સ્મિતા પાટીલ... બહુત ખૂબસૂરત, મગર સાંવલી સી! (1)
છાલક...
અબ એક રાત અગર કમ જિયે, તો કમ હી સહી
યહી બહોત હૈ કિ હમ મશાલેં જલા કર જિયે!
પ્રિય શાયર સાહિર લુધિયાનવીનો આ બહુ ગમતો શેર હિન્દી ફિલ્મોની એક યા બીજા કારણે અકાળે અવસાન પામનાર સ્મિતા પાટીલથી માંડીને મધુબાલા, મીના કુમારી અને ઠેઠ દિવ્યા ભારતી જેવી અભિનેત્રીઓના જીવન સંદર્ભે સહજ યાદ આવી જાય. આ લેખમાળામાં, પોતાની કરિયરમાં વિજળીના ઝબકારે મોતીડાં પરોવી જનાર એ સૌને, તેમની ટેલેન્ટને અને તેમના જીવનને અંજલિ આપવાનું આયોજન છે.
આ સિરીઝ, ગુજરાતી અખબારોના લગભગ તમામ સંપાદકો જાણે છે એમ, ઘણા સમયથી ‘મધ્યાહ્ને સૂર્યાસ્ત’ એવા ટાઇટલ સાથે પ્લાન કરેલી હતી. તેને આજે ‘khabarchhe.com’ પર શરૂ કરીને ગુજરાતી જર્નાલિઝમના આકાશમાં ઝડપથી પોતાનું આગવું તેજ પ્રકાશિત કરતી આ અદ્યતન પોર્ટલને પ્રોત્સાહિત કરવાનો અને તેનાથી પણ વધુ તો વિશ્વભરના ગુજરાતી વાચકો સાથે સંપર્ક કરવા જાતે પ્રોત્સાહિત થવાનો આ નમ્ર પ્રયાસ છે.
હવેના સમયમાં ડિજિટલ મીડિયાની લોકપ્રિયતા, પ્રિન્ટ મીડિયાના અખબાર કે સામયિક જેવી જ થઇ રહી છે અને ભવિષ્યમાં તેનો પ્રસાર વધવાનો જ છે. ગુજરાતનાં લગભગ તમામ સમાચારપત્રોની પ્રિન્ટની સાથોસાથ ઑનલાઇન આવૃત્તિ પણ હવે તો ઉપલબ્ધ કરાવાય છે, એ જ આ અદ્યતન માધ્યમની આવશ્યકતા દેખાડે છે. આ સંદર્ભે અમારા વડીલ-મિત્ર કિરીટ ગણાત્રાના ‘અકિલા’ સાંધ્ય-દૈનિકનો ઉલ્લેખ પાયાના પથ્થર તરીકે ઇતિહાસકારોએ નોંધવો જ પડશે. ‘અકિલા’ના તંત્રી-માલિક કિરીટભાઇએ પોતાના છાપાના રાજકોટ-સૌરાષ્ટ્રમાં અત્યંત બહોળા સર્ક્યુલેશન છતાં તેની ઑનલાઇન એડિશન કોઇપણ ગુજરાતી દૈનિક કરતાં પહેલાં (1997મા) શરૂ કરી હતી. કિરીટભાઇનું ઑનલાઇન અખબાર અમારા જેવા પરદેશમાં વસતા સૌને માટે ઠેઠ 2008-10મા પણ રોજેરોજના અપટુડેટ સમાચાર કોમ્પ્યુટર પર આંગળીના ટકોરે દઈ જતું.... તેની પ્રિન્ટેડ કૉપી કાઠિયાવાડમાં વંચાય તેની સાથે જ!
ડિજિટલ મીડિયાના આ અલ્ટ્રા-મોર્ડન માધ્યમની સૌથી લોકપ્રિય ગુજરાતી પોર્ટલ ‘khabarchhe.com'માં કોલમ શરૂ કરતાં થતો રોમાંચ નવતર છે. તેથી હવે શ્રેણીનું નામ પણ નવેસરથી ‘કિનારે કિનારે’ રાખ્યું છે. શાથી ‘કિનારે કિનારે’? તેનો પણ ખુલાસો કરતા ચાલીએ. એક તો આ શ્રેણીમાં જેમની જીવનકથાઓ વણવાની છે, તેમાંનાં એક મીનાકુમારીની દેવઆનંદ સાથેની એક ફિલ્મનું નામ ‘કિનારે કિનારે’ છે. (એ ફિલ્મ માટે મુકેશનું ગાયેલું પેલું ગાયન “જબ ગમે ઇશ્ક સતાતા હૈ તો હંસ લેતા હું...” પડદા ઉપર ગાતા ચેતન આનંદ અને તલત મહેમૂદના મખમલી અવાજનું અમર ગીત “દેખ લી તેરી ખુદાઇ, બસ મેરા દિલ ભર ગયા...” ) બીજું કે આ સૌ કલાકારો જીવનના કિનારે કિનારે ચાલીને જતા રહ્યા. પણ સૌથી મોટું કારણ એ કે આ લેખમાળા આ ટેલેન્ટેડ પણ કમનસીબ આર્ટિસ્ટ્સની જિંદગી અને તેમના સર્જનાત્મક ફાળા (ક્રિએટિવ કોન્ટ્રિબ્યુશન)ને કિનારે કિનારે જોશે. તેને સંપૂર્ણપણે આલેખવાનો કોઇ દાવો નહીં કરવાનું પણ આ શિર્ષકમાં અભિપ્રેત છે.
********
(કિનારે કિનારે સિરીઝ)
‘આ જાઓ મૈં બના દું, પલકોં કા શામિયાના...’ એમ ‘પાકીઝા’ના ગીત ‘મૌસમ હૈ આશિકાના...’માં સાંભળ્યું, ત્યારે તે લખનાર શાયરનું નામ શોધવાની ફરજ પડી હતી. કોની કલ્પનાશક્તિમાં પ્રિયતમ માટે આંખોની પલકોનો શમિયાણો બનાવવાનો વિચાર આવ્યો હોય? પહેલી શંકા પડી મજરુહ સુલતાનપુરી ઉપર. તેમણે ‘બહારોં કે સપને’ના એક ગીત ‘આજા પિયા તોહે પ્યાર દું...’ના અંતરાની પંક્તિમાં ‘પલકોં સે, ચુન ડાલુંગી મૈં, કાંટે તેરે પાંવ કે...’ એવી નાજુક કલ્પના કરી જ હતી. સ્ત્રીની આંખોની નમણાશનો વિચાર કરીએ અને તેના વડે તીક્ષ્ણ કંટક પ્રિય પાત્રના રસ્તેથી ઉઠાવવાની કલ્પનાને જોડીએ તો તે અલ્ફાઝ ‘વાહ કવિ!’ એમ બોલાવી જ દે. એ જ મજરુહ ‘પાકીઝા’ના ગીતકાર પણ હતા જ, પણ સાથે કૈફ ભોપાલી પણ હતા. પરંતુ, એ આશિકાના મૌસમના શાયર તો નીકળ્યા ‘પાકીઝા’ના ડિરેક્ટર, ખુદ કમાલ અમરોહી!
એવા કમાલ અમરોહીએ પોતાની ફિલ્મ ‘શંકર હુસૈન’ના એક ગીતમાં લખેલા શબ્દો ‘કહીં એક માસૂમ નાજ઼ુક સી લડકી, બહોત ખૂબસૂરત મગર સાંવલી સી...’ સ્મિતા પાટીલને જોઇને જ લખ્યા હશે એવું લાગે. કારણ કે ‘શંકર હુસૈન’ ફિલ્મ રિલીઝ થઈ હતી 1977મા અને ત્યાં સુધીમાં સ્મિતાની ‘નિશાંત’ અને ‘મંથન’ આવી ચૂકી હતી. તેથી શ્યામળા રંગની અથવા તો ગુજરાતીમાં મીઠાશથી કહેવું હોય તો ‘ભીને વાન’ યુવતી પણ ખૂબસૂરત હોઇ શકે એ વાસ્તવિકતાનો સ્વીકાર સિનેમા જેવા ગ્લૅમરના માધ્યમને પણ કરી દેવો પડ્યો હતો... ઑલ ક્રેડિટ ટુ સ્મિતા પાટીલ! તેના ચહેરાનું ઘાટીલાપણું રૂપ માટે ગોરા રંગની પ્રાથમિકતાને કોરાણે મૂકાવી દે એવું આકર્ષક હતું અને આ સુની સુનાઇ બાત નથી. જાતે અનુભવ કર્યો હતો, કેતન મહેતાની ક્લાસિક ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઇ’ના શૂટિંગ વખતે. તે દિવસોમાં અડાલજની વાવ ખાતેના આઉટડોરમાં સ્મિતા પાટીલના સન્મુખ દર્શનનો લહાવો મળ્યો હતો વડીલ પત્રકાર તારકનાથ ગાંધીના સૌજન્યથી.
તારકનાથ ગાંધી એટલે એક સમયે મુંબઈના ફિલ્મ ઉદ્યોગમાં રાજેશ ખન્ના અને હેમા માલિનીથી માંડીને અનેક સ્ટાર્સના નિકટના વર્તુળોમાં બેસતા-ઉઠતા સિનિયર મીડિયાકર્મી. અંગત રીતે પણ તેમનું મહત્ત્વ ખાસું કહી શકાય. કેમ કે ‘સંદેશ’માંથી તેમના ગયા પછી જ મારી કૉલમ શરૂ થઈ હતી અને તે રીતે ગુજરાત વ્યાપી કૉલમલેખનમાં એ મારા સૌથી નિકટના પૂર્વજ કહી શકાય. તેમને ખબર હતી કે મારી કૉલમ ‘ફિલમની ચિલમ’ આણંદ જેવા નાના શહેરના નાનકડા સાપ્તાહિકમાંથી ‘સંદેશ’ દ્વારા ગુજરાત-મુંબઈ કક્ષાએ આવીને માફકસરની લોકપ્રિયતા મેળવી રહી છે. એટલે મારો સંપર્ક આણંદ ખાતે કરીને તેઓ આગ્રહપૂર્વક પોતાની સાથે ‘ભવની ભવાઇ’નું શૂટિંગ જોવા અડાલજની વાવ ખાતે લઈ ગયા હતા. તે વખતે સ્મિતા પાટીલને રૂબરૂ જોવાની તક મળી અને કમાલ અમરોહીની પંક્તિ જેવો જ પહેલો ભાવ મનમાં જાગ્યો, ‘બહુત ખૂબસૂરત મગર સાંવલી સી...’
તે દિવસોમાં સ્મિતાનું નામ વિનોદ ખન્ના સાથે ગોસીપ કૉલમોમાં ચમકવું શરૂ થયું હતું અને આ અભિનેત્રીને આમને-સામને જોતાં સમજાય કે તે સમયના એ હેન્ડસમ પંજાબી એક્ટર વિનોદ ખન્ના સાથે એ ભીનેવાન હીરોઇનનું નામ જોડવાનું મન કોઇપણ ગોસીપ કૉલમિસ્ટને શાથી થઈ શકે? એ પર્સનાલિટીમાં ગજબનું ચુંબકત્વ હતું, જે ફિલ્મના વિશાળ પડદા અગાઉ ટેલીવિઝનના નાના સ્ક્રિન પર લાખો લોકોએ અનુભવ્યું હતું. સ્મિતાનું નામ, સૌ જાણે છે એમ, દૂરદર્શન પર કેઝ્યુઅલ ન્યૂઝ રીડર તરીકે અન્ય સમાચાર-વાચકો સાથે લીસ્ટમાં હતું. પરંતુ, કેટલાય દર્શકોનો એ અનુભવ હતો કે મરાઠી સમાચારમાં ‘પંતપ્રધાન મ્હણાલે કિ...’ (પ્રધાનમંત્રીને કહા હૈ કિ...)થી શરૂ થતાં વક્તવ્યો કે એવી જ સરકારી પ્રેસનોટો સિવાય કશું સાંભળવાનું નહીં હોવા છતાં, સ્ક્રિન પર સ્મિતાને જોતાવેંત જ ઘરની બહાર જવા નીકળતા લોકોના પગ ટીવી સામે જડાઇ જતા! (એ જ કારણસર સ્મિતા પાટીલના વ્યક્તિત્વને અમુક લોકો ‘ઍરેસ્ટિંગ પર્સનાલિટી’ કહેતા હશેને?)
આમ ટીવીના પડદેથી દર્શકોને નજરકેદ (હાઉસ ઍરેસ્ટ) કરી શકે એવી પર્સનાલિટી ધરાવનાર અને હિન્દી ફિલ્મોની હીરોઇનની વ્યાખ્યાને ધરમૂળથી બદલી નાખનાર આ અભિનેત્રી 1986મા માત્ર 31 વર્ષની ઉંમરે આ દુનિયામાંથી વિદાય લઈ જાય, ત્યારે ચાહકોને કેવો આંચકો લાગ્યો હશે તેની કલ્પના આજે કેટલા કરી શકતા હશે? સ્મિતા પાટીલના આગમન અગાઉ હીરોઇન એટલે રંગે-રૂપે તે રૂપાળી ઢીંગલી જેવી તો હોવી જ જોઇએ, ભલેને તે ખેતરમાં કામ કરતી મજૂરણની ભૂમિકા કરતી હોય! તે લજામણીના છોડની માફક શરમાઇ શકતી હોય તો ઑર ભી અચ્છા. ‘વાર્તાની નાયિકા’ એ સમાજના કોઇપણ તબ્કામાંથી આવતી હોય, તે રૂપરૂપનો અંબાર તો હોવી જ ખપે. કેસ ઇન પોઇન્ટ, ‘અછૂત કન્યા’ને યાદ કરીએ તો? ફિલ્મમાં ‘અછૂત’ બનેલાં દેવિકા રાણીનું રૂપ અને તેમની નમણાશ કોઇ ઊચ્ચવર્ણની મહિલાને શરમાવે એવાં હતાં. તેમાં ક્યાંય સમાજના મહેનતકશ વર્ગની મહિલાની છાંટ ન હતી.
છતાં એ તો હજી માફ થઈ શકે. કેમ કે ‘અછૂત કન્યા’ આવી તે 1936 તો હજી સિનેમાની પા-પા પગલીનું વર્ષ હતું, જ્યારે અભિનેત્રીઓ મળતી નહોતી. પુરુષોને સ્ત્રીઓની ભૂમિકાઓ કરવી પડતી. પરંતુ, 1979મા આવેલી ‘નયા રાસ્તા’માં પણ નાયિકા સમાજના પિછડા વર્ગની હતી. (તેના ગીત ‘પોંછ કર અશ્ક અપની આંખો સે મુસ્કુરાઓ તો કોઇ બાત બને...’માંના સાહિરના આ શબ્દો યાદ છેને? ‘સર ઝૂકાને સે કુછ નહીં હોતા, સર ઉઠાઓ તો કોઇ બાત બને...’) છતાં એ ભૂમિકા માટે તે દિવસોમાં ગ્લૅમર-ગર્લ કહેવાતાં આશા પારેખને જ પસંદ કરાયાં હતાં, જેમની શારીરિક નાજુકાઇ મહેનતથી કસાયેલાં શરીરોવાળી મહિલાઓના સીધા વિરોધાભાસ જેવી હતી. હીરોઇનને ‘શ્યામ રંગી’ બતાવવાનો રડ્યો-ખડ્યો પ્રયોગ ‘મૈં ભી લડકી હૂં’માં કરાયો હતો, જ્યારે મીનાકુમારીને તેમના ફુલ ગુલાબી ચહેરા પર વાદળ છવાયું હોય એવો રંગ કરીને ભૂમિકા કરવાની હતી. તેમાં મીનાજીએ ભગવાન શ્રીકૃષ્ણને ફરિયાદનું ગીત પડદા પર ગાયું હતું.... ‘ક્રિશ્ના ઓ કાલે ક્રિશ્ના, તુને યે ક્યા કિયા, કૈસા બદલા લિયા, રંગ દેકે મુઝે અપના...’ આવી બધી પૂર્વભૂમિકાનો સંદર્ભ સ્મિતા પાટીલની વાત કરતાં અગાઉ હંમેશાં યાદ રાખવો ઘટે.
સ્મિતાજીના આગમન અગાઉ ઇવન શબાના આઝમીના કિસ્સામાં પણ મહેનતકશ મહિલાના પાત્રને યોગ્ય શરીરના કદ-કાઠી અને રંગનું સુયોગ્ય સંમિશ્રણ સિનેમાના સર્જકોને ઉપલબ્ધ ન હતું. સ્મિતા પાટીલની ફિલ્મોની યાદી જોનાર કોઇપણ ભાવકને એ સમજાય કે તેમના જેવી દુર્લભ પર્સનાલિટી માટે ભારતભરના ફિલ્મ મેકર્સ કેવા તડપતા હશે! તેમણે 1974મા ઍન્ટ્રી કરી અને 1986મા ચિરવિદાય લીધી, એટલે સિનેમાના પડદે અભિનય કરવા મળેલાં માત્ર 12 વરસના ગાળામાં હિન્દી ઉપરાંત મરાઠી, ગુજરાતી, કન્નડ, પંજાબી, બંગાળી, મલયાલમ એમ ભારતની વિવિધ પ્રાદેશિક ફિલ્મોના સમાંતર પ્રવાહના નિર્દેશકોએ સ્મિતાને લઈને પોતપોતાની કૃતિઓને સજાવી હતી. એ સૌને સ્મિતા અને શબાનાની હરીફાઇનો લાભ પણ સારો મળતો. એ બંને અભિનેત્રીઓ એવા દિગ્દર્શકોના પ્રોજેક્ટ લેવા અત્યંત આતુર રહેતી. શબાના આઝમી વિશેનું અમારું એક નિરીક્ષણ વર્ષોથી રહ્યું છે કે સ્મિતા પાટીલના અવસાન પછી સ્પર્ધાનું તત્ત્વ જતું રહેતાં શબાનાને ‘વન હોર્સ રેસ’માં કોઇને પાછળ પાડી દેવાની એવી તડપ રહી ન હતી. બાકી એક સમય હતો, જ્યારે મૃણાલ સેન જેવા સર્જકની એક ફિલ્મ માટે બંને જીતોડ પ્રયત્નમાં લાગેલાં હતાં. બેઉ તે વખતે શ્યામ બેનેગલની ‘મંડી’માં કામ કરતાં હતાં. ‘મંડી’માં દેહના વેપારમાં સંકળાયેલી મહિલાઓની વાર્તા હતી અને શબાના એ ‘હાઉસ’ની ‘મેડમ’ની ભૂમિકા કરે, જ્યારે સ્મિતા એ ‘ઘર’ની તેમની સૌથી વહાલસોયી ‘છોકરી’!
એ બંને અભિનેત્રીઓને ખબર પડી કે મૃણાલ દા નવું પિક્ચર પ્લાન કરી રહ્યા છે. તેમને જાણ થવાનું એક કારણ ‘મંડી’ની અન્ય એક મજબુત અભિનેત્રી શ્રીલા મજુમદાર હતી, જેણે પણ પોતાની ઉમેદવારી મૃણાલ સેન પાસે નોંધાવી હતી. દાદા ધર્મસંકટમાં મૂકાયા! પણ તેમણે ઉકેલ પત્રલેખનથી કાઢ્યો. મૃણાલ દાએ શબાના અને સ્મિતા બંનેને પત્ર મોકલ્યા. તેમાં તેમણે એ બેઉ ટેલેન્ટેડ એક્ટ્રેસને અલગ અલગ પત્રો પર ‘ડિયર શબાના’ અને ‘ડિયર સ્મિતા’ એમ સંબોધન કર્યું અને પછીનું લખાણ બંનેમાં એક સરખું લખ્યું, ‘ડિયર......, તું મારી આગામી ફિલ્મમાં ચોક્કસપણે છું જ. પરંતુ, શ્યામ (બેનેગલ) મોગલ બાદશાહની માફક એકત્ર કરે છે એવું મહિલાઓનું જનાનખાનું (હારેમ) લઈને હું હરી-ફરી ના શકું. તે એક જ સમયે બહુ બધી સ્ત્રીઓને (ફિલ્મમાં) લઈ શકે, પણ હું એક વખતે એકથી વધુ મહિલાને નહીં લઈ શકું. હું તારી સાથે આ ફિલ્મ કરીશ. તે પછીના પ્રોજેક્ટમાં હું અન્ય અભિનેત્રીને લઈશ. તું ગ્રેટ એક્ટ્રેસ છે, તો બીજી પણ મહાન જ છે.’ બેઉને આવો એક જ લખાણવાળો કાગળ લખ્યો અને પછી મૃણાલ સેને કારીગરી કરી. જે પત્રમાં અંદર ‘ડિયર શબાના’ લખ્યું હતું તેના કવર ઉપર સ્મિતાનું નામ લખ્યું અને ‘ડિયર સ્મિતા’ લખેલો ખત શબાના આઝમીને મળે એમ લખેલા પરબીડિયામાં બીડીને શ્યામ બેનેગલના તે સમયે કલકત્તામાં જ બની રહેલા ‘આરોહણ’ પિક્ચરના યુનિટ પર બેઉ પત્ર મોકલ્યા!
(વધુ આવતા અંકે)
વર્તારો
સ્મિતાનાં મમ્મી વિદ્યાતાઇની સગાઇ માબાપે અન્ય વ્યક્તિ સાથે કરી હતી... છેવટે પરિવારે નક્કી કરેલા મુરતિયા સાથેની સગાઇ તોડીને આ તરવરિયા જુવાન શિવાજીરાવ સાથે લગ્ન પણ કર્યાં અને તે નવપરણિત યુગલને સાને ગુરુજી સરખા સામાજિક સુધારકે આશીર્વાદ પણ આપ્યા...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર