મીના કુમારી: અજીબ દાસ્તાં હૈ યે...! (3)
પોતાની નવજાત બાળકી (મીના કુમારી)ને અનાથાશ્રમના ઓટલે મૂકીને ચાલવા માંડેલા અલી બક્ષ જેમ જેમ આગળ પગલાં ભરતા ગયા તેમ તેમ એ ધાવણી દીકરી જોર જોરથી રડવા માંડી. પુત્રીને પથરો ગણતા એ દિવસો હોવા છતાં થોડે દૂર જતા સુધીમાં તો એ આક્રંદ અસહ્ય થવા માંડ્યું. અલી પાછા ગયા અને જે દ્દશ્ય જોયું તેણે એ કઠણ કાળજાના બાપને પણ ચોધાર આંસુએ રડાવી દીધો. દીકરીના આખા શરીરે તીવ્ર ચટકા ભરનારી લાલ કીડીઓ ચઢેલી હતી! રડતે રડતે એ નવજાત શિશુને સાફ કરીને છાતી સરસું ચાંપ્યું અને ઘેર પાછા લઈ આવ્યા. પરંતુ, જિંદગીના સાવ પ્રથમ તબક્કે મીનાજીને માતાના ધાવણની જગ્યાએ તેમનું લોહી ચૂસનારા ચટકા મળ્યા એ કરૂણતા, આપણને એમ થાય કે શું એ ભાવિ ‘ટ્રેજેડી ક્વિન’ને માટે વિધાતાના પ્લાનનું ડ્રોઇંગ હતું? તેમની ફિલ્મી કરિયરમાં રૂપેરી પડદાને આંસુઓથી ભીંજવવાનું તેમના જેટલું કદાચ અન્ય કોઇ અભિનેત્રીના હિસ્સામાં નહોતું આવ્યું અને હવેની ફિલ્મોમાંથી તો કરૂણરસનું બાષ્પીભવન જ થઈ ગયેલું હોઇ એ રેકોર્ડ (?) તો અકબંધ જ રહેશે. તેમના જીવનની આ ઘટનાનો નાનકડો અંશ તેમની એક હીટ ફિલ્મ ‘મૈં ચૂપ રહૂંગી’માં હતો.
‘મૈં ચૂપ રહૂંગી’માં પણ મીનાકુમારીના નવજાત બાળકને તેમના પિતાજી બનતા નાના પલશીકર અનાથાશ્રમના બારણે મૂકી આવે છે. ફરક માત્ર એટલો હતો કે બાળકના નાનાજી તેનું રૂદન સાંભળીને દુખી થતા હોવા છતાં સંતાઇને જુએ છે કે એ અનાથાલયમાંથી તેના સંચાલક દંપતિ બહાર આવીને એ તરછોડાયેલા બાળપુષ્પને અંદર લઈ જાય છે અને આખી ફિલ્મ એ નાનકડા દીકરા (માસ્ટર બબલુ)ની આસપાસ રચાતી જાય છે. શું મીનાકુમારીની અસલ જિંદગીની, ત્યારે પણ, વહેતી વાતો પરથી તેમનાં પિક્ચરોના લેખકોને પ્રેરણા મળતી રહી હશે? જીવનભર સંતાન માટે તરસતાં રહેલાં મીનાજીને ‘ચંદન કા પલના’માં એક નિઃસંતાન પરિણિતા બનવાનું હતું. તેમને ‘સાહિબ બીબી ઔર ગુલામ’માં શરાબના રવાડે ચઢી જતાં મહિલા બનવાનું હતું, જે પણ તેમના મૃત્યુનું કારણ બને એવી તેમની જિંદગીની કડવી હકીકત હતી. તો ‘દિલ એક મંદિર’માં એ ‘સીતા’ બને છે જેમને પતિ ‘રામ’ (રાજકુમાર) અને પૂર્વ પ્રેમી બનતા ‘ડો. ધર્મેશ’ (રાજેન્દ્રકુમાર) વચ્ચે માનસિક રીતે મથામણ અનુભવવાની હતી, જે સિચ્યુએશન પણ તેમણે રિયલ લાઇફમાં એકથી વધુ વખત અનુભવેલી હતી. એક સમયે વિજય ભટ્ટની ફિલ્મ ‘બૈજુ બાવરા’ના હીરો ભારત ભૂષણ સાથે લગ્ન કરવા સુધીની મીનાજીની તૈયારી હતી. પરંતુ, પિતાએ સંભવિત દુલ્હો પરિણિત હોવાના કારણે નહીં પણ હિન્દુ હોવાથી ઇનકાર કર્યો હતો.
વિજય ભટ્ટને એ રીતે આપણે મીનાકુમારીના સાચા ‘કોલંબસ’ કહી શકીએ. કેમ કે બાળ કલાકાર તરીકે ‘મહજબીન’ને ‘લેધર ફેસ’ નામની ફિલ્મમાં પ્રથમ તક આપનાર તો એ ખરા જ, પણ ‘બૈજુ બાવરા’ જેવી મીનાજીની કરિયરની પ્રથમ સુપરહીટ ફિલ્મ પણ ભટ્ટ સાહેબના ‘પ્રકાશ સ્ટુડિયો’ની જ હતી. જો કે માત્ર વિજય ભટ્ટ જ નહીં, સમગ્ર ફિલ્મી દુનિયા અલી બક્ષને તે દિવસોમાં સોનું તે સાલ 32 રૂપિયાનું દસ ગ્રામ મળતું હતું. મતલબ કે આજે ગરીબીમાં સબડતા કોઇ પરિવારની છ-સાત વરસની દીકરી 25 હજાર રૂપિયા કમાઇ આપે તો? એ સોનાનાં ઇંડાં મૂકતી મરઘી કહેવાય જ ને? અલી બક્ષને પોતાની ‘મુન્ના’નું ભણતર અગત્યનું ના લાગ્યું હોય તો નવાઇ ન લાગવી જોઇએ. હા, આશ્ચર્ય એ વાતનું જરૂર હતું કે એ કામ મેળવવામાં અલી બક્ષનો કોઇ ફાળો નહતો. ઘરમાં, એટલે કે મુંબઈની ચાલીની તેમની ખોલીમાં, અનાજ-પાણીનો અભાવ હતો અને ઇકબાલબાનુને કમાણી માટે ફિલ્મો સિવાય કશું સમજાતું નહોતું. પોતાને અભિનેત્રી તરીકે હવે કામ નહોતું મળતું. પરંતુ, સ્ટુડિયોમાં જઈને પોતાની પુત્રી વિશે વાત કરી શકે એટલું તો નામ હતું. તેમણે જાણ્યું કે ભટ્ટ સાહેબની એક ફિલ્મ ‘ફરઝંદ-એ-વતન’ બની રહી છે અને તેમાં એક બાળકીનો રોલ ઉપલબ્ધ છે. પણ થોડો અઘરો છે. ઇકબાલ પહોંચી ગયાં પ્રકાશ સ્ટુડિયો પોતાની ‘ચીની’ને લઈને. (આ ‘ચીની’ નામ મીનાકુમારીને નાનીમા હેમસુંદરીએ આપેલું, તેમની પૌત્રીની ચાઇનીઝ જેવી ચુંચી આંખોને લીધે!) વિજય ભટ્ટ્ને જરૂર તો હતી જ. પણ સીન એવો શૂટ કરવાનો હતો કે તેમણે અમ્મીજાનને ચેતવ્યાં.
ભટ્ટ સાહેબે કહ્યું કે આ છોકરીના ગાલને બિલાડી ચાટે એવું પણ એક દ્દશ્ય આજે કરવાનું છે. કરી શકશે? ઇકબાલબાનુએ વિશ્વાસપૂર્વક સંમતિ આપી અને ‘મહજબીન’ના ગાલ પર ચાસણી જેવા ગળપણનો આછો લેપ કરાયો. પોતાના ગુલાબી ગુલાબી ગાલ પર ચીનીથી થતું આ કામ ‘ચીની’ને સહેજ પણ પસંદ નહોતું. પણ રસોડામાં ખાલી ડબલાં-ડુબલી સામે વહેલાં અમ્મીજાનનાં આંસુ દિલ પર ચોંટેલાં હતાં. શૉટ અપાયો. બિલ્લીએ પોતાની જીભથી ગાલ ચાટ્યા એ મીનાકુમારીનો કેમેરા સામેનો પહેલો સીન.(તે પછીની, એક અભિનેત્રી તરીકેની, તેમની જિંદગીમાં જીભ લબડાવતા જે ઘોઘર બિલાડાઓ આવવાના હતા તેની ક્દાચ એ શરૂઆત હતી!) મીનાકુમારીને, તેમના અવસાન પછી લખાયેલા લેખોમાં, કોઇએ ‘સેક્સ મેનિયાક’ તો કોઇએ ‘નિમ્ફોમેનિયા’ રોગનાં દર્દી પણ કહ્યાં હતાં. તે સંદર્ભમાં મીનાજીએ, એક ઇન્ટરવ્યૂમાં, પોતાની સાથે નવ વર્ષની ઉંમરે એક ફિલ્મ દિગ્દર્શકના હાથે જાતીય સતામણી (સેક્સ્યુઅલ એબ્યુઝ) થયાનું કહેલું છે, તે પણ તેમના અંગત જીવનને જોનારે યાદ રાખવું પડે.
‘કાસ્ટિંગ કાઉચ’ના નામે આજે તો જે ઓળખાય છે તે સિનેમાની દુનિયાની એ વરવી વાસ્તવિકતા છે અને હીરોલોગ કે ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા પાવરફુલ લોકોના એવા કિસ્સા હજી પણ ક્યાં ઓછા થયા છે? જ્યારે આ તો દાયકાઓ પહેલાંની વાત અને તે પણ એવી બાળકીની જેણે પોતાના આખા ઘરનો ખર્ચો ઉપાડવા બાળ કલાકાર તરીકે સ્કૂલે જવાને બદલે સ્ટુડિયોમાં જવાનું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે પોતાની ઉર્દૂ શાયરી મીનાકુમારી ‘નાઝ’ ના નામે લખનાર એ હીરોઇન શાળાનું શિક્ષણ લઈ નહતાં શક્યાં! જે કાંઇ ભણતર હતું તે પોતે રસ લઈને ભણ્યાં હતાં, ખાનગી ટ્યુશન મારફત. નાનપણમાં તો એકડિયા-બગડિયા ધોરણમાં સ્લેટમાં ગરબડ-સરબડ અક્ષરો પાડવાને બદલે છ વરસની ઉંમરે તો તેમની પ્રથમ ફિલ્મ આપણા ગુજરાતી સર્જક વિજય ભટ્ટની ‘લેધર ફેસ યાનિ કિ ફરજંદ-એ-વતન’ માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘર માટે કમાવા માંડ્યું હતું. ફિલ્મોનાં નામ એક સમયે એવાં, દ્વિભાષી ફોર્મ્યુલામાં, લખાતાં.... ‘ઝિમ્બો કમ્સ ટુ ટાઉન યાનિ કિ ઝિમ્બો આપ કે શહર મેં’ અથવા ‘બ્યુટીફુલ લેડી યાનિ કિ અફલાતૂન ઔરત’!
‘લેધર ફેસ યાનિ કિ ફરજંદ-એ-વતન’માંનું કામ વિજય ભટ્ટને અને તેમના કરતાં તો વધારે ઇકબાલબાનુને તથા અલી બક્ષને પસંદ પડ્યું! તેમની ‘મુન્ના’ રાતોરાત ઉપયોગી લાગવા માંડી. છોકરી સિનેમામાં કામ કરશે તો પોતાનું ઘરસંસારનું ગાડું ગબડી શકશે એ ખાત્રી થવાનું એક કારણ એ પણ હતું કે વિજય ભટ્ટે પોતાની તે પછીની ફિલ્મ ‘એક હી ભૂલ’ માટેની પણ ઓફર આપી દીધી હતી. ભાવ પણ વધવાનો હતો. પણ ભટ્ટજીએ સૂચવ્યું કે હવે જો બેબી આગળ કામ ચાલુ જ રાખવાની હોય તો ‘મહજબીન’ એ નામ સામાન્ય લોકોને અઘરું લાગી શકે. વળી, મુસ્લિમ કરતાં કોઇ હિન્દુ નામ રખાય તો પણ સારો ફરક પડી શકે. અબ્બાજાનને તો શું વાંધો હોય? પણ ‘એક ફૂલ દો માલી’માં સંગીતકાર રવિના નિરાલા અવાજમાં ગવાયેલા રાજેન્દ્ર ક્રિશ્નના શબ્દોમાં કહીએ તો ‘કિસ્મત કે ખેલ નિરાલે મેરે ભૈયા!’ નવિન નામકરણની ચર્ચા અલીબાબા અને ઇકબાલબાનુ બંનેને ચોંકાવી દેવાની હતી. જે નામો વિચારાયાં તેમાં શરૂઆતમાં કોઇએ કહ્યું ‘સીતા’, તો અન્યએ ‘લક્ષ્મી’ કે પછી ‘પાર્વતી’ સૂચવ્યું. નામો ધાર્મિક હતાં. છોટી બચ્ચી પણ સાંભળતી હતી.
કોઇએ દલીલ કરી કે હિન્દુ દેવીઓનાં નામને બદલે કશુંક તટસ્થ નામ ના રખાય? ફિલ્મના હીરો જયરાજ અને હીરોઇન મેહતાબ પણ હાજર. સૂચન આવ્યું ‘કમલા’ ચાલે? ના. તો પછી ‘પ્રભા’ કેવું? બાળકીને એ નવતર નામ ગમી ગયું! શું કહીશું આને?.... લહુ પુકારેગા? માતા ‘ઇકબાલબાનુ’ બન્યાં તે પહેલાંનું નામ ‘પ્રભા’ દીકરીને અપાવાનું હતુ! છેવટે હિન્દુ અને મુસ્લિમ બન્નેમાં પાડી શકાય એવું નામ પડ્યું ‘બેબી મીના’. હવે ‘મુન્ના’ કે ‘ચીની’ કે ઇવન ‘મહજબીન’ કહીને કોઇ નહતું બોલાવતું. ‘બેબી’ અથવા ‘મીના’ સંબોધન શરૂ થયું. ફિલ્મના ધંધાદારી સ્ટુડિયોની ત્યારની નાનકડી દુનિયામાં ‘બેબી મીના’ની એક્ટિંગ અને ખાસ તો સીન ઝડપથી સમજવાની શક્તિનાં વખાણ થતાં હતાં. તે દિવસોમાં સોહરાબ મોદીના મશહૂર ‘મીનરવા મુવીટોન’ના પિક્ચર ‘જેલર’ માટે નાનકડી છોકરીનો રોલ હતો. આ ‘જેલર’ પછી એ જ સંસ્થાએ 1958મા ફરીથી પણ બનાવી હતી. મોદી સાહેબે પોતાના યુવાન લેખક કમાલ અમરોહીને એ બાળ કલાકાર ‘બેબી મીના’ને ‘જેલર’ માટે સંમત કરવા માસ્ટર અલી બક્ષની ખોલી પર મોકલ્યા. અહીં ભવિષ્યનાં પતિ-પત્ની પહેલી વાર એકબીજાને જુએ છે. પણ એ સીન રાજકપૂરની સુપરહીટ ફિલ્મ ‘બોબી’ની યાદ અપાવનારો હતો! (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર