મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (13)

20 Jan, 2017
12:00 AM

સલિલ દલાલ

PC: dnaindia.com

મીના કુમારી સાથે કમાલ અમરોહી લાંબો સમય રહ્યા હોઇ જાણતા જ હશે કે મીના કુમારીએ કદી પૈસાની પરવા કરી નથી... કિશોર શર્માએ ઓફરને કાયદાકીય શિષ્ટાચારવાળી ભાષામાં ઠુકરાવી અને લખ્યું કે,કમાલ અમરોહી સાચે જ કશું કરવા માગતા હોય તો મીના કુમારીના ઇન્કમટેક્ષની જવાબદારી ઉપાડે. ટેક્ષની નોટીસો તેમને મળ્યા કરે છે, જ્યારે ‘મહલ પિક્ચર્સ’ તરફથી કોઇ મહેનતાણું મળ્યું નથી.... ‘પાકીઝા’ માટે તેમની એક માત્ર શરત છે કે એક ફ્રીલાન્સ આર્ટિસ્ટ તરીકે નવેસરથી કરાર કરવામાં આવે તો તે કામ કરવા તૈયાર છે... વકીલ મારફત થયેલા એ પત્રવ્યવહારને પછી તો કમાલ અમરોહીએ પ્રેસમાં રિલીઝ કર્યો અને તેમનું દાંપત્યજીવન એક અરસા સુધી બંને પક્ષના પત્રકારોની વિવિધ ટિપ્પણીઓમાંથી પસાર થયું. તેનાથી મીના કુમારીને મહદ અંશે સહાનુભૂતિ મળી અને થોડી બદનામી પણ. પતિ સિવાયના એક કરતાં વધુ પુરુષો સાથેના તેમના સંબંધોની ટીકા થતાં તેમણે એક વાર જે કહ્યું હતું તે પચાસ વરસ પહેલાંની રીતે કેટલું ક્રાંતિકારી હતું!

મીનાજી એમ કહેતાં ક્વોટ કરાયાં છે કે સ્ત્રી અને પુરુષને માપવાનું ધોરણ અલગ શા માટે? જો એક પુરુષના સંબંધો એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે હોય તો તેને માટે ગૌરવ ગણાય. તેને સાચો ‘મરદ’ ગણવામાં આવે અને કોઇ મહિલાની દોસ્તી એક કરતાં વધારે પુરુષો જોડે હોય તો તેને કેવી કેવી બદનામીઓ મળે છે? તેમણે ‘પાકીઝા’માં  કામ કરવાનો કાયદેસર ઇનકાર કર્યો હતો તે વખતે ’64મા, બોક્સ ઓફિસ પર તેમની પાવરફુલ સ્થિતિ હતી અને ધર્મેન્દ્ર જેવો સાથી પણ ઉપલબ્ધ હતો. હવે 1968મા બધું બદલાઇ ચૂક્યું હતું. ગુલઝારની મુલાકાત રાખી સાથે થઈ ચૂકી હતી. ગુલઝારની પુત્રી મેઘનાએ લખેલી જીવનકથામાં ઉલ્લેખ છે કે તેમનાં માતા-પિતા પ્રથમ વખત હેમંતકુમારની ફિલ્મ ‘રાહગીર’ના સર્જન દરમિયાન 1968ની આસપાસના વર્ષમાં પ્રથમવાર મળ્યાં હતાં. તેમની લવ સ્ટોરી આરંભ થઈ ચૂકી હતી. ધરમજી રાહુલના બનાવ પછી પાછું વળીને મીનાજી સાથેના સંબંધને જોયા વગર પોતાની કરિયરનાં નવાં સોપાન સર કરતા સડસડાટ ચાલવા માંડ્યા હતા. તેથી મીના કુમારી માટે શરાબ માત્ર સાંજનો જ સાથી નહતો રહ્યો. તેમના મદીરાપાનના કલાકો ખૂબ વધી જતાં સીધી અસર શરીર પર પડવા માંડી હતી. તેમના ફેમિલી ડોક્ટર જે. આર. શાહની સતત સલાહ હતી કે દારૂનું સેવન ઘટાડો. પણ માને કોણ? અથવા વધારે સારી રીતે કહેવું હોય તો, મનાવે કોણ?

મીના કુમારીને હકપૂર્વક રોકનારું કોઇ ન હતું. ઉલટાનું તેમને માટે શરાબની વ્યવસ્થા કરનારાઓને બક્ષિસ મળતી હોઇ એવા સૌ નજદીકી લોકો માટે તો ઘરની માલિકણ વધારે પીએ એ જ ફાયદાકારક રહે! અમુક અહેવાલો એમ પણ કહે છે કે બક્ષિસ ‘દલા તરવાડી’ની અદામાં સેરવી લેવામાં આવતી હતી. તેને લીધે આલ્કોહોલની ક્વોલિટીનું સ્તર ન સચવાવાનો પણ ભય રહેતો. વ્હીસ્કી પીનારા જાણે છે એમ, પહેલો પેગ ઓરિજિનલ બ્લેક લેબલનો બન્યા પછી જેમ જામ પર જામ પીવાતા જાય એમ મદહોશીના આલમમાં કઈ બ્રાન્ડ પીરસાય છે એ પણ ક્યાં જોવાતું હોય છે? એવી પણ સ્ટોરી છે કે મીના કુમારીને એક તબક્કે લોકલ દેશી દારૂ પણ આપવામાં આવતો હતો. તેમની જરૂરિયાતોની સંભાળ તેમનાં કુટુંબીજનો અને વર્ષોના વિશ્વાસુ નોકર-ચાકર પૈકીના જ રાખતા હતા. તેથી આ પૈકીની કોઇ વાત સાચી હતી કે તેમના અવસાન પછી ઉપજાવી કઢાઇ હતી તેની ખણખોદનો, હવે કોઇ મતલબ નથી. આપણને, સિનેમાના ચાહકોને, ચિંતા કરાવે એવી હકીકત તો એ જ હતી કે ’68 પછીનાં વર્ષોમાં મીનાકુમારીની તબિયતે તેમના દેહ ઉપર ચિંતાજનક અસરો દેખાડવા માંડી હતી.

મીનાજીનું પેટ ફૂલવા માંડ્યું હતું. ચહેરા પર થોથર ચઢી ગઈ હતી. કદીક નાજુક લાગતી મુખાકૃતિ ભારેખમ દેખાવા માંડી હતી. તેને લીધે હીરોઇનના રોલ પણ હવે ઓછા, બલ્કે નહીંવત, થવા માંડ્યા હતા. આગલા વર્ષે ‘67મા આવેલી ‘નૂરજહાં’માં રોશનના સંગીતમાં ગીતો પણ સરસ હતાં. તે પૈકીનું શરાબી શરાબી યે સાવન કા મૌસમ, ખુદા કી કસમ ખૂસૂરત ન હોતા, અગર ઇસ મેં રંગે મહોબત ન હોતા...સુમન કલ્યાણપુરનાં ગાયેલાં અમર ગીતોમાં સામેલ છે. પણ મોગલ મહારાણીની એ વાર્તા ચાલી નહીં. બરાબર યાદ છે, ‘નૂરજહાં’ વડોદરા અલ્પના ટોકીઝમાં  રિલીઝ થયું, ત્યારે પિક્ચરના સર્જક અને એક જમાનાના સ્ટ્રોંગ છ ફૂટ પ્લસના હીરો શેખ મુખ્તાર પ્રમોશન માટે ખાસ પધાર્યા હતા. તેમની હાજરીની સ્થાનિક અખબારોમાં અગાઉથી જાહેરાત થયા છતાં થિયેટરમાં પાંખી હાજરી જોઇને એ પહાડ જેવા આર્ટિસ્ટ પણ ઢીલા થઈ ગયેલા દેખાતા હતા. બિચારાએ સ્ટેજ પરથી વિનંતિના સ્વરમાં કહ્યું હતું કે ઇસ પિક્ચર કો દેખને કે લિયે અપને દોસ્તોં ઔર રિશ્તેદારોં કો જરૂર કહિએગા.... હમને બડી મેહનત ઔર લગન સે ઇસે બનાયા હૈ... પણ ફિલ્મ ડબ્બો જ થઈ અને ફ્લોપ પિક્ચરનો માર સહન નહીં કરી શકનાર શેખ મુખ્તાર પછી પાકિસ્તાન જતા રહ્યા. તે વખતે વડોદરા બોર્ડિંગમાંના અમારા સિનિયરોએ ભવિષ્ય ભાખ્યું હતું કે હવે મીના કુમારીના હીરોઇન તરીકેના દિવસો પૂરા થઈ ગયા. એ સાંભળવું ન ગમે એવું ભડળી વાક્ય હતું. પણ પછી ખરેખર એમ જ બન્યું!

મીના કુમારીની ’68મા બે જ ફિલ્મો આવી.... સંજય (ખાન) તથા નંદા જેવાં જુવાનિયાં હીરો-હીરોઇન સાથેની ‘અભિલાષા’ અને ધર્મેન્દ્ર સાથેની ‘બહારોં કી મંઝીલ’. ‘અભિલાષા’ના નિર્માતા એક બિલ્ડર અને ચાહક હતા. તેમણે  ફીના પૈસા આપવાને બદલે એક બંગલો મીના કુમારીને આપ્યો. તે પિક્ચરનું શૂટિંગ કરવા તેમની લથડતી તબિયતને લીધે એ સ્ટુડિયો જઈ શકે એમ ન હતાં. તેથી ‘અભિલાષા’ના આખા યુનિટને પોતાને ત્યાં ‘જાનકી કુટિર’માં બોલાવ્યું. તેથી મીના કુમારી શરાબ પીએ છે તથા બીમાર રહે છે એ ગુસપુસ ધીમે ધીમે સાચા સમાચાર થયા. એવા ન્યૂઝ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઝડપથી ફેલાતા હોય છે. તેથી પૈસા લગાવનારા પાછા હટવા માંડ્યા અને ’69મા મીનાજીનું કોઇ પિક્ચર ન આવ્યું. પણ ફિલ્મોના કોન્ટ્રાક્ટ કરતાં તંદુરસ્તી વધારે અગત્યની હતી. તે વખતની મીના કુમારીની માનસિક સ્થિતિ એવી હતી કે જાણે કે શરાબ સિવાય કોઇ આશરો જ ન હોય. ‘કોના માટે જીવવાનું?’ એવું માનતાં હોય એમ ડોક્ટરની સલાહને અવગણીને દારૂ પીવામાં કોઇ નિયંત્રણ નહતાં રાખતાં.  એ પોતે જાણે કે ‘સાહિબ બીવી ઔર ગુલામ’ની ‘છોટી બહુ’ હોય એમ પોતાની એકલતાના સાથી તરીકે આખો સમય શરાબમય રહેવામાં જ સંતોષ અનુભવતાં. એ અરસામાં આકાશવાણીના રેડિયો વિવિધભારતી પર આવતા ફૌજીભાઇઓ માટેના ‘વિશેષ જયમાલા’ કાર્યક્રમમાં ‘ન જાઓ સૈંયાં છૂડાકે બૈંયાં...’ રજૂ કરતી વખતે એ વાત આ શબ્દોમાં કહી હતી....

અબ મૈં આપકી ખિદમત મેં ઉસ ફિલ્મ કા ગીત પેશ કરને જા રહી હું, જો મુઝે બહોત હી પસંદ હૈ. ‘સાહબ બીબી ઔર ગુલામ’. અક્સર મૈંને અપને આપ કો ઘુટા ઘુટા હી પાયા હૈ યા તો બિલ્કુલ બાગી. ‘સાહબ બીબી ઔર ગુલામ’ ફિલ્મ કી ‘છોટી બહુ’ મેરી હમજાત થી. મૈંને ઉસે બહોત બહોત પ્યાર કિયા હૈ. જબ પહલી બાર મુઝે માલુમ હુઆ કિ પિક્ચર ફેલ હો ગઈ તો મુઝે મેહસૂસ હુઆ મેરી કોઇ બહોત અઝીઝ બહોત પ્યારી સહેલી સીઢિયોં સે ગિરકર જખ્મી હો ગઈ ઔર જબ મુઝે ઇસી ફિલ્મ કે લિયે એવોર્ડ મિલા તો મેરી સમઝ મેં નહીં આયા ઉસે કહાં સંભાલું, કિસે દિખાઉં....

‘છોટી બહુ’ તેમને પોતાની ‘હમજાત’ -પોતાના જેવી- લાગી હતી એ બહુ નિખાલસ કબૂલાત હતી. ભગવાન ભલું કરે ‘યુ ટ્યુબ’નું કે તેના ઉપર મીનાકુમારીના અવાજમાં એ આખો ‘વિશેષ જયમાલા’ ઉપલબ્ધ છે અને પ્રભુ વધારે ભલું કરે એ દયાળુ આત્માનું જેણે એ કાર્યક્રમ યુ ટ્યુબ પર અપલોડ કર્યો છે. એ સાંભળતાં સમજાય કે એકવાર પતિને ખુશ કરવા શરાબ પીવાનું શરૂ કર્યા પછી એ જ દારૂના ગુલામ થતા પાત્રમાં એ પોતાની જાતને જોતાં હતાં. તેમનું એમ કહેવું કે પોતે કાં તો સહન કરતાં મનમાંને મનમાં ગૂંચવાતાં –ઘુટા ઘુટા- હતાં અથવા બાગી અર્થાત બળવાખોર હતાં. એટલે કે તે અંતિમવાદી વ્યક્તિ હતાં. એ કાં તો મન મારીને જીવે અથવા ખુલ્લેઆમ બગાવત કરે.... અધવચનું કોઇ સ્ટેજ નહીં! શરૂઆતની જિંદગીમાં પિતાની કડકાઇ અને પછીનાં વર્ષોમાં પતિનો એકાધિકાર એ બધાથી અકળાઇને એ સાવ સામા છેડે બેસીને જગજાહેર રીતે બધું કરવા માંડ્યાં હતાં, જે સમાજની રીતે અસ્વીકાર્ય હોય અથવા શારીરિક રીતે નુકસાનકર્તા હોય. તેમના પ્રિય પાત્ર ‘છોટી બહુ’ને સ્વીકૃતિ ન મળી અને પિક્ચર ફ્લોપ થઈ ગયું તેને માટે એક જ વાક્યમાં કરેલી અભિવ્યક્તિ મેરી કોઇ બહોત અઝીઝ બહોત પ્યારી સહેલી સીઢિયોં સે ગિરકર જખ્મી હો ગઈ… કેટલું બધું કહી જાય છે? પડદા ઉપરના પાત્ર સાથે આવું તાદાત્મ્ય અનુભવવાને અને તેને અસલી જિંદગીમાં અનુસરવાને માનસશાસ્ત્રીઓ જે રીતે એનાલિસિસ કરે એ ખરું. પણ એ હકીકત હતી કે મીનાજી ‘સૅલ્ફ ડિસ્ટ્રક્શન’ અર્થાત ‘સ્વનાશ’ કરવા કૃતનિશ્ચયી હોય એમ સતત શરાબ પીતાં.

પરિણામ એ આવ્યું કે ડોક્ટર શાહ સાહેબે દવાખાનામાં દાખલ કરવાનો આગ્રહ રાખ્યો અને ત્યાં નિદાન થયું કે મીનાજીને ‘સોરાસિસ ઓફ લીવર’ છે. લીવરને નુકસાન થયેલું હતું જેનો ઇલાજ સત્વરે થવો જરૂરી હતો. તેથી તબીબી સલાહ મળી કે લંડન લઈ જવાય તો ત્યાં એડવાન્સ મેડિકલ ટ્રિટમેન્ટ ઉપલબ્ધ થઈ શકશે. મીના કુમારીના હવે બનેવી એવા એડવોકેટ કિશોર શર્માએ પોતાનું કાયદાનું ભણતર લંડનમાં પણ કર્યું હોવાથી તેમણે પોતાના જૂના સંપર્કો તાજા કર્યા અને લંડન લઈ જવાનું ફાઇનલ થઈ ગયું. લંડનની ‘રૉયલ ફ્રી ઇન્ફર્મરી, ઇઝલિંગ્ટન’માં મહિલા ડોક્ટર શેરલોકની સારવાર હેઠળ અને સતત બે નર્સની સેવા ચાકરીને અંતે મીના કુમારી પાછાં સાજાં થવા માંડ્યાં હતાં. ત્યાં એ ત્રણ મહિના રહ્યાં તે દરમિયાન ‘પ્રેમ પૂજારી’ના શૂટિંગ માટે ગયેલાં વહીદા રેહમાન અને અચલા સચદેવ તેમની ખબર જોવા પણ આવ્યાં હતા. ત્યાંથી હવાફેર કરવા કિશોર શર્મા સાથે તે જિનિવા ગયાં. વિદેશની ધરતીનાં ચોખ્ખાં હવા-પાણી અને નિયમસરના ખોરાકની પોતાના સ્વાસ્થ્ય પર થયેલી સરસ અસરથી મીનાજી ભારે પ્રભાવિત હતાં. ત્યાંથી પાછા આવવાનું થયું ત્યારે કિશોર શર્માએ વિનોદ મેહતાને કહ્યા મુજબ તો મીનાકુમારીને પાછા ભારત આવવું જ નહતું. પરંતુ, પરત તો આવવાનું હતું. તે આવ્યાં અને દવાઓની સાથે ડોક્ટર શેરલોકની સલાહ–ક્મ-ચેતવણી પણ લાવ્યાં હતાં. એ અંગ્રેજ મહિલા દાક્તરે કહ્યું હતું કે ‘જ્યારે મરવાની ઇચ્છા થાય ત્યારે જ દારૂ પીજો!’ પણ માને કોણ?  (વધુ આવતા અંકે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.