સ્મિતા પાટીલ... બહુત ખૂબસૂરત, મગર સાંવલી સી! (9)
(કિનારે કિનારે સિરીઝ)સ્મિતા પાટીલે રાજ બબ્બરથી અલગ થઈ જવાનું નક્કી કર્યું હોવાનું તેમની મિત્ર લલિતા તામ્હણે અને મહિલા દિગ્દર્શક અરૂણા રાજે બંનેએ કહેલું છે. એ બેઉ બેનપણીઓ પ્રેગનન્સીના છેલ્લા દિવસો સુધી સ્મિતાજી સાથે ચાલવા જતી હતી. સ્મિતાજીની બહુ ઇચ્છા હતી કે તેમનું સીમંત થાય. સૌ જાણે છે એમ, ભારતીય સમાજમાં પ્રથમ વખતની સગર્ભાવસ્થાને ખોળો ભરવાની રસમ સાથે ઉજવાતી હોય છે. ‘પગલીનો પાડનાર દેજો રે રન્નાદે...’ જેવાં ગીતો ગવાય અને પ્રસૂતિ સારી રીતે થાય એ માટેની એમાં શુભેચ્છાઓ અને પ્રાર્થના બંને હોય છે. સ્મિતાજીના સીમંતનો પ્રસંગ છેવટે તેમનાં પોતાનાં પિયરિયા કે સાસરિયાએ નહીં પણ અરૂણા રાજેનાં મમ્મીએ ઉજવ્યો હતો. તેથી તેમના જેવાં અંગતજનની વાતને અફવામાં કાઢવી યોગ્ય ન કહેવાય. અરૂણા રાજેએ સ્મિતા પાટીલ સાથે ‘સિતમ’ ફિલ્મ પણ કરી હતી. પરંતુ, સામે પક્ષે ‘ફિઝા’ જેવી ફિલ્મના દિગ્દર્શક ખાલિદ મોહમદનો લેખ પણ છે. (સત્ય કદાચ આ બે વૃત્તાંત વચ્ચે હોઇ શકે!)
ખાલિદ ‘ઝુબૈદા’, ‘સરદારી બેગમ’ અને ‘ફિઝા’ જેવી ફિલ્મોના રાઇટર બન્યા તે અગાઉ માતબર ફિલ્મ મેગેઝિન ‘ફિલ્મફેર’ના સફળ એડિટર પણ રહી ચૂક્યા હતા. તેમણે ‘ફિલ્મફેર’ના ડિસેમ્બર 1996ના અંકમાં સ્મિતાજી વિશે લખેલા એક શ્રદ્ધાંજલિ લેખમાં, પ્રતીકના જન્મ પછીના થોડાક જ દિવસમાં તેમણે કરેલી મુલાકાત દરમિયાન નવી માતા બનેલી હીરોઇન સાથેની વાતચીતનો ઉલ્લેખ કરેલો છે. યાદ રહે, ખાલિદ અને સ્મિતા પાટીલ એક જ સમયે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતાં હતાં અને બેઉ અલગ અલગ કેપેસિટીમાં ફિલ્મ લાઇનમાં આવ્યા પછી એક બીજા સાથે વધારે પરિચય ધરાવતાં હતાં. એક તબક્કે સ્મિતા પાટીલના જીવન પર પુસ્તક લખાવાનું હતું અને ખાલિદને પણ એક લેખ આપવા સૂચવાયું હતું. ખાલિદભાઇએ તે બુકના સંપાદકને નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો. તેથી બંને ફરી મળ્યાં ત્યારે સ્મિતાએ પોતાનું કારણ અને તારણ કહ્યું, 'હું માનું છું કે તું મારા વિશેની બુકમાં એટલા માટે નથી લખવા માગતો, કારણ કે તને લાગે છે કે શબાના આઝમી ઇઝ એ બેટર એક્ટ્રેસ.' આને શું કહેવાય? વિરોધીઓ કહેતા એવો શબાના કોમ્પ્લેક્સ કે સીધી સાદી કોમ્પિટિશન?
એ કોમ્પિટિશન વધારે હતી તેના એક કરતાં વધુ દાખલા છે. તેનો એક દાખલો બંગાળી રાઇટર સમિક બંદોપાધ્યાયની મૃણાલ સેન સાથેની વાતચીતમાં પણ દેખાયો હતો. તેમાં મૃણાલ દા કહે છે કે એક વાર પોતે શબાનાને મળવા કૈફી આઝમીને ત્યાં ગયા હતા. મુલાકાત પછી શબાનાએ આપેલું ગુલાબનું ફુલ હાથમાં લઈને હું બહાર નીકળ્યો અને ત્યાં સ્મિતા હાજર. એ પોતાનાં પેરેન્ટ્સને 'પૃથ્વી થિયેટર'માં પ્લે બતાવવા લઈ જતી હતી.’ એ કહે, ‘મેં તમને પકડી પાડ્યા છે! હવે તમારા પાપનું પ્રાયશ્ચિત એક જ રીતે થઈ શકશે... મારી ફિલ્મ ‘ઉંબરઠા’ જોઇને જવાનું.’ બીજે દિવસે બપોરે મારી ફ્લાઇટ હતી. પણ એટલા ટૂંકા સમયમાં ગમે તેમ દોડાદોડ કરીને તેણે બીજી સવારે ‘ઉંબરઠા’ની પ્રિન્ટની વ્યવસ્થા કરી. પિક્ચર લાંબું હતું. એટલે જ્યારે સાડા દસ વાગ્યા ત્યારે મેં એક જુવાનિયાને ચેક-ઇન માટે એરપોર્ટ મોકલ્યો. સ્મિતાનાં મમ્મી-પપ્પા પણ હાજર હતાં. પણ જેવી ફિલ્મ પતી કે તરત મેં તેની પીઠ થાબડી અને કાર તરફ દોટ મૂકી.'
બીજો દાખલો ખુદ શબાના કાયમ કહે છે. શબાનાનાં અમ્મીજાન શૌકતજી પણ સ્મિતાની મુખ્ય ભૂમિકાવાળી ‘બાઝાર’માં કામ કરતાં હતાં. ફિલ્મના સર્જક સાગર સરહદીએ આઉટડોર શૂટિંગ માટે વાજબી ભાવની એક સામાન્ય હોટલમાં બધાનું બુકિંગ કરાવ્યું હતું. સ્વાભાવિક જ હતું કે ઉપલબ્ધ સૌથી મોટો રૂમ હીરોઇન હોવાને નાતે સ્મિતાને મળે. પણ જ્યારે ખબર પડી કે શૌકત આઝમી સરખાં સિનિયર અભિનેત્રીને પોતાનાથી નાનો રૂમ અપાયો છે, ત્યારે સ્મિતાએ પોતાનો રૂમ તેમને આપી દીધો અને જાતે નાનકડા રૂમમાં શિફ્ટ થઈ ગયાં!
કોલેજના સહપાઠી એવા ખાલિદ જ્યારે સ્મિતાજીને તેમની ડિલીવરી પછીના દિવસોમાં મળવા ગયા ત્યારે ત્યાં હાજર અન્ય એક મિત્રએ ‘રાજ બબ્બર સાથેનું લગ્ન ટકી શકશે? એ કેવી વ્યક્તિ છે?’ એમ સ્પષ્ટ જ પૂછી લીધું. ત્યારે સ્મિતા પાટીલે આપેલો જવાબ, ખાલિદના એ આર્ટિકલ અનુસાર, આવો હતો, 'હી ઇઝ એ બેબી.... હી ઇઝ રિયલી વૅરી વૅરી કૅરિંગ.' શું ડિલીવરી પહેલાં પતિથી ડિવોર્સ લઈ સન્માનપૂર્વક માતા બનાવવાના વચનમાં નવી મુદત પડી હશે? કે પછી એટલી ખુશીના માહોલમાં પત્રકારમિત્રની હાજરીમાં પોતાનો એ સંભવિત નિર્ણય કહેવાનું મુનાસિબ નહીં માન્યું હોય, જે અંગત સહેલીઓને ગોદ-ભરાઇની વિધિના દિવસોમાં જણાવી દીધો હશે? એ ભાવિના ગર્ભમાં છૂપાઇને જ રહી ગયેલી સંભાવનાઓ છે. પરંતુ, સ્મિતાજીના ગયા પછી પ્રતીકનો ઉછેર ક્યાં થશે એ સવાલનો જવાબ શોધવાનો હતો, ત્યારની તેમજ તે પછીની ઘટનાઓ કેટલાક સંકેત જરૂર દેખાડે છે.
સ્મિતાજીની ચિરવિદાય પછી, એક અહેવાલ પ્રમાણે, રાજ બબ્બરે એ બાળકનો ઉછેર પોતાના મમ્મી-પપ્પાને ત્યાં આગ્રા નજીકના ટુંડલામાં કરાવવાની દરખાસ્ત કરી હતી. એટલે કે પોતાના પરિવાર સાથે તો નહીં જ. ત્યારે નક્કી એમ થયું કે પ્રતીક મોસાળમાં પોતાનાં નાના-નાની સાથે રહીને મોટો થશે. સ્મિતાના મિત્રોને માટે એ કોયડો જ છે કે શરૂઆતમાં દીકરાનું નામ ‘સ્મિતપ્રતીક’ હતું તેમાંથી ક્યારે અને શાથી સ્મિત નીકળી ગયું? એટલું જ નહીં, તે ‘પ્રતીક બબ્બર’ થઈ ગયું! પ્રતીકે છેવટે ‘બબ્બર’ પણ પોતાના નામ સાથેથી કાઢી નાખ્યું અને 2011મા તેણે ‘દમ મારો દમ’ ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે કામ કર્યા પછી, એક ઇન્ટરવ્યૂમાં, અભિને પોતાનો મોટોભાઇ કહ્યો હતો. તેના પ્રત્યાઘાત તરીકે આર્ય બબ્બરે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના પત્રકાર પૃથ્વીશ ગાંગુલીને જે કહ્યું હતું તે પણ પાટીલ અને બબ્બર પરિવારના સંબંધો વિશે ઘણું કહી જાય છે. આર્ય બબ્બરે તે વખતે કહ્યું હતું કે 'આશા રાખું કે તે નવા ફાધર પણ ના શોધી કાઢે.'
આર્ય બબ્બરનો ગુસ્સો દેખીતી રીતે જ એ વાતે હતો કે ખરેખર તો પોતે ‘મોટોભાઇ’ છે અને પ્રતીક અભિષેકને મોટાભા કેમ બનાવે છે? કરિયર માટે? જે તે પછીનાં વાક્યોમાં સ્પષ્ટ સંભળાય છે. 'મેં પણ અભિષેક અને ઐશ્વર્યા સાથે ‘ગુરૂ’માં કામ કર્યું હતું. પણ પબ્લિસિટી માટે એમનું નામ નથી વાપર્યું... તેને ગમે કે ના ગમે તેની નસોમાં બબ્બર લોહી વહે છે...' આર્ય જ્યારે ‘નવા પિતા’ શોધી કાઢવાનો ટોણો મારે ત્યારે સંભવતઃ આડકતરો ઇશારો સિનિયર બચ્ચન અને સ્મિતાજીના સંબંધો તરફ હોઇ શકે. એ બંને ‘નમક હલાલ’ અને ‘શક્તિ’માં તો સાથે હતા જ; ‘સિલસિલા’માં પણ એ જ જોડી થવાની હતી. ‘સિલસિલા’નું કાસ્ટિંગ યશ ચોપરાએ શરૂઆતમાં કર્યું તેમાં જયા બચ્ચન અને રેખાવાળી ભૂમિકાઓમાં સ્મિતા પાટીલ (પત્ની) તથા પરવીન બાબી (ગર્લ ફ્રેન્ડ) હતાં. બચ્ચન સાહેબના એ કહેવાતા અંગત ત્રિકોણને સિનેમાના પડદે લાવવા યશજીએ દેખીતી રીતે જ પોતાના એ હીરોને તેમની સાથે કામ કરનારા મુખ્ય સહકલાકારો વિશે તેમની ચોઇસ પૂછી જ હોયને?
તેમાં જયાજીનો રોલ સ્મિતા પાટીલ કરે એ યશ ચોપરા જેવા કોમર્શિયલ તથા ગ્લેમરસ સિનેમાના કિંગ યશજી કરે? એ દિવસોમાં જો કે એમ પણ ખબર આવ્યા હતા કે ખુદ જયા બચ્ચને સ્મિતાજીનું નામ સૂચવ્યું હતું. થોડુંક શૂટિંગ પણ કાશ્મીરમાં થયું અને અચાનક રિયલ લાઇફનાં બંને પાત્રો જયા અને રેખા પોતપોતાની ભૂમિકા કરવા તૈયાર થયાં એ સિનેમાની દુનિયામાં કાસ્ટિંગના ઇતિહાસની બહુ જાણીતી ઘટના છે. (બરાબર યાદ છે..... તે વખતે ‘સિને બ્લિટ્ઝ’ સામયિકે ખાસ નાનકડો અંક બહાર પાડ્યો હતો, જેમાં સ્ટારકાસ્ટ બદલાયાનો એ સ્કૂપ જ હતો. અત્યારે જેમ ટીવીના ‘બ્રેકિંગ ન્યૂઝ’ હોય છે એમ તે દિવસોમાં ઇન્દીરા ગાંધીની હત્યા જેવી અગત્યની ઘટના બને કે યુદ્ધ ચાલતું હોય ત્યારે, સવારનાં છાપાં સાંજે ‘વધારો’ બહાર પાડતાં અને તે ચપોચપ વેચાતાં. પણ કોઇ માસિક મેગેઝિને વધારો બહાર પાડ્યો હોય એવો એ પ્રથમ બનાવ હતો.) સ્મિતા પાટીલ અને અમિતાભ બચ્ચનના સંબંધે એક અન્ય વાતનો ઉલ્લેખ પણ જરૂરી છે, જે ખુદ બચ્ચન સાહેબે કહેલી છે.
વાત છે, ‘કુલી’ના સેટ પર થયેલા પેલા ભયંકર અકસ્માતની, જેમાં દિવસો સુધી બચ્ચનબાબુ જીવનમરણ વચ્ચે ઝઝૂમ્યા હતા. અમિતજીએ ફિલ્મ ઉદ્યોગની ખબરો આપતી લોકપ્રિય વીડિયો સેવા ‘લેહરેં’ને કહેલું છે કે સ્મિતા પાટીલ પાસે છઠ્ઠી ઇન્દ્રીયની ગૂઢ શક્તિ હતી જેનાથી તેમને આગોતરી ખબર પડતી હતી. બચ્ચન સાહેબના કહેવા અનુસાર, 'એક વાર રાત્રે એક વાગે બેંગ્લોરની વેસ્ટ એન્ડ હોટલના મારા રૂમમાં ફોન આવ્યો. ઓપરેટરે કહ્યું સ્મિતા પાટીલ વાત કરવા માગે છે. મને લાગ્યું કે કોઇ મસ્તી-મજાક કરી રહ્યું છે. પણ ફોન લીધો, ત્યારે ખરેખર સ્મિતા હતી. તેણે કહ્યું, અમિતજી આટલી રાતે તમને ડિસ્ટર્બ કરવા બદલ સોરી. પણ તમે ઓકે છોને? મેં કહ્યું કે હા. કેમ? તેણે કહ્યું હું હમણાં જ તમારા વિશેના એક બહુ ખરાબ સપનામાંથી જાગી ઊઠી છું. તમારી તબિયત બરાબર છેને?' અમિતાભ બચ્ચન કહે છે કે બીજે જ દિવસે ‘કુલી’ના સેટ પર મને પેલો ભયંકર અકસ્માત થયો હતો!
એવી ઘટનાઓ રેશનલ માઇન્ડને પચાવવી અઘરી પડે એ ખરું, પણ સ્મિતાજીના એક કરતાં વધુ મિત્રોએ એ વાતની પુષ્ટિ કરેલી છે કે પોતે 31 વરસ જ જીવશે એમ તેમણે કહ્યું હતું. સ્મિતાજીએ મોત સહિતના વિષયો પર મહેશ ભટ્ટ સાથે અગાઉ કરેલા એક લાંબા વાર્તાલાપને 1998ના જાન્યુઆરીમાં ‘જી’ (ઇંગ્લિશ) મેગેઝિને ફરીથી પબ્લિશ કર્યો હતો. તેમાં તેમણે પૂછેલો એક સવાલ તેમના મનમાં પોતાની અંગત જિંદગી વિશે ચાલતી ગડમથલનો કદાચ પુરાવો હોઇ શકે. સ્મિતા મહેશ ભટ્ટને પૂછે છે, 'તમે એવી વ્યક્તિને પ્રેમ કરી શક્યા છો, જેના તરફથી તમને વળતો પ્રેમ ના મળતો હોય?' મહેશ ભટ્ટનો જવાબ બહુ પ્રામાણિક હતો (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર