સ્મિતા પાટીલ... બહુત ખૂબસૂરત, મગર સાંવલી સી! (11)

14 Oct, 2016
12:00 AM

સલિલ દલાલ

PC: filmfare.com

સ્મિતાએ કહ્યું કે પોતાને ત્યાં દીકરીનો જન્મ થાય તો તેનું નામ પોતે ‘પૃથ્વી’ પાડવાનું નક્કી કર્યું હતું! એ જ મુલાકાતમાં, ‘માધુરી’ના મિથિલેશ સિન્હાને રાજ બબ્બરે મજાકમાં કહ્યું કે 'જો આ બાળકનો જન્મ ફિલ્મઉદ્યોગની હડતાળ દરમિયાન થયો હોત તો તેનું નામ ‘મોર્ચા બબ્બર’ પાડવું બરાબર રહ્યું હોત. જેમ અમિતાભ બચ્ચનનું નામ તેમના પિતાજી હરિવંશરાયજીએ એ બાળક 1942મા આઝાદીની લડતના સમયે જન્મવાને કારણે પોતે તો ‘ઇન્કિલાબ’ રાખ્યું હતું. પછી મહાકવિ ‘નિરાલા’જીએ ‘અમિતાભ’ એવું નામકરણ કર્યું હતું એમ જ.' રાજ બબ્બર જે હડતાળનો ઉલ્લેખ કરતા હતા તે સ્મિતા પાટીલની ગર્ભાવસ્થાના દિવસોમાં ચાલેલી સરકાર સામેની હિન્દી ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસની સૌથી લાંબી લડત હતી. 

સરકારના તે વખતના 177 ટકા ટેક્સ અને વીડિયો પાઇરસી સામે અપૂરતાં પગલાં ઉપરાંત નવા શરૂ થનારા 4 ટકા સેલ્સ ટેક્સ સામે સિનેમા ઉદ્યોગની તમામ કાર્યવાહી 9મી ઓક્ટોબર 1986થી બંધ કરી દેવાઈ હતી. તેનો અંત છેવટે 31 દિવસ પછી કોંગ્રેસના સંસદ સભ્યો અમિતાભ બચ્ચન અને સુનિલ દત્ત તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને દિલ્હીમાં મળ્યા પછી આવ્યો હતો. તે અનુસાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કમિટી નિમવા જેવો વચગાળાનો ઉકેલ કર્યો અને હડતાલ પાછી ખેંચાઇ હતી. એ સમાધાનથી બધા ખુશ નહતા. એ કોમ્પ્રોમાઇઝ સામે નારાજગી વ્યક્ત કરવા, વાટાઘાટોમાં હાજર રહેલા રામરાજ નાહટાએ પ્રોડ્યુસરોની સંસ્થા ‘ઇમ્પા’ના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. પરંતુ, લડત ચાલી તે દિવસોમાં સરઘસ અને મોરચા જેવાં પગલાં લેવાયાં હતાં. 

એવા એક મોરચામાં સ્મિતાજી પ્રેગ્નન્સીની હાલતમાં વાનખેડે સ્ટેડિયમ સુધી ગયાં હતાં. તેમના જેવા સૌને ચિંતા હતી કામદારોની. એક મહિનાથી સિનેમા થિયેટરોમાં ફિલ્મો દેખાડવાનું તેમજ સ્ટુડિયોમાં શૂટિંગ, ડબીંગ કે અન્ય તમામ પ્રવૃત્તિઓ બંધ હોઇ દૈનિક પેમેન્ટ પર જીવનારા કામદારોની હાલત કફોડી હતી. તેમને વિવિધ સંગઠનો આર્થિક મદદ કરતાં હતાં. છતાં એક કાયમી ફંડ ઉભું કરવા ‘હોપ 86’ નામનો કાર્યક્રમ યોજવાનું નક્કી થયું હતું. (બાય ધી વે, ‘હોપ 86’ની એક યાદગાર મલ્ટિ-સ્ટાર નાઇટ કલકત્તામાં યોજાઇ ત્યારે કિશોર કુમાર એક પછી એક ગીત રજૂ કરે જ જતા હતા અને સ્ટેજ પાછળ રહેલા કેટલાકને લાગ્યું કે આ ‘કિશોર કુમાર નાઇટ’ તો નહીં થઈ જાયને? ત્યારે કિશોરદાએ કહ્યું હતું કે ‘આજે ગાવા દો ને? ફરી કલકત્તા આવતા અગાઉ હું આ દુનિયામાં ના પણ રહું’ એ કાર્યક્રમ હતો 31 ડિસેમ્બરે અને 1987નું વરસ પૂરું થતાં અગાઉ 13 ઓક્ટોબરે ખરેખર જ કિશોર કુમારનું નિધન થઈ ગયું હતું!) સ્મિતાજીની ડિલીવરી પછી પૂનમ ધિલ્લોને જ્યારે અભિનંદન આપવા  ફોન કર્યો, તેમણે કહ્યું હતું કે પોતે ‘હોપ '86’ કાર્યક્રમમાં આવવા માગે છે. 'પણ રાજ (બબ્બર) કહે છે કે મારી તબિયત ઠીક નથી. શું હું ગરમ કપડાં પહેરીને ના આવી શકું?' પણ એ ક્યાં શક્ય બનવાનું હતું?

હજી 28મી નવેમ્બરે થયેલા પુત્ર-જન્મનો આનંદ પરિવારજનો અને મિત્રો પૂરો માણી રહે તે પહેલાં સ્મિતાજીને તાવ આવવા માંડ્યો. તેમની ડિલીવરી થઈ તે દિવસોમાં તેમની ખાસ સખી લલિતા તામ્હણે બ્રીચ કેન્ડી હોસ્પિટલના તેમના બિછાને અદભૂત અભિનેત્રી નૂતનજીને લઈ ગયાં હતાં. બંને મહારાષ્ટ્રિયન અને બેઉ નેચરલ એક્ટિંગમાં નિપુણ. પરંતુ, રૂબરૂ મળવાનું કદી બન્યું નહતું. દીકરાના જન્મની વધાઇ આપ્યા પછી નૂતને કહ્યું કે તેમની પાસે એક સ્ક્રિપ્ટ છે, જેનું દિગ્દર્શન એ પોતે કરવા માગે છે અને સ્મિતા તેમાં કામ કરે એ ઇચ્છા હતી. આમ પ્રસુતિ પછી દવાખાનામાં જેટલો સમય રહેવાનું થયું આનંદથી રહ્યાં હતાં. તાવ જેવું હતું નહીં. એટલે  તેમના દાકતરે રાબેતા મુજબ ફ્લુ માટે લોહી-પેશાબની લેબ તપાસ કરાવી. તેમાં રિઝલ્ટ નેગેટિવ આવ્યા છતાં ડોક્ટરે ફ્લુની જ સારવાર ચાલુ રાખીને ભૂલ કરી હોવાનું સ્મિતાજીના પિતાએ પોતાની દીકરીના અવસાન પછીની વાતચીતમાં  કહ્યું હતું. કારણ ગમે તે હોય તાવ ઉતરવાનું નામ નહતો લેતો. દવાખાનામાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો. પણ એક તબક્કે સ્મિતાજી પોતાના નવજાત શિશુને ઘેર મૂકીને હોસ્પિટલમાં નહીં જવા જીદ કરતાં હતાં. હકીકતમાં તેમને વાઇરલ એન્સેફેલાઇટિસ થઈ ગયો હતો, જેમાં કોઇ ઇન્ફેક્શનને લીધે મગજમાં સોજો આવી જતો હોય છે. પરંતુ, 12મી ડિસેમ્બરે હાલત વધુ બગડી રહી હોઇ એમને જસલોક હોસ્પિટલમાં દાખલ કરવા લઈ જવામાં આવ્યાં. ત્યાં એ બેહોશ થઈ ગયાં. એક અહેવાલ એમ પણ કહે છે કે દવાખાને લવાયાં ત્યારે તે બેભાન હાલતમાં જ હતાં.

તાત્કાલિક ટેસ્ટ થયા અને મગજમાં તકલીફ થઈ હોવાનું નિદાન થયું. આ બાજુ સ્થિતિ દર મિનિટે બગડી રહી હતી. ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરાયેલાં સ્મિતાજીના નાક, મોં અને આંખો વાટે લોહી નીકળવા માંડ્યું હતું. લોહીના બાટલા ચઢાવવામાં આવ્યા. ડો. વાડિયાની આગેવાની હેઠળની 15 ડોક્ટરોની ટીમ દેશની એક શ્રેષ્ઠ અભિનેત્રીનો જીવ બચાવવામાં લાગી હતી. લોહીની આવશ્યકતા વધારે પડવા માંડી. કેમ કે જેટલું પણ લોહી ચઢાવાતું, એ વહી જતું. સ્મિતાજીનું બ્લડ ગ્રુપ ‘ઓ પોઝિટિવ’ હતું. તેથી બ્લડ બેંકની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ એ ગ્રુપના કલાકારો આગળ આવ્યા. તેમાંના રણધીર કપૂર, રેખા, સંજય દત્ત અને આલોકનાથનું લોહી લઈ શકાય એમ હતું અને તે સૌએ પણ પોતાની સાથી કલાકારા માટે રક્તદાન કર્યું. મુંબઈમાં સ્મિતા પાટીલની ગંભીર તબિયતના સમાચાર જંગલની આગની માફક ફેલાઇ રહ્યા હતા. ત્યાંના એક સાંધ્ય અખબારે ‘ઓ પોઝિટિવ’ ગ્રુપના રક્તદાતાઓને જસલોક પહોંચવા અપીલ પણ કરી હતી.

લોહી ત્યાં સુધી ચઢાવ્યા કરવાનું હતું, જ્યાં સુધી બ્રિટનના વિખ્યાત બ્રેઇન એક્સપર્ટ ડોક્ટર બેટ્સ મુંબઈ આવી ના જાય. ડોક્ટર બેટ્સ મસ્તિષ્ક વિશેષજ્ઞોના સેમિનારમાં ભાગ લેવા દિલ્હી આવ્યા હતા. તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીનો સંપર્ક કરીને એ સ્પેશ્યાલિસ્ટને મુંબઈ મોકલવાની અરજન્ટ વ્યવસ્થા કરાવાઇ. સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં અને દેશભરમાં સ્મિતાજીની ફિલ્મ ‘સુબહ’ની પ્રાર્થના ‘તુમ આશા વિશ્વાસ હમારે, તુમ ધરતી આકાશ હમારે...’ જેવી વિનવણીઓ ભગવાનને કરાઇ રહી હતી. શરૂઆતના અખબારી અહેવાલો અનુસાર 16 અને છેવટે બધું મળીને 22 બોટલ લોહી ચઢાવાયું. સાંજ પડતા સુધીમાં તો મુંબઈમાં એ અફવા જોર શોરથી વહેતી થઈ હતી કે સ્મિતા પાટીલનો દેહાંત થઈ ગયો છે. હકીકતમાં તો ત્યારે પણ ડોક્ટરો તેમને બચાવવાની કોશીશો કરી રહ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાને આશ્ચર્ય એ વાતનું હતું કે પ્રેગ્નન્સી અથવા ડિલીવરી બેમાંથી કોઇપણ સમયે સ્મિતાજીની તબિયત ચિંતાજનક તો દૂર જરા પણ બગડી  હોય એવો અણસાર નહતો આવ્યો અને અચાનક વાત આટલી ગંભીર કેવી રીતે થઈ ગઈ?

નેચરલી, ઇન્ડસ્ટ્રીના સૌ જસલોક પર આવી ગયા હતા. રાજ કપૂર, રાજેશ ખન્ના, જયા બચ્ચન, પ્રકાશ મેહરા, મનમોહન દેસાઇ, બી.આર. ચોપ્રા, મહેશ ભટ્ટ, સોની રાઝદાન, રેખા, શબાના આઝમી, પૂનમ ધિલ્લોન, પદમિનિ કોલ્હાપુરે, રામેશ્વરી, સંજય દત્ત,  અનિતા કંવર, આલોકનાથ, ફરાહ, જાવેદ અખ્તર, યશ જોહર, સૂરજ સનીમ, રાજ ગ્રોવર અને રવિ શાસ્ત્રી સાથે સજોડે અમૃતા સિંઘ સહિત જે કોઇ તે દિવસે મુંબઈમાં હતા, તે બધા ખબર જોવા હોસ્પિટલે આવી ગયા હતા. જેમને પણ ઇન્ટેન્સિવ કેર સુધી જવાની પરવાનગી મળી એ સૌ, આખા શરીરે વિવિધ પ્રકારની ટ્યુબો અને દાક્તરી સારવારનાં અન્ય સાધનોથી ઘેરાયેલી, પોતાની સાથીદારને જોઇને પોતાનાં આંસુ નહતા રોકી શકતા. જાણે કે ‘આજ’ ફિલ્મમાં જગજીતસિંગની અમર રચના ‘વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની....’ ગાતા કુમાર ગૌરવની સામે હોસ્પિટલ બેડમાં અંતિમ ઘડીઓ ગણી રહેલાં સ્મિતા પાટીલ!

ફરક માત્ર એટલો હતો કે એ સૌ જે જોઇને આવી રહ્યા હતા એ કોઇ ફિલ્મનો સેટ નહતો. એ સાચે સાચી જિંદગીનું એક એવું કરુણ દૃશ્ય હતું, જે ભલભલાને હચમચાવી રહ્યું હતું. તેમનાં અંગત સહેલી અને મરાઠીમાં ‘સ્મિતા: સ્મિત આણિ મી’ જેવું પુસ્તક આપનાર લલિતા તામ્હણેએ ‘ફિલ્મફેર’માં જણાવ્યા મુજબ તો તેમની એ એક્ટ્રેસ દોસ્તને કોઇપણ સંજોગોમાં 30 વરસની ઉંમર થતાં સુધીમાં માતા બનવું હતું. પોતે મા નહીં બની શકે એ વિચારને કારણે પ્રેગ્નન્ટ થવા અગાઉ  એક વાર સ્મિતાજીએ આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો. ત્યારે એ કલકત્તા ગયેલાં હતાં અને હોટલના રૂમમાં ઉંઘની ગોળીઓની બોટલ હાથમાં લઈને લાંબો સમય બેસી રહ્યાં હતાં. પછી એ વિચાર પડતો મૂક્યો. તે વાત કલકત્તાથી આવીને લલિતાજીને કહી હતી. તો રાજ બબ્બરના નાના ભાઇ વિનોદને એક અમંગળ વાત યાદ આવતી હતી. એક વાર વાત વાતમાં જ સ્મિતાજીએ પોતાના એ દિયરને કહ્યું હતું કે પોતે 32 વરસથી વધારે નહીં જીવી શકે! હજી ઓક્ટોબરમાં જ 31 વર્ષ પૂરાં કરીને તેમનાં ‘સ્મિતાભાભી’એ બત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. અમંગળની બીક તેમને વધુ લાગતી હતી. છતાં સૌને ચાર જ વર્ષ પહેલાં 1982માં સમયસરની અને પ્રલંબ તબીબી સારવારને લીધે અમિતાભ બચ્ચનનો થયેલો ચમત્કારિક બચાવ યાદ હતો. તેથી ડોક્ટરો કાંઇ પણ કરી શકશે એમ પોઝિટિવ વિચારનારા પણ એટલા જ હતા. વળી, દિલ્હીથી અરજન્ટ આવી રહેલા બ્રિટીશ ડોક્ટર બેટ્સ પર સૌને વિશેષ આશા હતી. (વધુ આવતા અંકે)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.