સ્મિતા પાટીલ.... બહુત ખૂબસૂરત, મગર સાંવલી સી! (4)
(કિનારે કિનારે સિરીઝ)સ્મિતાએ ‘અર્થ’ રિલીઝ થયા પછી ખાસ્સો સમય મહેશ ભટ્ટ સાથે અબોલા પણ લીધા હતા. કયો હતો શબાનાનો એ સીન જે સ્મિતાની જાણ બહાર મહેશ ભટ્ટે શૂટ કર્યો હતો? જે પાર્ટી-સીનમાં ‘પૂજા’ પીધેલી હાલતમાં ‘કવિતા’ને જાહેરમાં અપમાનિત કરે છે, તે દ્દશ્યનું ટ્રાયલ જોયા પછી ‘ચેતના’ જેવી ફિલ્મ બનાવનાર દિગ્દર્શક બી.આર. ઇશારાએ મહેશ ભટ્ટને સલાહ આપી. તેમણે કહ્યું કે ‘ઇન્ડિયન ઑડિયન્સ આ સીન પચાવી નહીં શકે. કોઇ ભારતીય પત્ની કશા યોગ્ય કારણ વગર આવું વર્તન ન કરે.’ તે વખતે ‘અર્થ’ ફિલ્મ આખી તૈયાર હોવા છતાં કોઇ ખરીદતું નહતું. તેથી છેલ્લી ઘડીએ પેલો ઇમોશનલ ટેલિફોન-સીન ઉમેરાયો, જેમાં પૂજા રડતા રડતા કવિતાને વિનંતી કરે છે કે પોતાના દાંપત્યજીવનમાંથી એ હટી જાય. એક તબક્કે તે 'મૈં તુમ્હારે પાંવ પડતી હું' એમ પણ કહે છે. સામે છેડેથી સ્મિતાએ માત્ર ફોન પકડીને એ કાકલુદીઓની કશી અસર ન થતી હોય એવું એક્સપ્રેશન આપ્યું હોય છે. એ દ્દશ્યમાંનો શબાનાનો અભિનય એવોર્ડ અપાવે એવો થયો. તેથી તે પછીના પાર્ટી-સીનમાંનો (‘બિસ્તર મેં રંડી...’વાળો) ગુસ્સો લોજિકલ લાગે છે. આમ, ઇશારાએ કરેલા ઇશારાનું સમાધાન થયું અને ફિલ્મ બોકસ ઓફિસ પર પણ સારી ચાલી. પરંતુ, સ્મિતાના પાત્ર ‘કવિતા’નું ચરિત્ર આલેખન એક તદ્દન નિષ્ઠુર સ્ત્રીનું થયું.
સ્મિતા સાથે એવી ચાલાકી ના થઈ હોત તો પણ ‘અર્થ’ મહિલા પાત્રાલેખનની એક નવી દિશા ખોલનારી ફિલ્મ તરીકે માઇલસ્ટોન જ હોત. કેમ કે તેનો અંત પણ તે સમય માટે બિલકુલ ક્રાંતિકારી હતો. એક મહિલા, અન્ય સ્ત્રી સાથેના ગંભીર સંબંધો પછી પાછા ફરતા, પોતાના પતિને તો પરત નહતી જ સ્વીકારતી; એ એના પ્રેમી (રાજકિરણ)ને પણ ભવિષ્ય માટે નકારતી હતી અને ‘સિંગલ વુમન’ તરીકે જીવવા માગતી હોય એવો સ્ટોરીનો ‘એન્ડ’ હતો. પણ ફિલ્મ વેચાત નહીં તો? એ તો ભલું થજો ઋષિકેશ મુકરજીનું કે રાષ્ટ્રીય પુરસ્કારની સ્પર્ધા માટે એન્ટ્રી મોકલવાની તારીખ જતી રહેવા છતાં તેમણે નેશનલ એવોર્ડ કમિટીના ચેરમેન તરીકે ‘અર્થ’ને હરીફાઇમાં દાખલ કરવાની ખાસ વ્યવસ્થા કરાવી આપી. તેમાં શબાનાને ‘બેસ્ટ એક્ટ્રેસ’નો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર થયો તે પછી ફિલ્મને રાજશ્રી બેનરે ખરીદી અને ‘અર્થ’ યોગ્ય રીતે રિલીઝ થઈ હતી. (તેને પગલે ‘રાજશ્રી’ સાથે ભટ્ટજી ‘સારાંશ’ બનાવી શક્યા અને અનુપમ ખેર સરખા ટેલેન્ટેડ એક્ટરનો ઉદય થયો, એ બોનસ!) પણ જ્યારે ઋષિકેશ મુકરજી પાસે મહેશ ભટ્ટે બળાપો વ્યક્ત કર્યો કે પોતાની ફિલ્મ કોઇ ખરીદતું નથી. ત્યારે અમારા ઑલ ટાઇમ ફેવરિટ ડિરેક્ટર ઋષિદાએ પોતાના અનુભવના નિચોડ જેવું રિએક્શન આપતાં હળવેકથી કહ્યું હતું કે 'તો તો એ સારી જ ફિલ્મ હશે!
ટૂંકમાં, મહેશ ભટ્ટ માટે એ સીનનું ઉમેરણ પોતાની ધંધાકીય જરૂરિયાત હતું. તેથી લાંબો સમય કિટ્ટા રાખ્યા પછી બંને ‘પાર્ક હોટલ’ના દાદર પર ફરીથી આમને સામને થયાં, ત્યારે સ્મિતાએ ભટ્ટ સાહેબને જાહેરમાં ખખડાવવામાં કશી કસર નહતી રાખી. પરંતુ, મહેશ ભટ્ટે જ્યારે પોતાનો બિઝનેસ પોઇન્ટ ઓફ વ્યૂ સમજાવ્યો, ત્યારે બંને ફરી ગળે મળ્યાં. પણ સ્મિતાને કોઇ તબક્કે એમ લાગ્યું હશે કે શબાનાએ આ કરાવ્યું હશે તો એ નવાઇની વાત નહીં હોય. સ્મિતા પાસે અગાઉનો અનુભવ હતો જ. તેને સાંઇ પરાંજપેની અવિસ્મરણીય ફિલ્મ ‘સ્પર્શ’ મળી હતી. પરંતુ, પડદા પાછળ શું રંધાયું કે છેલ્લી ઘડીએ તેને બદલે શબાનાને એ પિક્ચર મળ્યું હતું! સ્મિતાએ પોતાના વ્યાવસાયિક જીવનમાં એનાથી વધારે મોટી હતાશા કદી નહતી અનુભવી; એવું તેમની નિકટના એક કરતાં વધુ લોકોએ કહેલું છે. ઓફિશિયલ કારણ એ હતું કે ડિસ્ટ્રીબ્યુટરો તમારા નામ પર ફિલમ ખરીદે એવા તમે સેલેબલ ‘સ્ટાર’ નથી! એ સૌથી મોટા આઘાત પછી જ એમણે ઝનૂનપૂર્વક કમર્શિયલ ફિલ્મો સ્વીકારવા માંડી; પણ લાંબા સમય સુધી એ અકળામણ માનસિક રીતે એમને પરેશાન કરતી રહી હતી.
એવા એક દિવસનો અહેવાલ ‘સ્ટારડસ્ટ’ મેગેઝિને મહેશ ભટ્ટના ઉલ્લેખ સાથે કરેલો છે. તે અનુસાર, એક મોડી સાંજે મહેશ ભટ્ટ અને તેમનાં પત્ની કિરણને ત્યારે આશ્ચર્ય થયું, જ્યારે તેમનો દરવાજો સ્મિતા પાટીલ જોર જોરથી ખખડાવતાં હતાં. બંનેએ બારણું ખોલ્યું અને જોયું તો સ્મિતા ધ્રૂજે! તેમને પોતાના બેડરૂમમાં લઈ ગયાં. ડોક્ટર બોલાવ્યા. દાક્તરે તપાસના અંતે કહ્યું કે સ્ટ્રેસને લીધે સુગર ઓછી થઈ જવાથી આમ બન્યું છે. થોડાક કલાકના આરામ પછી એ પાછી સ્ટ્રોંગ મરાઠી મુલ્ગી થઈ જશે! ‘સ્ટારડસ્ટ’ના એ અહેવાલની સાથે સ્મિતાનો લાંબો ઇન્ટરવ્યૂ પણ છે. તેમાં હરીફ અભિનેત્રીઓ અંગેની પેલી હતાશાના પડઘા સંભળાય છે. એ કહે છે, 'શું હું સફળ છું? કદાચ હા, જો તમે મારા પર્ફોર્મન્સિસને આધારે મૂલવો તો. કદાચ ના, જો મારી ફિલ્મોની સફળતાને આધારે નિર્ણય કરો તો. મેં અન્ય કોઇપણ (અભિનેત્રી) કરતાં શ્રેષ્ઠ રોલ કર્યા છે. પણ એટલી સખત મહેનત પછી પણ બોક્સ ઓફિસની વાત કરવામાં આવે, ત્યારે એ મને અપસેટ કરી નાખે છે. જ્યારે મારે પોતાને પણ કોઇ પિક્ચર કેટલું ચાલ્યું તેના આધારે મૂલ્યાંકન કરવાની ફરજ પડે છે, ત્યારે મને બહુ ગુસ્સો આવે છે...'
એ જ મુલાકાતમાં એ કહે છે, 'તેને માટે હેરાફેરી (મેનિપ્યુલેશન) કરવાની જરૂર પડે અને હું એ મારી જિંદગીમાં કરી શકવાની નથી. રાજકારણીની દીકરી હોવાથી મેં પાવર ગેમ બહુ નજીકથી જોઇ છે. પણ હું એક્દમ સ્ટ્રેઇટ ફોરવર્ડ વ્યક્તિ છું...' પોતે શિવાજીરાવ પાટીલ સરખા તે સમયના મહારાષ્ટ્રના કદાવર નેતાની દીકરી હોવાનો એ ઉલ્લેખ હતો, જે ત્યારે મિનિસ્ટર પણ હતા. તેમને કારણે સ્મિતાને દૂરદર્શનમાં ન્યૂઝ રીડર બનવા મળ્યું હોવાની ટિપ્પણીઓ પણ શરૂઆતમાં થતી. પરંતુ, એક વાર સમાચાર વાચક તરીકે નાના પડદે આવવાનું શરૂ કર્યું અને સૌને સમજાયું કે આ તો પ્રસિદ્ધ પિતાની સિદ્ધ પુત્રી છે. સ્મિતાનાં મમ્મીએ કહ્યા મુજબ તો ‘આખિર ક્યૂં?’ના શૂટિંગ દરમિયાન રાજેશ ખન્નાએ (ડિમ્પલની હાજરીમાં) એ યાદ કરાવ્યું હતું કે પોતે તો વર્ષો પહેલાં ભવિષ્ય ભાખ્યું હતું કે આ ન્યૂઝ રીડર છોકરી ફિલ્મોમાં આવશે. મજાની વાત તો એ હતી કે ઇવન સ્મિતાએ મુંબઈમાં ટીવી પર ન્યૂઝ વાંચવાનું પણ ક્યાં પ્લાન કર્યું હતું?
સ્મિતાના પપ્પા મિનિસ્ટર બન્યા એટલે તેમણે પૂણે છોડીને સપરિવાર મુંબઈ રહેવા જવાનું થયું. પણ સ્મિતાનો અભ્યાસ વિખ્યાત ફર્ગ્યુસન કોલેજમાં ચાલતો હોઇ તેણે પૂણેમાં જ રહેવાનો આગ્રહ રાખ્યો. જો કે ખરું કારણ એ હતું કે પૂણેની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ખાસ તો ફિલ્મ ઇન્સ્ટિટ્યુટનું સ્મિતાને જાણે કે વળગણ થઈ ગયું હતું. કારણ કે એવામાં પૂણેના માઇલસ્ટોન સમા પ્રભાત સ્ટુડિયોના કેમ્પસમાં ‘ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ’નો આરંભ થતાં સ્મિતાને તેનો મોહ શરૂ થયો હતો. તે અગાઉ ‘રાષ્ટ્ર સેવા દળ’માં અભિનયની ચિનગારી પ્રગટી ચૂકી હતી. ‘રાષ્ટ્ર સેવા દળ’ એટલે હિન્દુ રાષ્ટ્રની વિરાસતનું ગૌરવ કરાવતી ‘આર એસ એસ’ની શાખાઓ સામે એસ.એમ. જોશી અને સમાજવાદીઓએ શરૂ કરેલું ‘સર્વ ધર્મ સમભાવ’ના સૂત્ર સાથેનું વૈકલ્પિક યુવા સંગઠન. સ્વાભાવિક રીતે જ ‘રાષ્ટ્ર સેવા દળ’માં સોશિયલિસ્ટ પાટીલ પરિવાર પણ સામેલ હોય જ. ત્યાં પણ સ્વયંસેવકો સમક્ષ બોલવાનું શીખવાડાતું હતું. સ્ટ્રીટ પ્લે પણ થતાં.
તેથી નાનપણથી અભિનયનો નાનો-મોટો અનુભવ તો પાટીલ સિસ્ટર્સને મળવો શરૂ થઈ ચૂક્યો હતો. છતાં કોલેજનું ભણતર ચાલુ હોઇ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં પોતાને એડમિશન લેવાનો તો સવાલ જ નહતો. પણ ઇન્સ્ટિટ્યુટમાં સાઉન્ડ રેકોર્ડિસ્ટનો કોર્સ કરતા હિતેન ઘોષ સાથે સ્મિતાની દોસ્તી થઈ. (કદાચ પોતે કરી?) ત્યાં જ પ્રથમવાર કેમેરા સામે અભિનય કરવાનો મોકો મળ્યો અરૂણ ખોપકરની ‘તીવ્ર મધ્યમ’ નામની 20 મિનિટની ફિલ્મમાં. અરૂણ ખોપકર એ દિવસોમાં ઇન્સ્ટિટ્યુટમાં દિગ્દર્શન શીખતા વિદ્યાર્થી હતા. (આ ખોપકર એટલે 440 વોલ્ટનું સ્મિત વેરતી અભિનેત્રી રેણુકા શહાણેનાં મમ્મી લેખિકા શાન્તા ગોખલેના પતિ) ખોપકરને ડિપ્લોમાના અંતે પ્રેક્ટિકલમાં એક નાની ફિલ્મ બનાવવાની હોય. તેમણે ‘તીવ્ર મધ્યમ’ માટે છોકરીની શોધ શરૂ કરી અને પહેલી નજર પડી શબાના આઝમી પર, જે ખોપકરની સાથે જ ઇન્સ્ટીટ્યુટમાં એડમિશન લેનાર બૅચમેટ હતી. ખોપકરને સ્મિતા કે અન્ય કોઇ છોકરીને ચાન્સ આપવાનો વિચાર જ ક્યાં કરવાનો હતો? પણ એ શોર્ટ ફિલ્મમાં શબાનાને લેવામાં એક ટેકનિકલ મુશ્કેલી આવતી હતી, જેણે સ્મિતા માટે તક ઊભી કરી!
(વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર