ એ ‘રેબલ સ્ટાર’ (બંડખોર સિતારા) કહેવાતા. એવામાં ‘ફુલ ઔર પથ્થર’નું પેલું ફેમસ પોસ્ટર અને તેનાં વિશાળ બોર્ડ્સ બજારમાં આવ્યાં અને સનસનાટી થઈ ગઈ!

તેમાં સૂતેલાં મીના કુમારીની પાસે ધર્મેન્દ્ર પોતાની સુદ્દઢ કસરતી બોડી સાથે માત્ર પેન્ટભેર ઉભા હોય અને હાથ જાણે તેમને સ્પર્શવા આતુર હોય એવું દ્દશ્ય ત્યારે, પિક્ચરની રજૂઆત પહેલાં, ચકચાર જગવી ગયું હતું. રિલીઝ થયા પછી તો ટિકિટ બારી એવી છલકાઇ ગઈ કે તે વરસનું સૌથી વધુ કમાણી કરાવનારું નંબર વન ચિત્ર સાબિત થયું! તેમાં બચપણમાં ગુનાના રસ્તે ચઢી ગયેલ ‘ફુલ’ જેવા અનાથ બાળકને સતત ગુના કરીને યુવાનીમાં ‘પથ્થર’ જેવા બની જવું પડતું હોય છે એવા સંદેશ સાથેની ક્રાઇમ સ્ટોરીનો સરસ પ્લોટ, રાલ્હનનો રાહત આપતો કોમેડી ટ્રેક અને સૌથી અગત્યનું શશિકલાનું ક્લબ ડાન્સર ‘રીટા’નું પાત્ર! શશિકલાનાં ગાયનો ‘શીશી સે પી યા પૈમાને સે પી...’ અને ‘ઝિંદગી મેં પ્યાર કરના શીખ લો...’, ધર્મેન્દ્રનાં મારામારી અને આગમાં તથા કાચ તોડીને કૂદવા સહિતનાં મર્દાના દ્દશ્યો તેમજ છેલ્લે કોર્ટમાં મીના કુમારીના ધારદાર સંવાદ જેવાં આકર્ષક તત્ત્વોને લીધે એ પિક્ચરે  ઠેર ઠેર 25 અને 50 અઠવાડિયાં ચાલીને સિલ્વર તથા ગોલ્ડન જ્યુબિલીઓ મનાવી. તેના વિક્રમોથી મીના કુમારી નંબર વન સ્ટાર છે એ વાત ફરી એકવાર સાબિત થઈ. એ રીતે જોઇએ તો ‘ફુલ ઔર પથ્થર’ની જબ્બર સફળતાએ મીનાજીના ‘ધરમ’ને તેમની (મીના કુમારીની) ઇચ્છા મુજબનો ટોપસ્ટાર તો બનાવી દીધો... પણ અંગત લેવલે તેમને માટે એ બહુ મોટી ખોટ સાબિત થતી હતી! (વધુ આવતા અંકે)  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.