સ્મિતા પાટીલ... બહુત ખૂબસૂરત, મગર સાંવલી સી! (5)
(કિનારે કિનારે સિરીઝ)સ્મિતા પાટીલને ‘તીવ્ર મધ્યમ’માં લેતા અગાઉ ખોપકરે શબાનાનો વિચાર એટલા માટે કર્યો હતો કે એ બંનેએ (શબાના અને અરૂણ ખોપકરે) એક જ સાલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું. વળી, શબાનાએ બે વરસના અંતે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. જ્યારે ખોપકરનો કોર્સ ત્રણ વર્ષનો હતો. શબાનાએ પાસ થયા પછી ત્યાં એક્ટિંગના કોર્સમાં ભણાવવાનું કામ સ્વીકારી લીધું હતું. (અગાઉ અસરાનીએ પણ મુંબઈમાં ઢંગનું કામ મળે તે અગાઉ આ જ રીતે અભિનયના કોચની નોકરી કરી હતી અને જયા ભાદુરી સરખા ઘણા કલાકારો ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત થયા પછી પણ તેમને ‘સર’ કહેતા રહ્યા હતા. તેમજ તેમની ફિલ્મો માટે ભલામણ કરતા). કોઇપણ ‘ટીચર’ને કોર્સની પરીક્ષાના પ્રોજેક્ટમાં ના લઈ શકાય એવા ઇન્સ્ટિટ્યૂટના નિયમને કારણે શબાનાને બદલે સ્મિતાને લેવાનો નિર્ણય થયો. બાય ધ વે, સ્મિતાની ભલામણ કોણે કરી હતી, જાણો છો? ’70ના દાયકામાં વિવેચકોના લાડીલા અને આર્ટ ફિલ્મોના અગ્રેસર એવા ડાયરેક્ટર મણી કૌલે!
તેમણે મરાઠી સમાચાર વાંચનાર એક આકર્ષક છોકરીને લેવાનો સુઝાવ મૂક્યો, કેમ કે 20 મિનિટની એ શોર્ટ ફિલ્મમાં નાયિકાની આંખો ઉપર પણ કેમેરા સ્થિર થવાનો હતો. મણી કૌલને ખાત્રી હતી કે ટીવીની માફક જ સિનેમાનો કેમેરા પણ એ ન્યૂઝ રીડરની વેધક આંખોના પ્રેમમાં પડશે જ. તે સમયની ફિલ્મોમાં વેપારી ચલચિત્રોની સામે વાસ્તવિક્તાનું ચિત્રણ કરવાનો શરૂ થયેલો નવો પ્રવાહ, જેને ‘ન્યૂ વેવ’ તરીકે ઓળખવામાં આવતો હતો, તે સર્કિટમાં પૂણેમાં ટ્રેઇન થયેલા ટેક્નિશ્યનો અને એક્ટરોને લેવાની વણલખી પ્રથા હતી. કેમ કે વર્ષોની માગણી છતાં ફિલ્મોને ‘ઉદ્યોગ’નો દરજ્જો આપવામાં આવ્યો ન હોઇ બેંકો લોન આપતી નહતી. ખાનગી નાણાં ધીરનારા મુદ્દલ અને નફા જેવું વ્યાજ પરત મળવાની ખાત્રી ન હોય તો કોથળી ઢીલી કરતા નહતા. તેથી સરકારે ‘ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશન’ (FFC) શરૂ કર્યું હતું, જે એવાં ‘લિક સે હટકર’ ચલચિત્રોના સર્જનને આર્થિક સહાય કરે. એ સંસ્થા 1975મા મોટાપાયે ‘નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન’ (NFDC)માં રૂપાંતરિત થઈ. આમ કરવાનો આશય એ હતો કે સરકારે શરૂ કરેલી ઇન્સ્ટિટ્યૂટના દિગ્દર્શકો, ટેક્નિશ્યનો અને અભિનેતા-અભિનેત્રીઓને કામ મળે.
એ સૌ મળીને, જે વિશ્વકક્ષાની ફિલ્મો તેમને ભણાવવામાં આવતી એ સ્તરની કૃતિઓ બનાવે અને તે વિવિધ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ભારતનું નામ રોશન કરે. સ્વાભાવિક હતું કે એવી ઓછા રોકાણની ‘ન્યૂ વેવ’ ફિલ્મોમાં સ્થાપિત સ્ટાર્સ નહીં, પણ નવા કલાકારો લેવાથી જ બજેટ મેનેજ થાય. નવા આર્ટિસ્ટ્સ માટે સિનેમાની દુનિયાના વિશાળ બંધ દરવાજામાં ખૂલેલી એ નાનકડી બારીમાંથી જ સ્મિતા પાટીલ જેવી બિનપરંપરાગત દેખાવવાળી હીરોઇનોની એન્ટ્રી શક્ય હતી. એ સમય યાદ કરો તો કમર્શિયલ ફિલ્મોની અગાઉના દાયકાની આશા પારેખ, નંદા, મુમતાઝ, સાધના, સાઇરાબાનુ, શર્મિલા ટાગોર કે પછી ’70ના દશકમાં હેમા માલિની, રાખી, ઝિન્નત અમાન, પરવીન બાબી, પૂનમ ધિલ્લોન વગેરે જેવી દેખાવડી હીરોઇનો સામે સમાંતર સિનેમાની શબાના કે રામેશ્વરી અથવા રેહાના સુલ્તાનને કોણ તક આપત? તે સમયના સમાંતર પ્રવાહમાં તાજા પ્રવેશેલા શ્યામ બેનેગલે બાળકો માટેની પોતાની ફિલ્મ ‘ચરણદાસ ચોર’માં સ્મિતાને લઈને સાચા અર્થમાં એન્ટ્ર્રી કરાવી.
‘ચરણદાસ ચોર’ પહેલાં વિકીપિડિયાના જણાવ્યા મુજબ ‘મેરે સાથ ચલ’ અને જબ્બાર પટેલની પ્રથમ ફિલ્મ ‘સામના’ (મરાઠી) પણ સ્મિતાના નામે છે. જો કે બીજી જાન્યુઆરી 1987ના ‘સ્ક્રિન’માં હમીદુદ્દીન મહમૂદે પોતાના એક લેખમાં જણાવ્યા અનુસાર તો સ્મિતા પાટીલની પ્રથમ રિલીઝ ફિલ્મ મરાઠી ભાષાની ‘રાજા શિવ છત્રપતિ’ હતી. અત્યારે એ ફિલ્મ જુઓ તો, સમજાય કે તેમાં સ્મિતા પાટીલની ભૂમિકા શિવાજી મહારાજનાં એક પત્ની ‘સઈબાઇ’ તરીકેની સાવ નાની છે. તે પણ પહેલી 25 મિનિટ દરમિયાન બે ત્રણ નાના સીન પૂરતી જ છે. આ પ્રથમ રિલીઝ ફિલ્મ હોય તો રસપ્રદ વાત એ છે કે તેમાં સ્મિતાએ સગર્ભા દેખાવાનું હતું અને એક પુત્રને જન્મ આપ્યા પછી ચિરવિદાય લેવાની હતી. (જે તેમની અસલી જિંદગીનો પણ છેલ્લો સીન હતો!) જ્યારે પ્રથમ હિન્દી ફિલ્મ ‘ચરણદાસ ચોર’માં પણ એ ‘રાણી’ના જ રોલમાં હતાં. કેટલાકના મતે એ ‘રાણી કલાવતી’નું પાત્ર કટોકટીનાં ઇન્દીરા ગાંધી પર આધારિત હતું.
એ પોલિટિકલ સેટાયરમાં પસંદગી થવા પાછળ જવાબદાર હતા પેલા પૂણે ઇન્સ્ટિટ્યૂટના સાઉન્ડ રેકોર્ડિસ્ટ મિત્ર હિતેન્દ્ર ઘોષ, જે પોતાનો ડિપ્લોમા મેળવ્યા પછી શ્યામ બેનેગલ સાથે જોડાયા હતા. એ પણ નોંધવું જરૂરી છે કે સમગ્ર પાટીલ પરિવાર અને નજીકના મિત્રો પ્રેમથી જેમને ‘હિતુ’ કહેતા હતા તેમની ફાઇનલ એક્ઝામમાં પરીક્ષક તરીકે શ્યામ બેનેગલ હતા. એ રીતે જોઇએ તો તે દિવસોમાં સર્જકો પૂણેની ઇન્સ્ટિટ્યૂટમાં કેમ્પસ ઇન્ટર્વ્યૂ કરતા હતા, જેમ આજે આઇટી જેવા ફિલ્ડમાં નવા ગ્રેજ્યુએટને બોટી લેવા મોટી મોટી કંપનીઓ કોલેજોમાં પહોંચી જાય છે એમસ્તો! પણ જ્યારે ‘નિશાંત’ માટે દરખાસ્ત મૂકવાનું કામ આવ્યું ત્યારે મુશ્કેલી એ હતી કે સ્મિતા પાટીલનો માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ મુંબઈની સેન્ટ ઝેવિયર્સમાં ચાલતો હતો. તેથી તેમનાં મમ્મી-પપ્પાને મનાવવાની સાથે સાથે કૉલેજના પ્રિન્સિપાલની પણ પરવાનગી લેવાની હતી.
એ પરમિશન લેવા ખુદ શ્યામ બેનેગલ કૉલેજ ગયા. તેમની પ્રથમ ફીચર ફિલ્મ ‘અંકુર’ને નેશનલ એવોર્ડ સહિતનાં માન-સન્માન મળ્યાં હોઇ શિક્ષિતોમાં તે ખાસા જાણીતા થયા હતા. ‘નિશાંત’માં મુખ્ય ભૂમિકા તો શબાનાની હતી, કેમ કે પહેલી ટેસ્ટમાં સેન્ચ્યુરી મારનાર બેટ્સમેનની અદામાં પ્રથમ જ ફિલ્મમાં ‘બેસ્ટ એક્ટ્રેસ’નો નેશનલ એવોર્ડ તેમણે અંકે કરી લીધો હતો. પણ સેકન્ડ લીડમાં સ્મિતા પાટીલની એક અભિનેત્રી તરીકે એન્ટ્રી કરાવી... સ્ટાઇલમાં. મતલબ કે અત્યાર સુધી ટાઇટલમાં નામ અન્ય કલાકારોની સાથે આવતું હતું. જ્યારે ‘નિશાંત’ના નંબરિયા પડ્યા ત્યારે આવ્યું જુદી જ રીતે. સ્ક્રિન પર લખાયું 'ઇન્ટ્રોડ્યુસિંગ સ્મિતા!' એ માર્ક કરવા જેવી વાત છે કે પહેલી ફિલ્મમાં નામ સાથે ‘પાટીલ’ અટક નહતી. શું એ મિનિસ્ટર પિતાથી અલગ એવી પોતાની જુદી ઓળખ ઊભી કરવાનો પ્રયાસ હશે? કે પછી કોઇની ભૂલ હશે? કારણ કે બેનેગલની જ તે પછીની ‘મંથન’ના ટાઇટલમાં આખું નામ ‘સ્મિતા પાટીલ’ આવ્યું અને તે ઠેઠ સુધી રહ્યું. બલ્કે એ જ નામ પર ફિલ્મો વેચાવા લાગી હતી.
‘મંથન’ના સર્જનના દિવસોમાં અમારી નોકરી ‘અમૂલ’ની કણજરી ગામે આવેલી દાણ ફેક્ટરીમાં હતી. તેની મુલાકાતે ડો. કુરિયનની સાથે શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાની આવવાના હતા એની જાણકારીની સાથે એ પણ ખબર આવ્યા હતા કે ‘અમૂલ’ તરફથી એક ફિલ્મ બનાવવાની છે. ત્યારે લાગ્યું કે ‘અમૂલ દાણ’ પશુ આહારની કોઇ ઍડ ફિલ્મ બનવાની હશે. એવી તો કલ્પના જ નહતી કે એ ફિલ્મ ઓસ્કાર એવોર્ડમાં ‘બેસ્ટ ફોરિન લેંગ્વેજ ફિલ્મ’ની કેટેગરીમાં ભારત તરફથી મોકલી શકાય એવી જબરદસ્ત બનવાની હતી. ‘મંથન’માં પ્રીતિ સાગરને ‘મેરો ગામ કાઠા પારે...’ એમ ગાતાં સાંભળો કે સ્મિતા પાટીલને ગુજરાતી લહેજામાં ‘અમેરે ગામ મેં...’ જેવા સંવાદો સાંભળવાની મઝા જ કાંઇ ઓર હતી. (જો કે ‘મંથન’માં પણ શ્યામ બેનેગલની પ્રથમ પસંદગી શબાના પર હતી. પરંતુ, બેનેગલના શબ્દોમાં, ‘ત્યાં સુધીમાં શબાના સ્ટાર બની ચૂકી હતી અને વ્યસ્ત પણ’ કારણ કે ત્યાં સુધીમાં તેમણે શશી કપૂર સાથે ‘ફકીરા’નું શૂટિંગ કરવા માંડ્યું હતું. એ વ્યસ્તતાનો ખ્યાલ એ હકીકત પરથી પણ આવી શકશે કે તેના પછીના જ વરસે, 1977મા, શબાનાની ‘અમર અકબર એન્થની’ અને ‘પરવરિશ’ સહિતની દસ કમર્શિયલ ફિલ્મો આવી હતી!)
‘મંથન’ના એક સીનમાં સ્મિતા પંપથી આવતા પાણીના પ્રવાહે ખેતરમાં પોતાના પગ ધૂએ છે, ત્યારે અસલ ગામઠી રીતે કપડાં ઊંચાં કરીને બેસે છે. તે વખતે સામે ઊભેલા ગિરીશ કર્નાડ એ ‘બિંદુ’ બનેલ સ્મિતા પાટીલના ઢીંચણથી નીચેના ખૂલ્લા ભીંજાતા ખૂબસૂરત પગને જોયા કરે છે. ત્યારે સ્મિતા ‘તમારી ઘરવાળી રૂપાળી હૈ?’ એમ પૂછીને પોતાના રૂપને તાકી રહેલા ડોક્ટરને મોંઘમ રીતે ઠપકારે છે. પણ ‘ચક્ર’માં ઝૂંપડપટ્ટીની રહેવાસી તરીકે ખૂલ્લી જગ્યામાં નહાતી વખતે એવો શિષ્ટાચાર રાખવાને બદલે લાલચભરી નજરે જોનારા સફાઇ કામદારને સંભળાવે છે, ‘હરામી, તેરી આંખેં ફૂટ જાયેગી’. એ ફિલ્મ અમે અમદાવાદમાં પહેલીવાર જોઇ અને ‘અમ્મા’ બનતાં સ્મિતાજી અને ‘લુકા’ના પાત્રમાં નસીરુદ્દીન શાહથી એટલા બધા પ્રભાવિત થવાયું હતું કે 12થી 3નો શૉ જોઇને નીકળ્યા પછી તરત ત્રણ વાગ્યાના શૉમાં એ જ ફિલ્મ ફરીથી જોઇ હતી!
એટલું જ નહીં, 1982ના વરસના અંતે ‘ફિલ્મફેર એવોર્ડ’ના વાચકોએ કરવાના મતદાનમાં નસીરભાઇ અને સ્મિતાજી બંનેને શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીના વિભાગમાં નોમિનેટ કર્યા. તે વખતે એ નોમિનેશનમાં જોખમ એ હતું કે પંદર વરસ પહેલાં 1967મા ‘ગાઇડ’ને બાદ કરતાં ત્યાં સુધીમાં એક જ ફિલ્મના હીરો અને હીરોઇન બેઉને એવોર્ડ તે અગાઉ કદી નહતા મળ્યા. (મિત્રો ‘ચક્રમ’ પણ કહેતા!) પરંતુ, આનંદની વાત એ હતી કે અંતિમ પરિણામ આવ્યું ત્યારે નસીર-સ્મિતા બંનેને ‘ચક્ર’ માટે પુરસ્કાર મળ્યો અને અમને તમામ કેટેગરીમાં અમારા નોમિનેટ કરેલા ઉમેદવારો પુરસ્કૃત થતાં ફિલ્મફેર તરફથી રોકડ ઇનામનો (રૂ.2500/-નો) ચેક મળ્યો! ‘ચક્ર’ સમાંતર પ્રવાહની ફિલ્મ હોવા છતાં ટિકિટબારી ઉપર ખૂબ સફળ રહી હતી, જેનો યશ હરીફો સ્મિતા પાટીલના પેલા જાહેર સ્નાનના સીનને આપતા હતા. જ્યારે હકીકત એ હતી કે તે સીનમાં પણ સ્મિતાજીને છેતરાવાનું જ થયું હતું. તેને લીધે ફિલ્મ રિલીઝ થવાના દિવસોમાં સ્મિતા પાટીલ ભારે ગુસ્સામાં હતાં.
(વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર